તા. ૯ એપ્રિલ ૨૦૧૬ થી ૧૫ એપ્રિલ ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 06th April 2016 09:00 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય દરમિયાન કારણ વિનાની બેચેની કે ઉદાસીનો અનુભવ જણાશે. ખોટી નિરાશાઓ મનને કોરી ખાતી જણાય. તમારી મૂંઝવણ વધતી જશે. નાણાકીય દૃષ્ટિએ આવક ગમેતેટલી વધશે તો પણ તંગી નાણાભીડ જણાશે. ખર્ચા વધશે. કૌટુંબિક અને ગૃહઉપયોગી ચીજવસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ વધશે. લાભ કરતા વ્યય યોગ બળવાન છે તે ન ભૂલશો. પ્રતિકૂળતા કે અડચણોમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારની બાબતો માટે પણ પરિસ્થિતિ મૂંઝવતી જણાશે. વારસાની મકાન-સંપત્તિના પ્રશ્નો હજુ યથાવત્ રહેશે, પરંતુ સારી આશા જગાડશે. મહત્ત્વની સમસ્યાનો હલ થાય. સારી આશાઓ જન્મે એટલું જ શુભફળ.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ દરમિયાન કેટલાક અવરોધોનો સામનો કરવો પડે કેમ કે ધાર્યું પરિણામ ન આવતાં નિરાશા જણાશે. માનસિક અશાંતિ અનુભવવી પડે. એક વાત શુભ છે કે આ સમયમાં માર્ગમાં અવરોધો આવવા છતાંય આર્થિક પરિસ્થિતિ જાળવી શકશો. ખર્ચાઓની વ્યવસ્થા થતી રહે તેટલા પૂરતો આ સમય શુભ કહી શકાય. બાકી નોકરીમાં હો કે સ્વતંત્ર ધંધો કરતા હો તમારી ગણતરીઓ સફળ થાય નહિ. ભાગ્ય હજુ પણ સાથ આપતું જણાતું નથી. જોકે નિરાશ થઈને પ્રયત્નો છોડી દેશો નહિ. કસોટી થશે અને અંતે રાહત મેળવી શકશો. વાદવિવાદમાં પડવું હિતાવહ નથી. જમીન, મિલકત અંગેના નિર્ણયો ઉકેલાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારી પરિસ્થિતિ અને આસપાસનું વાતાવરણ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. તમે ઉતાવળા નિર્ણયો લેતા પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. લાંબા સમયથી અટવાયેલો લાભો મેળવી શકશો. નાણાકીય મૂંઝવણોનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે ખરા. કૌટુંબિક કાર્યો માટે ખર્ચ વધશે. નોકરિયાતો માટે આ સમયના યોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના યક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહજનક જણાશે. મકાન-મિલકતોને લગતા વિવાદો હશે તો ઉકેલાશે. જીવનસાથીની તબિયત અંગે ચિંતા જણાશે. પ્રવાસ-પર્યટન સફળ થશે. વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય છે.

કર્ક (ડ,હ)ઃ પ્રયત્નો ધીમે ધીમે સફળ બનતા જણાશે. સમય લાભકર્તા બનતા આશા-ઉમંગ વધશે. સારી તકો મળશે, જેને ઝડપી લેશો. નાણાકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. આવનારા ખર્ચાઓ માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરે કાર્યો પાર પડતા જણાશે. નોકરી અંગેની સમસ્યાઓનો ઉકેલ આવશે. ઉપરી કે અન્ય મહત્ત્વની વ્યક્તિનો સહકાર મળે. બદલી-બઢતી આડેના અંતરાય દૂર થાય. ધંધા-વેપાર ક્ષેત્રે વિકાસ વૃદ્ધિનો યોગ છે. અલબત્ત આ વિકાસ ધીમો જણાશે. જમીન-મકાનના ખરીદ-વેચાણની બાબતમાં અવરોધો હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા પૂર્ણ થાય. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાશે. તમારા જીવનસાથીનો પ્રેમ અને સાથ-સહકાર મળે. સંતાનો અંગેની ચિંતા દૂર થાય.

સિહ (મ,ટ)ઃ આ સમય દરમિયાન તમને કોઈ પણ પ્રકારની બેચેની કે અજંપાનો અનુભવ થાય. કંટાળો કે થાક વધતો જણાશે. લાગણીઓના ઘોડાઓને કાબૂમાં રાખજો. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આવક કરતાં જાવક ખર્ચ વધશે. પરિણામે આર્થિક સંકડામણ સાથેના માર્ગો વિચારી લેવા પડશે. વિશ્વાસે નાણા મળવાની આશા રાખશો નહિ. તમારા જમીન, મકાન કે સંપત્તિના લગતા કામકાજોમાં પણ ધારી સાનુકૂળતા જોવા મળે નહીં. ખર્ચ અને ચિંતા વધશે. કોર્ટ-કચેરીના આંગણે રહેલા પ્રશ્નો ઉકેલાય અને સાનુકૂળતા જોવાશે. દામ્પત્યજીવન નજીવા મતભેદો સિવાય એકંદરે સારું રહેશે. પ્રવાસમાં વિઘ્નો કે તકલીફનો યોગ છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ મનોવ્યથા અને બેચેની વધે તેવા પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરાશે. નકારાત્મક અને આવેગાત્મક વલણને વધવા દેશો તો તાણ વધશે. નાણાંકીય જરૂરિયાતો માટે જોઈતા નાણા મળવામાં આવરોધ વધશે. આવક કરતાં ખર્ચ અને ચૂકવણીનો બોજ વધુ રહેતા ચિંતામાં આ સમય પસાર થશે. સરકારી નોકરિયાતોને આ સમયમાં જોઈતી સફળતા મળવામાં વિઘ્ન જણાશે. ઉપરી સાથે ઘર્ષણ-દલીલના પ્રસંગો આવે. બઢતીમાં અવરોધ નડે. વેપાર-ધંધાના ક્ષેત્રો પણ પરિસ્થિતિ પ્રતિકૂળતા ભરી જણાશે. મકાન-મિલકતના કામકાજોમાં પ્રગતિ થાય. સફળતા અને પ્રગતિ જોવાશે. સગા-સ્નેહીના કારણે લાગણી દુભાશે. જીવનસાથી સાથે વિવાદ વધે તેવા યોગો છે. પ્રવાસ સફળ અને મજાનો નીવડે.

તુલા (ર,ત)ઃ જાહેર કે સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે વાતાવરણ સાનુકૂળ બનતું જોવાશે. તમારા મહત્ત્વના કામકાજોમાં વિકાસ થાય. આ સમયમાં ઉત્સાહ અને આશાપ્રેરક સંજોગો ઉભા થાય. તમારી આર્થિક તકલીફોનો સારો ઉકેલ મેળવી શકશો. વધારાની પણ આવક ઊભી કરી શકશો. નવા મૂડીરોકાણ લાભકારક બનશે. તમારી મૂંઝવણો દૂર થતી જણાય. મદદરૂપ વ્યક્તિનો સાથ મળે. ધંધાકીય નવરચના અને વૃદ્ધિનો માર્ગ ખૂલશે. મકાન-મિલકતોની બાબત માટે સમય ચિંતા-બોજો સૂચવે છે. વધુ પ્રયત્ને આવા કાર્યોમાં સફળતા મળશે. કૌટુંબિક મિલકતોના વિવાદોમાં સમાધાન થઈ શકે. મકાન બદલવાની ઇચ્છા આડે વિઘ્ન આવે. સંતાન અંગે ચિંતા દૂર થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે માનસિક ચિંતા અને ટેન્શનનો અનુભવ થાય. ધાર્યું થવામાં અવરોધ આવતાં સ્વસ્થતા રહેશે નહીં. અકળામણ વધે નહીં તેની કાળજી લેવી. આર્થિક કામગીરીમાં હજી વિલંબથી ફળ મળે. હાથ ભીડમાં રહેતો જણાય. નોકરિયાત વર્ગને સાનુકૂળતા અને સફળતાની તક મળશે. ઉપરી સાથેની સંવાદિતા લાભકારક પુરવાર થાય. શત્રુઓ પાછા પડશે. ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળતા નીવડશે. આમ વ્યવસાયિક દૃષ્ટિએ ગ્રહો સાનુકૂળ બનશે. મકાન-જમીન વગેરેના પ્રશ્નો ચિંતા રખાવશે. આ અંગેના કામકાજોમાં હજુ વિલંબ થતો જણાય. અકારણ વિખવાદના પ્રસંગો ઊભા થાય. સંપત્તિ પાછળ ખર્ચ વધતો જણાય.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારા પર નવા કામકાજ તથા નવી જવાબદારીનો બોજ વધશે. મન અશાંત રહેશે. શક્ય તેટલા હળવા રહેવાના પ્રયત્ન કરજો. આર્થિક રીતે આ સમય કટોકટીભર્યો જણાય છે. આવકના પ્રમાણમાં ખર્ચા વધશે. ચૂકવણી તથા જવાબદારી વધે તેમ હોવાથી ગણતરીપૂર્વક ચાલવાની સલાહ છે. નોકરિયાત વર્ગને કોઈ પ્રશ્નો હશે તો હલ થાય. અલબત્, સંજોગો યથાવત્ રહે. નવી વ્યાવસાયિક તકો મળશે. જો સમયસર કામ હાથ ધરશો તો જરૂર ફતેહ મળશે. ગૃહજીવનમાં ખોટી ગેરસમજ વધી ન જાય તે જોવું. સંતાનોના પ્રશ્નો ઉકેલી શકશો. તેમની પ્રગતિ થતી જોઈ શકશો. ભાગીદારો સાથે મનમેળ સાધી શકાય.

મકર (ખ,જ)ઃ આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પાડતા આનંદ અનુભવશો. મનની સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીઓનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આવકવૃદ્ધિ થતાં કે કોઈ જૂનો લાભ મળતાં સમય રાહતો આપતો પુરવાર થશે. તમારા માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા રહે છે. તમારા કામ પૂરતા નાણાં મળવાના યોગો છે. શેરસટ્ટાથી લાભ નથી. નોકરિયાતો માટે સમય મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશે તો મળવાની આશા છે. વિરોધીઓ ફાવશે નહિ. નવી નોકરી મેળવવાના પ્રયત્નો ફળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જોવાશે. મિલકતના કામકાજોમાં સાનુકૂળતા વધે. સામાજિક ક્ષેત્રે તમારા કાર્ય સફળ થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. લાભદાયી તકો મળતા ઉત્સાહ વધશે. ખર્ચાઓ અને અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાની જોગવાઈ થઈ શકશે. એકાદ-બે સ્થાને લાભની આશા ફળતી જણાશે. એકંદરે ચિંતાનો બોજ હળવો થતો જણાય. નોકરિયાતોની અંગત સમસ્યાઓ હલ થાય. નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. પ્રગતિકારક સ્થાન મેળવી શકશો. ધંધાકીય ક્ષેત્રે કોઈ મહત્ત્વની સફળતા મેળવશો. જમીન-મકાનની લે-વેચના કામકાજોમાં રુકાવટ કે અવરોધ જણાશે. તમે ધારો છો તે કામ પાર પડે નહિ.

મીન (દ,ચ,ઝ,થ)ઃ અગત્યના પ્રશ્નોના નિકાલ માટે સાનુકૂળ સંજોગો સર્જાતા તમારી સક્રિયતા અને ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચના થાય. વિકાસની તકો આવશે તે ઝડપી લેજો. આ સમય એકંદરે નાણાંકીય દૃષ્ટિએ સુધારો સૂચવે છે. અટવાયેલા નાણાં મેળવવા વધુ પ્રયત્ન બનજો. આવક ઊભી થવા સામે ચૂકવણીઓ પણ વધશે. નોકરિયાતો માટે આ સમય વધુ પ્રોત્સાહક નીવડશે. તમારા કાર્ય અંગે પ્રશંસા મળે. વિરોધીઓનાં હાથ હેઠાં પડતાં માનસિક શાંતિ અનુભવશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિકાસ વૃદ્ધિ અને લાભના યોગો જણાય છે. મિલકતના કામકાજોમાં પ્રગતિ થાય. મકાનના સ્થળાંતરના પ્રયત્નો સફળ થતા જણાય. કુટુંબકલેશ કે નજીકના સ્વજનથી વૈચારિક મતભેદના પ્રસંગો નિવારવા જરૂરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter