નવા ‘વેબ-કાસ્ટ’ પ્રસંગો... લાઇવ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 12th August 2015 08:19 EDT
 
 

ઇન્ટરનેટ પર આખી દુનિયાની મિનિટે-મિનિટની ખબર રાખતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં થ્રી-જીના નામે ઠીચૂક-ગતિ (T.G.) વડે નેટમાં ધક્કા ખાતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

હમણાં જ એવા સમાચાર હતા કે એક પંજાબી યુવાન અને એક અમેરિકન યુવતીએ શાસ્ત્રોક્ત હિંદુ વિધિ પ્રમાણે અમેરિકામાં લગ્ન કર્યું તેનું પૂરા સાડા ત્રણ કલાકનું ‘જીવંત’ પ્રસારણ ઇન્ટરનેટ પર કરવામાં આવેલું! દુનિયાભરના હજારો લોકોએ પોતાનાં કોમ્પ્યુટરો પર આ લગ્ન માણ્યું. રેડિયોના ‘બ્રોડકાસ્ટ’ અને ટેલિવિઝનના ‘ટેલિકાસ્ટ’ની જેમ આને ‘વેબકાસ્ટ’ કહેવામાં આવે છે! હવે ટૂંક સમયમાં ધનાઢ્ય લોકોનાં લગ્નો, જનોઈઓ અને જન્મદિવસો તો ‘વેબકાસ્ટ’ થતાં થઈ જ જશે, પણ સાથે સાથે ઇન્ટરનેટ પર આવા અવનવા સાઇબર પ્રસંગો પણ લાઇવ જોવા મળશે.

કરીનાનું ટીંડોળા - વેબકાસ્ટ

પ્રિન્સેસ ડાયેના નસીબદાર હતી. તેના ભવ્ય લગ્નનું લાઇવ ટેલિકાસ્ટ દુનિયાભરની ચેનલો પરથી થયું અને લોકો ઝાકઝમાળ અને ભપકાથી અંજાઈ ગયા હતા. પછી ડાયેનાની અંતિમવિધિ પણ એ જ રીતે દુનિયાભરનાં ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ થઈ અને લંડનથી હજારો માઈલ દૂર બેઠેલી લક્ષ્મીબહેનો અને કાંતામાસીઓએ પણ તે જોઈને આંસુ સાર્યા! પણ એ તો બ્રિટનની પ્રિન્સેસ હતી એટલે આવું અધધધ લાઇવ ટેલિકાસ્ટ તેને પોસાય, પણ હિંદી ફિલ્મની હિરોઈનોનું શું?

- તો હવે એમને આ ખર્ચાળ છતાં ‘સસ્તો’ વિકલ્પ મળી ગયો છે. ઇન્ટરનેટ પર લાઈવ વેબકાસ્ટ!

અમે સાંભળ્યું છે કે કરીના કપુર ખાન આવા જ એક વેબકાસ્ટની તડામાર તૈયારીઓ કરી રહી છે. સૈફ અલી ખાન અને કરીના કપુરનાં લગ્ન તો ગુપચુપ અને સાદાઈથી પતી ગયાં, પણ કરીના કપુર હજી સૈફથી રિસાયેલી છે. ‘તેં આપણાં લગ્નનું લાઇવ ટેલિકાસ્ટ કેમ ન કરાવડાવ્યું?’ એટલે હવે કરીનાને મનાવવા માટે સૈફ અલી ખાને સાવ અનોખું વેબકાસ્ટ પ્લાન કરી રાખ્યું છે!

કરીનાના આગામી બર્થડેના દિવસે કરીના સવારે નહાઈધોઈને, સીધીસાદી ગૃહિણીની જેમ સાડલો પહેરીને હાથમાં થેલી લઈને ટીંડોળાનું શાક લેવા જવાની છે! અને આ આખા પ્રસંગનું ઇન્ટરનેટ પર જીવંત વેબકાસ્ટ કરવામાં આવશે!

- કરીના કારમાં બેસશે, કાર ઊપડશે, શાક-મારકેટ આગળ આવીને ઊભી રહેશે, કાજોલ ઊતરીને હાથમાં થેલી લઈને શાકભાજીની લારી પાસે જશે, ટીંડોળાં જાતે વીણીવીણીને ત્રાજવામાં તોલાવશે, ભાવની રકઝક કરશે. છુટ્ટાની કચકચ કરશે અને દસ-દસ રૂપિયાની નોટો શાકવાળાને આપીને અઢીસો ગ્રામ ટીંટોળાંની ખરીદી કરશે!... આ આખોય પ્રસંગ દુનિયાભરમાં ફેલાયેલા કરીનાના ચાહકો અને આશિકો ઇન્ટરનેટ પર લાઈવ નિહાળી શકશે!

તમને થતું હશે કે કરીના અઢીસો ગ્રામ ટીંડોળાં લેવા નીકળે એ તે કંઈ જીવંત પ્રસારણ કરવા જેવો પ્રસંગ છે? પણ બિચારી કરીના પણ શું કરે? ઇન્ટરનેટ વેબકાસ્ટનો વાવર ઊપડ્યા પછી બર્થડે પાર્ટીઓ અને લગ્ન સમારંભોનું જીવંત પ્રસારણ એટલું બધું કોમન થઈ ગયું હશે કે બધી હિરોઈનો પબ્લિસિટી લેવા માટે જાતજાતના પ્રસંગો વેબકાસ્ટ કરાવતી થઈ ગઈ હશે. જેમ કે -

કિમ કાર્દીશીયન તેની દુખતી દાઢનું ઓપરેશન કરાવ્યું તેનું જીવંત પ્રસારણ... સની લિઓને તેની ટચલી આંગળીનો આકાર વધારે ઘાટીલો કરાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી તેનું જીવંત પ્રસારણ... ભારતની મુલાકાતે આવેલા બરાક ઓબામાનું સ્વાગત કરતી વેળાએ આલિયા ભટ્ટે તેમને દૂરથી નમસ્કાર કર્યા છતાં ઓબામાએ આલિયાને ગાલે ચુંબન કર્યું તેનું જીવંત પ્રસારણ...

- આમાં કરીનાએ કંઈક વેરાયટી તો લાવવી જ પડે ને?

છેલ્લા શ્વાસનું જીવંત પ્રસારણ

જોકે ધનવાનોને આ નવા પ્રસાર માધ્યમથી ઘણો ફાયદો થશે. ઘરમાં સત્યનારાયણની કથા થઈ રહી હોય ત્યાંથી માંડીને એકની એક દીકરીનાં ધામધૂમથી લગ્ન થતાં હોય તેવા પ્રસંગોનું ઇન્ટરનેટ પર જીવંત પ્રસારણ કરાવડાવીને ‘દુનિયાભરના લોકો આ બધું જોઈ રહ્યા છે’ એવા ખયાલોની દુનિયામાં તેઓ રાચી શકશે. પછી કોણે જોયું અને કેટલી મિનિટ માટે જોયું તે કોણે જોયું છે?

માટે, જેણે જોવું જોઈએ તેને જણાવવા માટે અગાઉથી નિમંત્રણો મોકલવામાં આવશે. આ નિમંત્રણો ઈ-મેઈલ દ્વારા નહીં પણ સાદી ટપાલ દ્વારા જ મોકલવાં પડશે, કારણ કે ઈ-મેઇલમાં પણ એવું જ છે કે સામેવાળા બચુભાઈએ તમારી ઈ-મેઈલ વાંચી કે નહીં, અને વાંચી હોય તો પણ એ બચુભાઈએ તેની ‘ફિ-મેઇલ’ને વંચાવડાવી કે નહીં તેની કોઈ ખાતરી નથી મળતી!

એટલે જો તમે કોઈ ધનવાનના દૂરના પણ સગા હો તો એકાદ દિવસ તમારે ત્યાં આવી નિમંત્રણપત્રિકા આવશે. ઉપર લખ્યું હશે - ‘એકબે દિવસ પછી અશુભ’ અને પછી નીચે કંઈક આવું લખાણ હશેઃ

‘અમારા પરમપૂજ્ય પિતાશ્રી રામજીભાઈ શેઠને મુંબઈની પ્રખ્યાત જસલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ અમને ૪૮ કલાકની મહેતલ આપી છે. આ સમય દરમિયાન શેઠશ્રી સ્વર્ગે સિધાવે તેવી પૂરી શક્યતા છે. શેઠશ્રીએ તેમના જીવનકાળ દરમિયાન અનેક સમાજસેવાનાં કાર્યો કરેલ છે. દુનિયાભરની સમાજસેવાની સંસ્થાઓ તથા સૌ સ્નેહીજનો તેમને સુખેથી સિધાવતાં જોઈ શકે તે માટે અમે તેમના અંતિમ શ્વાસોનું લાઈવ પ્રસારણ ઇન્ટરનેટ પર કરવાનું નક્કી કર્યું છે. આ વેબકાસ્ટ દરમિયાન આપ સૌ શેઠશ્રીની જીવનઝરમર તથા તેમણે કરેલાં સદ્કાર્યોનાં જીવંત દૃષ્ટાંતો નિહાળી શકશો. સાથે સાથે શેઠશ્રીની અંતિમયાત્રા માટેના શુભેચ્છા સંદેશાઓનો જે અવિરત પ્રવાહ ચાલુ હશે તે પણ આપ ઓન-લાઈન નિહાળી શકશો. તેમના મરણ બાદ તુરંત જ તેમના વસિયતનામાનું લાઇવ પઠન કરવામાં આવશે! અત્યારે જ અમારી વેબસાઈટની મુલાકાત લો! વેબસાઇટનું નામ છે - ડબલ્યુડબલ્યુડબલ્યુ / એચટીટીપી મરતાક્યાનકરતા ડોટ કોમ

ખાસ નોંધઃ જો ૪૮ કલાક પછી પણ શેઠશ્રી જીવતા હશે તો આ જીવંત પ્રસારણ લંબાવવું કે નહીં, અને લંબાવવું તો કેટલા કલાક માટે લંબાવવું તેનો નિર્ણય બહુમતીથી લેવામાં આવશે.

લિખિતંગ, શેઠશ્રીના સાત દીકરાઓ.’

કેટલાક વિવાદાસ્પદ વેબકાસ્ટ

અમુક ઘટનાઓ એવી છે કે જેના સમાચાર છાપાંઓમાં વાંચીએ ત્યારે એમ વિચાર આવે છે કે ‘યાર, આવું બતાડતા કેમ નથી?’ પરંતુ વાત એમ છે કે છાપાંઓ તથા ટીવી ચેનલોને સરકારી આચારસંહિતા નડતી હોય છે, પરંતુ ઇન્ટરનેટ પર એવું કશુંય નથી. ત્યાં બધું જ બિન્ધાસ્ત ચાલે છે. પણ કમનસીબી એ છે કે આ બધું બિન્ધાસ્ત ચલાવનારાઓની કલ્પનાશક્તિ બંધિયાર થઈ ગઈ છે. એ લોકોએ અમારાં કેટલાંક સજેશનો લેવા જેવાં છે, જેમ કે -

પાકિસ્તાની ક્રિકેટરો હવે પછીનો વર્લ્ડ કપ જાણીજોઈને હારીને પોતાના દેશમાં પાછા આવે તે પ્રસંગનું ઇન્ટરનેટ પર જીવંત પ્રસારણ થવું જોઈએ! શાહિદ આફ્રિદીના ઘરે છાજિયાં લેવાતાં હોય અને શોએબ મલિક ઉપર પથરાવાળી થતી હોય તે જોવાની કોને મજા ન પડે?

જોકે પાકિસ્તાની પ્રેક્ષકોને અગાઉથી ખાસ વિનંતી કરી રાખવી પડે કે એમના ઘરની બહાર તમે ટોળે વળીને ગાળાગાળી કરતા હો ત્યારે મહેરબાની કરી ગાળો બોલવાને બદલે ફક્ત ‘ટૂં... ટૂં... ટૂં... ટૂં’ અવાજો જ કરજો!

કેટલાંક બગાસાંજનક વેબકાસ્ટ

સ્ટાર સ્પોર્ટસ ઉપર ગોલ્ફની ટુર્નામેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ જોઈને અમુક લોકો કહેતા હોય છે, ‘બે, ત્રાસ છે ને યાર? આવી બોરિંગ ગેઇમ ટીવી પર બતાડાતી હશે?’ પણ તમને નવાઈ લાગશે, આ જ લોકો પાંચ-પાંચ દિવસ ચાલતી ટેસ્ટ મેચો રસથી જોતા હોય છે!

આનું સીધુંસાદું કારણ એ છે કે આખી મેચમાં નાટ્યાત્મક પળો તો બહુ ઓછી જ હોય છે, પણ એ પળો ક્યારે આવશે તેની જ ખરી ઉત્તેજના હોય છે! અમારા ફળદ્રુપ ભેજામાં આવા અનેક પ્રોગ્રામો છે જેમાં પેલી ઉત્તેજનાપૂર્ણ પળોની રાહ જોવાની જ મજા છે. જેમ કે -

• ગિનેક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ માટે લાંબામાં લાંબી ઊંઘ કાઢવાના રેકોર્ડનું જીવંત પ્રસારણ! આ ભાઈશ્રીનો દાવો છે કે તેઓ સળંગ ૨૪૦ કલાક સુધી ઊંઘી શકે છે! ઇન્ટરનેટ પર અમારી વેબસાઈટની મુલાકાત લો અને ભાઈને ઊંઘતાં ઝડપી લો!

• ઊંઘતા લોકોને જોવા હોય તો બીજી પણ એક વેબસાઈટ છે. અહીં એક સરકારી ઓફિસનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે! પણ ક્યારેક તમને સનસનાટીભર્યાં દિલધડક દૃશ્યો પણ જોવા મળી જાય, કારણ કે દરેક ટેબલની નીચે અમે ‘સ્ટંપવિઝન કેમેરા’ જેવો જ એક ‘લાંચવિઝન કેમેરા’ છુપાવી રાખ્યો છે!

લ્યો ત્યારે, આંયાં ‘વેબકાસ્ટ’ ઇન્ટરનેટ પર આવે ત્યારની વાત ત્યારે! અત્યારે તો ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter