તા. ૪ જુલાઇ, ૨૦૧૫થી ૧૦ જુલાઇ, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 01st July 2015 08:14 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે આ સમય સાનુકૂળ પ્રગતિકારક રહેશે. તમારા મહત્ત્વના આયોજનોમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. મહત્ત્વની તક પણ મળે. માનસિક ઉમંગ-ઉલ્લાસનો અનુભવ કરશો. નાણાંકીય સ્થિતિ મિશ્ર પ્રકારની જોવા મળશે. આવકવૃદ્ધિનો માર્ગ ખૂલશે. તમારો પુરુષાર્થ ફળદાયી બનશે. લાભદાયી નવરચના થાય. જોકે સામી બાજુ ખર્ચ અને વ્યય પણ વધશે. કેટલીક અગત્યની તકો અહીં સાંપડશે. નોકરિયાતના ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. વિઘ્નોમાંથી માર્ગ મળશે. સંઘર્ષમય પરિસ્થિતિમાં બહાર નીકળશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં મહત્ત્વના કામકાજોમાં સાનુકૂળતા અને સફળતા મળશે. સારી તક પ્રાપ્ત થાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. માનસિક તાણ હળવી થશે. આવકની દૃષ્ટિએ સંજોગો પ્રતિકૂળ બનશે. ધારેલા લાભ કે આવકના માર્ગો અવરોધાતા જણાય. અલબત્ત, જરૂરી કાર્યો માટેની જોગવાઈઓ થતાં થોડીક રાહત મળશે. ઉઘરાણીના નાણા પરત મળવામાં વિલંબ જણાતાં પરેશાની અનુભવવી પડે. જમીન-મકાન કે અન્ય મિલકતના પ્રશ્નો અંગે સમય સાનુકૂળ બને. અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલી શકશો. નોકરિયાતો માટે એકંદરે સમય સાનુકૂળ છે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં માનસિક સ્વસ્થતા અને સંયમ જાળવવા પડશે. શંકા, ભયની લાગણીને મનમાંથી હાંકી કાઢશો તો જ સુખ માણી શકશો. ચિંતા-ભય છોડવા જરૂરી છે. આવકના નવા માર્ગ શોધી શકશો. સારી તકો મળશે. આર્થિક આયોજન કરશો તો આવકની સામે જાવક-ખર્ચ સાચવી શકશો. નુકસાનના પ્રસંગો જણાતા નથી. જૂના લાભ, ઉઘરાણી અટકેલા હશે તો હવે મળતા જણાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી બનશે. સફળતા-પ્રગતિ જણાશે. નોકરીમાં પરિવર્તન ચાહતા હશો તો પ્રયત્નો ફળદાયી બનશે. ધંધા-વેપારના ક્ષેત્રે મુશ્કેલીઓ દૂર થશે, સાનુકૂળતા વર્તાશે. નવા કામકાજનો પ્રારંભ થશે.

કર્ક (ડ,હ)ઃ અંગત પ્રશ્નો અને યોજનાઓના નિરાકરણ માટે આ સપ્તાહના ગ્રહયોગ મદદરૂપ થશે. માર્ગ આડેના અંતરાયો ધીમે ધીમે દૂર થતાં વિકાસ થતો જણાશે. મહત્ત્વની કાર્યવાહીથી ભવિષ્યમાં સારી ઉન્નતિ થાય. આવક કરતાં ખર્ચ વધતા સ્થિતિ કટોકટીભરી બનશે. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોવું રહ્યું. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે. નોકરીમાં બદલીનો યોગ પ્રબળ છે. વિરોધી અને સહકર્મચારીથી સાવધ રહેવું. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે. મૂંઝવણનું વાતાવરણ જણાશે. કૌટુંબિક મિલ્કતોના પ્રશ્નો ગૂંચવાતા જણાશે.

સિંહ (મ,ટ)ઃ મૂંઝવણમાંથી મુક્તિ મળતાં અને યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા માનસિક બોજો હળવો થાય. બેચેની-ઉત્પાત દૂર થાય. રચનાત્મક વિકાસ થાય. નાણાકીય પરિસ્થિતિ માટે ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. એક બાજુથી જાવક અને ખર્ચ આવે તો બીજી બાજુ આવક કે લાભ મળવા છતાંય સ્થિતિ કટોકટીભરી બનશે. નુકસાન કે વ્યયનો પ્રસંગ પેદા થશે. નોકરિયાતો માટે ગ્રહ સાનુકૂળ જણાય છે. અટકેલા કામકાજો પાર પડશે. વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકો માટે પણ સફળતા અને વિકાસનો સમય છે. ઉદ્યોગ-ધંધા ક્ષેત્રે નવીન કાર્યો હાથ પર લઈ શકશો. મકાન-મિલકતની બાબતો માટે ચિંતા રહેશે. ઘણા વધુ પ્રયત્ને આવા કાર્યોમાં સફળતા સાંપડશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ મનોબળ દૃઢ બનાવીને આયોજન પ્રમાણે આગળ ચાલશો તો સફળતા અવશ્ય મળશે. મનની મૂંઝવણનો ઉપાય અને ઉકેલ મેળવી શકશો. મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડશે. વધારાના લાભ મળે નહીં. ઉઘરાણી મેળવી શકશો. નોકરિયાતને કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. હેરાનગતિ અને અવરોધો જોવા મળશે. ઉપરી અધિકારી સાથે વિવાદ ન થાય તે જોવું રહ્યું. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિના દ્વાર ખૂલે. જમીન-મિલકતને લગતા કામકાજોમાં પ્રગતિ થાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં આશાસ્પદ સંજોગો સર્જાતાં માનસિક આનંદ કે શાંતિ અનુભવશો. કાલ્પનિક કે અવાસ્તવિક ચિંતાઓને મન પર બોજ વધારવા દેશો નહીં. નાણાકીય દૃષ્ટિએ તમારી આવક ગમે તેટલી વધે તો પણ નાણાભીડ જણાશે. કૌટુંબિક અને ગૃહોપયોગી ચીજવસ્તુ પાછળ ખર્ચ વધશે. હરીફોથી ચિંતા રાખવાને કારણ નથી. નોકરી-ધંધામાં પ્રગતિ-બઢતીનો માર્ગ ખુલ્લો થતાં સારી તકો ઊભી થતી જોઈ શકશો. મિલકતના યા મકાનના પ્રશ્નો માટે સમય હજુ સાથ આપતો જણાતો નથી. પરિસ્થિતિ ગૂંચવાશે. ધાર્યું કામ થાય નહીં. તેની પાછળ સમય અને નાણાનો બગાડ થતો જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ મહત્ત્વની બાબતો અંગે માનસિક ટેન્શન જણાશે. ખોટી ચિંતા અને પરેશાનીનો અનુભવ કરશો. અગત્યના કામકાજોમાં તમને અંતરાયો જણાશે. તમારી નાણાકીય જવાબદારી વધશે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે. નોકરિયાતોને બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વધુ મહેનતે અલ્પ ફળ જણાય, જેથી નિરાશ ન થતાં મક્કમતાથી આગળ વધજો. મકાન-સંપત્તિઓની કામગીરીઓમાં પ્રગતિ જણાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં વેપાર-ધંધામાં કૌટુંબિક કારણોસર માનસિક તાણ કે કોઈ અગમ્ય અનિશ્ચિતતાની લાગણી અનુભવશો. તમારી કલ્પના કે લાંબા સમયની ઈચ્છાઓ સાકાર થતી જણાશે. જોકે દરેક બાબતમાં સજાગ રહેવું જરૂરી છે. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે. પ્રગતિકારક તક મળે તો ઝડપી લેજો. મકાન-મિલકતના કામકાજ માટે આ સમય પ્રતિકૂળ જણાય છે. સક્રિય નહીં બનો તો આયોજન પાર પડશે નહીં. મકાન બદલવાના યોગ છે. બાપ-દાદાની સંપત્તિના પ્રશ્નો યથાવત્ જ રહેશે. તમારા ગૃહજીવનમાં સંવાદિતા અને આનંદ સર્જાશે. ગેરસમજો કે લાગણીના પ્રશ્ને સર્જાયેલી વિસંવાદિતા દૂર કરી શકશો.

મકર (ખ,જ)ઃ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. પરિવર્તનકારી માહોલ જણાશે. ઉત્સાહ વધે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમાચારથી આનંદ મળે. આવકનું પ્રમાણ વધારી શકશો. જરૂરિયાત પ્રમાણે નાણાકીય જોગવાઈ થશે. નોકરિયાત માટે આ સમય કેટલીક મુશ્કેલીઓને બાદ કરતાં એકંદરે પ્રગતિકારક છે. પ્રમોશન માટે પણ સમય સૂચક છે. વેપારી વર્ગ માટે આ સમયમાં સર્જાતી તકો ઝડપી લેશો તો લાભ છે. તમારા અંગત અને કૌટુંબિક પ્રશ્નોના ઉકેલ માટે આ સમય સફળતા સૂચવે છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આસપાસનો માહાલો માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. તમે ઉતાવળા નિર્ણયો લેતાં પહેલાં બે વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ વધશે. નોકરિયાતો માટે આ સમયના ગ્રહયોગ શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહનજનક જણાય છે. આ સમયમાં મકાન-મિલકતની લે-વેચના કામો પતાવી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. અગત્યની કામગીરી સફળ થતાં લાભની તક સર્જાય. આવક કરતાં જાવક વધતી જણાશે. તમારા સ્વજનો કે કુટુંબીજનોથી તમારી લાગણીઓને ઠેસ પહોંચે તેવા પ્રસંગો બનશે. જોકે સહનશક્તિ કેળવીને કુનેહથી માર્ગ કાઢજો. જીવનસાથી સાથે કાલ્પનિક અને સ્વમાનના મુદ્દે મતભેદ ન સર્જાય તે જોજો. નવીન કામગીરીઓ માટે સાનુકૂળતા જણાય છે. સારા પ્રોત્સાહક પ્રસંગો બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter