દેશી પહુંચા ચાંદ પર!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 19th August 2015 09:48 EDT
 
 

ચંદ્ર ઉપરના સસલા જેવો આકાર ધરાવતા દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ચાંદાને હજી ‘મામા’ બનાવતા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!

ભારતીય વૈજ્ઞાનિકોએ જાહેર કરી દીધું છે કે હવે જો ભારત ધારે તો અવકાશયાન દ્વારા માણસને ચંદ્ર ઉપર મોકલી શકે છે! બહુ જ સારી વાત કહેવાય. જોકે અત્યારે તો સવાલ એ છે કે આપણો દેશી અવકાશયાત્રી ચંદ્ર પર જઈને કરે શું? ગાયનો ગાય?.... પણ હા, એક દિવસ એવો જરૂર આવશે જ્યારે આ સપનું ગમે તે રીતે સાચું પડશે!

‘હમરા પ્લેનવા નિકાલો!’

આજથી પચ્ચીસ વરસ પછીની વાત છે.

એક દિવસ સવાર સવારના ભારતના વડા પ્રધાન લાલુ પ્રસાદ યાદવ સરકારી કોમ્પ્યુટરના માઉસની પૂંછડી આમળતા બેઠા હતા. ત્યાં એમને અચાનક કંઈક યાદ આવ્યું. (હવે તેમ એમ ન પૂછશો કે લાલુ યાદવ ભારતના વડા પ્રધાન શી રીતે બની ગયા? આ દેશમાં કંઈ પણ બની શકે છે.)

લાલુજીને યાદ આવ્યું કે, ‘ઉ સુસરી ચાંદ પર જાનેવાલી બાતકા કા હુઆ?’ તેમણે તરત જ તેમની સેક્રેટરીને બૂમ પાડી ‘અરે સુનતી હો? તનિક હમરે તબેલે સે હમરા પ્લેનવા નિકાલો! હમ ચાંદ પે જાના ચાહતા હું!’

‘ચાંદ પે!’ સેક્રેટરી ડઘાઈ ગઈ. ‘સાહેબ, ચંદ્ર ઉપર જવા માટે તો અવકાશયાન જોઈએ. અને હજી આપણા દેશે એવું અવકાશયાન બનાવ્યું નથી.’

‘તો કા હુઆ?’ લાલુજીએ ડંફાસ મારી. ‘હમ બનવા લેંગે! ઔર ઉ અવકાસયાનમાં હમરે બિટવા કો બિઠાકે ચાંદ પર ભેજેંગે! હમરા બેટા ચાંદ પર જાનેવાલા પહલા ભારતબાસી હોગા!’

‘સર, આ બધું તમે ધારો છો એટલું સહેલું નથી.’ સેક્રેટરીએ યાદ કરાવ્યું. ‘એ પહેલાં તો ઘણી બધી તૈયારીઓ કરવી પડશે.’

‘વહી તો હમ કરને જા રહે હૈં ના?’ લાલુજી અકળાઈને બોલ્યા, ‘આપ જ્યાદા ચટરપટર મત કરો, હમરે તબેલે સે હમારા પ્લેનવા નિકલવાઓ!’

‘પરંતુ પ્લેન -’ સેક્રેટરીએ પૂછ્યું, ‘પ્લેનથી તમે શું કરશો?’

‘અરે જરા સમજને કી કોસિસ કરો!’ લાલુજીએ ફોડ પાડ્યો, ‘પહેલે હમ હવાઈજહાજ સે નીરીક્સન તો કરના હોગા ના?’

‘હવાઈ જહાજ સે નિરીક્ષણ?’ સેક્રેટરી મૂંઝાઈ.

‘ક્યું? જબ નદી મેં બાઢ આતી હૈ તો હમ રેલ-પિડીતોં કી સહાયતા કરને સે પહેલ હવાઈ જહાજસે નીરીક્સન નહીં કરતે કા? ઉસી તરહા અવકાસયાન બનવાને સે પહલે હમ પ્લેન સે ચાંદ કા બ્યૌરા કરુંગા!’

એક ઈલેક્સનવા કા સવાલ

લાલુજીનો પ્લાન મજબૂત હતો, પરંતુ તેમાં કેટલીક પાયાની મુશ્કેલીઓ હતી.

પૂનમની રાત્રે ખીલેલી ચાંદનીમાં ચંદ્રની નજીક જઈ શકાય તેટલા નજીક જઈને લાલુજીએ હવાઈ નિરીક્ષણ પણ કરી લીધું હતું. તેમણે હવે નિર્ધાર પણ કરી લીધો હતો કે ભારત અવકાશયાન બનાવીને ચંદ્ર ઉપર માણસ મોકલશે જ મોકલશે. વૈજ્ઞાનિકો તો તૈયાર જ હતા. (છેલ્લા પચ્સીસ વરસથી તૈયાર હતા.) પરંતુ સવાલ વૈજ્ઞાનિકોનો નહોતો, સવાલ પૈસાનો હતો.

‘સાહેબ મૂળ સમસ્યા નાણાંની છે.’ સેક્રેટરીએ લાલુજીને સમજાવવાનો પ્રયાસ કરતાં કહ્યું, ‘ભારત સરકાર પાસે નાણાં જ નથી. છેલ્લા બાર મહિનામાં આપણા દેશમાં છ વખત ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે અને હવે એવી હાલત છે કે સરકારી તિજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે.’

‘ઉ સબ છોડો.’ લાલુજી બોલ્યા, ‘હમ કા ઈ બતાઓ અવકાસ યાનસે ચાંદ પર આદમી ભેજને કા ખરચા કા હોવત હૈ?’

‘જી... પચીસ-ત્રીસ લાખ કરોડ તો સહેજે થઈ જાય.’ સેક્રેટરીએ જવાબ આપ્યો.

‘બસ!’ લાલુજી ખુશ થઈ ગયા. ‘ઈ તો છોટી સી સમજફેર કા સવાલ હૈ, હમ અપને દેસવાસીઓં કો કહ દેંગે ભઈયા ઈ સમજ લો કિ પિછલે સાલ હમરે દેસમાં છે નહીં, સાત ઘોટાલા હુઈ ગવા!!!’

સિલ્વર કાર્ડનો સવાલ

પરંતુ બીજી સમસ્યા એનાથી પણ ગંભીર હતી.

સેક્રેટરીએ લાલુજીને સમજાવ્યું કે, છેલ્લાં પચ્સીસ વરસમાં દુનિયા બહુ બદલાઈ ગઈ છે. ચંદ્ર ઉપર જવું એટલું સહેલું નથી; કારણ કે હવે ચંદ્ર ઉપર અમેરિકા, જર્મની અને જાપાનની ‘મલ્ટી-નેશનલ-મિલીજુલી સરકાર’નું રાજ ચાલે છે. ચંદ્ર ઉપર તેમણે ભવ્ય અલ્ટ્રામોડર્ન વસાહતો બંધાવી છે અને જો ચંદ્ર ઉપર જવું હોય તો સિલ્વર કાર્ડ હોવું જરૂરી છે.

‘સિલ્વર કાર્ડ? ઈ કા બલા હૈ?’ લાલુજીએ પૂછ્યું.

‘બસ સમજોને, ગ્રીન કાર્ડ જેવું જ છે.’ સેક્રેટરીએ સમજાવ્યું, ‘ત્યાંની સરકાર ચંદ્ર પર વસવા માગતા માણસોના ઈન્ટરવ્યુ લે છે, તેની બુદ્ધિની ચકાસણી કરે છે, તેની આવડતની કડક પરીક્ષાઓ લે છે. અને પછી જ ચંદ્ર પર રહેવા માટેનું સિલ્વર કાર્ડ આપે છે.’

‘તબ તો સુસરા પુરા પ્લાનવા બદલના હોગા.’ લાલુજી બબડ્યા. પછી તરત જ તેમણે તેના દીકરાને નજીક બોલાવી તેના કાનમાં આખો પ્લાન સમજાવ્યો. ‘બેટા, ઐસા કરો, તુમ કુછ ભી તિકડમ્ લગાકર અવકાસયાનમાં ઝાડુ પોછા કરને કા નૌકરી લે લો!’

લાલુજીએ આંખ મિચકારી!

પરગ્રહવાસીનું આક્રમણ?

ચંદ્રના સિક્યોરિટી ઓફિસરો ભયંકર ટેન્શનમાં હતા.

‘સર, મને ડર છે કે ચંદ્ર ઉપર કોઈ અજાણ્યા પરગ્રહવાસી જીવો ઊતરી આવ્યા છે.’ એક ઓફિસરે કહ્યું.

‘એવું તમે શાના ઉપરથી કહી શકો છો?’ સિનિયર ઓફિસરે પૂછ્યું.

‘સર, આપણને વિચિત્ર પ્રકારના પુરાવાઓ મળી રહ્યા છે.’

‘કેવા પુરાવા?’

‘વસાહતની અતિ સ્વચ્છ જગ્યાઓના થાંભલાઓ પાછળ, મકાનોના ખૂણામાં, ટોઈલેટ્સની દીવાલો પર આ પ્રકારના ઘેરા લાલ રંગના ડાઘા અચાનક દેખાવા લાગ્યા છે!’ ઓફિસરે થોડી તસવીરો બતાડી.

‘માય, ગોડ!’ સિનિયર ઓફિસર ચિંતાતુર સ્વરે બોલ્યા, ‘આ શું હોઈ શકે?’

‘સર, મને લાગે છે કે આ પરગ્રહવાસી જીવોનું લોહી હોવું જોઈએ.’

‘અચ્છા? તમે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા?’

‘જી સર. એ લોકો કહે છે કે, આ પ્રવાહીમાં અત્યંત ઝેરી તથા કેફી દ્રવ્યો છે.’

‘ઓહ નો! જેનું લોહી આટલું ઝેરી હોય તે જીવો કેટલા ખતરનાક હશે? ઓફિસરો કલ્પનામાત્રથી ધ્રૂજી ઊઠ્યા.

ત્યાં જ એક બીજી ઓફિસરે અંદર ધસી આવતાં કહ્યું, ‘સાહેબ, આપણને વધુ પુરાવા મળ્યા છે. જુઓ આ પ્રવાહી!’

ઓફિસરે એક પ્લાસ્ટીકની કોથળીમાં એકઠું કરાયેલું સેમ્પલ બતાડ્યું. સૌ ઓફિસરો તેને ધ્યાનથી જોઈ રહ્યા. પ્રવાહી સહેજ પીળાશ પડતું હતું અને છતાં તેની ગંધ ખૂબ જાણીતી લાગતી હતી.

‘આ ગંધ...’ ચીફ ઓફિસરે પૂછ્યું, ‘આ ગંધ ક્યાંક સૂંઘી હોય તેમ નથી લાગતું?’

‘તમારી વાત સાચી છે સર.’ આવનાર ઓફિસરે કહ્યું, ‘આ પ્રવાહી અમને ચંદ્રની સડકો પરથી મળી આવ્યું છે અને તેનું રાસાયણિક બંધારણ માનવમૂત્રને બિલ્કુલ મળતું આવે છે!’

સૌ ચોંકી ઊઠ્યા, કારણ કે હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે ચંદ્ર ઉપર જે પરગ્રહવાસીઓ જીવો ઘૂસી આવ્યા છે, તેમનાં શરીરોનું ઉત્સર્ગતંત્ર માણસ જેવું જ છે.

‘એનો મતલબ તો એમ થયો...’ ચીફ ઓફિસર ધીમા અવાજે બોલ્યાઃ ‘...કે આ જીવો માણસ જેટલા જ ખતરનાક છે, પરંતુ તે કોણ છે? ક્યાં છે?’

એ રહસ્ય થોડા દિવસો પછી જ ખૂલ્યું. લાલુ યાદવનો દીકરો ચંદ્રની સડક પર જાહેરમાં ઉત્સર્ગક્રિયા કરતાં ઝડપાઈ ગયો!

કડક પૂછપરછ

લાલુ જુનિયરની ચંદ્ર ઉપર ધરપકડ થઈ ગઈ. ઓફિસરો તેની કડક પૂછપરછ કરી રહ્યા હતા. ‘આ પીળા પ્રવાહીનું રહસ્ય તો સમજાયું, પણ પેલા લાલ ડાઘા શેના હતા?’

‘ઉ?’ લાલુ જુનિયર હસી પડ્યો. ‘ઉ તો હમરે બિહારી પાન કી પિક હૈ, ભઈયા! હમ પાન ચબાકે ઈહાંઉહાં થૂકત રહી... ઉસી કા ડિઝાઈન બના રહા તોહાર દિવારોં પર!’

ઓફિસરો સમજી ગયા કે આ માણસ ઈન્ડિયન જ હોવો જોઈએ, પરંતુ હજી એક રહસ્ય તેમને નહોતું સમજાયું.

‘મને એ કહો જુનિયર લાલુ...’ ઓફિસરે પૂછ્યું, ‘તમે અમારી ચંદ્ર પરની વસાહતમાં ઠેર ઠેર ગોઠવેલાં વેન્ડિંગ મશીનો શી રીતે જામ કરી દીધા?’

‘વેન્ડિંગ મસીન?’ જુનિયર લાલુ ઉવાચ, ‘ઉ કા હોવત હૈ?’

‘વેન્ડિંગ મશીન એટલે જેમાં ડોલરનો સિક્કો નાંખીને તમે H2O એટલે કે શુદ્ધ પાણી, O એટલે કે ઓક્સિજન વાયુ અને C21 એટલે કે એકવીસમી સદીનું કોકા-કોલા મેળવી શકો છો તે મશીન.’

‘ઉ સારે મસીનવા? ઉ બિગડ ગયે ઉસમાં હમરા કોઈ કસૂર નહીં હૈ’ જુનિયર લાલુએ ખભા ઉલાળીને કહ્યું, ‘કસૂર આપકી સિસ્ટમ કા હૈ! આપકે મસીન હમરી ઈન્ડિયન કરેન્સી કો પચા નહીં સકતી!’

ઓફિસરોને ઝટથી ન સમજાયું, પરંતુ અસલી રહસ્ય એ હતું કે જુનિયર લાલુએ મશીનોમાં નાંખેલી ગુંદરપટ્ટી-સેલોટેપ વડે ચોંટાડેલી ફાટેલી નોટોને કારણે વેન્ડિંગ મશીનો જામ થઈ ગયાં હતાં!

જુનિયર લાલુની સજા

‘હવે આને શું સજા કરીશું?’ એક ઓફિસરે પૂછ્યું.

‘ઈન્ડિયા પાછો મોકલી આપો, બીજું શું?’ ચીફ ઓફિસરે હતાશ અવાજે કહ્યું.

‘તો પણ આ નહીં સુધરે સર, તમે તો આ લોકોની હિસ્ટ્રી જાણો છો.’ જુનિયર ઓફિસરે કહ્યું, ‘એનાં કરતાં આ માણસને સ્પેસ સૂટ પહેરાવીને શૂન્યાવકાશમાં લટકતો છોડી મૂકો. ચાર-પાંચ દિવસમાં બેટમજી એવો ત્રાસી જશે કે ચંદ્ર પર પગ મૂકવાનું નામ નહીં લે!’

‘આઈડિયા સારો છે.’ ચીફ ઓફિસરે સંમતિ આપી.

થોડા સમય પછી જુનિયર લાલુ પૃથ્વીથી ઘણે દૂર છતાં ચંદ્રની નજીકના શૂન્યાવકાશમાં સ્પેસસૂટ પહેરીને લટકી રહ્યા હતા. પરંતુ જુનિયર લાલુજી એમ સહેલાઈથી હાર માને તેવા નહોતા. તેમણે તેમનું દેશી ભેજું કસ્યું... એક ઉપાય મળી જ ગયો!

થોડી ક્ષણો પછી તેને દૂરથી એક અવકાશયાન આવતું દેખાયું. તરત જ ભાઈસાહેબ બે હાથ પહોળા કરી અવકાશયાનના માર્ગમાં ઊભા રહી ગયા. અવકાશયાનને રોકાયા સિવાય છૂટકો જ નહોતો.

જુનિયર લાલુએ પાયલોટની નજીક જઈને કહ્યું, ‘હમ ચંદ્ર કા કસ્ટમ ઓફિસર હું! રાઉન્ડ પે નિકલા હું! ચલા, હમકા ટોટલ ચેકિંગ કરને દો! કુછ ગડબડ નીકલી તો આપકા લાયસન્સવા કેન્સલ!’

અને ગરબડો તો ક્યાં નથી હોતી? છેવટે પાયલોટે તોડ કરવો જ પડ્યો!

છેલ્લા ખબર મળ્યા તે મુજબ જુનિયર લાલુજીએ શૂન્યાવકાશમાં ઘણા જલસાઓ કર્યા પછી છેવટે ચંદ્ર ઉપર ઘૂસ મારવા માટે ‘સિલ્વર કાર્ડ’નો મેળ પણ પાડી નાંખ્યો હતો!

•••

લ્યો બોલો, આપણા દેશીઓ જો ઈંગ્લેન્ડ અને અમેરિકામાં આ રીતે ઘૂસવામાં સફળ થયા હોય તો ચંદ્ર ઉપર શેના ના પહોંચે? તમે પણ ત્યાં જવાની તૈયારી માટે પાસપોર્ટ - વિઝા રેડી રાખજો! અને અમારી ચિંતા નો કરતા! ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter