તા. ૨૬ નવેમ્બર ૨૦૧૬ થી ૨ ડિસેમ્બર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 16th November 2016 06:09 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ મહેનત સફળ નીવડતાં અને ઉન્નતિના સંજોગો સર્જાતાં ઉત્સાહ-ઉલ્લાસ અનુભવશો. ઉદ્વેગ યા બેચેની દૂર થતાં જણાશે. મન પરનો બોજો હળવો થાય. નાણાકીય મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવશે. જૂના લેણા યા ઉઘરાણીથી આવક થાય. સારા માર્ગે નાણાંનું રોકાણ થાય. નુકસાનથી બચી શકશો. નોકરી યા ધંધાના ક્ષેત્રો કોઈ ફેરફાર કરવાનો વિચાર હશે તો તે અંગે જોઈતી સાનુકૂળતા અંગે ઓફરો મેળવશો. પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આગળ નીકળી શકશો. જમીન-સંપત્તિના પ્રશ્નો ગૂંચવાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ અગમ્ય કારણસર બેચેની કે ઉદાસીનો અનુભવ જણાશે. ખોટી નિરાશાઓ મનનો કબજો ન લઈ લે તે જોવું રહ્યું. તમારી મૂંઝવણો વિશે જેમ વધુ વિચારશો તેમ વધતી જણાશે. નાણાકીય દૃષ્ટિએ તમારી આવક ગમે તેટલી વધે તો પણ તંગી વર્તાશે. ગૃહોપયોગી ચીજવસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ વધશે. લાભ કરતાં વ્યય યોગ બળવાન છે. નોકરીની પરિસ્થિતિ કે વાતાવરણ તમારી તરફેણમાં જણાશે નહીં. પ્રતિકૂળતા અને અડચણોમાંથી માર્ગ કાઢવો પડશે.

મિથુન (ક,છ,ઘ)ઃ ગ્રહયોગ તમારા આત્મવિશ્વાસ અને જુસ્સાને નરમ પાડે તેવા છે. આત્મશ્રદ્ધા અને દૃઢ સંકલ્પ દ્વારા જ તમે સફળ બની શકશો. પીછેહઠનો અનુભવ થાય તો પણ નિરાશ થતા નહિ. પુરુષાર્થ અંતે ફળ્યા વિના રહેવાનો નથી. નાણાકીય દૃષ્ટિએ આ સમય મિશ્ર સમય સૂચવે છે. આવકમાં વૃદ્ધિનો માર્ગ મળશે. મુશ્કેલીમાંથી તમે બહાર નીકળી શકશો. કોઈને કોઈ પ્રકારે તમે આર્થિક મૂંઝવણમાંથી રસ્તો મેળવશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો ઉકેલ મળે અને સારી રીતે હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે.

કર્ક (ડ,હ)ઃ પૂર્વનિર્ધારિત પ્રવૃત્તિઓમાં આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતા ઉત્સાહ વધે. આવેગોને કાબૂમાં રાખજો. આ સમયમાં કોઈ પણ પ્રકારના સાહસમાં નાણાં રોકવા હિતાવહ નથી. નુકસાન અને વ્યય યોગ છે. ચાલુ આવક સિવાયની આવક વધવાના યોગ છે. શેરસટ્ટા જેવી પ્રવૃત્તિઓમાં લાભ કરતા વ્યય વધુ છે. સારી નોકરી મેળવવાના પ્રયાસ કરતાં હશો તો સફળતા મળે.

સિંહ (મ,ટ)ઃ સર્જનાત્મક અને રચનાત્મક ઈચ્છાઓ સાકાર થતાં આનંદ-ખુશી જણાય. કાર્યોમાં સાનુકૂળતા મળતાં આનંદ ખુશી જણાય. મનની ઈચ્છા સાકાર થતી જણાશે. બેચેનીનો બોજો હળવો થાય. આર્થિક જવાબદારીઓ છતાં એકંદરે પરિસ્થિતિ ટકાવી શકશો. નાણાના અભાવે કશું અટકશે નહીં. એકાદ-બે લાભ આવકના પ્રસંગોના કારણે ચિંતા દુર થાય. નોકરિયાતો માટે આ સમય સફળતા પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠા પડે. સારી તકો મળતાં આનંદ વધે. વિઘ્નો આવશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય દર્શાવે છે કે કામગીરીનો બોજો અને કાર્યયોજનામાં વિલંબથી અસ્વસ્થતા વધશે. ધીરજ અને નિશ્ચયાત્મકતા જેવા ગુણ વડે તમે વિકાસ સાધી શકશો. તમારી નાણાકીય બાબત પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માગી લે તેવો સમય છે. કૌટુંબિક તેમજ આરોગ્ય સંબંધિત ખર્ચા ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પર બોજો વધે. ઉઘરાણીમાં અટવાયેલાં નાણાં મળતાં થોડીઘણી રાહત વધશે. જો નોકરિયાત હશો તો કામકાજની જવાબદારીઓનો બોજ વધશે.

તુલા (ર,ત)ઃ હાથ ધરેલી પ્રવૃત્તિઓ માટે જરૂરી સાનુકૂળતા ઊભી થઈ શકશે. સફળતા અને આશાસ્પદ સંજોગો તમારામાં ઉત્સાહ વધારશે. માનસિક તનાવ ઘટતો અનુભવશો. નાણાકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ અનુકૂળ બનશે. ખર્ચ માટે જરૂરી આવક ઊભી થાય. જૂની ઉઘરાણીના નાણાં પરત આવશે. નોકરિયાત વર્ગને આ સમય મિશ્ર ફળ આપનાર નીવડશે. લાભ યા પ્રગતિના સંકેતો મળે, પણ હાથમાં હજુ આવે નહીં. ધીરજ ધરવી પડશે. તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં.

વૃશ્ચિક (ન,ય)ઃ આનંદ, સ્વસ્થતા અને માનસિક શાંતિ આપનારો સમય. પ્રગતિકારક સંજોગો આશા પ્રેરશે. મૂંઝવણો હલ થતી જણાશે. આવકની દૃષ્ટિએ બહુ સાનુકૂળતા નહીં લાગે કેમ કે ખર્ચનું પ્રમાણ વધશે. આર્થિક આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. નુકસાનથી બચશો. નોકરિયાત માટે આ સમય પ્રગતિકારક અને અનુકૂળ નીવડશે. કાર્યસફળતા મળશે. શત્રુ પર વિજય મળે. જવાબદારીઓ પાર પડતી જણાય. વેપાર-ધંધામાં ગ્રહો મદદકર્તા થશે. સંપત્તિ સંબંધિત પ્રશ્નોમાં સફળતા મળે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયગાળામાં આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક આનંદ કે શાંતિ અનુભવશો. કાલ્પનિક કે અવાસ્તવિક ચિંતાઓથી મન પર બોજ નહીં વધારતા. નાણાકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ તંગી જણાશે. કૌટુંબિક અને ગૃહોપયોગી ચીજવસ્તુ પાછળ ખર્ચ વધશે. હરીફોથી ચિંતા રાખવાની જરૂર નથી. મકાનના પ્રશ્નો માટે હજુ સમય સાથ આપતો જણાશે નહીં. લગ્ન-વિવાહના પ્રસંગો પાર પડતા જણાય. સંતાનો અંગે હજી ચિંતા જણાશે. ખર્ચ-અવરોધ અનુભવાય. યાત્રા-પ્રવાસ સફળ અને મજાનો નીવડશે.

મકર (ખ,જ)ઃ નવસર્જનાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય. આ સમયમાં મહત્ત્વના કામકાજો દ્વારા વધુ સારી તક કે સફળતા મેળવશો. માનસિક તાણ અને અશાંતિથી હવે રાહત મળશે. પ્રોત્સાહક પ્રસંગો સર્જાશે. આ સમયમાં નાણાભીડ તથા ચિંતાનો અનુભવ થશે. ધાર્યું ફળ મળે નહિ. ઘણા પુરુષાર્થ બાદ નાણાંની જોગવાઈના કામ પાર પડશે. તમારી જરૂરિયાતો પૂરતાં નાણાં મળવામાં વિલંબ થાય. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. ગૃહજીવનમાં આનંદ અને સહકારના કારણે સંવાદિતા સર્જાશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ એકંદરે સારો સમય નીવડશે. સ્વસ્થતા અને સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાના કારણે મૂંઝવણો દૂર થવા લાગશે. આર્થિક બાબતો અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગૃત રહેવું જરૂરી છે. આવકની આશા ફળે નહિ. નોકરિયાતોને આ સમય પ્રગતિકારક અને સફળ જણાશે. અટવાયેલા લાભ મળે. સારી તકો મળશે. વેપારમાં ઉન્નતિ જણાય અને હરીફો પર વિજય મળશે. સંપત્તિના પ્રશ્નોથી માનસિક ચિંતા રહેશે. જમીન-મકાનના કામકાજો અણઉકેલ્યા રહે. કૌટુંબિક જીવનમાં આનંદ માણી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં વણઉકેલ્યા પ્રશ્નોનું નિરાકરણ મળે. વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. આ સમયમાં સારી આવકના અભાવે નાણાકીય પરિસ્થિતિ યથાવત્ રહેશે. સારી આવક થશે તે ખર્ચાઈ જશે. કેટલાક મુદ્દે મન પર રહેલો જવાબદારીનો ભાર હળવો થશે. નોકરિયાતોને હવે વાતાવરણ સાનુકૂળ બનતું જણાશે. વેપાર-ધંધામાં લાભકારક સમય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter