તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૧૫થી ૧ જાન્યુઆરી, ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 06th January 2016 04:09 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય દરમિયાન વિના કારણ બેચેની યા ઉદાસીનો અનુભવ થશે. ખોટી નિરાશાઓ મનને કોરી ખાશે. મૂંઝવણ વધુ વધતી જશે. નાણાકીય દૃષ્ટિએ આવક ગમેતેટલી વધે તો પણ તંગી વર્તાશે. કૌટુંબિક અને ગૃહોપયોગી ચીજવસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ વધશે. લાભ કરતાં વ્યયયોગ બળવાન છે તે ન ભૂલશો. નોકરીની પરિસ્થિત કે વાતાવરણ તમારી તરફેણમાં નથી. પ્રતિકૂળતા કે અડચણોમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારની બાબતો માટે પણ પરિસ્થિતિ હજી મૂંઝવણભરી જણાશે. વારસાની મકાન-સંપત્તિના પ્રશ્નો હજુ યથાવત્ રહેશે, પરંતુ સારી આશા જગાડશે. મહત્ત્વની સમસ્યાઓ હલ થાય. ગૃહજીવનનું વાતાવરણ સુખદ પ્રસંગોથી મજાનું રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન કેટલાક અવરોધોનો સામનો કરવો પડે કેમ કે ધાર્યું પરિણામ ન આવતાં નિરાશા જણાશે. માનસિક અશાંતિ અનુભવવી પડશે. એક વાત શુભ બાબત એ છે કે આ સમયમાં માર્ગમાં અવરોધો આવવા છતાં પણ આર્થિક પરિસ્થિતિ જાળવી શકશો. ખર્ચાઓની વ્યવસ્થા થતી રહે તેટલા પૂરતો આ સમય શુભ કહી શકાય. નોકરીમાં હો કે સ્વતંત્ર ધંધો કરતા હો, પરંતુ તમારી ગણતરીઓ સફળ થાય નહીં.

મિથુન (ક,છ,ઘ)ઃ સંજોગો અને આસપાસનું વાતાવરણ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. તમે ઉતાવળા નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવવા જરૂરી છે. લાંબા સમયથી અટવાયેલા લાભો મેળવી શકશો. નાણાકીય મૂંઝવણોનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે આ સમયના યોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાકીય ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહજનક જણાશે. યાત્રા-પ્રવાસ સફળ થશે.

કર્ક (ડ,હ)ઃ તમારા પ્રયત્નો ધીમે ધીમે લાભકર્તા બનતા આશા-ઉમંગ વધશે. સારી તકો આવી મળશે, તેને ઝડપી લેજો. મનનો બોજો હળવો થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. નાણાકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. આવનાર ખર્ચાઓ માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતાં જણાશે. નોકરી અંગેની સમસ્યાઓનો ઉકેલ આવશે. ઉપરી કે અન્ય મહત્ત્વની વ્યક્તિનો સાથ-સહકાર મળે. બદલી-બઢતી આડેના અંતરાય દૂર થાય. ધંધા-વેપારના મામલે વિકાસ-વૃદ્ધિનો યોગ છે. અલબત્ત, વિકાસ ધીમો જણાશે. જમીન-મકાનના ખરીદ- વેચાણની બાબતમાં અવરોધો હશે તો દૂર થશે. મકાન બદલવાની ઈચ્છા પૂર્ણ થાય. કૌટુંબિક સંપતિના પ્રશ્નો ઉકેલાતા જણાશે. જીવનસાથીનો સાથસહકાર વધશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયગાળામાં તમને કોઈ અલગ પ્રકારની બેચેની કે અજંપો અનુભવશો. કંટાળો કે થાક વધતો લાગે. લાગણીઓના ઘોડાઓને કાબુમાં રાખજો. નાણાકીય દૃષ્ટિએ જોતા અહીં આવક કરતાં જાવક ખર્ચ વધશે. પરિણામે આર્થિક સંકડામણનો સામનો કરવાના વિકલ્પ વિચારી લેવા પડશે. વિશ્વાસે ધીરેલા નાણા નજીકના ભવિષ્યમાં પરત મળવાની આશા રાખશો નહી. તમારા જમીન-મકાન કે સંપત્તિને લગતા કામકાજોમાં પણ ધારી સાનુકૂળતા જોવા મળશે નહીં. ખર્ચ અંગે ચિંતા વધશે. પ્રવાસમાં વિઘ્ન કે તકલીફોનો યોગ છે. પ્રગતિ આડેના અવરોધ દૂર થશે. જીવનસાથીનો સહકાર પ્રેમ પામશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ મનોવ્યથા કે બેચેની વધે તેવા પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. નકારાત્મક અને આવેગાત્મક વલણને વધવા દેશો તેમ તાણ વધશે. નાણાકીય જરૂરિયાતો માટે જોઈતાં નાણાં મળવામાં અવરોધ વધશે. નાણાકીય આવક કરતાં ખર્ચ અને ચૂકવણીનો બોજ વધુ રહેતા ચિંતામાં આ સમય પસાર થશે. સરકારી નોકરિયાતોને આ સમયમાં જોઈતી સફળતા મળવામાં વિઘ્ન જણાશે. ઉપરી સાથે ઘર્ષણના પ્રસંગો આવે. બઢતીમાં અવરોધ નડે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ પરિસ્થિતિ પ્રતિકૂળતાભરી રહેશે. મકાન-મિલકતના કામકાજોમાં પ્રગતિ જોવાશે. મકાનની ફેરબદલીના પ્રયત્નો ફળશે. ગૃહજીવનમાં પ્રશ્નો વધુ મૂંઝવતા જણાશે.

તુલા (ર,ત)ઃ જાહેર સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે વાતાવરણ સાનુકૂળ બનતું જોવાશે. તમારા મહત્ત્વના કામકાજોમાં વિકાસ થાય. આ સમયમાં ઉત્સાહ અને આશાપ્રેરક સંજોગો ઊભા થાય. તમારી આર્થિક તકલીફોનો સારો ઉકેલ મેળવી શકશો. વધારાની આવક પણ ઊભી કરી શકશો. નવા મૂડીરોકાણ લાભકારક બનશે. તમારી મૂંઝવણો દૂર થતી જણાય. સાનુકૂળ મદદરૂપ વ્યક્તિનો સાથ મળે. ધંધાકીય નવરચના અને વૃદ્ધિનો માર્ગ ખુલશે. મકાન-મિલકતની બાબત માટે ચિંતાનો બોજ રહેશે. કૌટુંબિક મિલકતો બાબતે સમાધાનના યોગ છે. મકાન બદલવાની ઇચ્છા આડે વિઘ્ન આવે. લગ્નવિવાહ અંગેની કોઈ ચિંતા હશે તો આ સમયમાં અંત આવે તેમ લાગતું નથી.

વૃશ્ચિક (ન,ય)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે માનસિક ચિંતા અને ટેન્શનનો અનુભવ થાય. ધાર્યું થવામાં અવરોધ આવતા સ્વસ્થતા રહેશે નહીં. અકળામણ વધે નહીં તે જોવું રહ્યું. આર્થિક કામગીરીમાં હજી વિલંબથી ફળ મળે. હાથ ભીડમાં રહેતો જણાય. નોકરિયાત વર્ગને સાનુકૂળતા અને સફળતાની તક મળશે. ઉપરી સાથે સંવાદિતા સર્જાય. શત્રુઓ પાછા પડશે. ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ નીવડતાં પ્રગતિનો માર્ગ ખુલશે. આમ વ્યવસાયિક દૃષ્ટિએ ગ્રહો સાનુકૂળ બનશે. અકારણ વિખવાદના પ્રસંગો ઊભા થાય.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કામકાજ તથા નવી જવાબદારીનો બોજ વધશે અને મન અશાંત કે ઉદ્વેગમય રહેશે. શક્ય તેટલા હળવા રહેવાના પ્રયત્નો કરવા જરૂરી છે. આર્થિક રીતે આ સમય કટોકટીનો જણાય છે. આવકની સામે ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. ચૂકવણી તથા જવાબદારી વધશે તેથી ગણતરીપૂર્વક ચાલવાની સલાહ છે. નોકરિયાત વર્ગને કોઈ પ્રશ્નો હશે તો હલ થાય, પરંતુ સંજોગો યથાવત્ રહે. વ્યાવસાયમાં નવી તકો મળે. જો સમયસર કામ હાથ ધરશો તો જરૂર યશ-માન મળશે. ગૃહજીવનનાં સંજોગો અસહ્ય બનશે. ખોટી ગેરસમજ વધી ન જાય તે જોવું રહ્યું. સંતાનોના પ્રશ્નો ઉકેલી શકશો. તેમની પ્રગતિ થતી જણાશે. યાત્રા-પ્રવાસમાં સફળતા મળે.

મકર (ખ,જ)ઃ આ સપ્તાહમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ અનુભવશો. મનની સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીઓનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આવકવૃદ્ધિ કે કોઈ જૂનો લાભ મળતાં સમય રાહત આપતો પુરવાર થશે. તમારા માથે ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની શક્યતા છે. તમારા કામ પૂરતા નાણા મળવાના યોગો છે. નોકરિયાતો માટે સમય મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશો તો મળવાની આશા છે. વિરોધીઓ ફાવશે નહિ. નવી નોકરી મેળવવાના પ્રયત્નો ફળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જોવા મળશે. મકાન-મિલકતના કામકાજોમાં સાનુકૂળતા વધે. કોર્ટ-કચેરીના પ્રશ્નો ઉકેલાશે. કૌટુંબિક સંપત્તિ વિશે મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. અટવાયેલા પ્રશ્નો હલ થશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક સ્વસ્થતા જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. ખર્ચાઓ અને અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાની જોગવાઈ થઈ શકશે. એકાદ-બે સપ્તાહમાં લાભની આશા સાકાર થશે. ચિંતાઓનો બોજો હળવો થતો જણાય. નોકરિયાતોની અંગત સમસ્યાઓ હલ થાય. નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વિકાસકારક સ્થાન મેળવી શકશો. ધંધાકીય ક્ષેત્રે કોઈ મહત્ત્વની સફળતા મેળવી શકશો. જમીન-મકાનની લે-વેચના કામકાજોમાં રુકાવટ કે અવરોધ જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ અગત્યના પ્રશ્નોના નિકાલ માટે સાનુકૂળ સંજોગો સર્જાતા તમારી સક્રિયતા અને ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચના થાય. વિકાસની તકો આવશે તેને ઝડપી લેજો. આ સમય એકંદરે નાણાકીય દૃષ્ટિએ સુધારો સૂચવે છે. અટવાયેલા નાણાં મેળવવા માટે વધુ પ્રયત્ન કરજો. આવક ઊભી થવાની સામે ચૂકવણીઓનું પ્રમાણ વધુ રહેશે. નોકિરયાતો માટે આ સમય વધુ પ્રોત્સાહક નીવડશે. તમારા કાર્ય અંગે પ્રશંસા મળે. વિરોધીઓના હાથ હેઠા પડતાં શાંતિ અનુભવશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિકાસ-વૃદ્ધિ અને લાભના યોગો જણાય છે. મિલકતના કામકાજોમાં પ્રગતિ થાય. સામાજિક જાહેર પ્રવૃત્તિઓ થાય. ધંધાકીય પ્રવાસ મહત્ત્વનો નીવડશે. કોઈ સારો ચાન્સ મેળવી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter