એવી ફિલ્મો ક્યારે બનશે?

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 22nd July 2015 08:11 EDT
 
 

જોરદાર સ્ટીરીયોફોનિક સાઉન્ડ અને થ્રી-ડી પિક્ચર ક્વોલિટીમાં ફિલમું જોતા અમારા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ૩૫ રૂપિયામાં પાંચ ફિલમ આવે એવી સી.ડી.માં ફિલ્મું જોતાં દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

અમારી દેશી ફિલમુંમાં તો ચોકલેટછાપ હીરો વીસ-પચ્ચીસ ગુંડાઓને એકલે હાથે મારે અને તેની હેરસ્ટાઈલ પણ ન વીંખાય! ગરીબ ઘરની હિરોઈન બે હજારવાળી શિફોન સાડી પહેરીને સ્વિત્ઝરલેન્ડમાં ગીતો ગાતી હોય! વિલન હંમેશાં કાણિયો, ટાલિયો, શીતળાનાં ચાઠાંવાળો, આગળ પડતા દાંતવાળો, કાનમાં વાળના ગુચ્છાવાળો અને પાગલખાનાની નુકસાની આઇટેમ જેવો જ હોય! હીરોને હંમેશાં સરસોં દા સાગ, મક્કે દી રોટી અને ગાજર કા હલવા જ ભાવતાં હોય, હિરોઈનો કરવાચૌથનું જ વ્રત રાખતી હોય અને ફિલ્મને અંતે હંમેશાં સત્યનો અસત્ય પર વિજય થતો હોય! આખરે છેલ્લા રીલમાં બધા ભેગા થઈને પોલીસ સ્ટાફ સાથે લાઇનબંધ ઊભા રહીને ટૂથપેસ્ટની જાxખ જેવો ગ્રૂપ ફોટો પડાવતા હોય! આ જ છે આપણી હિંદી ફિલ્મોની ભવ્ય પરંપરા... પણ એવી ફિલ્મો ક્યારે બનશે? કે જેમાં...

• હીરો-હિરોઈન મુંબઇ-દિલ્હી-કલકત્તા-મદ્રાસની વિખ્યાત ઝૂંપડપટ્ટીઓમાં નાચી-કૂદીને ગીતો ગાતાં હોય! લોકસભાના ભવ્ય મકાનની છત ઉપર ચડીને બંને નાચી રહ્યાં હોય કે, ‘હમ દો પ્રેમી છત કે ઉપર... નીચે હૈ સબ ચોર! એ... આરારારા...’

• કે પછી રાષ્ટ્રપતિભવનના ભવ્ય બગીચામાં ડઝનબંધ એકસ્ટ્રા ડાન્સરોના હાથમાં ભીખ માગવાના છાલિયાં હોય, કપડાં ફાટેલાં હોય, છતાં દરેકની આંખ ઉપર રે-બેનના ચશ્માં હોય, બધા તાલબદ્ધ નાચી રહ્યા હોય અને હીરો-હિરોઈન ગ્લેમરસ ભિખારીઓના કોસ્ચ્યુમમાં ગીત ફટકારેઃ

 ‘દે દે બારા આના... દે બારા આના!’

• ના, ના, હું એમ કહું છું કે હીરો અને હિરોઈનને ગાયનો ગાવા માટે બગીચામાં, પહાડો પર કે દરિયાકિનારે દોઢ હજાર પિત્તળના ઘડા ગોઠવીને તેના પર જ ન નાચવું પડે? આહાહાહા! જરા કલ્પના કરો કે હિરોઈન વાસણ માંજતાં માંજતાં ગીત ગાતી હોય, કપડાં ધોતાં ધોતાં આલાપ લલકારતી હોય, શાક સમારતાં સમારતાં અંતરો ગાતી હોય અને શાકનો વઘાર કરીને તાવેથા વડે તાલ આપતાં આપતાં નાચતી હોય!

• અને આપણો હીરો પાનના ગલ્લે ટીવી પર મેચ જોતાં ભારત હારી રહ્યું હોય તેવા ભીષણ સંજોગોમાં હિરોઈનની યાદમાં ગીત ગાવા લાગે... કેરોસીનની લાઈનમાં વિરહના ગીતનો ઉપાડ આવે, સ્કૂટર પર ગેસનો બાટલો લઈને ઘેર આવતો હોય ત્યાં પંક્ચર પડે અને માથે હાથ દઈને હીરો અંતરો લલકારે, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની ઓફિસમાં પોતાનું નામ નોંધાવે ત્યારે ગીતનો ક્લાઈમેક્સ હોય અને તૂટલીફૂટલી સાઇકલ પર જ્યારે હીરો ‘નો-એન્ટ્રી’ વાળા રસ્તા પર ઘંટડી વગાડતો જતો હોય ત્યારે ટ્રાફિક પોલીસ એને રોકીને પચાસ રૂપિયાની ચિઠ્ઠી ફાડી આપે ત્યારે આ કરુણ ગીતનો અંત આવે!

• કેટલીક ફિલ્મોમાં બબ્બે હીરો બાળપણમાં છૂટા પડી જાય છે અને પછી મોટા થાય ત્યાં લગી ‘આકાશવાણી’માં ગીત ગવાતું હોય છે. પણ એવા દિવસો ક્યારે આવશે કે બંને હીરોના બાપાઓ સાવ મામૂલી કારણસર કોર્ટે ચડ્યા હોય અને કોર્ટની મુદતો પડતી જ રહે, પડતી જ રહે અને એમાં ને એમાં બાપાઓ ઘરડા થઈ જાય, બાબાઓ જુવાન થઈ જાય... પછી જુવાનો પણ ઘરડા થઈ જાય અને એમના જે છોકરાઓ હોય તે મોટા થઈને હીરો બને ત્યાં લગી કોર્ટમાં મુદતો પડ્યા જ કરતી હોય... પડ્યા જ કરતી હોય...

અને ઓફ કોર્સ, બેકગ્રાઉન્ડમાં પેલું ‘આકાશવાણી’ ગીત ચાલતું હોય ‘હમ લાયે હૈં તુફાન સે કશ્તી નિકાલ કે, ઇસ કેસ કો રખના મેરે બચ્ચોં સંભાલ કે...’

• ફિલ્મો બનતી વખતે તો એવું ઘણું બનતું હોય છે, પણ ફિલ્મોની અંદર એવું ક્યારે બતાડશે કે હિરોઈન ઘોડેસવારી કરવા ગઈ એમાં એના થાપાનું હાડકું ભાંગી ગયું અને બિચારીને બે મહિનાનો ખાટલો થયો! કે પછી છ ફૂટિયા હીરોના પેટમાં ટેબલની ધાર વાગી ગઈ એમાં તો બાપડાને જસલોક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો!

• ફિલ્મોમાં એવું તો જરૂર બતાડવું જોઈએ કે હિરોઈન જોરજોરથી કમરના ઝટકા મારીને ગાયન ગાવા ગઈ એમાં એની કમરનો મણકો ખસી ગયો! અથવા હીરો ફાંકામાં આવીને WWFના પહેલવાન જોડે કુસ્તી કરવા ગયો એમાં બિચારાને બરડામાં બે ટાંકા આવી ગયા! કે પછી હીરો-હિરોઈન સ્વિત્ઝરલેન્ડમાં ગાયન ગાવા માટે જવાનાં હતાં પણ ફ્લાઇટ ચૂકી ગયાં એટલે પછી ફ્લેટની બાલ્કનીમાં કૂંડા સામે કમર હલાવીને કામ ચલાવી લીધું...

• અથવા તો એમ રાખો કે દર ત્રીજા રીલે ગીત ગાવાનાં શોખીન હીરો-હિરોઈન બિચારાં એટલાં બેસૂરાં છે કે તેમને ઝી-અંતાક્ષરીના પ્રાઈમરી રાઉન્ડમાં જ નાપાસ કરવામાં આવે છે. પરંતુ અંતાક્ષરીનો પ્રોડ્યુસર દયાળુ છે એટલે તેમને ઓડિયન્સમાં તાળીઓ પાડવા માટે બેસવા દે છે, જ્યાં સોનુ નિગમ આવીને તેમની પાસે ભૂલથી એકાદ લીટી ગવડાવે છે ત્યાં તો આખું ઓડિયન્સ પેટ પકડીને પકડીને હસવા લાગે છે!

• વાત ફક્ત ગમ્મત પડે તેવાં ગાયનોની નથી, અત્યંત ગંભીર કહેવાતા ફિલ્મી દૃશ્યોની પણ છે. ગરીબ હીરો હંમેશાં દોડતો દોડતો આવીને એની માને કહે છે કે, ‘માં...માં! મેં ઇમ્તેહાન મેં પાસ હો ગયા!’ અને વિધવા મા આંખોમાં ઝળઝળિયાં લાવીને બાપાના ફોટા સામે જોઈને કહે છે, ‘કાશ! અગર આજ તેરે બાપુ જિન્દા હોતે!’

આજની ફિલ્મોમાં એવું દૃશ્ય હોવું જોઇએ કે હીરો દોડતો દોડતો ઘરમાં આવીને કહે કે, ‘મમ્મી! મમ્મી! મને મારી જ નિશાળમાં અગિયારમા ધોરણમાં એડમિશન મળી ગયું! મને ૭૫ ટકા આવ્યા હતા તો ય!’

ત્યારે બાપો જરાય ઇમ્પ્રેસ થયા વિના સામી ચોપડાવે, ‘બેસ, બેસ, હવે! તારા આ પંચોતેર ટકા લાવવામાં તો મારું અઢી હજારનું પેટ્રોલ બળી ગયું!’

• અને આ વાતમાં તો બિલકુલ મજાક નથી.

માની લો કે આપણા પોલીસ ઇન્સ્પેક્ટર હીરોએ પંજાબમાંથી આતંકવાદનો સફાયો કરી નાખ્યો. એને એક-બે મેડલ પણ મળી ગયા. ‘આતંકવાદ કા સફાયા કરને કે બાદ હી તુમસે શાદી કરુંગા!’ એવી ભીષ્મપ્રતિજ્ઞા લઈ ચૂકેલા હીરોનાં રૂપાળી હિરોઈન સાથે રંગેચંગે લગ્ન પણ થઈ ગયાં. પણ પછી?

પછી માનવઅધિકારને લગતી સંસ્થાઓએ આપણા હીરો પર સેંકડો કેસ ઠોકી માર્યા. બિચારો આખા રાજ્યની તમામ ડિસ્ટ્રીક્ટ કોર્ટોમાં રોજેરોજ ધક્કા ખાતો થઈ ગયો. માથાના વાળ ખરવા માંડ્યા. હાર્ટ નબળું થઈ ગયું, મગજમાં સ્કિઝોફ્રેનિયા થઈ ગયો અને એક દિવસ તેમણે પોતાની સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કરી લીધી. ત્યારે તેના પર સર્વિસ રિવોલ્વરનો દુરુપયોગ કરવા બદલ વધુ એક કેસ કરવામાં આવ્યો.

• મજાક તો આ વાતમાં પણ નથી, પણ હસવું તો જરૂર આવે કે આપણી ફિલ્મના હીરોની એવી તમન્ના હોય છે કે તે લશ્કરમાં જોડાઈને દુશ્મનોના દાંત ખાટા કરીને ‘દસ દસ કો એકને મારા...’ લલકારતો પોતાને ગામ પાછો ફરે અને હિરોઈન તેના પરાક્રમથી ચકિત થઈને તેના પ્રેમમાં પડી જાય... મગર યે હો ન સકા...

કારણ કે જ્યારથી આપણો હીરો લશ્કરમાં જોડાયો છે ત્યારથી પૂરાં ૨૫ વર્ષ સુધી એક પણ યુદ્ધ જ નથી થયું! ૨૫ વર્ષમાં હીરો ૫૦નો થઈ ગયો છે અને હિરોઈન ટિયરગેસના ટેટા બનાવતી ફેકટરીના માલિકને પરણીને ચાર છોકરાની મા બની ગઈ છે!

• ‘બોર્ડર’ ફિલ્મના દિગ્દર્શક જે. પી. દત્તાને અમે સિરિયસલી એવી વિનંતી કરેલી કે તમારી ફિલ્મમાં એક એવું દૃશ્ય તો જરૂર રાખજો કે ‘લિખો કબ આઓગે... કે ઘર કબ આઓગે...’ એમ ગાયા કરતી હિરોઈનને મળવા માટે આપણે લશ્કરી જવાન હીરો બેતાબ બની જાય છે, પરંતુ વારંવાર અરજી કરવા છતાં તેને રજા મળતી નથી.

આખરે છ મહિના પછી જ્યારે તેને રજા મળે છે ત્યારે તે ‘મેં.. આયા હું, લે કે પગાર હાથો મેં...’ ગાતો ગાતો પોતાના ગામ આવે છે. ત્યારે તેને ખબર પડે છે કે તેની પ્રેમિકા તો એક સરકારી બાબુ (એટલે કે કલાર્ક) સાથે પરણી ગઈ છે, કારણ કે સરકારી બાબુને દર અઠવાડિયે શનિ-રવિની રજા ઉપરાંત સીએલ., ઇ.એલ., અને એલ.ટી.સી. મળે છે!

• આપણી ફિલ્મોમાં જો હીરો ચોર હોય તો તે અનિવાર્યપણે દાનેશ્વરી તો હોય જ! આ જ વાતને આપણે જુદી રીતે ફિલ્મોમાં કેમ નથી મૂકતા? દાખલા તરીકે આપણો હીરો સંગીતકાર છે, તે વિદેશી ધૂનો ચપટી વગાડતાં ચોરી લે છે. પરંતુ તે એટલો દાનેશ્વરી છે કે ચોરેલી એકની એક ધૂનનું આઠ-દસ ફિલ્મોનાં અલગ અલગ ગાયનોમાં દાન કરી નાખે છે!

• અને જો ફિલ્મનો હીરો પત્રકાર હોય તો તે ક્રાઇમ રિપોર્ટર જ હોય! વિલનના કાળા કર્મોનો પર્દાફાશ તે પોતાની તેજાબી કલમ વડે કરી નાખતો હોય છે. પણ સાલું, તે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ કે, ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ કે ઇવન પેલા ‘મહાનગર’ જેવા જાણીતા છાપામાં પણ નોકરી નથી કરતો હોતો. તેના છાપાનું નામ ‘ઇન્કિલાબ’, ‘ક્રાન્તિ’, કે પછી ‘જલતી મશાલ’ જેવું જ હોય... જે સાંભળતાં ની સાથે જ આપણને લાગે કે બોસ, આ છાપાની રોજની દોઢસો નકલો પણ નહી વેચાતી હોય.

ખેર, આગામી હિંદી ફિલ્મોમાં એવું ક્યારે જોવા મળશે કે હીરો મેઘરજ ગામનો રિપોર્ટર હોય અને છાપામાં બિચારાની એકે ય આઇટમ જ ન છપાતી હોય? હીરો રોજ મહેનત કરી કરીને ‘ફલાણી-ઢીંકણી શાળાનું ઉદ્ઘાટન’, ‘લુકડી-પૂંછડી મહિલા સંસ્થાનો શિલારોપણ વિધિ’ અથવા ‘મેઘરજના પાડાને ત્રણ ખરીઓ છે!’ કે ‘માતેલા સાંઢે માટલાં ફોડી નાખ્યાં!’ જેવા સમાચારો મોકલ્યા જ કરતો હોય... પરંતુ છ-છ મહિના લગી છાપાના સાતમે પાને મેઘરજનું નામ સુદ્ધાં વાંચવા ન મળે!

આખરે કંટાળીને મેઘરજનો પત્રકાર જાતે જ એક મોટા નેતાનું ખૂન કરી નાખે! જેથી મેઘરજના એક સમાચાર તો છપાય!

• આપણી ફિલ્મોમાં એવું ક્યારે જોવા મળશે કે મકાનમાલિકનું ઘર પચાવી પાડવા માટે ફિલ્મનો હીરો મકાનમાલિકની કાણી-કૂબડી છોકરી જોડે પ્રેમનું નાટક કરીને તેની સાથે લગ્ન કરી લે છે!

• કે પછી બાળપણમાં બ્રેડની ચોરી કરવાને બદલે હીરો પાંચમા ધોરણની પરીક્ષામાં કાપલીઓ સાથે પકડાઈ જાય!

• અથવા ગુંડાનો અડ્ડો બંધ પડેલી ફેકટરીમાં હોવાને બદલે પુસ્તકોના પ્રકાશકના ગોડાઉનમાં હોય! અને પીપડાં ગબડાવવાને બદલે હીરો ડીક્શનરીઓના થપ્પા ગબડાવતો હોય?

• યા ફિર... સસ્પેન્સ પિક્ચર કા હીરો સીબીઆઈ કા ઓફિસર હોવે, ઔર પિક્ચર કભી ખતમી ચ ન હોવે!

લ્યો બોલો, આવી હિન્દી ફિલમ બનવાની ખરી? અટલે ઠીક છે, ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધાં ઓલરાઈટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter