તા. ૯ જાન્યુઆરી ૨૦૨૧થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 08th January 2021 05:29 EST
 
 

મેષ (અ,લ,ઇ)ઃ ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મળતાં તેમજ નવીન કાર્યવાહી થકી પ્રગતિકારક અને આશાસ્પદ પરિસ્થિતિ સર્જાતા તમારો ઉત્સાહ વધે. ચિંતાઓનો બોજ હળવો થાય. તમારે આર્થિક બાબતો પર વધુ ધ્યાન આપવું પડશે. જરૂરી ખર્ચા ઉપર અંકુશ રાખવો અનિવાર્ય બનશે. નોકરિયાતને અટવાયેલા કાર્યો પૂર્ણ થતાં પ્રશંસા થાય. વિદ્યાર્થી વર્ગ માટે પણ સમયની સાનુકૂળતા સારી છે. એડમિશન વગેરેના કામકાજોમાં સફળતા મળે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક પરિસ્થિતિમાંથી બહાર આવવા માટેના તમારા પ્રયત્નો સફળ થાય. પ્રાથમિકતાઓ નક્કી કરી આગળ વધશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. પરિવાર અને આર્થિક જવાબદારીઓ સતત ધ્યાન માંગી લેશે. નોકરિયાત વર્ગ નવી શરૂઆતો તેમજ કાર્યવૃદ્ધિ થકી લાભ મેળવી શકશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ નવા સાહસ કરી શકશો. મકાન-મિલકત સંબંધિત બાબતોનો ઉકેલ આવે. દામ્પત્યજીવનમાં જો જીવનસાથીનો વિયોગ હોય તો મિલન થાય. સુખમય સમય વ્યતીત થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયના યોગો સારી ભૂમિકા અને પ્રગતિનો માર્ગ સર્જી આપશે. સફળતાઓ તમારા કદમ ચૂમશે. આર્થિક પરિસ્થિતિ પણ સુધરશે. ધંધાકીય ક્ષેત્રમાં ભાગીદારી કરતાં પહેલાં ખૂબ વિચારશો. નોકરિયાતો વર્ગને નવી નવી તકો હાથ લાગે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત થાય. ઇમિગ્રેશન-વિઝાના અટવાયેલા કાર્યમાં આશાનું કિરણ પ્રાપ્ત થાય. આરોગ્ય બાબતે થોડી કાળજી માંગી લેશે. માંગલિક પ્રસંગો સર્જાય. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ચિંતા રખાવે.

કર્ક (ડ,હ)ઃ આપના પ્રયત્નો સફળ થાય, જેનાં કારણે વધુ મહેનત કરવા માટે સક્રિય બનશો. ગમેતેવા સંજોગોમાં પણ સૂઝબૂઝ થકી કાર્ય કરવાની ટેવ કામ લાગે. ધંધાકીય ક્ષેત્રમાં નવા ધીરધાર - મૂડીરોકાણ થઈ શકે. જવાબદારીનો બોજો વધે. કૌટુંબિક અને વ્યાવસાયિક કાર્યોમાં બેલેન્સ જાળવી રાખવું મુશ્કેલ બને. આમ છતાં કોઈને કોઈ વચલો માર્ગ શોધી શકશો. નોકરિયાત વર્ગને બદલી - બઢતીના ચાન્સીસ રહેશે. વિદ્યાર્થીઓને મહેનત છતાં પરિણામમાં અસર દેખાય નહીં. સંતાનોની લગ્નવિષયક બાબતોમાં આગળ કાર્યવાહી થાય.

સિંહ (મ,ટ)ઃ સાહસિક પ્રવૃત્તિઓ અને વિચારોના વમળ વચ્ચે કળ અને ધીરજથી કામ લેશો તો ઇચ્છિત પ્રગતિ પ્રાપ્ત કરી શકાય. આવકની દૃષ્ટિએ જાવક પણ એવી જ રહેશે. સમજીવિચારીને આગળ વધવું. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં થોડીક વધુ મહેનત અને અથાગ પ્રયત્નો થકી સફળતા પ્રાપ્ત કરી શકાય. અટકેલા કોર્ટ-કચેરીના કાર્યોમાં થોડોક વિલંબ જરૂર થાય, પણ પાર પડશે. વિદ્યાર્થીઓને સારા સમાચાર પ્રાપ્ત થાય. આરોગ્ય બાબતે નજીવી તકલીફ સહન કરવી પડે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આંતરિક શાંતિને કારણે વ્યવસાય અને સામાજિક કાર્યોમાં મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. જેના કારણે પ્રસિદ્ધિ અને સફળતા પણ મેળવી શકશો. નવા ક્ષેત્રમાં ઝપલાવવાની ઇચ્છાઓ પૂર્ણ થાય. નોકરીના ક્ષેત્રમાં સ્થાનફેર થઈ શકે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેના યોગો બળવાન બનશે. સંતાનોના લગ્ન બાબતે ચિંતા રહેશે. જોકે એ કામચલાઉ રહેશે. પ્રવાસ-પર્યટન શક્ય બને.

તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન કેટલીક સમસ્યાઓ એવી આવશે કે જેના ઉકેલ માટે આપને ખૂબ મહેનત કરવી પડે. હાર માનશો નહીં. જોકે આર્થિક દૃષ્ટિએ સમય ખૂબ સારો છે. અટવાયેલા નાણાં પરત આવશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રોમાં પણ પ્રગતિકારક તક ઝડપી લેશો તો સફળતા અચૂક મેળવશો. માતા-પિતાના આરોગ્યના પ્રશ્નો થોડીક માનસિક બેચેનીનો અનુભવ કરાવે. મિત્રોના સહકાર થકી આપ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશો. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. સારા પરિણામ મેળવી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ ઇચ્છિત કાર્યોની પૂર્તતા માનસિક શાંતિ અને સંતોષ અપાવશે. આ સમયમાં કોઈ અંગત વ્યક્તિની મદદ દ્વારા ધંધાકીય ક્ષેત્રમાં ઝંપલાવશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી થકી લાભ થવાના ચાન્સિસ રહેશે. પ્રવાસ-પર્યટન, ધાર્મિક સ્થળોની મુલાકાત શક્ય બને. વિદ્યાર્થી વર્ગ માટે થોડીક વધુ મહેનત અને પુરુષાર્થ જરૂરી છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય દરમિયાન જોમ-જુસ્સો અને આનંદનો અનુભવ કરી શકશો. વ્યવસાયિક કાર્યોના ક્ષેત્રે પ્રગતિ પણ સાધી શકશો. નવા મૂડીરોકાણ માટે હજી સમયની સાનુકૂળતા નથી. નોકરિયાત વર્ગને સહકર્મચારીઓ સાથેના સંબંધોને કારણે લાભ થાય. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. નવી મિત્રતા બંધાય. વિદ્યાર્થી વર્ગને શુભ સમાચાર મળે. વિદેશ ભણવા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓની ઇચ્છાઓ પૂર્ણ થાય. પ્રવાસ-પર્યટનથી ખુશી - આનંદ પ્રાપ્ત કરી શકશો.

મકર (ખ,જ)ઃ આ સપ્તાહે ફક્ત આર્થિક લાભોને ધ્યાનમાં ન લેતાં આધ્યાત્મિક તેમજ નૈતિક મૂલ્યોને લક્ષ્યમાં રાખી કામગીરી કરશો તો સફળતા મેળવી શકશો. જેના કારણે માનસિક શાંતિનો અનુભવ કરી શકશો. કૌટુંબિક જવાબદારીનું ભારણ આપના શિરે રહેશે. કુટુંબમાં માંગલિક પ્રસંગો ઉજવાય. નોકરીના ક્ષેત્રમાં નહિવત્ ફેરફારો થકી થોડીક વિશેષ જવાબદારીઓ આવી પડશે. સંતાનોના અભ્યાસને કારણે સ્થાનફેર કરવાના ચાન્સિસ રહેશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ ઉદાર સ્વભાવ અનેક કાર્યોની પૂર્તા માટે મદદરૂપ બની રહેશે. ભૂતકાળમાં કરેલા કાર્યોની અહીં નોંધ લેવાય. નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં ધારેલી સફળતાઓ પ્રાપ્ત થાય. વ્યવસાયને કારણે અવારનવાર વિદેશ પ્રવાસો પણ કરવા પડે. આપના આરોગ્ય વિશે ખાસ કાળજી રાખશો. ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકશો. સંપત્તિના પ્રશ્નોનો હલ આવે. વિદ્યાર્થીઓને નવી તકો પ્રાપ્ત થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તાણના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાઓને કારણે મનની શાંતિ ગુમાવી બેસશો. શંકા અને ચિંતાઓને છોડી કાર્યમાં મન પરોવેલું રાખશો તો નુકસાની ટાળી શકશો. નોકરિયાત વર્ગને અહીંયા સારી જગ્યાઓ પર બઢતી મળે. ધંધાકીય ક્ષેત્રમાં સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય. તમારા જીવનસાથીના સહકાર થકી એ પરિસ્થિતિનો લાભ ઉઠાવી શકશો. વિદ્યાર્થીઓ માટે ધાર્યા પરિણામ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરવા પડશે. આરોગ્યની દૃષ્ટિએ સામાન્ય તકલીફ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter