અમારું ‘સરકારી’ ક્રિકેટ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 23rd September 2015 06:36 EDT
 
 

આઇપીએલના શહેનશાહ એવા લલિત મોદીને સંઘરીને બેઠેલા દેશમાં રહેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં તમામ ક્રિકેટ-કૌભાંડની મજા લેતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

તાજેતરમાં કોઈ પ્રધાનશ્રીએ જાહેરાત કરી છે કે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડોની બદી દૂર કરવા માટે હવે સરકાર પોતે જ ક્રિકેટનો વહીવટ હાથમાં લઈ લેશે! લો, બોલો! જ્યારે ક્રિકેટ ‘સરકારી’ થઈ જશે ત્યારે કેવા દહાડા આવશે તેની કલ્પના કરો...

મેચની ટિકિટ

ક્રિકેટ મેચની ટિકિટો શહેરના છેડે આવેલા સ્ટેડિયમ સિવાય ક્યાંય મળતી જ ન હોય! તમે છેક ત્યાં સુધી લાંબા થઈને પહોંચો તો તમને દોઢ કિલોમીટર લાંબી લાઈનનાં દર્શન થાય! (ટિકિટબારી તો એક જ હોયને? સરકાર પાસે સ્ટાફ જ ક્યાં છે?)

ઝખ મારીને તમે લાઈનમાં ઊભો રહો અને બે કલાકે તમારો નંબર આવે ત્યારે તમે સો-સોની દસ નોટો ટિકિટબારીના બાકોરામાં ઘૂસેડીને બોલો કે, ‘દસ ટિકિટ સાહેબ!’

એટલે તરત જ બુકિંગ ક્લાર્ક કહેશે, ‘અને સોગંદનામું?’

‘શેનું સોગંદનામું?’ તમે ચોંકવાના.

‘લો, ખબર નથી? શું જોઈને સરકારી મેચો જોવા હાલી નીકળતા હશો.’ ક્લાર્ક અકળાઈને કહેશે, ‘ભઈ, સોંગદનામાનું તૈયાર ફોર્મ મળે છે. માધુપુરા માર્કેટની પાછળ. ભરીને લાવવું જોઈએ ને?’

‘અરે પણ શેના સોગંદ ખાવાના?’

‘શેના તે? સોગંદનામામાં બધું લખેલું જ છે કે હું એક સીધોસાદો પ્રેક્ષક છું અને પ્રેક્ષક સિવાય બીજું કંઈ જ નથી. મારે કોઈ બુકી સાથે કે બુકીના સંબંધી સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી. હું ચાલુ મેચ દરમિયાન, પહેલાં કે પછી કોઈ ખેલાડીને મળ્યો નથી, મળવાનો નથી અને મળવાનો પ્રયત્ન પણ કરવાનો નથી. હું મેચના પરિણામ પર અસર કરે તેવી કોઈ હરકત નહિ કરું તથા મેચના પરિણામ વિશે કોઈ આગાહી, અટકળ, વર્તારો કે ભવિષ્યવાણી નહિ કરું. મેં આ મેચ ઉપર કે મેચના કોઈ ખેલાડી પર કે મેચની કોઈ ખાસ પરિસ્થિતિ ઉપર કોઈ શરત લગાડી નથી અને લગાડીશ પણ નહીં. હું સ્ટેડિયમમાં શિસ્તબદ્ધ રીતે બેસીશ તથા કોઈને ખલેલ પડે તે રીતે -’

બિચારો બુકિંગ ક્લાર્ક તો તમને બે પાનાંનું આખેઆખું સોગંદનામું વાંચી સંભળાવવાનાં મૂડમાં હોય પણ પાછળની પબ્લિકનો દેકારો સાંભળીને તે ટૂંકમાં કહેશે, ‘સોગંદનામા જોડે બે સિક્યોરિટી ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ લાવવાનાં છે!’

‘હેં? બે સર્ટિફિકેટ?’

‘હા. એક ટિકિટ લેતા પહેલાં અને એક ટિકિટ લીધા પછી. પહેલાવાળું તમને કોઈ પણ પોલીસ સ્ટેશનમાં, ત્રણ દિવસ પહેલાં અરજી આપો એટલે મળી જાય અને પછીવાળું અહીં સ્ટેડિયમના સિક્યોરિટી ઓફિસર પાસેથી મેચના દિવસે લેવું પડશે!’

‘બા...પરે! તો તો એમાંય લાઈન હશે.’

‘હાસ્તો, શું થાય? મેચ શરૂઆતથી જોવી હોય તો ત્રણ કલાક વહેલા આવવું પડે!’ ક્લાર્ક માહિતી આપશે, ‘અને હા, આધારકાર્ડ લેતા આવજો પાછા!’

‘એમાં પાછું આધારકાર્ડ શેનું?’

‘અરે ભઈ? તમે આ જ શહેરના અને આ જ રાજ્યના છો એનો પુરાવો તો જોઈએ કે નહિ? બીજા બહારના લોકો આઈને મેચ જોઈ જાય એ તો ના જ ચાલે ને?’

આખરે કપાળ કૂટીને તમે પાછા ફરો. માધુપુરા જઈને પાંચ-પાંચ રૂપિયા ભરીને સોગંદનામાંના દસ ફોર્મ લઈ આવો. પોલીસ સ્ટેશનોમાં અરજીઓ કરીને બે-ચાર ધક્કે સિક્યોરિટી સર્ટિફિકેટ મેળવો. દસે દસ જણનાં આધારકાર્ડ ઊઘરાવો અને ફરી પેલા સ્ટેડિયમ સુધી લાંબા થઈને, ફરી એ જ દોઢ કિલોમીટર લાંબી લાઈનમાં ઊભા રહીને, બરાબર બે કલાકની તપસ્યા પછી એ જ ટિકિટબારીના ગોખલામાં સો-સોની દસ નોટો ધરીને કહો કે ‘દસ ટિકિટ સાહેબ!’

તો તરત અંદરથી જવાબ આવશે, ‘અરે યાર, રોકડા ક્યાં આપો છો? આ તો ચેકની લાઈન છે!’

તમે બઘવાઈને પૂછો કે, ‘તો પછી રોકડાની લાઈન ક્યાં છે?’

‘સ્ટેડિયમના પેલા છેડે!!’

સિલેકશન કમિટીની પુનર્રચના

દૂરદર્શનની સ્પોર્ટસ ચેનલ ઉપર પ્રધાનશ્રીનો ઈન્ટરવ્યુ ચાલતો હશે. ‘નવી સિલેકશન કમિટીની પુનર્રચના થઈ રહી છે તે બાબતે પ્રેક્ષકોને માહિતી આપશો?’ ઈન્ટરવ્યુ લેનાર સરકારી સવાલ પૂછશે.

પ્રધાનશ્રી લાંબોલચક જવાબ આપશે, ‘હા. નવી સિલેકશન કમિટીમાં ભારતના તમામ વિસ્તારોનું યોગ્ય પ્રતિનિધત્વ થઈ શકે તે માટે અમે તબક્કાવાર પ્રતિનિધિત્વની પદ્ધતિ ઘડી કાઢી છે. જેમાં દરેક જિલ્લામાં બનેલી ક્રિકેટ વિકાસ મંડળીના સભ્યો તેમના એક ચેરમેનની ચૂંટણી કરશે, પછી આ મંડળી ચેરમેનો તેમના જિલ્લાના આશાસ્પદ ખેલાડીઓની યાદીમાં સુપ્રત કરશે. દર દસ મંડળીએ એક નાયબ પ્રતિનિધિની નિમણૂંક થઈ હશે. તે નાયબ પ્રતિનિધિ ૧૦૦ ખેલાડીઓની યાદીમાંથી ૧૦ ખેલાડીઓની પસંદગી કરીને તેની ઉપરના પેટા પ્રતિનિધિને તે યાદી મોકલશે. આખા દેશમાં આવા ૭૬૯૮ પેટા પ્રતિનિધિઓ હશે. તેઓ દર ૧૦૦ પેટા પ્રતિનિધિએ એક મુખ્ય પ્રતિનિધિ ચૂંટી કાઢશે. એટલે આવા કુલ ૭૬.૯ પ્રતિનિધિઓ સિલેકશન કમિટીમાં હશે. જેઓ-’

‘એક મિનિટ સાહેબ,’ ઈન્ટરવ્યુ લેનાર પૂછશે, ‘આપણી સિલેકશન કમિટીમાં તો કુલ ૧૦૧ સભ્યો છે. તો પછી -’

‘એ જ સમજાવું છું...’ પ્રધાનશ્રી સ્મિત કરતાં કહેશે, ‘બાકીના ૨૩.૧ સભ્યોની નિમણૂક કેન્દ્રના ક્રિકેટખાતા દ્વારા સીધે સીધી કરવામાં આવશે. આ દરેક સભ્યો વધુમાં વધુ ૨૦ ખેલાડીઓનાં નામોની ભલામણ કરી શકશે. આમ ૧૦૧ સભ્યોની વિશાળ સિલેકશન કમિટી પાસે ભારતની શ્રેષ્ઠ ક્રિકેટ ટીમ ચૂંટી કાઢવા માટે કુલ ૧૨,૫૧૮ આશાસ્પદ ખેલાડીઓના વિકલ્પો ખુલ્લા રહેશે!’

‘અચ્છા, અચ્છા, અચ્છા!’ ઇન્ટરવ્યુ લેનાર સંતોષ વ્યક્ત કરતાં પૂછશે, ‘એટલે ભારતીય ક્રિકેટ ટીમના ૧૪ સભ્યોની પસંદગી માટે-’

‘૧૪ સભ્યો?’ શ્રીમાન ઢીંડસા તરત જ તેમની વાત કાપતાં કહેશે, ‘૧૪ સભ્યોની ટીમના જમાના ગયા! હવેથી ભારતની ક્રિકેટ ટીમમાં ૧૨૫ ખેલાડીઓ હશે!’

‘અરે પણ-’ ઈન્ટરવ્યુ લેનારો મૂંઝાઈને પૂછશે ‘મેદાનમાં તો ફક્ત ૧૧ ખેલાડીઓ જ રમતા હોય છે તો પછી-’

‘સમજાવું...’ પ્રધાનશ્રી ફરી સ્મિત કરીને કહેશે, ‘જુઓ, પ્રધાનમંડળ ભલે ૬૫ જણનું હોય પણ કામ તો ખાલી પાંચ જ જણ કરતાં હોય છે ને? આમાં પણ એવું જ છે!’

ક્રિકેટ ટીમનું વિસ્તૃતીકરણ

તમને થશે કે અલ્યા, આ ૧૨૫ ખેલાડીઓની ટીમમાં બધા કરશે શું? તો એ બાબતે હજી બહુ સ્પષ્ટતા નથી, પરંતુ બધા ખેલાડીઓને કોઈને કોઈ હોદ્દો જરૂર મળી જશે!

જેમ કે, ટીમમાં ચાર કેપ્ટનો હશે. એક બોલિંગ વિભાગના કપ્તાન, બીજા બેટિંગ વિભાગના કપ્તાન, ત્રીજા ફિલ્ડિંગ વિભાગના કપ્તાન અને ચોથા નીતિવિષયક બાબતોના કપ્તાન! આ ઉપરાંત દરેક વિભાગમાં ચાર-ચાર ઉપ-કપ્તાનો પણ હશે! ફિલ્ડિંગ વિભાગના ચાર ઉપ-કપ્તાન આખા મેદાનને ચાર ભાગમાં વહેંચી કાઢશે અને ભલે પોતે છેવટની ‘ઈલેવન’માં હોય કે ન હોય, તેમના ભાગનાં એકચતુર્થાંશ મેદાનમાં ફિલ્ડિંગ બાબતમાં ફેરફારો તેમની મંજૂરી વિના નહિ થઈ શકે!

આ જ રીતે મુખ્ય વિકેટકીપરો હશે, નાયબ વિકેટકીપરો હશે, રાજ્યકક્ષાના વિકેટકીપરો તથા રાજ્યકક્ષાના નાયબ-વિકેટકીપરો હશે! અને જો કોઈ ખેલાડી ભારતીય ક્રિકેટના વિકાસાર્થે વિદેશપ્રવાસે ગયા હશે તો તેમના સ્થાને હંગામી હવાલો સંભાળતા રાજ્યકક્ષાના ઉપનાયબ-વિકેટકીપરો (માત્ર પેવેલિયન છેડાની ક્રિઝ બાબતોનાં) પણ નિયુક્ત થયેલા હશે!

ક્રિકેટખાતું

પછી તો તમે કોઈ દિવસ ગાંધીનગરમાં લટાર મારવા નીકળો તો તમને ક્રિકેટખાતાનું જાજરમાન બિલ્ડિંગ જોવા મળશે. બિલ્ડિંગનું નામ હશે ‘ક્રિકેટાલય!’ મકાનની બહાર વિશાળ વિસ્તારમાં પથરાયેલી લીલીછમ્મ લોન હશે. ખાતાના ઓફિસરો માટેનો ખાસ પાર્કિંગ એરિયા હશે જેમાં તમને મર્સિડીઝ અને કેડીલેક જેવી વિદેશી કારો જોવા મળશે. (તમને આવી મોંઘી કારો જોઈને નવાઈ તો લાગશે, પણ જો કોઈ સચિનને ‘ફરારી’ ભેટ આપી શકે તો ક્રિકેટખાતાના અધિકારીને કેમ નહિ?!)

બિલ્ડિંગના વિશાળ પ્રવેશદ્વારની સામે એક વિશાળ કદની પ્રતિમા હશે. તે જોઈને તમને યાદ આવશે, ‘અચ્છા અચ્છા, પેલા ફ્રાન્સના વિખ્યાત શિલ્પીને ૨૫ હજાર ડોલર આપીને આપણે કાંસાનો ક્રિકેટ બોલ બનાવડાવેલો તે આ!’ જોકે ચારેબાજુથી નાના-મોટા ગોળા પડેલા હોય એવો ગોળમટોળ દડો બનાવવાના પચ્ચીસ હજાર ડોલર શી રીતે થાય તે તમને ત્યારે પણ નહિ સમજાય!

બિલ્ડિંગમાં તમે દાખલ થાવ એટલે જુદી જુદી કેબિનોની બહાર તમને આવાં પાટિયાં વાંચવાં મળશેઃ

• ‘શ્રી એસ. કે. શિંદે - સચિવ, મેદાન વિકાસ વિભાગ’ • શ્રી બી. વી. ઘોરપડે - શૈક્ષણિક બાબતોના ઉપસચિવ • શ્રી જી. આર. ભાટવણકર - મેદાન પરની લોનની સિંચાઈ બાબતોના એડીશનલ ડેપ્યુટી ડિરેક્ટર • શ્રી સદાશિવન્ કરુણાકરન્ - ક્રિકેટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના અભિનિયંતા • શ્રી કે. વી. આર. એન. ક્રિષ્નામુથ્થૈયા - ક્રિકેટ રેકોર્ડ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના સબ-ડિવિઝનલ ઓફિસ ઈન-ચાર્જ... અને આવાં નામો વાંચ્યા પછી પણ તમને એવો વિચાર નહિ આવે કે ‘ગુજરાતનાં ક્રિકેટ ખાતામાં જ્યાં જુઓ ત્યાં મરાઠા અને મદ્રાસીઓ જ કેમ ભર્યા છે?

ક્રિકેટ કૌભાંડો

ક્રિકેટ સરકારી હોય કે ન હોય, કૌભાંડો તો થયા જ કરવાનાં ને? પણ સરકારી બની ગયા પછી ક્રિકેટમાં કૌભાંડોની નવી નવી વેરાયટીઓ જોવા મળશે. છાપાંમાં આવી હેડલાઈનો છપાતી હશે.

‘પીચ ઢાંકવાની તાડપત્રીઓની ખરીદીમાં ખાયકી.’

‘પંચમહાલની શાળાઓમાં બેટ તો પહોંચ્યા, પણ બોલ ક્યાં?’

‘મોટેરા સ્ટેડિયમના ઘાસમાં ઇયળો પડી ગઈ છે!’

‘સુરતમાં નેટ-પ્રેક્ટિસ માટે ફાળવેલાં મેદાનોમાં રીંગણાં અને પાપડી ઉગાડવામાં આવે છે!’

- અને ધોની!

ભારતીય ક્રિકેટને લમણે લખાયેલો ધોની આજથી ૨૦ વરસ પછી પણ ટીમમાં જ હશે! પૂછો કેમ?

- કારણ કે ક્રિકેટરોની નિવૃત્ત થવાની વયમાં સરકારે વધારો કરી આપ્યો હશે! હવે ક્રિકેટરો પંચાવન વરસની ઉંમર સુધી ક્રિકેટ ટીચતા રહેશે.

સરકારી ક્રિકેટ અમર રહો!

•••

મારા વ્હાલા વાચકો, આવું બધું વાંચીને ડર લાગે છે? તો સાંભળો, અમારા દેશમાં ક્રિકેટ સિવાયનાં તમામ તંત્રો આ જ રીતે હાલે છે! અટલે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter