તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Thursday 27th August 2020 07:57 EDT
 
 

મેષ (અ,લ,ઇ)ઃ માનસિક સ્થિતિમાં તણાવ વર્તાય. કાર્યબોજ વધે અને યોજનામાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જણાય. આર્થિક તકેદારી રાખજો. કૌટુંબિક અને આરોગ્ય માટેના ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પરના બોજો વધે. હજુ સંતોષકારક સ્થિતિ સર્જાવામાં વિલંબ જણાશે. ઉઘરાણી કે અન્ય પ્રકારે અટવાયેલા નાણાં મળતા થોડી રાહત થશે. નોકરિયાતને કામની જવાબદારીનો બોજ વધશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં માનસિક તંગદિલી ઘટશે. સાનુકૂળતાના કારણે તમે વધુ આનંદ માણી શકશો. ચિંતા - ઉપાધિના પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય થઈ શકશે. જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા યોગો નથી, બલકે જે નાણાં છે તે પણ ખર્ચાતા નાણાંભીડ સર્જાશે. આ સમયમાં જૂના લેણાંની રકમો મળવાથી વહેવાર નભી જશે. નોકરિયાતો માટે આ સમય પ્રોત્સાહક છે. સફળતા મળે. બઢતીનો માર્ગ ખૂલશે. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભ વધે.

મિથુન (ક,છ,ઘ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે કેટલીક સાનૂકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં પ્રગતિના પંથે પ્રયાણ કરશો. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી સંતોષકારક લાભ પ્રાપ્ત થાય નહિ. ઘણી મહેનતે ફળ ઓછું જોવા મળે. ધારી આવક મળે નહીં. શેરસટ્ટામાં પડવાનું ટાળજો. તમારા વ્યવસાયના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે. વધુ મહેનતે જ તેનો ઉકેલ મળશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળે. મનની સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો સ્નેહીઓનો સહકાર મળતા સાનુકૂળતા જણાશે. આર્થિક દૃષ્ટિએ જોઇએ તો, નાણાકીય જરૂરિયાત યા અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભાં કરી શકાશે. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે તો કરજનો ભાર પણ જણાશે. નોકિરયાતોને સ્થળાંતર - પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક આવે. ઉપરીના સંબંધો સાનુકૂળ બને. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સુખદ રીતે ઉકેલાશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયગાળામાં કૌટુંબિક કારણસર માનસિક તાણ જણાશે. તમારી કલ્પના કે લાંબા ગાળાની ઇચ્છા પૂર્ણ ન થાય. તમારે આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે. અગાઉની કામગીરીઓ - જવાબદારીઓના કારણે ખર્ચ-વ્યય વધશે. નાણાકીય દૃષ્ટિએ મૂંઝવણો સર્જાશે. કોઈ નવા ખર્ચાઓ વધવા નહીં દો તો રાહત વર્તાય. નોકરી - ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક ઉમંગ-ઉલ્લાસ જાળવવા જરૂરી છે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા મળે નહિ. બલકે નિષ્ફળતા જોવાનો વારો આવશે. ભલે વિપરીત સંજોગો જણાય, પણ પોતાનું કાર્ય આગળ વધારવા પ્રયત્નશીલ રહેશો. ખર્ચાઓ યા અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે લાભની આશાઓ જણાશે. એકંદરે આર્થિક ચિંતાનો બોજો હળવો થતો જણાય. નોકરિયાતો માટે ગ્રહયોગો શુભ જણાય છે.

તુલા (ર,ત)ઃ કેટલાક ન કહેવાય અને ન સહેવાય તેવા પ્રશ્નોના કારણે માનસિક ટેન્શન રહેતાં અજંપો અનુભવાશે. મહત્ત્વના કામકાજોમાં વિલંબ થતાં ચિંતાનો બોજ વધશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય ચિંતા કરાવનાર અને પ્રતિકૂળ જણાશે. ધારી આવક થાય નહીં. જવાબદારીનો બોજો વધતો જણાશે. ખોટા ખર્ચ વધવા ન દેશો. વ્યવસાયની બાબત સંદર્ભે સમય સાનુકૂળ નીવડે. કોઈ મહત્ત્વની - પ્રગતિની યા પરિવર્તનની તક મળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયના ગ્રહયોગો સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ-ઉલ્લાસ વર્તાશે. તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. લાભદાયી સમય છે. ધંધા-વેપારના ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે. લાભદાયી કાર્ય પાર પડે. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન આપના સંજોગોમાં બદલાવ આવતો જોઈ શકશો. સંજોગો સાનુકૂળ બનતા જણાશે. તમારી મહેનતનું ફળ મળતાં પ્રસન્નતા અનુભવશો. આર્થિક મૂંઝવણમાંથી બહાર આવવાનો માર્ગ મળે. કોઈ લાભ કે ઉઘરાણી ફસાયેલાં હશે તો તે પણ આ સમયમાં મેળવી શકશો. ખર્ચના નવા પ્રસંગો ઊભા થતાં જણાશે. જમીન-મકાનની મુશ્કેલી યથાવત્ રહેતી જણાશે. મકાન ફેરબદલી કે અન્ય કાર્યમાં મુશ્કેલી જણાશે. કૌટુંબિક મિલકત અંગેનો વિવાદ વધે. નોકરિયાતને એકંદરે સાનુકૂળતા રહેશે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં કારણ વગરની ચિંતાના કારણે માનસિક તણાવ અને અશાંતિ જણાશે. ખોટો ભય મનમાં રાખશો નહીં. તમારા પ્રયત્નો લાંબા ગાળે જરૂર સફળતા અપાવશે. અલબત્ત, ઝડપી પરિણામોની આશા ફળશે નહીં. કેટલાક ઉદ્વેગજનક પ્રસંગોને કારણે ચિંતા રહે. નાણાકીય જવાબદારીને પહોંચી વળાય તેવું આયોજન કરી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. ધૈર્યપૂર્વક અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુ ગૂંચવાશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જણાય. નોકરિયાતોને અંતરાય હશે તો દૂર થશે અને તેમના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થશે. બઢતી-બદલીના પ્રશ્નો ઉકેલવામાં મદદ મેળવી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિનો માર્ગ મોકળો થશે. મકાન-મિલકતના પ્રશ્નો માટે હજી સમય સાચવજો. સમસ્યા વધુ ગૂંચવાતી લાગે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સર્જનાત્મક અને અગત્યની કામગીરીને સફળ બનાવી શકશો. તમારા પુરુષાર્થનું મીઠું ફળ ચાખવા મળે. હાથ ધરેલા કાર્યો સફળતાપૂર્વક ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગો વધશે, પણ આવકમાં નજીવા વધારાથી નાણાભીડ જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય પ્રગતિકારક જણાય છે. નોકરિયાત વર્ગને મુશ્કેલી સંજોગ હશે તો તેમાંથી બહાર આવવાનો માર્ગ મળે. મકાન-મિલકત મામલે મુશ્કેલી વર્તાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter