ધાર્મિક સિરિયલોનો ઇનામોત્સવ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Thursday 21st May 2015 05:38 EDT
 
 

ઇન્ડિયાની સિરીયલો ફોરેનમાં બેસીને જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં સિરીયલોમાંથી યે ઇનામો શોધારા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!

જ્યાં સુધી આપણી ભંગાર ટીવી સિરીયલોને ટકાવી રાખવા માટેની ઇનામી હરીફાઈઓમાં એવા સવાલો પુછાતા હતા કે, ‘પપ્પુને ચુન્નુ સે ક્યા કહા?’ ‘પિન્કી કે ગુલાબી ડ્રેસકા રંગ કૌનસા થા?’ અથવા ‘આ એપિસોડ જોતાં જોતાં તમને કેટલા બગાસાં આવ્યાં?’ ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ હવે ધાર્મિક સિરીયલોમાં પણ આવા સવાલ પુછાય છે! ધાર્મિક સિરીયલોમાં સવાલોનો આ સિલસિલો જારી રહ્યો તો એક દિવસ એવો આવશે.

સ્વર્ગનું એક દૃશ્ય

ભગવાન ઇન્દ્ર નવરા થઈ ગયા હતા. આમેય એમને જ્યાં ત્યાં વરસાદ પાડવા અને દુકાળ પાડવા સિવાય બીજું કંઈ કામ જ નહોતું, પરંતુ સ્વર્ગમાં કોમ્પ્યુટર વસાવ્યા પછી તો તેઓ સાવ નવરા થઈ ગયા હતાં. કોમ્પ્યુટરમાં બેસાડેલી રેન્ડમ સિલેકશન પદ્ધતિ (એટલે કે અડસટ્ટે - અઠેગઠે પદ્ધતિ) વડે આખા ભારતવર્ષમાં ગમે ત્યારે, ગમે ત્યાં વરસાદ પડી જતો હતો.

ભગવાન ઇન્દ્રને ક્યારેક ક્યારેક ટીખળ કરવાનું મન થતું ત્યારે તેઓ પોતાના રિમોર્ટ કંટ્રોલ વડે ક્રિકેટ મેચોમાં વરસાદ પાડી નાખતા હતા. પરંતુ આજે તો કોઈ મેચ પણ નહોતી.

ભગવાને આળસ મરડીને તાળી વગાડી. સેવક હાજર થયો.

‘જાઓ, અપ્સરાઓ બોલાવી લાવો, અમારે નૃત્ય જોવું છે.’

‘સાહેબ, અપ્સરાઓ બહાર ગઇ છે.’

‘એમ? તો ઉવર્શીને બોલાવો!’

‘બોસ, ઉર્વશી પણ એમની સાથે જ ગઈ છે.’

‘ક્યાં ગઈ છે?’

‘પૃથ્વીલોકની રિચાર્જ કરાવવાની દુકાનોએ!

‘કેમ? આપણા સ્વર્ગમાં રિચાર્જ નથી થતાં?

‘થાય છે બોસ! પણ અહીંથી પૃથ્વી પર મેસેજ કરવાનો ચાર્જ મોંઘો પડે છે.

ભગવાન ઇન્દ્ર બગડ્યા. એમણે તરત જ સેલફોન ઉપાડીને ચિત્રગુપ્તનો નંબર લગાડ્યો.

‘હલો, ચિત્રગુપ્ત! આ બધું શું છે? મારી અપ્સરાઓ ડ્યુટીના ટાઇમે ક્યાં ક્યાં ભટકે છે તેનો કોઈ હિસાબ રાખો છો તમે?’

‘સોરી ઇન્દ્રજી, તમે એક-બે કલાક પછી ફોન કરોને!’ ચિત્રગુપ્તે કહ્યું, ‘હું જરા એક હિસાબમાં બિઝી છું.’

‘એમ? શેનો હિસાબ માંડ્યો છે? કોઈના પાપ-પુણ્યનો?’

‘અરે જવા દોને બોસ? પાપ-પુણ્યના હિસાબો તો સહેલા હોય છે. આ તો ટીવી સિરીયલોની ઇનામી હરીફાઈમાં મેં કેટલી હરીફાઈમાં ભાગ લીધેલો, એમાંથી કેટલા ઈનામો હું જીત્યો અને છતાંય કેટલાં ઇનામો મને હજી સુધી નથી મળ્યાં તેનો હિસાબ લઈને બેઠો છું!’

ધાર્મિક સિરિયલ હરીફાઈ ગાઈડ

આપણી પુરાણકથાઓ એટલી બધી લાંબી લાંબી અટપટી હોય છે કે એના હજારો પાત્રોમાં લાખો ગૂંચવાડા થઈ જતા હોય છે. આથી પ્રેક્ષકોની સરળતા ખાતર એક ‘ધાર્મિક સિરિયલ પ્રશ્નોત્તરી ગાઇડ’ પ્રકાશિત થશે. જેમાં સહેલા લાગતા સવાલોના અતિ સહેલા જવાબો છાપેલા હશે!

પ્રશ્નઃ ‘ૐ નમઃ શિવાય’ સિરિયલના દરેક એપિસોડમાં કેટલી વખત ૐ નમઃ શિવાય બોલાય છે?’

ઉત્તરઃ ઉત્તર અત્યંત સરળ છે. ૫૦ મિનિટના એપિસોડમાંથી જાહેરખબરોની ૧૫ મિનિટ બાદ કરો. બાકી બચેલી ૩૫ મિનિટમાંથી ૭ મિનિટનું શીર્ષક ગીત આવે છે. જેમાં કુલ ૪૮ વખત ૐ નમઃ શિવાય આવે છે. હવે બાકી રહેલી ૨૮ મિનિટમાં દર એક મિનિટે કુલ ૩૦ વખત ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ વિવિધ એકસ્ટ્રા કલાકારો કર્યા કરતા હોય છે!

પરંતુ જ્યારે જ્યારે વાર્તા આગળ વધી રહી હોય ત્યારે બીજા સંવાદો પણ બોલવા પડતા હોય છે. આથી આખા એપિસોડમાં જેટલી મિનિટની વાર્તા ચાલી હોય તેટલી મિનિટોને ૨૮માંથી બાદ કરીને બાકી બચેલી મિનિટોને ૩૦ વડે ગુણી કાઢો અને તેમાં પેલા શીર્ષક ગીતના ૪૯ ‘ૐ નમઃ શિવાય’ ઉમેરી દો. બસ, આ તમારો સાચો જવાબ છે!

પ્રશ્નઃ જુદી જુદી સિરિયલોમાં આવતા જુદા જુદા નારદનો તફાવત સમજાવો.

ઉત્તરઃ નારદ એક એવું પાત્ર છે કે જે કોઈ પણ ધાર્મિક સિરીયલમાં કોઈ પણ સમયે એન્ટ્રી મારી શકે છે. આથી સિરીયલે સિરીયલે દરેક નારદમાં ખાસ્સો ફેર જોવા મળે છે.

દાખલા તરીકે, રવિવારે સવારે આવતી સિરીયલના નારદની ચોટલી રવિવારે સાંજે આવતી સિરીયલના નારદ કરતા અડધો ઈંચ ટૂંકી હોય છે! પરંતુ સોમવારે રાત્રે આવતી સિરીયલના નારદની ચોટલી ત્રણ ઇંચ વધારે લાંબી હોવા છતાં ઉપર ફૂલો ધારણ કરવાને કારણે તે સવા ઇંચ ટૂંકી દેખાય છે!

સોની ટીવી પર આવતા નારદના તંબૂરામાં ચાર તાર હોય છે જ્યારે દૂરદર્શન પર આવતા નારદના તંબૂરામાં જુદા જુદા સમયે બેથી માંડીને સાત તાર હોવાની શક્યતા છે.

આ બધા જ નારદ મુનિઓ ‘ના...રાયણ, ના...રાયણ’ બોલ્યા કરતા હોય છે તેનું એક માત્ર કારણ એ છે કે આ બધી જ સિરીયલોમાં નારદને ચોટલી ચોંટાડી આપવાનું કામ એક ‘નારાયણ’ નામનો ‘મેકઅપ મેન’ કરે છે અને સંવાદ બોલતાં બોલતાં પેલી ચોંટાડેલી ચોટલી ક્યાંક લબડી ન પડે એ ડરથી એકટરો વારેઘડીએ ‘નારાયણ... નારાયણ’ બોલીને મેકઅપ મેનને યાદ કર્યા કરતા હોય છે!

પ્રશ્નઃ કર્ણનાં કપડાં આજકાલ કોણ પહેરે છે?

ઉત્તરઃ કર્ણનો મુગટ રાજા હરિશ્ચંદ્ર પહેરે છે, કર્ણનું કવચ ‘જય હનુમાન’નો રાવણ પહેરે છે, કર્ણના કુંડળો ‘ક્રિષ્ના’ની રાધા પહેરે છે. અને આ બધાનું ભાડું મગનલાલ ડ્રેસવાલાને મળે છે!

(ખાસ નોંધઃ ‘ઇસ કી ટોપી ઉસ કે સર’ એ એક કોમેડી ફિલ્મનું નામ છે. ધાર્મિક, સિરીયલો બનાવતી પ્રોડક્શન કંપનીનું નહીં!)

ધાર્મિક ઇનામોની વણઝાર...

ધાર્મિક સિરીયલોની હરીફાઈમાં ઇનામો પણ અતિ-ધાર્મિક હશે જેમ કે...

‘પહલા ઇનામ! સ્વર્ગલોક કે ફાઈવ સ્ટાર અતિથિ ગૃહમેં દો વ્યક્તિઓ કે લિયે દો દિન ઔર તીન રાત... બિલકુલ મુફ્ત!!’

‘બીજું ઇનામ! ચિત્રગુપ્તના ચોપડામાં તમારા પુણ્યની એક એન્ટ્રી! બિલકુલ ફ્રી!!’

‘ત્રીજું ઇનામ! ઇન્દ્રના દરબારમાં ઉર્વશીના ભવ્ય ડાન્સ-શોની બે ટિકિટો! બિલકુલ મફત!!’

‘... ઓર ૫૦ આશ્વાસન ઇનામ! મુનિઓં કે મુનિ નારદ મુનિ કે આશીર્વાદ... આપકો વોટ્સએપ સે ભેજે જાયેંગે!’

‘અને સુપર-બમ્પર ઇનામમાં છે યમરાજાનું અતિપ્રિય વાહન... પાડો!! ઇનામ જીતનારને યમસદનમાં પહોંચાડવાની વ્યવસ્થા અમે કરીશું! પાછા આવવાની વ્યવસ્થા જાતે કરી લેવાની રહેશે..!’

‘દોડો! દોડો! જલદી કરો! આજે જ સ્વર્ગની ટિકિટ ફડાવો!’

એક ઇનામી સમસ્યા!

મોટા ભાગના ઇનામોમાં કંઈક ને કંઈક સમસ્યા હોય છે. પહેલી સમસ્યા તો એ હોય છે કે ટીવી પર જાહેર કરાયા પછી એ ઇનામો તમને ક્યારેય મળતાં જ નથી. અને બીજી સમસ્યા એ હોય છે કે એ ઇનામ મળે તો એનું શું કરવું એ જ એક સમસ્યા હોય છે.

દાખલા તરીકે, (તમે ખાસ માર્ક કરજો, બોસ!) હંમેશાં એવું જ બનતું હોય છે કે શ્રીનગરમાં રહેતા કોઈ ભાઈને ઇનામ લાગે ત્યારે એ ઇનામ કન્યાકુમારીની કોઈ હોટેલમાં ‘દો વ્યક્તિઓ કે લિયે દો દિન ઓર તીન રાત બિલકુલ મુફત’નું હોય! અને કોઇમ્બતુરના નસીબદાર વિજેતાને ઇનામ વસૂલ કરવું હોય તો છેક ‘રાજસ્થાન ટૂરિઝમ કી કિસી ભી હોટેલ મેં દો દોન ઔર તીન રાત’ રહેવા માટે બિચારાએ પાંચ હજાર રૂપિયાનું ટ્રેનભાડું ખરચવું પડે!

ક્યારેય, (તમે માર્ક કરજો બોસ!) એવું કેમ નથી બનતું કે કોઈમ્બતુરવાળાને કન્યાકુમારીનું ઇનામ લાગે અને શ્રીનગરવાળો સિમલામાં જઈને મફતમાં જલસા કરી શકે?

એવું ઇનામોની ડિલિવરીનું છે. ઘણી વાર એવું બને કે તમને ૫૦૦ રૂપિયાનું મિક્સર ઇનામમાં મળે, પરંતુ એના ઉપર ૨૫૦ રુપિયાનો પાર્સલ-ચાર્જ ભરવો પડે!

ધાર્મિક ઇનામોમાં તો આનાથી યે મોટા ગોટાળા થવાના! જેમ કે...

‘હલો... ઓ... ઓ? કોણ બોલો? છોટુભાઈ વ્હેંતિયા? અમદાવાદથી? હું વિશાખાપટ્ટનમ્ બંદરેથી બોલું છું!’

‘હા, હા! છોટુભાઈ બોલુ છું. બોલો શું હતું?’

‘અરે ભાઈ! તમારું ઇનામ લઈ જાઓને યાર?’

‘ઇનામ? મને ઇનામ લાગ્યું છે?’

‘કેમ, તમે ટીવીમાં નહોતું જોયું? તમને ‘શિવ-પાર્વતી’ સિરીયલનું બમ્પર ઇનામ મળ્યું છે!’

‘એમ? અચ્છા? ઓ હો હો ? ઓ હો હો હો હો!!’

‘એ ભાઈ, ઓહો-ઓહો પછી કરજો. પહેલા આ તમારું કન્ટેઇનર છોડાવી જાવ!’

‘કન્ટેઇનર?’

‘અરે ભાઈ, સ્ટીમરમાં ખાસ તમારા નામનું કન્ટેઇનર આવ્યું છે. અઢી અઢાર દિવસથી પડ્યું છે અને એનું રોજના હજાર રૂપિયાને હિસાબે ડેમરેજ ચડે છે! તો ડેમરેજ ભરીને છોડાવીને લઈ જાવ!’

‘હેં?? રોજનું હજાર રૂપિયા ડેમરેજ? યાર, આ ટીવીવાળાઓએ તો મને કંઈ જણાવ્યું જ નથી!’

‘એમણે તમને પોસ્ટકાર્ડ લખ્યું હશે, પણ ટપાલમાં અટવાઈ ગયું હશે. પણ હવે તમે આવીને માલ છોડાવી જાવને?’

‘પણ અઢાર હજાર રૂપિયા...’

‘અરે યાર, બંપર ઇનામ છે! લાખેક રૂપિયાનું તો હશે જને?’

‘તો એક કામ કરોને બોસ? હું તમને અઢાર હજાર તો આજે જ મોકલી આપું! પણ તમે જ મને એ ઇનામ મોકલી આપોને?’

‘અરે , એ જ તો આખી મોંકાણ છે ને? આ તમારું ઇનામ જ એવું છે કે કોઈ પણ હિસાબે, કોઈ પણ રીતે ઊંચકી શકાય એવું નથી!’

‘એમ! એવું તે શું છે ઇનામમાં?’

‘શિવજીનું ધનુષ!!’

લ્યો હાલો, આ તો બે ઘડી ગમ્મત! બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter