જાત જાતના વરસાદ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 18th November 2015 05:09 EST
 
 

ઘડીકમાં તડકો ને ઘડીકમાં વરસાદ એવી મિક્સ-સિઝનમાં જીવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પણ હવે તો ગમેત્યારે પડતા વરસાદથી ટેવાઈ ગયેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

વરસાદ આવવાનો હોય, શીતળ વાયરા વાતા હોય, માટીની ભીની-ભીની મહેક આવતી હોય અને મોરલા ટહુકાર કરતા હોય ત્યારે ‘સાહિત્યકારો’ ઝાલ્યા નથી રહેતા..! પણ બધા લોકો સાહિત્યકારો નથી હોતા. છતાં વરસાદ વિશે એમને ઘણું-ઘણું કહેવાનું હોય છે. દરેક વ્યક્તિનો વરસાદ મનમાં નવી નવી વાતો ઉગાડે છે...

ડોક્ટરનો વરસાદ

આવ્યા! આવ્યા! પેશન્ટો આવ્યા! સોરી, વરસાદના છાંટા આવ્યા! હા...શ! અત્યાર સુધી બેસી-બેસીને માખીઓ મારીમારીને કંટાળી ગયો હતો. અરે, માખીઓ પણ ક્યાં હતી? ગરમીના કારણે માખીઓ પણ મરી ગયેલી!

આ સુધરાઈવાળાઓ કાચા રસ્તાઓ ઉપર ડામરની સડક બનાવવા માંડેલા ત્યારે તો મને ફડક પેસી ગયેલી. પણ એ તો સારું થયું કે રાબેતા મુજબ સડક બન્યા પછી તરત જ ટેલિફોનવાળા અને ગટરલાઈનવાળા આવી પહોંચ્યા અને નવાનક્કોર રસ્તાઓ પર ખોદકામ કરવા મંડી પડ્યા! ભલું થજો એ ટેલિફોનવાળા અને ગટરવાળાઓનું કે એમણે ખાડાઓ ખોદ્યા પછી જેમના તેમ રહેવા દીધા છે!

હાશ! હવે ખાબોચિયાં ભરાશે, ગટરો ઊભરાશે અને આપણી સીઝન પુરજોશમાં જામી જશે. હવે નવરાં બેઠાં-બેઠાં માખી મારવાને બદલે પેશન્ટો મારીશું! સોરી, પેશન્ટોની ટ્રીટમેન્ટ કરીશું...

ક્રિકેટરનો વરસાદ

ટેન્શન થઈ ગયું છે યાર, ટેન્શન થઈ ગયું છે.

આપણો કેપ્ટન ટોશસ ઉછાળવા ગયો હતો તે હજી કેમ ન આવ્યો?

ટોસ જીતીને બેટિંગ લે તો સારું, કારણે કે આજે વરસાદની આગાહી છે.

આપણી બેટિંગ પતી ગયા પછી વરસાદ પડે અને ઓવરો કપાય તો જ આ વખતે તો જીતાય એવું છે બાકી તો...

જોને? આપણા કેટલા પોઇન્ટ હતા? છ ને? પણ પેલી બે ટીમો જ આપણી સામે આવી એટલે પાછા આપણા ઝીરો પોઇન્ટ થઈ ગયા. હવે જો ફલાણી ટીમ ઢીંકણી ટીમને હરાવે અને ઢીંકણી ટીમ ન કરે નારાયણ ને પૂંછડી ટીમ સામે જીતી જાય તો એમની ટીમ અને આપણી ટીમ વચ્ચે બે પોઇન્ટનો ફરક રહે. જો પેલી ટીમ અને પેલી ટીમવાળા મેચમાં બરાબરનો વરસાદ પડે અને બંને ટીમને એક-એક પોઇન્ટ મળે તો... તો... તો... એક મિનિટ, ગણવું પડશે, તો... આ ટીમના થાય ત્રણ પોઇન્ટ અને આ ટીમના પાંચ પોઇન્ટ અને આપણા...

હે ભગવાન? તેં મને ક્રિકેટર શા માટે બનાવ્યો? મને ગણિતશાસ્ત્રી બનાવવો હતો ને?

હેં શું કહ્યું? આપણી ચાર વિકેટો પડી ગઈ? મારે બેટિંગ કરવા જવું પડશે? મારી નાખ્યા! હે ભગવાન! હવે તો વરસાદ પાડ! અને સાંભળ, બરાબર લેન્થ અને લાઇનમાં પાડજે! ‘વાઇડ’ વરસાદ પાડીશ તો મેદાન જ કોરું રહી જશે!

વહુનો વરસાદ

તમે ઓફિસેથી આવી ગયા? ત્યાં તમારી બાજુ વરસાદ આવેલો? અરે, અહીં બપોરે તો જે વરસાદ આવ્યો છે!

બપોરે પવન સુસવાટા મારતો હતો ત્યારથી જ મને હતું કે હોય ન હોય, આજે વરસાદ જરૂર પડવાનો. હું તો સૂતી હતી ત્યાં તો બારીબારણાં ધમધમ પછડાવા લાગ્યાં. હજી તો જાગું ત્યાં તો ધોધમાર ઝાપટું ચાલુ થઈ ગયું. મેં કીધું હાય હાય, ઓટલે કપડાં સૂકવવા નાખ્યાં છે, ધાબે ગોદડાં એમનાં એમ પડ્યાં છે... અને મેં તમારી મમ્મીને ના પાડેલી કે અથાણાંની બરણીઓ ધાબે ન મૂકતાં, પણ મારું માને છે જ કોણ?

અને મમ્મીની તો ટાઢી પથારી! એ તો પથારીમાંથી બેઠાંય ન થયાં. આ તો સારું થયું કે હું દોડધામ કરીને બધે ફરી વળી. તોય અથાણાં તો પળી જ ગયાં! બોલો!

સાસુનો વરસાદ

ઓફિસેથી આવી ગ્યો, દીકરા? ન્યાં તમારી બાજુ વરસાદ આયવો’તો? અરે, આંયાં બપોરે તો જે વરસાદ આયવો છે?

મેં તો હવારનું વઉને કીધેલું કે માન ન માન, આજે વરસાદ આવવાનો જ છે. ને આયવો! હજી તો હું જાગું ન્યાં તો ધોધમાર પડવા માંયડો.

મેં વઉને કીધું, હાય હાય, ઓટલે કપડાં સૂકવવા નાખ્યાં છે, ધાબે ગોદડાં એમનાં એમ પડ્યાં છે... અને મેં વઉંને હત્તર વાર ના પાડેલી કે વઉ, અથાણાંની બરણીઉં ધાબે નો મૂકો! પણ મારું માને છે કોણ?

અને તું તો જાણે છે, વઉની તો ટાઢી પથારી, હે... યને શેઠાણીબાની જેમ ધોર્યા કરતી’તી! આ તો હારું થયું કે હું હડિયું કાઢીને હંધૈય ફરી વળી!

તોય, અથાણાં તો પલળી તો ગ્યાં, બોલો!

ટેલિફોન ખાતાના કર્મચારીનો વરસાદ

નમસ્કાર કમ્પ્લે...ઇન? સુ કહ્યું, ડેડ છે? બોમ્બે થર્ટી સેવન! નમસ્કાર કમ્પલે...ઇન? સુ કહ્યું, ડેડ છે? બોમ્બે થર્ટી સેવન! નોંધ લીધી... માણસ આઇ જસે... ટાઇમ લાગસે... વરસાદ પડ્યોને? એટલે... એ બધું સાહેબને કહેવાનું... બોમ્બે થર્ટી સેવન!

નમસ્કાર કમ્પ્લે...ઇન? ડેડ છે ને? બોમ્બે થર્ટી એઇટ! જોવડાઈ લઇએ... ટાઇમ લાગસે... ચાર-પાંચ દિવસ... વરસાદ પડ્યો ને? એટલે!... એ બધું સાહેબને કહેવાનું... બોમ્બે થર્ટી એઇટ!

નમસ્કાર કમ્પ્લે...ઇન? બરાબર છે... ડેડ છે... બોમ્બે થર્ટી નાઇન... માણસ આઇ જસે... ટાઇમ લાગસે... વરસાદ પડ્યો એટલે... બોમ્બે થર્ટી નાઇન!

નમસ્કાર કમ્પલે...ઇન? બોમ્બે ફોર્ટી... વચમાં બોલબોલ ન કરો... ટિકિટ નંબર લખી લો... બોમ્બે ફોર્ટી.. હેં? શું કહ્યું? ફોન ડેડ નથી? બરાબર ચાલે છે? કોઈ તકલીફ નથી? તો પછી અહીંયા ફોન શું કરવા કરો છો ભલા માણસ?

અચ્છા અચ્છા, આજુબાજુવાળા તમારે ત્યાં ફોન કરવા આવે છે? ટોળું થઈ જાય છે? ઓહોહોહો? ડ્રોઇંગરૂમમાં કીચડ થઈ જાય એટલા બધા લોકો આવે છે? એમાં અમે સુ કરીએ સાહેબ?

ઓહ! ફોન ડેડ કરવો છે? થઈ જસે.. બોમ્બે ફોર્ટી!... કેટલો ટાઇમ લાગસે? ભઈ ટાઇમ તો લાગસે, વરસાદમાં ટાઇમ તો લાગવાનો...? બોમ્બે ફોર્ટી...!!

પ્રેસ ફોટોગ્રાફરનો વરસાદ

હલો? હા, બોલો તંત્રીસાહેબ! ના, ના. ઊંઘતો નહોતો, જાગતો જ હતો! હેં શું કહ્યું? વરસાદ પડે છે? ના રે, આ બાજુ તો નથી પડતો! સોરી, હા હા... પડે છે. બારીમાંથી દેખાય છે, ધોધમાર પડે છે. બોલો શું કામ હતું? વરસાદનાં ફોટા જોઈએ છે? મળી જશે. હા, હા... હમણાં જ જાઉં છું અને પાડી લાવું છું.

(ફોન મૂકીને)

અલ્યા છોકરા, શું કરે છે? ઊભો થા અને પેલા ફોટાઓની થપ્પી કાઢ! કયા ફોટા ક્યા ફોટા શું કરે છે? પેલા સાતેક વરસ પહેલાં વરસાદમાં પલળતા ટેણિયા-મેણિયાના ફોટા નહોતા પાડ્યા? એ ફોટાની થપ્પીમાંથી એક સારો જોઈને ફોટો કાઢ અને છાપાની ઓફિસે આપી આવ!

અને હા, જતાં-જતાં મારા માટે ચા કહેતો જજે!

પ્રોફેશનલ ડાયરા કલાકારનો વરસાદ

વારંવાર ડાયરામાં બેસીને સ્ટેજ ગજવતા એક પ્રખ્યાત કલાકાર આકાશવાણીના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પધાર્યા હતા. વરસાદના ખાસ કાર્યક્રમ માટે એક રેકોર્ડિંગ થઈ રહ્યું હતું. વિષય હતો પહેલો વરસાદ. કલાકાર બરોબર ખીલ્યા હતા.

‘ધ્રિબાંગ ધ્રિબાંગ ધ્રિબાંગ કરતાં કુદરતના ઢોલ વાગે સે ને ઘટાટોપ કાળાં- કાળાં વાદળ એકબીજાંને બથ ભરી-ભરીને આકાશમાં રાસડાં લ્યે સે. ખણણ ખણણ કરતીકને વીજળી ઝબકે સે ને કૈલાસપતિનું ડમરું વાગતું હોય એમ કડકડ કડાક્ લેતાંને કડાકા હંભળાયા સે. વાયરો ગાંડો થઈને વગડામાં અહીંથી ન્યાં હડિયું કાઢે સે ને મોરલા ટેહંક ટેહંક કરીને થનગનાટ કરે સે. ભીની-ભીની માટીની મીઠી-મીઠી સુગંધ માંહ્યલાને તરબતર કરી દ્યે સે ને કાળઝાળ ગરમીથી તપી-તપીને લ્હાય જેવા નિસાસા નાખતી ધરતીને શાતા વળે સે.

વરસાદનું પેલું ફોરું જમીનને અડે ન્યાં આખા મલકનાં રૂંવાડેરૂંવાડાં ઊભાં થઈ જાય સે અને બત્રીસે કોઠે દીવા થાય સે!

કબીરજીએ ક’યું સે કે જી માણાંહ પેલ્લા વરહાદમાં પલળી નો હકે ઇ માણાંહ ભગવાનની ભક્તિ નો કરી હકે. સંત કવિ સુરદાસજી ક્યે સે કે જી માણહ પેલ્લા વરહાદમાં મન મૂકીને નથી પલળતો ઇનાં હાત પેઢનાં પૂન કોરાં ને કોરાં તણાઈ જાય સે.

આજ પછી કોઈ માણહને તમે પેલ્લા વરહાદમાં છત્રી ઓઢીને હંતાતો જુવો તો ઇન બાયલો કે’જો. ને આજ પછી કોઈ માણહને તમે પેલ્લા વરહાદ પછી કોરોધાકોર જુવો તો એને ફટ કે’જો!’

કલાકારે તો જમાવટ કરી દીધી. રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ‘રંગ છે’ ‘ઘણી ખમ્મા!’ના પોકારો ઊઠ્યા. રેકોર્ડિંગ પત્યા પછી પ્રોફેશનલ બારોટ બધા સાથે હાથ મિલાવીને ‘થેન્ક યુ - ગુડ બાય – ટાટા’ કરીને બહાર નીકળ્યાં.

પણ થોડી જ વારમાં ડાયરા-કલાકારશ્રી પાછા આવ્યા.

‘શું થયું?’ બધાએ પૂછ્યું.

‘વાત એમ છે કે...’ કલાકારે માથું ખંજવાળતાં કહ્યું, ‘બહાર અચાનક ધોધમાર વરસાદ પડવા લાગ્યો છે. એટલે કોઈને કહીને એક રિક્ષા મગાવી દ્યો તો...’

•••

લ્યો ત્યારે, ઇ તો આમ જ હાલવાનું! ઇન્ડિયા કોને કીધું? અટલે તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter