તા. ૨૭ નવેમ્બર ૨૦૨૧થી તા ૩ ડિસેમ્બર ૨૦૨૧

સાપ્તાહિક રાશિભવિષ્ય

ગાયત્રી ભરત વ્યાસ Friday 26th November 2021 05:52 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથ

• મેષ (અ,લ,ઈ)ઃ અઠવાડિયા દરમિયાન આપના વ્યવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે તાલમેલ બનાવી રાખવા થોડા વધુ પ્રયાસ કરવા પડશે. નાણાંકીય સંતુલન યથાવત્ રહેશે. નોકરિયાત વર્ગને હજી વધુ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડશે. નવી જોબ સ્વીકારતા પહેલાં દરેક પાસાંઓને ચકાસીને આગળ વધવું સલાહભર્યું રહેશે. ઉદ્યોગ-વ્યવસાયમાં નવા સંબંધો થકી લાભદાયી તકો પ્રાપ્ત થાય. કેટલાક અણધાર્યા ખર્ચાઓ આવી પડશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ જો આપને કારકિર્દીને અનુલક્ષીને કોઇ નિર્ણય લેવાનો હોય તો આ સમય મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વ્યવસાય-ધંધાના ક્ષેત્રમાં વાણી-વર્તન ઉપર થોડુંક ધ્યાન રાખવાનું સલાહભર્યું રહેશે. નોકરિયાત વર્ગને ઘણી સારી તકો હાથ લાગી શકે છે, જે આપના કાર્યસ્થળ પર આપની શ્રેષ્ઠતા પુરવાર કરવામાં કામ લાગશે. આર્થિક બોજો થોડોક હળવો થતો જોવા મળશે. જીવનસાથી સાથે થોડાં મતભેદના પ્રસંગો બનશે. પ્રવાસ માટે આ સપ્તાહ સારું અનુકૂળ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ કોઈ પણ કામમાં ઉતાવળા થશો નહીં. ઉતાવળમાં તમારું કામ ખરાબ થઈ શકે છે. મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં ઘરના વડીલ અથવા યોગ્ય સલાહકાર સાથે વાતચીત કરીને આગળ વધશો તો સફળતા મેળવી શકશો. હજી થોડીક બેચેનીવાળી પરિસ્થિતિ રહેશે. નોકરી-વ્યવસાયમાં પણ થોડીક વધુ કાર્યકુશળતા થકી કામગીરી આગળ વધારવી પડશે. નાણાંકીય રીતે જરૂરિયાત મુજબની જોગવાઈ પ્રાપ્ત કરી શકશો. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ બની રહેશે.
• કર્ક (ડ,હ)ઃ તમારી રચનાત્મક પ્રવૃત્તિઓ અને યોજનાઓનું અમીલકરણ કરવા માટે થોડી ઊર્જાશક્તિ કામે લગાવી પડશે. પડકારોનો સામનો કરવા તૈયાર રહેશો. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહેશે. આવકના પ્રમાણમાં જાવક વધુ રહેશે જેથી ખર્ચાઓ ઉપર થોડોક કંટ્રોલ રાખવો હિતાવહ જણાય. નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરતાં પહેલાં દરેક પાસાં ચકાસીને આગળ વધશો. ભારે વાહનથી કાળજી રાખશો. પ્રાસંગિક-માંગલિક કાર્યોમાં આપની દોડધામ વધી શકે છે.
• સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગોની દૃષ્ટિએ આ અઠવાડિયું થોડુંક વધારે પડકારભર્યું રહેશે. માનસિક રીતે બેચેની અને ચિંતાનું ભારણ રહેશે. વધુ પડતાં કામનો બોજો પણ આપના શારીરિક થાકનું કારણ બને. જોકે, બીજી બાજુ આપના કાર્યની પ્રશંસા પણ થાય, જેના કારણે થોડીક રાહત અનુભવાય. આર્થિક સ્થિતિમાં હજી કોઈ ફેરફાર જોવા મળશે નહીં. વ્યવસાયના ક્ષેત્રમાં જો ભાગીદારીથી આગળ વધવા માંગતા હો તો ધ્યાન રાખીને વધજો. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય તમારા સપનાં સાકાર કરવા માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. અલબત્ત, ધીરજથી કામ લેશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરી શકશો. આવકની દ્રષ્ટિએ પણ આપની યોજનાઓ સાકાર થતી જોવા મળે. નોકરી-વ્યવસાયમાં આપના કાર્યની પ્રશંસા થાય. નજીકના વ્યક્તિ સાથેનો મતભેદ દૂર થતો જોવા મળે. પ્રોપર્ટીના કામકાજમાં ફાયદો થાય. પ્રવાસ-પર્યટનની ઈચ્છાઓ સાકાર થાય.
• તુલા (ર,ત)ઃ આ સમય તમારી મહેનતનું સકારાત્મક પરિણામ લાવી શકે છે. થોડીઘણી જટિલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. ઉદ્યોગ જગતમાં આ સપ્તાહ દરમિયાન ઘણાં બધાં નવા કાર્યો પર હાથ અજમાવી શકાય. નવી પ્રવૃત્તિને આગળ વધારી શકાશે. નોકરિયાત વર્ગને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. કામનું ભારણ વધી શકે છે. જીવનસાથી સાથે સંબંધોમાં સુધારો જોવા મળે. સ્વાસ્થ્યની બાબતમાં હવે તમારી ઉંઘ ઊડાડીને નિયમિત કસરત પર ધ્યાન આપવાની જરૂર છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક રીતે આ સમય થોડોક સુખ અને સ્વસ્થતાનો અનુભવ કરાવશે. ચિંતાઓ દૂર થાય. સાનુકૂળ સંજોગો તમારા કાર્યક્ષેત્રમાં ઊભા થતાં તમારી સક્રિયતા અને ઉત્સાહમાં વધારો થાય. આવકમાં વધારો થાય તેવી તકો હાથ લાગશે. નોકરિયાત વર્ગને હવે ધીમે-ધીમે હવે મહત્ત્વના દરવાજા ખુલતાં જોવા મળે. વ્યવસાય-ધંધામાં ઉઘરાણીની આવકમાં ફાયદો થાય. અટવાયેલા કાર્યોને હવે નવેસરથી શરૂ કરી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ): આ સમય દરમિયાન થોડીક બેચેની અને વ્યથામાં વધારો જોવા મળે. જોકે, સામે એના ઉપાય શોધવા માટે આપની સક્રિયતા અને પરિસ્થિતિની સાનુકૂળતાના સુમેળને કારણે થોડી રાહત અનુભવાય. આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટેના રસ્તાઓ ખુલતાં જોવા મળે. નોકરી-વ્યવસાયમાં નવી તકો હાથ લાગશે, જેના કારણે થોડી વધુ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં થોડીઘણી કાળજી રાખવી હિતાવહ રહેશે
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન ગુસ્સા અને આવેશ પર થોડો કંટ્રોલ રાખશો તો પરિસ્થિતિ આપોઆપ સુધરતી જોવા મળશે. આપના વાણી-વર્તનને મર્યાદિત રાખવાની અહીં જરૂર જણાય. સામાજિક કામગીરીનું ભારણ વધતું જોવા મળશે. નાણાકીય સમસ્યાઓમાં થોડીઘણી રાહત થાય. નોકરિયાત વર્ગને જગ્યાની ફેરબદલી અથવા તો નોકરીની ઈચ્છાઓ ફળીભૂત થતી જોવા મળે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય માટેની તૈયારીમાં આપનો આ સમય પસાર થઈ શકે છે. નવી રચનાત્મક પ્રૃવત્તિઓ થકી તેમજ મહત્ત્વપૂર્ણ યોજનાઓ માટે આપના નિર્ણયની ખાસ નોંધ લેવાય. આ અઠવાડિયું નાણાંકીય રીતે થોડું આપને સમજીવિચારીને આગળ વધવાનું સૂચન કરે છે. વ્યવસાયિક કામગીરીમાં આપના ઉપાયો કામ લાગશે. આ સપ્તાહે નોકરિયાત વર્ગને અણધાર્યા પડકારોનો સામનો કરવો પડી શકે છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આપના ભાગ્યબળના આધારે આ સમય મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કામકાજને કારણે નાની મુસાફરી થાય. દોડધામ વધશે. આપના ભાઈ-બહેન સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. કાર્યક્ષેત્રમાં કે નોકરી કરતાં લોકો માટે બઢતી મળવાના ચાન્સ રહેશે. વ્યાવસાયિક વ્યક્તિઓને કામકાજ વધે, આવકમાં પણ વધારો જોવા મળશે. પારિવારિક પ્રસંગોને કારણે ઘરમાં આનંદ-ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter