તા. ૫ જૂન ૨૦૨૧થી ૧૧ જૂન ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 04th June 2021 08:29 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ રાશિ (અ,લ,ઇ)ઃ આ સમય ઉત્સાહજનક નિવડશે. કોઇ સાનુકૂળ તકો તથા કાર્યસફળતાના કારણે એકંદરે માનસિક સુખનો અનુભવ કરી શકશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણ ભરેલી હોવા છતાં તમારી સુઝબુઝથી ઉકેલ લાવીને કામ પાર પાડી શકશો. નોકરી-ધંધામાં સમયનો સાથ મળતો જણાશે. નોકરીમાં તમારી મહેનતને જોઇને તમારા પ્રમોશન માટેની કાર્યાવાહી આગળ વધે. ધંધાકીય ક્ષેત્ર હજી વધુ મહેનત માંગી લેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય મહત્ત્વનો સાબિત થાય

• વૃષભ રાશિ (બ,વ,ઉ)ઃ આ સમયમાં ખાસ કરીને વડીલ વર્ગને શારિરીક સમસ્યાઓ ઉત્પન્ન થાય. સાંધાના દુઃખાવા, પગના દુઃખાવાની તકલીફ રહેશે. કેટલીક મહત્ત્વપૂર્ણ યોજનાઓને લઇને ખાસ કાળજી રાખવાનું સૂચન છે. નાણાંકીય ક્ષેત્રમાં ભવિષ્યના બેલેન્સ તરીકે, સારી એવી બચતના રસ્તાઓ પ્રાપ્ત થઇ શકશે. ધંધાકીય ક્ષેત્રમાં મહત્ત્વના નિર્ણય લેતાં પહેલાં કોઇ અંગત વ્યક્તિ સાથે સલાહ-મસલત કરીને આગળ વધશો. મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાય.
• મિથુન રાશિ (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન લાગણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. નહીં તો તમારા ચરિત્ર પર ડાઘ લગવાની સંભાવનાઓ રહેશે. આર્થિક દૃષ્ટિએ ખાસ કોઇ મુશ્કેલી જણાતી નથી. ધંધાકીય ક્ષેત્રે મોટા રોકાણો શક્ય બનશે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થાય. નોકરિયાત વર્ગ માટે થોડી સાવચેતી રાખવાનો સમય છે. જો મનોબળ નબળું પડશે તો કારકિર્દીમાં અવરોધ આવી શકે છે.
• કર્ક રાશિ (ડ,હ)ઃ માનસિક તંગદિલી રહેશે. અકળામણ - અકારણ ચિંતા વધશે. બાહ્ય પરિસ્થિતિને મન પર બોજ વધારવા દેશો નહીં. મજબૂત મનોબળ જરૂરી છે. નાણાંકીય જવાબદારીનું ભારણ વધતું જણાય. નોકરીમાં વિરોધીઓ તેમજ ઉપરી અધિકારીથી થોડુંક સાચવીને રહેવું. ઉતાવળા નિર્ણયો ન લેવાં, વેપાર- ધંધાના ક્ષેત્રમાં હજી જોઇએ એવી તેજી દેખાય નહીં. દાંપત્યજીવનમાં સર્જાયેલ અશાંતિ દૂર થાય. વિદ્યાર્થીઓને વિશેષ મહેનત કરવી પડશે. તમારા શિક્ષકનું માર્ગદર્શન મૂલ્યવાન સાબિત થશે.
• સિંહ રાશિ (મ,ટ)ઃ આ સમયમાં તમારા મનની મુરાદ બર આવતી જણાય. જોઇતી સાનુકૂળતા ઉભી થાય, જેનો લાભ ઉઠાવવાનું ચૂકતા નહીં. લાગણીઓના ઘોડાને થોડા કાબૂમાં રાખવો જરૂરી. આર્થિક રીતે પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. આવકવૃદ્ધિ માટેના પ્રયત્નોમાં સફળતા મેળવી શકશો. નોકરીના ક્ષેત્રમાં વાતાવરણ સાનુકૂળ બનતું જણાય. લાંબા સમયથી અટવાયેલા લાભ પ્રાપ્ત થાય. વ્યાપારિક ક્ષેત્રમાં હજી થોડી રાહ જોવી પડશે. મોટા રોકાણો સમજી-વિચારીને કરશો. ગૃહાદિક જીવનમાં વાતાવરણ ખુશમય રહેશે.
• કન્યા રાશિ (પ,ઠ,ણ)ઃ આ સમય થોડોક મૂંઝવણ ભરેલો રહેશે. જેની અસર અંગત જીવનમાં પણ દેખાય. થોડીક અકળામણનો અનુભવ થાય. નોકરી-વ્યાપારના ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધી સામે ટકી રહેવા માટે ખૂબ મહેનત કરવી પડશે. જોકે આર્થિક રીતે સમય અહીં થોડોક રાહતજનક રહેશે. મકાન-મિલકતની ખરીદીના પ્રસંગો બળવાન બનશે. વિદ્યાર્થી વર્ગને ધ્યાન અને એકાગ્રતા વધે એવા પ્રયાસ કરવાનું સૂચન છે.
• તુલા રાશિ (ર,ત)ઃ આ સમય શાંતિમાં થોડીક ખલેલ પહોંચાડે એવો રહેશે. જોકે તમારા ધાર્યા કાર્યો પૂર્ણ થવાથી તણાવ ઓછો થાય. અંગત સાંસારિક પ્રશ્નોમાં થોડી અસ્વસ્થતા જોવા મળશે. આ સમયના ગ્રહયોગો તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. નોકરિયાત વર્ગ માટે ધાર્યા કામ પાર પાડવા માટે સમય પડકારરૂપ સાબિત થાય. જોકે સફળતા પણ મેળવી શકશો. જીવનસાથીની તબિયત બાબતે થોડીક ચિંતા રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં ઉકેલ આવતા હજી વાર લાગશે.
• વૃશ્ચિક રાશિ (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વના કામકાજોમાં સફળતા પ્રાપ્ત થતાં આનંદની લાગણીનો અનુભવ કરી શકશો. નાણાકીય રીતે પણ ઘણી સફળતા હાંસલ કરી શકશો. નવી આવકના સ્ત્રોત ઉભા થાય. નોકરીના ક્ષેત્રમાં સમયની અનુકુળતા તેમજ મહેનત રંગ લાવશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. વ્યવાસાયિક રીતે નવી ભાગીદારી થકી લાભ રહેશે. પરિવારમાં માંગલિક પ્રસંગોને કારણે આનંદમય વાતાવરણ રહેશે.
• ધન રાશિ (ભ,ધ,ફ,ઢ)ઃ માનસિક રાહત અને સર્જનાત્મક પ્રવૃતિઓનો વિકાસ થાય. આ સમય દરમિયાન મહત્વના કામકાજોમાં વધુ કોઇ તકલીફ જણાતી નથી. ધાર્યું આયોજન પાર પડશે. નવાં વાહનની ખરીદી શક્ય બનશે. વેપાર-ધંધામાં સમયની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આગળ વધવું સલાહ ભર્યું છે. સ્વાસ્થ્યને હવે થોડીક પ્રાથમિકતા આપવી જરૂરી બની રહેશે.
• મકર રાશિ (ખ,જ)ઃ પાછલા પ્રસંગોને ભૂલીને આગળ વધશો તો જ આ સમયમાં માનસિક અસ્વસ્થતા દૂર કરી શકશો. તમારું ધ્યાન બીજી પ્રવૃત્તિઓમાં લગાવવાનો પ્રયાસ કરશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક જમીન કે સંપત્તિમાંથી હિસ્સો પ્રાપ્ત થશે. નોકરી-વ્યવસાયના કાર્યોમાં આ સમય આપની તરફેણમાં રહેશે. પ્રગતિશીલ કામગીરી થકી સફળતા મેળવી શકશો. લાંબા સમયથી અટવાયેલા યાત્રા-પ્રવાસ હવે શક્ય બનશે.
• કુંભ રાશિ (ગ,શ,ષ,સ)ઃ મનની મૂંઝવણ હવે દૂર થાય. આ સમય હવે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવાનું સૂચન કરે છે. આપના ગ્રહયોગો આપની તરફેણમાં કામ કરી રહ્યા છે. આર્થિક-સામાજિક પ્રગતિની તક સાંપડે. આપના કાર્યોની સરાહના થાય. વિરોધીઓની ચિંતા કર્યા વગર આપના કામમાં આગળ વધ્યે જાવ. કાર્યસફળતા અચૂક પ્રાપ્ત કરી શકશો. મકાનની લે-વેચનું કાર્ય અટવાયેલું હોય તો પૂર્ણ થાય.
• મીન રાશિ (દ,ચ,ઝ,થ)ઃ આ સમય થોડુંક સમજી-વિચારીને આગળ વધવાનું સૂચન કરે છે. આવશ્યક ના હોય તો મહત્ત્વના નિર્ણયો હમણાં થોડાક સમય માટે સ્થગિત રાખશો. આર્થિક રીતે આ સમયમાં આવક-કરતાં જાવકનું પ્રમાણ વધુ રહેશે. નોકરીના ક્ષેત્રમાં નવીન કારર્કિદી ઇચ્છતા લોકો માટે હજી થોડો સમય વધુ મહેનત અને પરિશ્રમ માંગી લેશે. ધંધાકીય ક્ષેત્રમાં રોકાણો શક્ય બનશે. ભાગીદારી ચિંતા રખાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter