તા. ૨૧-૩-૨૦૧૫ થી તા. ૨૭-૩-૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 18th March 2015 08:23 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ પૂર્વનિર્ધારિત પ્રવૃત્તિઓનો વિકાસ થશે. બૌદ્ધિક અને યોજનાલક્ષી કામગીરીમાં સફળ થશો. માનસિક ઉત્સાહ અનુભવશો. ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. નોકરિયાતો માટે આ સમય કામકાજનો બોજ વધારનારો તેમ જ હરીફ અને કર્મચારીઓ સાથે મતભેદ વધારનારો સમય છે. ધાર્યું ફળ મળે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે વિઘ્નો વધુ જણાશે. મકાન-સંપત્તિને લગતા પ્રશ્નો હજુ યથાવત્ રહેતા જણાશે. કોર્ટ-કચેરીના આંગણે રહેલા દાવાઓ જૈસે થે રહે. મિલકતની લે-વેચના કાર્યોમાં ફાયદાકારક સમય નથી.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં અકળામણ, બેચેની વધતાં જણાશે. માનસિક તાણનો ભોગ બનશો. નાણાકીય લેવડદેવડ માટે સમય સાનુકૂળ ન હોવાથી ધારી આવક કે પૂરો લાભ મળે નહીં. નવા વધારાના ખર્ચા ઊભા થતાં આવક તેમાં ખર્ચાઈ જશે. નોકરી-ધંધાની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. ખાસ કોઈ ચિંતા જણાતી નથી. સહયોગીનો સાથ મળશે. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ સારી તકો ઊભી કરી શકશો. મિલકત અંગેની કાર્યવાહીઓમાં અવરોધ જણાય. કાર્ય ઉકેલાશે નહીં.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહના સંજોગો તમારામાં નવીન ઉત્સાહ રેડવાનું કાર્ય કરશે. આશંકાઓ ખોટી પડશે. વિકાસની તકો ઊભી થતી જણાશે. અગત્યના કામકાજોમાં પ્રગતિ થતાં બોજો હળવો બનશે. આ સમયમાં નાણાકીય બાબતો મધ્યમ રહેતી જણાશે. સંકડામણનો પણ અનુભવ થશે. ધીરધાર કરવી નહીં. તમારા નોકરી-ધંધાના ક્ષેત્રે કેટલાક મહત્ત્વના ફેરફારોના સંજોગો નિર્માણ થશે. ધાર્યા લાભ મેળવવા વધુ પ્રયત્નો ફળદાયી બનવું જરૂરી છે. ધંધા-વેપારના વિકાસની તક મળશે. નોકરિયાતને અંગત સમસ્યાઓનો ઉકેલ મળી આવશે.

કર્ક (ડ,હ)ઃ આ સમય ઉતાવળા નિર્ણયો ન લેવાની સલાહ છે. સમય અનુસાર વર્તશો તો પરિસ્થિતિ કથળતી અટકશે. તમારી આસપાસની સ્થિતિ મનોસંઘર્ષ પેદા કશે. નાણાકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ યા તકેદારી માગી લે તેવો સમય છે. કૌટુંબિક ખર્ચ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પરનો આર્થિક બોજો વધે તેવા યોગ છે. હજુ સંતોષકારક સ્થિતિ થવામાં વિલંબ જણાશે. ઉઘરાણી કે અન્ય અટવાયેલા નાણાં મેળવતાં થોડીઘણી રાહત વધશે. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો.

સિંહ (મ,ટ)ઃ મનને સક્રિય રાખશો તો તમે વધુ નિરાશામાંથી ઊગરી શકશો. આર્થિક આયોજન વ્યવસ્થિત કરશો તો નાણાકીય મુશ્કેલી વર્તાશે નહીં. આવકવૃદ્ધિ થાય, પણ બચતના યોગ નથી. અગત્યના નાણાકીય કામો પાર પાડી શકશો. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોવું જરૂરી છે. ગાફેલ રહેશો તો તક ગુમાવશો. નોકરીમાં સ્થળાંતરનો યોગ પ્રબળ છે. વિરોધીની ચાલબાજીથી સાબદા રહેજો. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પાડતાં આનંદ મળશે. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીઓનો સાથ-સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આ સમયમાં આવકવૃદ્ધિ થશે. જોકે શેર-સટ્ટાથી લાભ નથી. નોકરિયાત માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર નીવડશે. લાભ અટક્યો હશે તો મળશે. વિરોધીઓ ફાવશે નહીં. નવી નોકરી મેળવવાના પ્રયાસ ફળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જોવાશે. મિલકતના કામકાજ આગળ વધે. કોર્ટ-કચેરીના પ્રશ્ન ઉકેલાશે.

તુલા (ર,ત)ઃ તમારી પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. નાણાકીય દૃષ્ટિએ તમારી પરિસ્થિતિ અગાઉ કરતાં પણ વધુને વધુ સમસ્યાઓ સૂચવે છે. દેવું કે કરજ વધારશો નહીં. નાણાંની પ્રાપ્તિનો માર્ગ હવે અવરોધાતો જણાશે. ખર્ચ અને જવાબદારી વધારવા પર અંકુશ રાખજો. નોકરીના ક્ષેત્રે હાથમાં આવેલી તક ગુમાવવી ન પડે તે જોવું જરૂરી છે. વિરોધીઓ અને સહકર્મચારીની ચાલથી સાવધ રહેજો. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ લાગણીઓના ઘોડાપૂરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ-વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો જ ધારી સમસ્યાઓ આપોઆપ ઉકેલાશે. મુશ્કેલીઓને તમે કુનેહપૂર્વક પાર કરી શકશો. નાણાકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. આવનાર ખર્ચ માટેની જોગવાઈ કરી શકશો. લોન અને કરજ જેવા કાર્યો પાર પડતાં જણાય. નોકરિયાતો માટે આ સમય માનસિક વ્યથા સૂચવે છે. નજર સામે દેખાતા લાભ અટવાય. વેપાર-ધંધામાં ભાગીદાર સાથે મતભેદ જણાય.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કાર્યબોજમાં વધારો અને પૂર્વ નિર્ધારિત યોજનામાં જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતાં માનસિક અસ્વસ્થતા અને તાણ વધશે. કેટલાક અવરોધાયેલા લાભ મેળવવાના પ્રયત્નો સફળ થશે. જૂનું લેણું મળશે. હવે તમારે આર્થિક બાબતોને વધુ વ્યવસ્થિત રાખવાની જરૂર સમજવી પડશે. ખર્ચ અને અંકુશ રાખવો જરૂરી બનશે. નોકરિયાતો માટે આ સમય કામકાજોનો બોજો વધારનાર છે. હરીફ અને કર્મચારીઓ સાથે મતભેદ વધશે. ધંધા-વેપારમાં ધાર્યો લાભ મળે નહીં. વિઘ્નો જણાશે.

મકર (ખ,જ)ઃ માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગી જશો નહીં. બલકે તમારો પુરુષાર્થ જારી રાખશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. ચિંતિત થવાને કારણ નથી. આ સમયમાં તમારી આવક અને ખર્ચની સમતુલા ખોરવાશે. ધાર્યા લાભ મળવામાં હજુ અવરોધ જણાશે. વિશ્વાસ અને હાનિના પ્રસંગથી સાવધ રહેજો. આર્થિક પરિસ્થિતિ મૂંઝવણકારક બનશે. નોકરિયાતને કામનો બોજો વધશે. ઘર-જમીન કે સંપત્તિના મામલામાં ગ્રહયોગો મદદરૂપ થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં અંગત કારણસર અજંપો કે બેચેનીનો અનુભવ કરાવનાર વાતાવરણ જણાશે. ધાર્યું ન થવાથી નિરાશા વધશે. ગૃહજીવનને લગતા ખર્ચાઓનું પ્રમાણ વિશેષ રહેતા તમે ચાહો છો તેવી બચત શક્ય બનશે નહીં. નવીન મૂડીરોકાણ હવે સમજીવિચારીને કરવું પડશે. આવકવૃદ્ધિના તમારા પ્રયાસો પૂર્ણ સફળ થવાના યોગ નથી. આર્થિક આયોજન સમજીવિચારને કરવું જરૂરી છે. નોકરિયાતને આ સમયમાં કેટલીક પ્રતિકૂળતાના કારણે માનસિક અસ્વસ્થતા રહેશે. ધંધા-વેપારમાં ધાર્યું કશું થાય નહીં. અવરોધો વધતાં જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં એક પ્રકારની નિરાશા વર્તાશે. આવક કરતાં જરૂરિયાત અને ચૂકવણી વધુ રહેતા નાણાકીય સંજોગો જરા વધુ મુશ્કેલીભર્યા બનશે. ઉઘારણી તરફ વધુ ધ્યાન આપવું જરૂરી છે. નોકિરયાતો માટે સમય પ્રગતિકારક બનશે. તમારા વિરોધીઓની ચાલ નિષ્ફળ જશે. ગેરસમજો દૂર થશે. ધંધા-વેપારમાં વિકાસવૃદ્ધિ જણાશે. પ્રશ્નો હલ થતાં જણાશે. જમીન કે મકાનના કોઈ પ્રશ્નો અટક્યા હશે તો તે પાર પાડી શકશો. આ મિત્રો-સ્વજનોની મદદ ઉપયોગી બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter