તા. ૩૦ નવેમ્બર થી ૬ ડિસેમ્બર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 29th November 2019 04:09 EST
 
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં ગ્રહયોગો જોતાં મનોસ્થિતિ અસ્વસ્થ રહેશે. વિપરીત પ્રસંગ વખતે સહનશક્તિ ગુમાવશો તો વધુ શોષાવું પડશે. ધીરજ ડહાપણથી કામ લેશો. અગત્યના નાણાકીય પ્રશ્નો હલ થતાં સફળતા મળે. ઉઘરાણી-દેવાના પ્રશ્નો પાર પાડી શકશો. આવક વધતા રાહત મળે. નોકરિયાતોને કેટલીક મુશ્કેલીઓ હોવા છતાં કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. વેપાર-ધંધામાં મહત્ત્વના કોલ-કરારો કરવામાં ધ્યાન રાખવું. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે. તેને લગતા ખર્ચ વધે. ધાર્યા અનુસાર કામ ન થાય. સંયુક્ત મિલકતો વિશે ચિંતા વધે. ગૃહજીવનમાં કારણ વિનાના પ્રશ્નોથી અશાંતિના વાદળો છવાશે. સ્વજનો સાથે ગેરસમજ વધે નહિ તે જોવું રહ્યું. યાત્રા-પ્રવાસ સફળ બનશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં મનોઉદ્વેગના બનાવો વધશે. કેટલીક તકલીફોથી ચિંતાનો અનુભવ થશે. સ્વચ્છતા કેળવવા તરફ વધુ લક્ષ આપજો. નાણાકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ નીવડશે. આવનાર ખર્ચા માટેની જોગવાઇ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતા જણાય. સારી નોકરી મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. વર્તમાન નોકરીમાં પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વેપાર-ધંધાની બાબતથી સંતોષ રહે નહીં. મકાન-સંપત્તિને લગતા કામોમાં મુશ્કેલી વધુ જણાશે અને ખોટા ખર્ચ વધશે. દામ્પત્યજીવનમાં મતભેદો હશે તો ધીમે-ધીમે દૂર થશે. સાનુકૂળ અને સંવાદિતાભર્યું વાતાવરણ સર્જાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન એક પ્રકારની ઉદાસીનતા કે વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. તમારા વિચારોને અમલમાં મૂકવા શક્ય ન જણાતા તણાવ વધશે. નાણાકીય દૃષ્ટિએ વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે વિશેષ ખર્ચના યોગ બળવાન છે. નોકરિયાતોને નવીન તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય. વિરોધીઓના હાથ હેઠા પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ અગવડરૂપ બનશે. સમસ્યામાંથી બહાર નીકળી શકશો. મકાન-મિલકત જમીનના કામકાજો માટે ઇચ્છિત તકો અને સાનુકૂળતા સાંપડશે.

કર્ક (ડ,હ)ઃ પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. આર્થિક દૃષ્ટિએ ગ્રહયોગો શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતોની અંગત સમસ્યા હલ થશે. નોકરીમાં પ્રગતિ અને બઢતીનો માર્ગ ખુલ્લો થશે. હરીફો અંગે ચિંતા રાખવાનું કારણ નથી. ધંધાર્થીઓ માટે સમય સાનુકૂળ છે. સ્થાવર મિલકતોના પ્રશ્નો માટે ગ્રહયોગો લાભકારક છે. જમીન-મિલકતને લગતા લાભ મેળવવાના પ્રયત્નો ફળશે. કૌટુંબિક મિલકતોનો પ્રશ્ન પણ હલ થશે. તમારા દામ્પત્યજીવનમાં લાગણી કે માન-સન્માનના મુદ્દે ઘર્ષણ જાગશે.

સિંહ (મ,ટ)ઃ મૂંઝવણોમાંથી મુક્તિ મળતા અને યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતાં માનસિક બોજ હળવો થાય. બેચેની કે ઉત્પાત દૂર થાય. નાણાકીય જરૂરિયાતો માટે જોઈતા નાણાં મળવામાં અવરોધ આવશે. આવક કરતાં ખર્ચ ચૂકવણીનો બોજ વધુ રહેતા સમય ચિંતામાં પસાર થાય. સરકારી નોકરિયાતોને આ સમયમાં જોઈતી સફળતા મળવામાં વિઘ્ન જણાશે. ઉપરી સાથે ઘર્ષણ-દલીલના પ્રસંગો બનશે. બદલી-બઢતીમાં અવરોધ નડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ પ્રતિકૂળતાભરી રહેશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સરકારી કાર્યોમાં પ્રતિકૂળતા જણાય. લાંબા સમયથી હાથ ધરેલા કાર્યોમાં સફળતા દૂર થતી જણાય, જે માનસિક અશાંતિ સર્જે. અલબત્ત આકસ્મિક આવકથી કેટલીક રાહત મળશે. નાણાકીય મુશ્કેલીઓનો માર્ગ મેળવી શકશો. નોકરિયાતો અને ધંધાર્થીએ સાચવીને સાહસ કરવું. ઉતાવળા નિર્ણયોથી દૂર રહેવું. અંગત આરોગ્ય સાચવી લેજો. સ્વજનોનું આરોગ્ય ચિંતા કરાવી જાય. ગૃહજીવનમાં સંવાદિતાનું વાતાવરણ સર્જાય. સંતાનો અંગે ચિંતા રહે. જીવનસાથીનો સહકાર અને પ્રેમ વધે. પ્રવાસ-યાત્રા સફળ થાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં અકારણ માનસિક ઉશ્કેરાટ કે ઉગ્રતા વધવાના પ્રસંગો સર્જાશે. સંયમથી વર્તશો પરિસ્થિતિ બગડતી અટકશે. ઉતાવળા નિર્ણયો ન લેવાની સલાહ છે. આવક વધે તેવા સંજોગો સર્જાશે. નાણાના અભાવે કોઈ કામ અટક્યું હશે તો તે માટે પણ વ્યવસ્થા ઊભી કરી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ પ્રતિકૂળ સ્થિતિ નિર્માણ થઈ હશે તો તેમાંથી બહાર નીકળી શકશો. યશ-માનનો યોગ છે. વેપાર-ધંધાના પ્રશ્નો અંગે સાનુકૂળતા છે. હિતશત્રુઓની કારી ફાવશે નહીં. સંપત્તિના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. ખરીદ-વેચાણના કામકાજમાં સાનુકૂળતા જણાશે. નવું મકાન શોધવાના પ્રયત્નો ફળતા જણાશે. સામાજિક અને કૌટુંબિક પ્રવૃત્તિઓ સફળ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ લાંબા સમયથી ઇચ્છતા હતા તેવી તકો મેળવશો. ઉમંગ-ઉત્સાહમાં વધારો થાય. માનસિક તાણ હળવી બનશે. આર્થિક જવાબદારી વધે. નુકસાન કે ખર્ચનું પ્રમાણ વધશે. નાણાભીડના કારણે કેટલીક યોજના મુલતવી રાખવી પડશે. ધંધા-વેપારની બાબતો માટે પણ પરિસ્થિતિ મૂંઝવતી લાગે. સારા મકાનમાં રહેવાની ઇચ્છા પાર પડે. થોડી ઘણી મુસીબત કે વિઘ્ન આવે, જે દૂર કરી શકશો. કૌટુંબિક ક્ષેત્રે સહકાર અને સંવાદિતાભર્યું વાતાવરણ રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારા પ્રયત્નો ધીમે ધીમે સફળ બને. માહોલ લાભકર્તા બનતા આશા-ઉમંગ વધશે. સારી તકો મળશે તેને ઝડપી લેજો. મન પરનો બોજ હળવો થાય. તમારા જરૂરી ખર્ચા કે મૂડીરોકાણ અંગે જરૂરી સહાયો મેળવી શકશો. કામકાજો અટકશે નહીં. ખર્ચને પહોંચી વળશો. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બને. પ્રગતિકારક તક મળશે. ધંધાકીય યોજનામાં સારી પ્રગતિ જણાશે. તમારી સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવશે. પોતાનું મકાન મેળવવામાં ઘણા અવરોધોનો સામનો કરવો પડશે. ભાતૃવર્ગથી મતભેદ જણાશે.

મકર (ખ,જ)ઃ તમારી માનસિક સ્વસ્થતાને જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસતરફી થતા આત્મવિશ્વાસ વધતો જણાશે. જોકે માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં થોડીક નિરાશા જણાશે. આ સમયમાં આવકવૃદ્ધિ કે કોઈ જૂનો લાભ મળતાં સમય રાહત આપતો પુરવાર થાય. તમારા પરના ખર્ચની જોગવાઈ ઊભી થવાની આશા રહે. શેરસટ્ટાથી કોઇ લાભ નથી. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાય. વિરોધીઓ દૂર થતા લાગે. માર્ગ સરળ બને. ઉન્નતિકારક તક મળે. ધંધાકીય યોજનાઓમાં સારી પ્રગતિ જણાશે. મકાન-મિલકતના કામકાજોમાં સાનુકૂળતા વધશે. કોર્ટ-કચેરીના પ્રશ્નો ઉકેલાશે. અતિ મહત્ત્વના નિર્ણય લઈ શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા કોર્ટ-કચેરીના કાર્યોનો ઉકેલો આવતા જણાશે. સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ ફાવશે નહિ. સ્વાસ્થ્યમાં સુધરશે અને માનસિક ચિંતાઓનો ભાર હળવો થશે. નોકરી-ધંધાના ક્ષેત્રે ધીમી છતાં મક્કમ પ્રગતિ સાધી શકશો. પુરુષાર્થ વધારજો. ખોટા સાહસોથી દૂર રહેજો. સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય બની જશે. દામ્પત્યજીવનમાં અશાંતિ ડોકિયા કરશે. જીવનસાથીનું આરોગ્ય સંભાળી લેજો. પ્રવાસ-યાત્રા વધે. પરિણામે ખર્ચા પણ વધશે. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં ફળ મળશે. કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ આવશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મહેનતનું ફળ મેળવવા તમારે ધીરજ રાખવી પડશે. ઉન્નતિનો માર્ગ ખૂલ્લો થાય. ઉજ્જવળ સફળતાના યોગ છે. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાકીય મૂંઝવણો જણાશે. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભમાં વધારો થાય. મિલકતોના પ્રશ્નોથી ચિંતા રહે. ગૃહજીવનમાં પરિસ્થિતિ સંવાદિતાભરી બનાવવા બાંધછોડ કરવી પડશે. સ્નેહી-સ્વજનોથી મિલન-મુલાકાત થાય. સંતાનોના પ્રશ્નો ઉકેલી શકશો. વિદ્યાર્થીઓને સફળતા મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter