તા. ૨૬ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 25th January 2019 07:26 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે માનસિક સ્વસ્થતા જાળવવી જરૂરી છે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. કશું અનિષ્ટ થવાની સંભાવના નથી. નાહકની ચિંતા કરશો નહિ. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય-લોન વગેરે મેળવી શકશો. કામકાજ અટકશે નહિ. ખર્ચાઓને પહોંચી વળશો. યશ- આબરૂ જળવાઈ રહેશે. અટવાયેલા લાભ મેળવી શકશો. નોકરિયાત માટે આ સમય પરિવર્તનનો છે. કેટલીક મુશ્કેલીઓને બાદ કરતાં એકંદરે પ્રગતિકારક છે. સ્થાનવૃદ્ધિ માટે પણ સૂચક છે. વેપારી વર્ગ આ સમયમાં સર્જાતી તક ઝડપી લેશે તો લાભમાં રહેશે. કાયદાના પ્રશ્નોથી સાવધાન રહેજો. સંપત્તિની સમસ્યાઓ ઉકેલાતી જોવા મળશે. સારું મકાન મેળવી શકશો. સપ્તાહમાં સુખ-સગવડનાં સાધનોની ખરીદી થાય. કૌટુંબિક ક્ષેત્રે બે-ચાર પ્રસંગોને કારણે તમારી લાગણી દુભાશે. લગ્નવિવાહની ગૂંચવણોનો ઉકેલ મળે. દામ્પત્યજીવનમાં સુખ-શાંતિ ટકાવી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ મનની મુરાદ બર ન આવતા અશાંતિ કે અજંપો વર્તાશે. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દુર ન થતાં નિરાશ જણાશો. આ સમયે આવકવૃદ્ધિનો લાભ મળતા સમય રાહતજનક પુરવાર થશે. તમારા માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી થશે. કામ પૂરતા નાણાં મળવાના યોગ છે. નોકરિયાત માટે હવે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટકેલા લાભો અને બઢતીની તકો મળશે. તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા અને વિકાસની તકો છે. નવા લાભો મળે. મકાન-જમીનની કામગીરીમાં સફળતા મળે. કુટુંબના પ્રશ્નો મુંઝવતા હશે તો મહત્ત્વનો નિર્ણય લઈ શકાશે. વિદ્યાર્થીઓ માટે આ સમય આશાવાદી અને સાનકૂળ નીવડશે. નવા પરિચયો બંધાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ ભાગ્ય સાથ આપતું જણાશે. નવીન કામોમાં પ્રગતિ થતી જણાશે. વિઘ્નો પાર કરી શકશો. ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતા જણાશે. અલબત્ત તમારા કામકાજોમાં વિલંબ જરૂર કરશે. આ સમયે એકંદરે વધુ ખર્ચાળ અને મૂંઝવણરૂપ જણાશે. ગૂંચવણો આવશે. આર્થિક જવાબદારી કે બોજો વધતો જણાશે. નોકરિયાત હો કે ધંધાદારી વ્યક્તિ, આ સમય એકંદરે સખત મહેનત માગી લેશે. પુરુષાર્થ છતાં સફળતા મેળવવામાં વિલંબ થાય. ગૂંચવાયેલા સંપત્તિના પ્રશ્નો ધીમે ધીમે હલ થાય. ખરીદ-વેચાણના કામકાજો માટે સાનુકૂળ જણાશે. નવું મકાન શોધવાના પ્રયાસો ફળતા જણાશે. ગૃહજીવનમાં સંવાદિતાનું વાતાવરણ ધીરે ધીરે સર્જી શકાય. જીવનસાથી તરફથી લાગણી અને હૂંફ મળે. ગૃહજીવન અંગેના જુદા જુદા કામો અંગે અગત્યના નિર્ણયો લઈ શકશો.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. આર્થિક મુસીબતોમાંથી માર્ગ મેળવી શકશો. આવકવૃદ્ધિની તકો ઊભી થઈ શકે છે. નાણાંના અભાવે અટવાયેલા કાર્યો માટે જરૂરી આવક ઊભી કરી શકશો. નોકરિયાતોના ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. વિઘ્નોમાંથી માર્ગ મળશે. સંઘર્ષમય પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો. વેપાર- ધંધાની પરિસ્થિતિમાં પરિવર્તન આવશે. જમીન-મકાનની બાબતો માટે સમય સાનુકૂળ નથી. માનસિક અશાંતિ જણાશે. ગૃહજીવનમાં સાનુકૂળ વાતાવરણ રહેશે. સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. જીવનસાથી સાથે પરસ્પર સંવાદિતા સાધી શકશો. પ્રવાસ-મુલાકાતોથી લાભ થાય. અંગત શત્રુના કારણે કામ અટકતું જણાય. સંતાનોના પ્રશ્નો હશે તો સુખદ રીતે ઉકેલી શકશો.

સિંહ (મ,ટ)ઃ પ્રશ્નો હશે તો સાનુકૂલ ઉકેલ મળશે. સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો. આર્થિક પરિસ્થિત સુધરશે. આવક વધતાં ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારી પાર પાડી શકાશે. જોકે વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મિત્રો-સ્વજનોની સહાયતા પ્રાપ્ત થાય. મૂંઝવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે. તેને લગતા ખર્ચ વધે અને ધાર્યા અનુસાર કામ ન થાય. સંયુક્ત મિલકતો વિશેની ચિંતાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળે. જીવનસાથીનો પ્રેમ-સહકાર મળે. ગેરસમજનો માહોલ દૂર થાય. સામાજિક - કૌટુંબિક કાર્ય પાર પાડી શકશો. તબિયતની કાળજી લેવી જરૂરી. યાત્રા-પ્રવાસ સફળ થાય. સરકારી કચેરીને લગતા કામકાજોમાં વિઘ્નો જણાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ આવેશ અને ગુસ્સામાં અંકુશમાં રાખજો. કોઇ મુદ્દો મમત કે સ્વમાનનો પ્રશ્ન બનશે તો તમારી સ્થિત તંગ જ રહેશે. ધીરજ અને ક્ષમતા કેળવવા જેવો સમય છે. અલબત્ત તમારી સક્રિયતા વધશે. તમારી નાણાંકીય જવાબદારીઓ વધશે. ખર્ચ અને હાનિના યોગ છે તો અણધારી આવકનો યોગ પણ છે. નાણાંકીય કામકાજો અંગે તમારા પ્રયાસો વિલંબથી સફળ થશે. આ સમય નોકરિયાત માટે સાનુકૂળ જણાશે. માર્ગ આડેના વિઘ્નો દૂર થશે. ખાતાકીય સમસ્યાઓ ઉકેલાશે. બદલી - પરિવર્તનની તક છે. ધંધા-વેપારના ક્ષેત્રે હવે વિકાસ સાધી શકશો. જમીન-વાહન કે સંપત્તિના લગતી તમારા કાર્યવાહીઓ કરવા માટે સમય સાનુકૂળ છે. કૌટુંબિક સંપત્તિઓ અંગે હજુ માનસિક તાણ જણાશે. આગ - અકસ્માતથી સાચવજો. નવા કામકાજોનો પ્રારંભ થઈ શકે. હિતશત્રુના કારણે તમારે થોડું સહન કરવું પડે.

તુલા (ર,ત)ઃ માનસિક રાહત અને સર્જનાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય. તમારા મહત્ત્વના કામકાજો દ્વારા વધુ સારી તક અને સફળતા મેળવી શકશો. માનસિક તાણ અને અશાંતિથી હવે રાહત મળશે. પ્રોત્સાહક પ્રસંગો સર્જાશે. આ સમયમાં નાણાંભીડ તથા ચિંતાનો અનુભવ થશે. ધાર્યું ફળ મળે નહીં. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બદલી-બઢતીનો માર્ગ રુંધાશે. વાદ-વિવાદ સર્જાય. અસંતોષ અનુભવાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ તમારા સંજોગો હજુ સુધરતા જણાતા નથી. આ સમયમાં જમીન-મકાન સંબંધિત કામકાજો ઉકેલાતા જણાશે. કૌટુંબિક ઉપાધિઓથી હવે હળવાશ મળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય સાનુકૂળ અને પ્રગતિકારક જણાશે. મહત્ત્વની કાર્યવાહીમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. મહત્ત્વની તક મળે. માનસિક ઉલ્લાસનો અનુભવ કરી શકશો. નાણાંકીય સ્થિતિ મિશ્ર જોવા મળે. આવકવૃદ્ધિનો માર્ગ ખુલશે. તમારો પુરુષાર્થ ફળદાયી બનશે. લાભદાયી નવરચના થાય તેની સામે જોકે ખર્ચ અને વ્યય વધશે. નોકરિયાતોને ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતી જણાશે. બદલી-બઢતીના પ્રશ્નો ઉકેલાતા જણાશે. વિરાધીઓ ફાવી ન શકે. ધંધાના ક્ષેત્રે હવે તમારું આયોજન સફળ થાય. તમારા માર્ગ આડેના અંતરાયોને પાર કરી શકશો. ભાગીદારોથી મતભેદ સર્જાશે. તમારા મકાન-મિલકતના પ્રશ્નોના ઉકેલમાં ગ્રહયોગો સાથ આપશે. આર્થિક જવાબદારી અદા કરી શકશો. સંપત્તિ અંગેના વિવાદો પણ ઉકેલી શકશો. કૌટુંબિક પ્રશ્નો - મતભેદોને કુનેહથી ઉકેલી શકશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આયોજનમાં આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતા ઉત્સાહ વધશે. આવેશોને કાબુમાં રાખવા જરૂરી. આ સમયમાં કોઈ પણ પ્રકારના સાહસોમાં નાણાં રોકવા હિતાવહ નથી. સારી નોકરી મેળવવાના પ્રયાસ કરતા હો તો સફળતા મળે. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. સહકર્મચારી કે ઉપરી સાથેના સંબંધો સાચવજો. જમીન યા મકાન સંબંધિત કોઈ કામ અટક્યા હશે તો તે પતાવી શકશો. કોઈની મદદ લેવી પડશે. કુટુંબના કોઈ સ્વજનની માંદગી ચિંતા કરાવશે. જીવનસાથી સાથે લાગણીઓનું ઘર્ષણ કે નાની વાતોથી ચકમક ઝરવાના પ્રસંગો નિવારજો. કુનેહ કામ લાગશે. સંતાનોની તબિયત સાચવવા ભલામણ છે. યાત્રા-પ્રવાસ ફળદાયી બનશે. મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ થાય. મહિલા માટે વધુ પરિશ્રમ માંગી લેતો સમય છે.

મકર (ખ,જ)ઃ માનસિક ઉમંગ-ઉત્સાહ જાળવવા જરૂરી. આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા તો નહીં મળે. ભલે ગમેતેવા વિપરીત સંજોગો સર્જાય ચિંતા કરશો નહીં. આવકની બાજુઓ પર સવિશેષ ધ્યાન આપજો કેમ કે આ સમય વધુ પડતો ખર્ચાળ જણાય છે. ન ધારેલા ખર્ચ પણ થશે. નોકરિયાતો માટે આ સમય કામકાજોનો બોજો વધારનારો છે. હરીફ અને કર્મચારી સાથે મતભેદ વધારનારો છે. ધાર્યું ફળ મળે નહીં. ધંધાકીય ક્ષેત્રે વધુ વિઘ્ન જણાશે. જમીન-મકાનની બાબતો અંગે પરિસ્થિતિ પ્રતિકૂળ રહેશે. આથી આ પ્રકારના કાર્યોથી નુકસાન જણાય. આ સમયમાં ગૃહજીવનમાં સાનુકૂળ માહોલ રહેશે. સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. જીવનસાથીની તબિયત જાળવશો. કૌટુંબિક કારણોથી ખર્ચ થાય. પ્રવાસ-મુલાકાતોથી લાભ થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન મનોવ્યથામાંથી ક્રમશઃ મુક્તિ મળશે. જોકે મનનું ભારણ અને ટેન્શન સંપૂર્ણ હળવું થતાં વાર લાગશે. સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. કેટલાક પ્રયત્નો સફળ થતા આશાસ્પદ વાતારવણ જોઈ શકશો. પડકારને પહોંચી વળવાની શક્તિ તમે મેળવી શકશો. આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે અટવાયેલા લાભ - ઉઘરાણી દ્વારા આવક વધે. જરૂરિયાત સંતોષાતી જણાશે. નોકરિયાત માટે આ સમય એકંદરે સાનુકૂળ અને પ્રગતિકારક જણાશે. તમારા માર્ગમાં અવરોધ સર્જાતા લોકો ફાવશે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મકાન-સંપત્તિની બાબતે આ સમય જોખમ ઉઠાવવા જેવા નથી. વિઘ્નો આવશે. તમારા મનની મુરાદ બર આવે. કૌટુંબિક બાબતો અંગે તમારે મહત્ત્વના નિર્ણયો લેવા પડે. કોઈ કારણસર ઘર્ષણ કે વિવાદના પ્રસંગો ઊભા થતાં દુઃખ થાય. પતિ-પત્નીએ સમાધાનકારી વલણ અપનાવવું હિતાવહ છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં આવેશ કે ઉશ્કેરાટ વધે તેવા પ્રસંગોથી દૂર નહીં રહો તો અનેક સાથે ઘર્ષણની ઘટના બનશે. માનસિક રીતે અસુખ તેમજ અકારણ ભારની લાગણી અનુભવવી પડશે. અગત્યના કાર્યમાં અવરોધના કારણે પણ ચિંતા જણાય. કેટલાક અગત્યના કાર્યો નાણાંકીય સગવડ વિના અટકશે. આર્થિક કટોકટીનો સામનો કરવો પડશે. જો તમે નોકરિયાત હો તો તમારું પુરુષાર્થનું ફળ જોઈ શકશો. બદલી કે પરિવર્તનની ઇચ્છા હશે તો યોગ્ય તક મળશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. મકાન બદલવાની ઇચ્છા હોય તો હજુ બર આવે નહીં. ખરીદ કે વેચાણ સંબંધિત કાર્યોમાં અવરોધ આવશે. દામ્પત્યજીવનમાં કલહ-કંકાશના બનાવો ટાળવા જરૂરી. જીવનસાથીની તબિયત સાચવવી. કૌટુંબિક ક્ષેત્રે સપ્તાહ મધ્યમ પુરવાર થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter