તા. ૫ નવેમ્બર ૨૦૧૬ થી ૧૧ નવેમ્બર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Thursday 03rd November 2016 07:41 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પાડતાં આનંદ મળે. માનસિક સ્વસ્થતા જળવાશે. મિત્રો, સ્નેહીઓનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આ સમયમાં આપની જરૂરત - અપેક્ષા અનુસાર નાણાં ઊભા કરી શકાશે. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે. કરજનો ભાર પણ હળવો થશે. નોકરિયાતોને સ્થળાંતરના પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક આવે. આ સમયમાં વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સુખદ રીતે ઉકેલાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક સ્વસ્થતા અને શાંતિ ડહોળાય તેવા સંજોગો સર્જાશે. પુરુષાર્થ અને આત્મવિશ્વાસ વધારજો. નિરાશાજનક વિચારો છોડજો. આ સમયમાં ખર્ચના પ્રસંગો વધશે. નુકસાન, કરજ કે લોન દ્વારા આર્થિક બોજો વધશે. નાણાંભીડના કારણે પૂર્વનિર્ધારિત યોજના અટકશે. નોકરિયાતોને માર્ગમાં અવરોધો જણાશે. નોકરીની સમસ્યા હજુ યથાવત્ રહેશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધીમો વિકાસ જણાશે. ઉતાવળા જોખમ કરવા નહિ. વારસાગત મિલકતો અંગેના વિવાદો ઉકેલાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજપૂર્વક કામ કરશો તો સંજોગો સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા બનશો નહિ. વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડે. નવા ખર્ચાનો બોજો પણ વધશે. નોકરિયાતોને હજુ કેટલાક વિઘ્નો જણાય છે. તેથી ઇચ્છિત તક માટે રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો.

કર્ક (ડ,હ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તણાવના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાના કારણે વધુ અશાંત રહેશો. આધ્યાત્મિક વલણ કેળવીને શંકા અને ચિંતા છોડશો તો વધુ આનંદ મેળવશો. અણધાર્યા ખર્ચના પ્રસંગોના કારણે આર્થિક તંગી સર્જાતા તમારે અન્યની સહાય પર આધાર રાખવો પડશે. વર્તમાન વ્યવહાર પાર પાડવામાં કોઇ વાંધો નહિ આવે. નવા મકાનમાં રહેવા જવા માટે ગ્રહયોગ સાનુકૂળ છે. આપ કોઈ જમીન કે પ્લોટ મકાનમાં નાણાંનું રોકવા ઇચ્છતા હશો તો તમારા પ્રયત્નો ફળશે. બદલી-બઢતીનો પ્રશ્ન ઉકેલાશે.

સિંહ (મ,ટ)ઃ તમારા માર્ગ આડેના વિઘ્નો માનસિક તણાવ પેદા કરશે. જોકે ધીરજ ન ગુમાવવા સલાહ છે. અશાંતિ પણ અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આ સમયગાળામાં આવકના પ્રમાણમાં જાવક પણ સારી રહે તેવી છે. આથી સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ ન કરતા, નહિતર નુકસાનનો ફટકો ખમવો પડશે. નોકરી- ધંધામાં સાનુકૂળ તક મેળવશો. નોકરીમાં પરિવર્તન કરવું હોય તો વાંધો નથી. વેપારી વર્ગને ધીમો વેપાર જણાશે. મકાન-જમીનના કામકાજોમાં હજુ ખાસ લાભ જણાય નહિ.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે. નવી તકો પણ પ્રાપ્ત થાય. કેટલીક સાનુકૂળતા છે તો તેટલી જ નવી કામગીરી પણ આવશે. નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઈ જશે. આપની જૂની જવાબદારી હળવી થશે. મકાન-સંપત્તિ તેમજ મિલકતો અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે. પૈતૃક સંપત્તિ મેળવી શકશો. ભાડૂઆત અંગેનો પ્રશ્ન હલ થશે. નોકરીમાં બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે.

તુલા (ર,ત)ઃ ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરીત સંજોગો આવવા છતાંય માનસિક બળ, સ્વસ્થતા ટકાવશો. ધૈર્યપૂર્ણ અભિગમ તમને ઉપયોગી બનશે. મનની લાગણી દુભાય તેવા પ્રસંગે પણ અજબ સંયમ દાખવી શકશો. ખર્ચના પ્રસંગો સવિશેષ વધશે. જોકે કેટલીક જરૂરી ગોઠવણી કરવા સમર્થ બની શકશો. લોન અને કરજ વધશે. ચોખ્ખી આવક થતી જણાશે નહિ. ધીરેલાં નાણાં હજુ મળે નહિ. સંપત્તિની સમસ્યાઓ હજુ ખાસ ઉકેલાશે નહિ. કોઈને કોઈ પ્રકારે વિઘ્ન આવે. અકસ્માતથી સાવધ રહેવું જરૂરી.

વૃશ્ચિક (ન,ય)ઃ મનોવ્યથામાંથી મુક્તિ મળશે. ટેન્શન હળવું થાય. સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. કેટલાક પ્રયત્નો સાકાર થતાં આશાસ્પદ વાતાવરણ જોઈ શકશો. પડકારને પહોંચી વળવાની શક્તિ તમે મેળવી શકશો. નાણાંકીય સ્થિતિ સાનુકૂળ બનતા કેટલાક અટવાયેલા લાભ કે ઉઘરાણી દ્વારા આવક વધે. જરૂરિયાત સંતોષાતી જણાશે. અગત્યના કામકાજ માટે પણ આર્થિક વ્યવસ્થા કરી શકશો. નોકરીના ક્ષેત્રે વિરોધ કે મુશ્કેલી જણાતી હશે તો પણ તમારા સ્થાનને આંચ નહિ આવે. નોકરિયાતને પરિવર્તન યોગ છે. વેપાર-ધંધામાં નવા પ્રશ્નો સર્જાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મનોસ્થિતિ ગૂંચવાયેલી અને મૂંઝવણ ભરેલી રહેશે. જોકે તમારી આ મૂંઝવણો પણ કાલ્પનિક વધુ હશે. નાણાકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશો નહિ. મોટા સાહસમાં પડશો નહિ. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું ફળ મળે. અવરોધમાંથી નીકળશો. બદલીનો યોગ છે. વૃદ્ધિ-વિકાસના પગલાંના આયોજન માટે આ સમય પ્રગતિકારક છે. મકાન-જમીન સંપત્તિને લગતી કાર્યવાહીઓ ગૂંચવાય.

મકર (ખ,જ)ઃ માનસિક દૃષ્ટિએ સમય શુભ જણાય છે. મન પરનો બોજો હળવો થશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહવર્ધક બનશે. નાણાકીય બાબતોના ઉકેલ માટે ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. આવક કરતાં ખર્ચનું પલ્લું વિશેષ નમતું રહેવાના કારણે બચત થવાના યોગ નથી. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. અટવાયેલા લાભ મેળવી શકશો. ધંધા-વેપારના કાર્યો આડેના વિઘ્નોને પાર કરી સફળતા મેળવશો. શત્રુઓ ફાવે નહિ. મકાનની લે-વેચનું કામકાજ ઉકેલી શકશો. કુટુંબના સભ્યોનો સહકાર - પ્રેમ સાંપડશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સફળતા અને સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતા આ સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ પ્રગતિ જોવા મળે. માનસિક ઉત્સાહ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરશો. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનાર નીવડશે. વધુ પ્રયાસે કાર્યસફળતા સંપડે. બઢતી-બદલીના અટવાયેલા કમકાજો વિલંબથી ઉકેલાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં ગ્રહયોગો દર્શાવે છે કે નિયત કામમાં અને યોજનાઓમાં જોઈએ તેટલી પ્રગતિ ન જણાતા અસ્વસ્થતા વધે. આ સમય તમારી નાણાકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ યા તકેદારી માગી લે તેવો છે. આ સમયમાં કૌટુંબિક તેમજ આરોગ્યના સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે બોજો વધે તેવા યોગ છે. નોકરિયાતોને કામકાજની જવાબદારીનો બોજ વધશે. વિરોધીઓથી સાવચેત રહેવું જરૂરી. વેપાર-ધંધાના ક્ષેત્રે વિલંબથી કાર્ય થવાના યોગો જણાય છે. આરોગ્યની કાળજી લેવા સલાહ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter