તા. ૩ ફેબ્રુઆરી થી ૯ ફેબ્રુઆરી ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Thursday 08th February 2018 05:21 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જળવાશે. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધુ આનંદ માણી શકશો. નાણાંકીય પરિસ્થિતિ વધુ બગડે નહીં તે જોવું રહ્યું. ખર્ચાઓ પર અંકુશ રાખજો. આવક વધવાના પ્રયત્નો સફળ થશે નહીં. સહાયરૂપી આવક થાય. નોકરિયાત તેની સારી કામગીરી માટે યશ-માન મેળવી શકશે. કામકાજનો બોજો જવાબદારી વધારશે. ઉપરી સાથે મતભેદ નિવારવા જરૂરી. વિઘ્નસંતોષીઓથી સાવધ રહેજો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આવકવૃદ્ધિ થવાથી કે કોઈ જૂનો લાભ મળતા સમય રાહત આપતો પુરવાર થશે. તમારા માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા છે. તમારા કામ પૂરતાં નાણાં મળવાનો યોગ છે. જોકે શેર-સટ્ટાથી લાભ મળવાના યોગ નથી. નોકરિયાતને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બને. ઉન્નતિકારક તક મળે. કાર્યભાર વધતાં માનસિક ભારણ વધશે. આવેશની લાગણી પર કાબૂ રાખજો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહના ગ્રહયોગો દર્શાવે છે કે યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા વધશે. આ સમય તમારી નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો છે. આ સમયમાં કૌટુંબિક તેમજ આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણને કારણે બોજો વધે તેવો યોગ સૂચવે છે. નોકરિયાતને કામકાજની જવાબદારીનો બોજ વધશે. વિરોધીઓથી સાવચેત રહેવું જરૂરી છે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિલંબથી કાર્ય થવાના યોગ છે. આરોગ્યની પૂરતી કાળજી લેવા સલાહ છે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતા વિકાસ સૂચવે છે. માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતા જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સપ્તાહમાં આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતોને આ સમય વિઘ્નરૂપ જણાય. તમારા કામકાજો હજુ સ્થગિત રહેતાં લાગે. અગત્યનાં નિર્ણય માટે રાહ જોવી પડે. ધંધાદારી વર્ગને સામા પવને ચાલતાં હોય તેમ જણાય. મકાન-સંપત્તિ તેમજ મિલકતો અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે.

સિંહ (મ,ટ)ઃ સર્જનાત્મક અને રચનાત્મક કાર્યની ઈચ્છા સાકાર થતાં આનંદ અને ખુશી જણાય. કાર્યોમાં સફળતાથી ઉત્સાહ અનુભવશો. મનની ઈચ્છા બર આવતી જણાશે. બેચેનીનો બોજો હળવો થાય. આર્થિક જવાબદારીઓ છતાં એકંદરે પરિસ્થિતિ ટકાવી શકશો અને નાણાંના અભાવે કશું અટકશે નહીં. એકાદ-બે લાભ અને આવકના પ્રસંગોના કારણે ચિંતા દૂર થાય. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠા પડે. સારી તકો મળતાં આનંદ વધે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં તમારી મનોસ્થિતિ કાર્યબોજના કારણે તણાવ અનુભવશે. યોજનામાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતાં અસ્વસ્થતા વર્તાય. ધીરજ અને દૃઢતા જેવા ગુણ વડે તમે વિકાસ સાધી શકશો. નાણાંકીય બાબત પ્રત્યે વધુ લક્ષ યા તકેદારી માંગી લે તેવો સમય છે. કૌટુંબિક તેમજ આરોગ્ય માટેના ખર્ચા ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પર બોજો વધે. ઉઘરાણીમાં અટવાયેલા નાણાં પરત મળતાં થોડીઘણી રાહત વધશે. આપ જો નોકરિયાત હશો તો કામકાજની જવાબદારીઓનો બોજ વધશે.

તુલા (ર,ત)ઃ હાથ ધરેલી પ્રવૃત્તિઓ માટે જરૂરી સાનુકૂળતા ઊભી થઈ શકશે. સફળતા અને આશાસ્પદ સંજોગો તમારામાં ઉત્સાહમાં વધારો કરશે. માનસિક તંગદિલી ઘટતી અનુભવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ અનુકૂળ બનશે. તમારા ખર્ચ માટે જરૂરી આવક ઊભી થાય. જૂની ઉઘરાણીના નાણાંકીય પણ પરત મળશે. નોકરિયાત વર્ગને આ સમય મિશ્ર ફળ આપનાર નીવડશે. લાભ કે પ્રગતિના સંકેતો મળે, પણ હાથમાં કંઇ આવે નહીં. ધીરજ ધરવી પડે. તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં આનંદ, સ્વસ્થતા અને શાંતિ જણાશે. પ્રગતિકારક સંજોગો આશા પ્રેરશે. મૂંઝવણો હલ થતી જણાય. આવકની દૃષ્ટિએ સમય બહુ સાનુકૂળ ન લાગે કેમ કે ખર્ચનું પ્રમાણ વધશે. આથી આર્થિક આયોજન પાછળ ધ્યાન કેન્દ્રીત કરવું પડે. નુકસાનથી બચશો. નોકરિયાત માટે આ સમય પ્રગતિકારક અને અનુકૂળ નીવડશે. કાર્ય સફળતા મળશે. શત્રુથી વિજય થાય. જવાબદારીઓ પાર પડતી જણાય. વેપારીઓ-ધંધાદારીઓ માટે ગ્રહો મદદરૂપ થશે. સારા મકાનમાં રહેવા જવાની કે સંપત્તિના પ્રશ્નોમાં સફળતા મળે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ અગત્યના કાર્યનો ભાર માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને આવક પર કાબૂ રાખવો જરૂરી છે. ઉતાવળા નિર્ણય ન લેવા હિતાવહ છે. નાણાંકીય સમસ્યાઓના કારણે પરિસ્થિતિ ઠેરના ઠેર જેવી બનશે. વધારાની આવક કે ખર્ચની જોગવાઈઓ ચૂકવણીના સપાટામાં ચાલી જાય. ખર્ચ ઘટાડશો તો જ પરિસ્થિતિ સાચવી શકશો. નોકરીના ક્ષેત્રે કોઈ પ્રતિકૂળ સ્થિતિ સર્જાઇ હશે તો તેમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના પ્રશ્નોમાં સાનુકૂળતા વર્તાય.

મકર (ખ,જ)ઃ તમારી પ્રવૃત્તિઓમાં આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતા ઉત્સાહ વધશે. આવેગોને કાબૂમાં રાખજો. આ સમયમાં કોઈ પણ પ્રકારના સાહસમાં નાણાં રોકવાનું હિતાવહ નથી. નુકસાન અને વ્યયના યોગ છે. વર્તમાન આવક સિવાયની આવક મળવાના યોગ નથી. શેર-સટ્ટા જેવી પ્રવૃત્તિઓમાં લાભ કરતાં વ્યય વધુ છે. સારી નોકરી મેળવવાના પ્રયાસ કરતા હશો તો સફળતા મળે. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. જમીન કે મકાનના કોઈ કામ અટકશે.

કુંભ (ગ,સ,ષ,શ)ઃ કોઇ કારણ વગર પરિસ્થિતિ કે સંજોગોથી માનસિક ઉત્પાત વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો મન બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નોકરિયાતોને બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ જશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. હાલ તો વધુ મહેનતે અલ્પ ફળ જણાય. મકાન-મિલકતના કામકાજ માટે સમય પ્રતિકૂળ જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં સ્વસ્થતા જાળવવાની જરૂર છે. કાલ્પનિક મુદ્દે ચિંતાઓ છોડજો. આર્થિક સમસ્યાઓનો ઉકેલ સાંપડશે. લેણાં-ઉઘરાણીના કામકાજમાં સફળતા મળે. તમારો આર્થિક બોજો હળવો થાય. વધારાની આવકનો માર્ગ ઊભો થાય. મકાન-વાહન અંગે સમય પ્રતિકૂળતા સૂચવે છે. નાની નાની બાબતે હેરાનગતિ જોવા મળે, જેથી ટેન્શન વધે. નોકરિયાતોને એકંદરે સાનુકૂળતા વધે. મહત્ત્વના પ્રશ્નો, કાર્યો ઉકેલાય. ધંધાકીય ક્ષેત્રે ધીમી પ્રગતિ થતી જોવાય અને સફળતાની તકો વધે. ગૃહજીવનમાં વૈચારિક ઘર્ષણના પ્રસંગો બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter