તા. ૨૭ એપ્રિલ થી ૩ મે ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 26th April 2019 07:12 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ અકારણ ચિંતાના કારણે ટેન્શન જણાશે. તમે વધુ સક્રિય રહીને આ તણાવથી બચી શકો છો. તમે કોઇ પણ આયોજનમાં જો ઝડપથી પરિણામની આશા રાખતા હશો તો તેમ થાય નહીં. સંજોગો સુધરતાં અને કેટલાક સારા લાભની તક મળતાં આવક વધશે. આર્થિક આયોજન કરી શકશો. યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી છે. જમીન કે મકાનના ભાડા અંગેના પ્રશ્નોમાંથી માર્ગ મળશે. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક છે. હાથ ધરેલાં કામકાજો પાર પાડી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ મૂંઝવણમાંથી મુક્તિ મળતાં અને યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતાં માનસિક બોજો હળવો થશે. બેચેની અને ઉત્પાત દૂર થાય. નાણાંકીય જરૂરિયાતો માટે જોઈતાં નાણાં મળવામાં અવરોધ વધશે. નાણાંકીય આવક કરતાં ખર્ચ-ચૂકવણીનો બોજ વધુ રહેવાથી આ સપ્તાહ ચિંતામાં પસાર થાય. સરકારી નોકરિયાતોને આ સમયમાં જોઈતી સફળતા મળવામાં વિઘ્ન જણાશે. ઉપરી સાથે ઘર્ષણ - દલીલના પ્રસંગો બની શકે છે. બઢતીમાં અવરોધ આવે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય દરમિયાન અંગત મૂંઝવણના કારણે બેચેની-વિષાદનો અનુભવ થાય. સપ્તાહમાં આવકના પ્રમાણમાં જાવક તથા ખર્ચના પ્રસંગો ઉપરાંત અણધારી ચૂકવણીના કારણે નાણાંભીડ રહે. આર્થિક બાબતે ટેન્શન રહેશે. જમીન-મકાન સંબંધિત સમસ્યાનો ઉકેલ મળે. નોકરિયાત વર્ગ માટે આ સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ધંધો-વેપારના ક્ષેત્રે લાભ દેખાય, પણ સરવાળે ઠેરના ઠેર જેવી સ્થિતિ જણાશે. ગૃહજીવનમાં એકંદરે સાનુકૂળતા રહે. કૌટુંબિક પ્રશ્નો હલ થઈ શકશે.

કર્ક (ડ,હ)ઃ સામાજિક તથા જાહેર પ્રવૃત્તિઓના કાર્યમાં યશ-માન મળતાં ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચનાઓ સાકાર થાય. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે, તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ખર્ચને માટે આવશ્યક નાણાંની વ્યવસ્થા કરી શકશો. મિત્રો યા સ્વજનો મદદરૂપ બનશે. એકાદ સારો લાભ પણ મળે. નોકિરયાતો માટે આ સમય મહત્ત્વનો નીવડે. જમીન-મકાનની લે-વેચના કામમાં વિઘ્નો જણાશે.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહ માનસિક ઉત્પાતનો અનુભવ કરાવી જાય. કોઇ પણ મુદ્દે ઉતાવળા પગલાં લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવવા જરૂરી છે. ઉઘરાણીના કામકાજ પતાવી શકશો. જોકે લાભ વધવાની સાથે વ્યય પણ વધવાનો છે. આવકનું વ્યવસ્થિત આયોજન કરશો તો વાંધો નહીં આવે. નોકરિયાત માટે ગ્રહયોગો શુભ છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીઓના વિઘ્નને પાર કરી શકશો. વેપાર-ધંધા ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક ટેન્શન અને અજંપો વધશે. મહત્ત્વના કામકાજોમાં વિલંબ થતાં ચિંતાનો બોજ વધશે. તમારું નાણાંકીય આયોજન વ્યવસ્થિત કરશો તો વાંધો નહીં આવે. આવકવૃદ્ધિ થાય, પણ બચતના યોગ નથી. અગત્યના નાણાંકીય કામકાજ પતાવી શકશો. ખર્ચને પહોંચી વળવાના ઉપાયો સફળ થાય. નોકરિયાતને હાથ આવેલો લાભ અહીં અટવાતો જણાશે. ઉપરી સાથે વિવાદો થાય. ધંધાકીય પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં અકારણ ઉદ્વેગ માનસિક તંગદિલીનો અનુભવ કરાવે. નિરાશા જન્મશે. નાણાંકીય લેવડદેવડમાં હજુ સંપૂર્ણ સાનુકૂળ સમય નથી. ધારી આવક કે લાભ પૂરો ન મળે. તમારું આયોજન વ્યવસ્થિત કરવું જરૂરી છે. નવા વધારાના ખર્ચાઓ ઊભા થશે. તેથી આવક ખર્ચાય જાય. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક બનશે. વિરોધીઓની ચાલ નિષ્ફળ જશે.

વૃશ્ચિક (ન,ય)ઃ મનને મૂંઝવતા અગત્યના પ્રશ્નોમાં સફળતા મળતા ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવશે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક અને એકંદરે સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મોકળો થશે. તમારા વણઉકલ્યા નોકરી સંબંધિત પ્રશ્નોનો નિવેડો આવશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુધારો થશે. રાહતની લાગણી અનુભવશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયગાળામાં ખોટી ચિંતાનો બોજો વધે નહીં તે જોવું રહ્યું. અવિશ્વાસ, ભય અને આશંકાઓ છોડશો તો જ સાચો આનંદ માણી શકશો. નાણાંકીય તકલીફમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વાપરવાની ફરજ પડશે. લાભની આશા ફળે નહીં. નોકરિયાતો માટે આ સમય સાનુકૂળ છે. આવશ્યક તકો મળતી જણાશે. અવરોધને પાર કરી શકશો. બઢતી અને બદલીના પ્રશ્નો હલ થાય.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં સાનુકૂળતા સર્જાતા તમારો પુરુષાર્થ ફળશે. માનસિક ઉત્સાહમાં વધારો થશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા વર્તાશે. અટવાયેલી ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. બઢતી-બદલીના કામકાજો અટવાયા હશે તો પાર પડશે. વેપારીઓને પણ પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનની મૂંઝવણ દૂર થતી જણાય. ખાસ કોઈ સમસ્યાના યોગ નથી. છતાં અકારણ અશાંતિના એકાદ-બે પ્રસંગ જણાય. નાણાંકીય દૃષ્ટિએ ધાર્યા લાભ મેળવવામાં વિલંબ થશે. સરળતાની આશા રાખી શકશો નહીં. મકાન-જમીનના કામ અંગે સાનુકૂળતા રહે. સફળતા મળશે. નોકરી-ધંધાની અગત્યની કામગીરી સફળ થાય. તબિયત કાળજી માગી લેશે. યાત્રા-પ્રવાસ સફળ થાય. દામ્પત્યજીવનમાં મધુરતાનું વાતાવરણ સર્જી શકશો. જીવનસાથીનો સાથ-સહકાર મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક તણાવ અનુભવશો. કાર્યબોજ અને નિર્ધારિત યોજનામાં પ્રગતિના અભાવે અસ્વસ્થતા જણાય. ધીરજથી કામ લેવું જરૂરી છે. આ સમય નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માગી લે તેવો છે. કૌટુંબિક તેમજ આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે આર્થિક ભારણ વધે તેવા યોગ છે. આર્થિક મોરચે સ્થિતિ સંતોષકારક બનવામાં વિલંબ જણાશે. ઉઘરાણી કે અન્ય પ્રકારે અટવાયેલા નાણાં મળતા ઘણી રાહત વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter