તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧થી ૫ માર્ચ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 26th February 2021 06:55 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં મનોસ્થિતિને ડામાડોળ થતી અટકાવવા માટે તમારે ખૂબ જ ધીરજથી કાર્યો કરવા પડશે. કાર્યની સફળતા તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવશે. વ્યાવસાયિક કામગીરીમા ભાગીદારીથી લાભ થાય. નોકરીના ક્ષેત્રમાં કાર્યભાર વધે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ સારો રહેશે. સફળતા પ્રાપ્ત કરાવશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને લઈને થોડીક ચિંતા રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આપના પ્રયત્નો ધીમે ધીમે સફળ થાય, જે આપનો આનંદ-ઉત્સાહ વધારશે. નવીન તકો ઉપલબ્ધ થતાં બમણી તાકાતથી કાર્યને આગળ વધારી શકશો. અહીં નાણાંકીય પરિસ્થિતિમાં સમતોલન આવતું જોવા મળશે. સરકારી ઉઘરાણી કે લેણી રકમ પરત મળશે. શેર-સટ્ટાથી લાભનો યોગ છે. વ્યવસાય - નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપની તરફેણમાં ચુકાદો આવશે.
મિથુન (ક,છ,ઘ)ઃ મનોસ્થિતિ થોડીક તંગ અને અશાંત રહેતા કોઈ કાર્યમાં અડચણ આવી શકે છે. જેથી ખૂબ ધ્યાન રાખી મહત્ત્વના નિર્ણયો લેવાનું સૂચન છે. આર્થિક રીતે આ સમય મધ્યમ રહેશે. નોકરિયાતને હજી થોડા વિઘ્નોમાંથી પસાર થવું પડે. સંતાનના અભ્યાસ બાબતે દોડધામ કે પ્રવાસ થશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં થોડી રાહતની સ્થિતિ રહેશે. કુટુંબમાં માંગલિક પ્રસંગો યોજાય.
કર્ક (ડ,હ)ઃ માનસિક તંગદિલી અને અકારણ ચિંતાઓને કારણે સ્વાસ્થ્ય ઉપર અસર થાય. અકળામણ અનુભવાય. નોકરી-વ્યવસાયના કાર્યોમાં થોડી વ્યસ્તતા વધશે. કામનું ભારણ પણ રહેશે. આર્થિક રીતે સમય સાનુકૂળ રહેશે. આપના અટવાયેલાં નાણાં પરત મળશે. વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવાનું સૂચન છે. આમ કરશો તોજ ધાર્યા પરિણામ મેળવી શકાય. સંપતિની બાબતોમાં આપને પરિણામ પ્રાપ્ત થાય. તીર્થયાત્રાનું આયોજન શક્ય બને.
સિંહ (મ,ટ)ઃ આપનો આ સમય પ્રગતિમય રહેશે. અધૂરા કાર્યો પૂરા કરીને સફળતા મેળવી શકશો. નવીન - અગત્યની કાર્યવાહીમાં પણ આપના નિર્ણયની પ્રસંશા થાય. વ્યવસાયિક ઔદ્યોગિક કાર્યોમાં મોટા રોકાણ કરી શકાય, જેના દ્વારા ભવિષ્યમાં ફાયદો રહેશે. આર્થિક સદ્ધરતામાં વધારો થાય. વ્યાપારમાં નવી પ્રોપર્ટીની ખરીદી શક્ય બનશે. વિવાહ ઈચ્છુકના સપનાઓ સાકાર થતા જોવા મળે. કામકાજ અર્થે વારંવાર પ્રવાસ શક્ય બને.
કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન અતિશય કામનું ભારણ તથા કૌટુંબિક જવાબદારીના કારણે થોડીક અસ્વસ્થતા જોવા મળે. જો આપ સૂઝબૂઝ દ્વારા બંને જગ્યા પર બેલેન્સ જાળવી શકશો તો સારા પરિણામ અચૂક પ્રાપ્ત થાય. નાણાભીડમાંથી બહાર આવી શકશો. નોકરીના ક્ષેત્રમાં બઢતીનો સમય છે. સ્થાનફેર થવાની શક્યતાઓ છે. સંતાનોની લગ્નવિષયક બાબતોમાં સફળતા મેળવી શકાય.
તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન અંગત આરોગ્યને કારણે ઘણા કામકાજો હાથ ધરી શકાય નહીં. જોકે કોઈ મોટી સમસ્યાઓ રહેશે નહીં. આવકની દૃષ્ટિએ થોડીક વધુ કાળજી રાખવાનું અહીં સૂચન રહેશે. વ્યવસાય સંબંધિત કાર્યોમાં પણ હજી થોડો વિલંબ જણાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપનો વિજય થાય. સંપત્તિની બાબતોમાં પણ પ્રશ્નો હલ થતાં જોવા મળે. વિદ્યાર્થીઓ માટે થોડોક કપરો સમય રહેશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આપનો આ સમય ઇચ્છિત પરિણામોને પ્રાપ્ત કરી સફળતા અને પ્રગતિમાં વધારો કરાવે. ભાગીદારોના કાર્યોથી લેણું સારું રહેશે. નોકરીના ક્ષેત્રમાં આપના કાર્ય થકી સારી એવી સફળતા મેળવી શકાશે. ઉદ્યોગજગતમાં મોટાં રોકાણો શક્ય બને. પરિવારના મિત્રો-સ્નેહી થકી પણ લાભ પ્રાપ્ત કરી શકશો. વિદેશ પ્રવાસ શક્ય બને. નવી સંપત્તિની ખરીદી માટે સમય સારો છે. ભાગ્યના દ્વાર ખૂલતાં જોવાં મળે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય દરમિયાન આપની કારકિર્દીને અનુલક્ષીને ઘણાં સારાં નિર્ણયો લઈ શકશો. કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત આપનો ભાગ્યોદય કરાવે. આધ્યાત્મિક ગુરુ અથવા તો કોઈક વડીલના માર્ગદર્શન હેઠળ આપનો વિકાસ થાય. આર્થિક દૃષ્ટિએ આ સમય આપના માટે મધ્યમ રહેશે. ખર્ચાઓ પર થોડો કાબૂ રાખશો તો ફાવશો. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં નવીન તકો ઉપલબ્ધ થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી થોડી રાહ જોવી પડશે.
મકર (ખ,જ)ઃ તમારું અવિચારી વર્તન સમસ્યાઓનું સર્જન કરી શકે છે, જેથી કરીને થોડાક સમજી વિચારીને આગળ વધશો તો નુકસાનીમાંથી બચી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં મહત્ત્વના નિર્ણયો તેમજ નવીન ટેકનોલોજીનો ઉપયોગ લાંબા ગાળે ફાયદો કરાવશે. આર્થિક રીતે થોડીક રાહત વર્તાશે. મકાન-જમીનની ખરીદી કે જેની તમે લાંબા સમયથી રાહ જોતા હતાં તે હવે શક્ય બને. વિદ્યાર્થીઓ માટે સારાં પરિણામ આવી શકે છે. પ્રવાસ-પર્યટન શક્ય બને.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમયમાં ઉતાવળા નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચારજો, નહીં તો મોટી નુકસાનીના ભોગ બનવું પડશે. આર્થિક નુકસાની વેઠવી પડે. વ્યાવસાયિક કામગીરીમાં વિલંબ જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં થોડીક રાહત રહેશે. આપના કાર્યોની પ્રશંસા થાય. કોઈ અણધાર્યા સમાચાર કુટુંબમાં ખુશીની લહેર લાવશે. સંતાનોના અભ્યાસ વિષયક બાબતે થોડી રાહત વર્તાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત કરી શકશો.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે ઉત્તમ સાબિત થઈ શકશે. મહત્ત્વની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો, જેના દ્વારા સમાજમાં આપન માનપાન વધશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં સારી એવી તકો પ્રાપ્ત કરી શકશો. નવીન રોકાણો થકી સફળતા રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસના ક્ષેત્રે ખુશીના સમાચાર પ્રાપ્ત થાય. પ્રવાસ- પર્યટનથી લાભ મેળવી શકાશે. અહીં આરોગ્ય બાબતે થોડી વધુ કાળજી માંગી જરરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter