તા. ૬ ઓક્ટોબર થી ૧૨ ઓક્ટોબર ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 05th October 2018 08:08 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા તમારે ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહીં. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણભર્યો છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ થશે. ધીરેલા અથવા તો ફસાયેલા નાણાં મળતાં રાહત થાય. નોકરિયાતો માટે આ સમય સાનુકૂળ નીવડશે. તમારા માર્ગના અવરોધો અંગે ચિંતા કરશો નહીં. આગળ વધ્યે જાવ.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા કે ઘાંઘા બનશો નહીં. આ સમય આર્થિક રીતે મધ્યમ રહે. આથી વધારાની આવક ઊભી કરવા માટે વધુ મહેનત કરવી પડશે. વળી, નવા ખર્ચાનો બોજ પણ વધશે. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય. તેથી પ્રગતિ માટે રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ અવશ્ય મેળવી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયગાળામાં મિત્રો-સ્નેહીજનોનો સાથ-સહકાર મળતાં સાનુકૂળતા વર્તાશે. આર્થિક દૃષ્ટિએ તમારી નાણાંકીય જરૂરિયાત અથવા તો અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકશો. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે. નોકરિયાતોને સ્થળાંતર, પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક આવે. ઉપરી સાથેના સંબંધો સાનુકૂળ બને. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સુખદ રીતે ઉકેલાશે. મકાન-મિલકતની બાબતો માટે ગ્રહદશા હજુ સુધારો સૂચવતી નથી. સ્થિતિ યથાવત્ રહે. જીવનસાથી સાથેના મતભેદો ઉકેલાય. લગ્ન-વિવાહના પ્રસંગો પાર પડતા જણાય.

કર્ક (ડ,હ)ઃ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે. તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. કોઇ પણ ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ હોવાથી ખર્ચાઓ માટે આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પણ પાર પડશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થાય. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થાય. નવીન તક પણ આગળ જતાં લાભ અપાવશે.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહમાં એક પ્રકારની ઉદાસીનતાનો અનુભવ થાય. તમારા વિચારો અમલમાં ન મૂકી શકાતાં ચિંતા વધે. તમારા સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થાય તે જોવું રહ્યું. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. બદલી-બઢતી શક્ય બનશે. જોકે વિરોધીના કારણે થોડીક ઘણી ચિંતા રહે. મકાન-જમીનની બાબતો અંગે સમયનો સાથ મળે નહિ. આ અંગેના કામકાજોમાં હજી ખાસ લાભ જણાતો નથી. પરિવારજનો પાછળ ઘણો ભોગ આપવો પડશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય નબળી, કાર્યરચના, મહત્ત્વની ઓળખાણથી લાભ તેમજ પ્રવાસ-પર્યટનો માટે ઘણો અનુકૂળ નીવડશે. નાણાંકીય પ્રશ્નોમાંથી યોગ્ય માર્ગ મળતો જોવા મળે. કંઈક સારી ગોઠવણ થઈ શકતા રાહત અનુભવાય. શેર-સટ્ટા દ્વારા લાભ મેળવવા લલચાશો તો નુકસાનના યોગ છે. વધારાની કમાણી કરી લેવાની ઉતાવળ કરશો નહીં. ધીરજ અને સમજપૂર્વક આગળ વધશો તો ઓછો, પરંતુ નક્કર ફાયદો થશે. નોકરિયાતોનો સામનો મુશ્કેલીઓ સાથે થાય. માનસિક અશાંતિ સર્જાય. તન-મનના આરોગ્યની પૂરતી સંભાળ લેવી રહી.

તુલા (ર,ત)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય મૂંઝવણ અને એક પ્રકારની અજંપાની ભાવનાનો બોજ સૂચવે છે. ઘણી ધીરજ દાખવવી પડશે. અકળામણ વધશે. નાણાંકીય દૃષ્ટિએ તમે જે લાભની આશા રાખો છો તે હજુ મળે તેમ લાગતો નથી. આવકનો માર્ગ મળે નહીં. શેર-સટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડે. શેરસટ્ટાથી નોકરી મેળવવાના નોકરિયાતના પ્રયત્ન ફળદાયી બનશે. વર્તમાન નોકરીના પ્રશ્નોના ઉકેલમાં સાનુકૂળતા સર્જાશે. બદલી-બઢતીના પ્રશ્નોમાં સફળતા મળે.

વૃશ્ચિક (ન,ય)ઃ સમસ્યાઓના ઉકેલ માટે આ સમય સાનુકૂળ છે. અંતરાયોને પાર કરીને સફળતા મેળવી શકશો. આર્થિક જવાબદારી કે કરજના ભારની ચિંતા હશે તો તેનો ઉકેલ મળશે. ખર્ચ અને ખરીદીઓ પર અંકુશ રાખશો તો વાંધો નહીં આવે. અટવાયેલી ઉઘરાણીના નાણાં મેળવી શકશો. નોકરિયાત વર્ગે ગુપ્ત વિરોધીઓથી સાવધ રહેવું. બદલી કે પરિવર્તનની તક ઊભી થતી જણાય. વેપારી વર્ગ માટે આ સમય મિશ્ર જણાય છે. જીવનસાથીનો સાથ-સહકાર મળે. પ્રવાસ-પર્યટન માટે ગ્રહો સાનુકૂળ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં તમારી મનોદશા વિષાદભરી રહેતી જણાશે. નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશાઓ અને બેચેનીનો અનુભવ વધુ થશે. વિના કારણ ચિંતાઓ થશે. વ્યથા વધશે. આ સમયમાં તમારી નાણાંકીય પ્રવૃત્તિઓનો વિકાસ થશે. નોકરિયાત માટે આ સમયના ગ્રહયોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીઓના વિઘ્નોને પાર પાડી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાય છે. સંપત્તિના પ્રશ્નો અંગે પરિસ્થિતિ મિશ્ર જણાશે.

મકર (ખ,જ)ઃ વિના કારણ પરિસ્થિતિ કે પ્રસંગોથી માનસિક ઉત્પાત વર્તાશે. તમારી લાગણી કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નોકરિયાતોને બઢતી આડે વિઘ્ન આડે હશે તો તે દૂર થશે. બઢતી-બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વધુ મહેનતે અલ્પ ફળ જણાય. મકાન અને મિલકતના કામકાજ માટે સમય પ્રતિકૂળ જણાય છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ ઉત્સાહજનક નીવડશે. કોઈ સાનુકૂળ તકો તથા કાર્ય સફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવી શકશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણ ભરેલી હોવા છતાં તમે કોઈ ઉકેલ મેળવીને કામ પાર પાડી શકશો. કોઈ આંચ આવે નહીં. આવકવૃદ્ધિનો માર્ગ મળી આવે. નોકરી-ધંધા માટે સમયનો સાથ મળતો જણાશે. નોકરિયાતને બદલી-બઢતી અંગેના કામકાજોનો ઉકેલ મળશે. ઉપરી વર્ગનો સાથ મેળવી શકશો. વિરોધી શત્રુની કારીગરી ફાવે નહીં. ધંધાકીય વિકાસ માટે પ્રયત્નો વધારવા પડશે. મહેનતના પ્રમાણમાં ધીમું ફળ મળે, પણ ભવિષ્યમાં તેનાથી લાભ મળે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતા આનંદ-ઉત્સાહ અનુભવશો. મનનો ઉમંગ-ઉલ્લાસ જળવાશે. મિત્રો-સ્નેહીજનોનો સાથ-સહકાર મળતા સાનુકૂળતા વર્તાશે. નાણાંકીય જરૂરિયાત કે અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકશો. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે. નોકરિયાતને સ્થળાંતર અને પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક મળશે. ઉપરી સાથેના સંબંધો સાનુકૂળ બને. આ સપ્તાહમાં વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સારી રીતે ઉકેલાશે. ગૃહજીવનમાં આનંદ મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter