નવી દેશી વ્રતકથાઓ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 29th April 2015 04:51 EDT
 
 

ગ્રીનકાર્ડ, સિટીઝનશીપ કે ડીવોર્સ મળી જાય તો સાત નાળિયેર ચડાવીશ એવી બાધાઓ લેનારાઓના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ‘ડુંગળીના ભાવ કાલે ના વધે તો બે ડુંગળી ચડાવીશ’ એવી બાધા લેનારા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

ચાલો કબૂલ, કે ‘વૈભવલક્ષ્મી’ જેવું કોઈ સુપરહીટ વ્રત નથી. પણ બદલાતા જમાનાની સાથે સાથે હવે ઇન્ડિયામાં અવનવાં વ્રતો પણ આવી રહ્યાં છે!! લો, આ ‘નવી’ વ્રતકથાઓ વાંચો, વંચાવો અને પુણ્ય કમાઓ!! વાંચનાર સદા સુખી રહે...

લાંચલક્ષ્મીનું વ્રત

કોઈ એક નગરમાં કોઈ એક કાળે સાધુવાણિયો નામનો એક સિદ્ધાંતવાદી શિક્ષક રહેતો હતો. સાધુવાણિયાને લીલાવતી નામની એક પત્ની હતી અને કલાવતી નામની એક પુત્રી હતી.

પરંતુ જન્મથી જ સિદ્ધાંતવાદી હોવાને કારણે સાધુવાણિયો ક્યારેય બે પાંદડે થઈ શક્યો ન હતો. સાધુવાણિયાને હંમેશાં આધિ, વ્યાધિ અને ઉપાધિ સતાવ્યાં કરતાં હતાં. તેની અડધી વધેલી દાઢી ને ખાદીનો ઝભ્ભો જોઈને તેની જ્ઞાતિના સજ્જનો હંમેશાં તેની મશ્કરી કરતા હતા. સાધુવાણિયાના બગલથેલામાં ‘સત્યના પ્રયોગો’ નામની ચોપડી હોવાને કારણે તેની કન્યા કલાવતી માટે કોઈના ઘરેથી માગાં આવતાં ન હતાં.

કલાવતી દિવસે ન વધે એટલી રાતે વધતી જતી હતી. જુવાન કન્યાને પરણાવવાની ચિંતામાં સાધુવાણિયાની દાઢી પણ તે જ રીતે દિવસે ન વધે એટલી રાતે વધતી જતી હતી.

એક સાંજે શાળામાં વિદ્યાર્થીઓના નિબંધની નોટો તપાસી તપાસીને સાધુવાણિયાનું મન ઉદાસ થઈ ગયું હતું. અસંખ્ય ભૂલો સુધાર્યા પછી પણ કોઈ વિદ્યાર્થીના નિબંધને તે પાંચથી વધારે ગુણ ન આપી શક્યો. આખરે નિસાસો નાખીને તે ઘર તરફ જવા નીકળ્યો.

રસ્તામાં એક બ્રાહ્મણના ઘરે આરતીનો ઘંટારવ સંભળાતો હતો. કુતૂહલવશ સાધુવાણિયો ત્યાં ગયો. આરતી પત્યા પછી તેણે પ્રસાદ લીધો. પ્રસાદ ખાધા પછી તેના મનને અનેરી શાંતિ થઈ. આથી તેને થયું કે ‘આ કેવો શીતળ અને આનંદદાયી પ્રસાદ છે! લાવ, જરા પૂછું તો ખરો કે આ કઈ દેવીનો પ્રસાદ છે?’

આમ વિચારી સાધુવાણિયો ઘરમાં ગયો. ઘરની જાહોજલાલી જોઈને સાધુવાણિયો ચકિત થઈ ગયો. ઘરમાં સુંદર રાચરચીલું હતું, ફર્શ પર કાર્પેટ અને દીવાલો પર શોપીસ હતાં. છત પર પંખા હતા અને બારીમાં એરકન્ડિશનર હતાં. શીતળ હવાના સ્પર્શથી પુલકિત થયેલો સાધુવાણિયો ઘરના જજમાન પાસે પહોંચ્યો, પરંતુ જજમાનનો ચહેરો જોઈને સાધુવાણિયો આશ્ચર્યમાં પડી ગયો!

‘અરે તું?’ સાધુવાણિયો બોલી ઊઠ્યો. ‘તું તો અમારી શાળામાં પટાવાળો હતો!’

‘હજુ પણ છું જ, ગુરુજી!’ પટાવાળા બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું.

‘પણ તો પછી આટલી બધી જાહોજલાલી? આ વૈભવ? આટલું બધું ધન તને ક્યાંથી મળ્યું?’

‘આ લાંચલક્ષ્મીના વ્રતને પ્રતાપે, ગુરુદેવ!’

‘લાંચલક્ષ્મીનું વ્રત?’

‘હા, ગુરુજી! લાંચલક્ષ્મીના વ્રતને પ્રતાપે જ મારા ઘરમાં સુખ-શાંતિ અને જાહોજલાલી આવ્યાં છે!’

‘એમ? તો તો હું પણ એ વ્રત કરીશ. મને સમજાવ કે આ વ્રત કઈ રીતે કરવું?’ સાધુવાણિયાએ પૂછયું.

‘આ વ્રત ખૂબ જ સરળ છે. જ્યારે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય કે કરાવવું હોય ત્યારે તે કાર્ય લાંચલક્ષ્મીની આપ-લે કર્યા વિના ક્યારેય ન કરવું.’

‘પરંતુ લાંચલક્ષ્મીની આપ-લે કઈ રીતે કરવી?’

‘લાંચલક્ષ્મીની આપ-લે કરવા માટેની કોઈ જ શાસ્ત્રોક્ત વિધિ નથી. કોઈ પણ કર્મકાંડ કર્યા વિના અથવા મંત્રોચ્ચાર કર્યા વિના સામાન્ય માણસ આ વિધિ કરી શકે છે. ટેબલની ઉપરથી, ટેબલની નીચેથી, ફળોના કરંડિયામાં, મીઠાઈના ખોખામાં અથવા તો ઉત્તરવહીનાં પાનાંઓમાં મૂકીને લાંચલક્ષ્મીની આપ-લે કરવાથી ભાવકને સુખ-શાંતિ અને જાહોજલાલીનું ફળ અવશ્ય મળે છે.’

આ સાંભળીને સાધુવાણિયો ખુશ થયો અને પોતાને ઘરે ગયો. પતિને મોડા મોડા ઘરે આવેલા જોઈને લીલાવતીએ પૂછયું, ‘હે સ્વામી! આજે કેમ આટલું મોડું થયું? શું ફરી વાર પુસ્તકાલયમાં જઈને શબ્દકોષમાંથી સત્યનો અર્થ શોધતા હતા?’

‘અરે ના!’ સાધુવાણિયાએ કહ્યું. ‘આજે સત્યનો સાચો અર્થ મને જડી ગયો છે!’

‘શું વાત કરો છો?’

જવાબમાં સાધુવાણિયાએ લાંચલક્ષ્મીના વ્રતની વાત કહી. લીલાવતી આ સાંભળીને અત્યંત પ્રસન્ન થઈ ગઈ. બન્ને જણાએ હાથમાં બબ્બે રૂપિયાની ફાટેલી નોટો લઈને સંકલ્પ કર્યો કે અમે પણ લાંચલક્ષ્મીનું વ્રત કરીશું અને એક સારો દિવસ જોઈને લાંચલક્ષ્મીની કથા વંચાવડાવીશું.

હજી સાધુવાણિયો તેનો સંકલ્પ પૂરો કરે છે ત્યાં જ બારણે ટકોરા પડે છે અને એક અવાજ સંભળાય છે, ‘અરે માસ્તર! મારા છોકરાને ફર્સ્ટ ક્લાસમાં પાસ કરાવવાનું શું લેશો?’

ઇતિશ્રી રેવાખંડે, કટકીઠંડે, લાંચલક્ષ્મી કથાઃ પ્રથમ અધ્યાય સમા...પ્ત! બોલો શ્રી લાંચલક્ષ્મી દેવીનો... જય!!

કડવી સાતમનું વ્રત

હે સુજ્ઞ શ્રોતાજનો! જેમ હિંદી ફિલ્મની હિરોઈનો પોતાના હીરોની રક્ષા કરવા માટે કડવા ચોથનું વ્રત રાખે છે, તે જ રીતે આજના પતિદેવો પોતાની પત્નીને વશમાં રાખવા માટે કડવી સાતમનું વ્રત કરી રહ્યા છે. આ વ્રતની પુનિત-પાવન કથા આ પ્રમાણે છેઃ

કોઈ એક કાળે એક નગરમાં એક દુઃખી પતિ રહેતો હતો. તે પતિ હતો, કારણ કે તેની એક પત્ની હતી. અને તે દુઃખી હતો, કારણ કે તેની એક પત્ની હતી.

જગતના અધિકાંશ પતિઓની જેમ તેને પણ પોતાની પત્નીનો મહાત્રાસ હતો. સામાન્ય રીતે હંમેશાં ચંડિકાનું સ્વરૂપ ધારણ કરીને રહેતી તેની પત્ની દર મહિનાની સાતમી તારીખે રંભાનું સ્વરૂપ ધારણ કરી લેતી હતી, કારણ કે દર મહિનાની સાતમી તારીખે પતિનો પગાર થતો હતો.

સાતમી તારીખે પતિનો ઘરમાં પ્રવેશ થતાંની સાથે પત્ની તેને નાના પ્રકારનાં વ્યંજનો ખવડાવીને તથા નાના પ્રકારના લટુડાપટુડા કરીને તેના ખિસ્સામાંથી પગારની પૂરેપૂરી રકમ પોતાના હાથમાં સેરવી લેતી હતી. બીજા દિવસની સવાર પડતાં જ પત્ની ફરી વાર ચંડિકાનું સ્વરૂપ ધારણ કરી લેતી હતી. પગારની રકમમાંથી પતિને માત્ર બસમાં આવન-જાવન કરવાનું પરચૂરણ જ આપતી હતી.

ચતુર પત્ની પોતાના માટે સૌંદર્યપ્રસાધનો, સાડીઓ તેમ જ ઘરેણાંની ખરીદી વારંવાર કરતી, પરંતુ પતિને માટે તે પ્યાલા-બરણીવાળી પાસેથી જૂનાં પેન્ટ અને જૂનાં શર્ટની ખરીદી કરતી હતી. પતિ બિચારો પાન-મસાલા, ચા-નાસ્તો અને પિકચર-મહેફિલોથી વંચિત રહેતો હતો જ્યારે પત્ની કિટી-પાર્ટીઓમાં ઉજાણી કરતી હતી.

એક દિવસ આ પતિને બીજો પતિ મળ્યો. (બીજો પતિ એટલે બીજી પત્નીનો પતિ!) તે આમ તો તેનાથી નીચલી કક્ષાનો કારકૂન જ હતો છતાં તેના ચહેરા પર ગજબની કાંતિ હતી, ગાલ પર આફટર શેવની સુગંધ હતી અને હોઠો પર સદા વાગતી રહેતી સીટી હતી.

આપણો પતિ (એટલે કે આપણો હીરો) પેલા પતિને જોઈને આશ્ચર્યમાં પડી ગયો. તેણે જિજ્ઞાસાવશ પૂછયું, ‘હે મિત્ર! તું મારાથી નિમ્ન કક્ષાનો કારકૂન છે અને વળી પરણેલો પણ છે. તેમ છતાંય તું આટલો પ્રસન્ન કઈ રીતે રહી શકે છે?’

જવાબમાં પેલા પતિએ આ પતિને કડવી સાતમના વ્રતનો મહિમા સમજાવ્યો.

‘કડવી સાતમનું વ્રત? હે મિત્ર! આ વ્રત શું છે? અને તે કેવી રીતે કરી શકાય?’

પ્રસન્ન કારકુને કડવી સાતમનો મહિમા આ રીતે વર્ણવ્યો. ‘કડવી સાતમનું વ્રત ઉપરથી અત્યંત કષ્ટકારી અને ક્રૂર છે. પરંતુ તે અંદરથી અત્યંત આનંદદાયી અને શાંતિ આપનારું છે.’

‘આ વ્રતનો પ્રારંભ કોઈ પણ મહિનાની સાતમી તારીખે કરવાનો હોય છે. સાતમી તારીખે એટલે કે પગારતારીખની સાંજે ઘરમાં પ્રવેશતાં પહેલાં પોતાના વાળ રફેદફે કરી નાખવા, કપડાં ચોળી નાખવાં અને ચહેરા પરની રેખાઓ તંગ કરીને પછી જ ગૃહપ્રવેશ કરવો. ઘરમાં આવતાંની સાથે જ ગુસ્સામાં આવીને બૂટ-ચંપલનો વિરુદ્ધ દિશાઓમાં ઘા કરવો.’

‘પત્ની પાણીનો ગ્લાસ ધરીને કારણની પૃચ્છા કરે ત્યારે ઘાંટો પાડીને કહેવું કે ‘અક્કરમી! તારાં નસીબ જ ફૂટેલાં છે! આજે ખિસ્સામાંથી પાકીટ ચોરાઈ ગયું!’ આમ કહીને તરત જ ગરમાગરમ ચા અને નાસ્તાની માગણી કરવી.’

‘આ પછી આવનારા દિવસોમાં મુખમુદ્રા રાક્ષસ જેવી રાખીને ઘરમાં નાનીમોટી ચીજવસ્તુઓની તોડફોડ કર્યા કરવી. થોડા દિવસો આમ કર્યા બાદ પત્ની પાસે તેણે સંતાડી રાખેલી બચતો કબાટમાંથી બહાર કઢાવવી.’

‘વ્રતના બીજા ચરણમાં એટલે કે બીજા મહિનાની સાતમી તારીખે ઘરમાં પ્રવેશતાંની સાથે જ મોંકાણના સમાચાર આપવા કે ‘હવે મને નોકરીમાંથી કાઢી મૂકવાના છે! અને પગાર તો અત્યારથી જ ઘટાડી દીધો છે!’ આમ કહીને માંડ એકાદ-બે સો-સોની નોટો પત્નીના હાથમાં પકડાવવી.’

‘વ્રતના ત્રીજા ચરણમાં પત્નીનાં સૌંદર્ય-પ્રસાધનોનો ખર્ચ તો ઘટી જ ગયો હશે, ત્યારે ઘરખર્ચ માટે પૈસા લાવવા પડશે તેવું બહાનું કરીને તેનાં ઘરેણાં ગિરવે મૂકવાને બહાને હાથે કરી લેવાં.’

‘વ્રતના આ ત્રણે ય ચરણ દરમિયાન ઘરથી દૂર અને ઓફિસથી નજીક હોય તેવી કોઈ બેન્કમાં નવું ખાતું ખોલાવીને તેમાં તમામ પૈસા જમા કરાવતાં રહેવું.’

‘કડવી સાતમના ત્રણ ચરણ સફળતાપૂર્વક પસાર કરી શકનાર પતિને આ પછીના ચોથા, પાંચમા અને છઠ્ઠા ચરણમાં શું શું કરવું તેનું જ્ઞાન આપોઆપ જ પ્રાપ્ત થાય છે.’

‘કડવી સાતમનું આ વ્રત કરવાથી પતિની તબિયતમાં નોંધપાત્ર સુધારો થાય છે, તેનું મન પ્રફુલ્લિત રહે છે અને તે ઓવરટાઇમના બહાને પોતાના અન્ય પતિમિત્રોની સાથે પિકચર, પત્તાં અને પાન-મસાલાની મહેફિલો માણીને સુખની પ્રાપ્તિ કરે છે.’

પ્રસન્ન કારકૂને આ પ્રમાણે કડવી સાતમના વ્રતની વિધિ સમજાવી. તે સાંભળીને આપણો પતિ (એટલે પેલી પત્નીનો પતિ!) અત્યંત પ્રસન્ન થયો.

તેણે કહ્યું, ‘હે મિત્ર! આ વ્રતનું વર્ણન કરવા બદલ તારો ખૂબ ખૂબ આભાર! હું સાતમી તારીખથી જ આ પાવન વ્રત પાળવાનું શરૂ કરી દઈશ! બસ મારી પત્ની હા પાડે એટલી જ વાર!!’

ઇતિશ્રી રેવાખંડે, નપાણિયાછંદે, કડવી સાતમ કથાઃ પ્રથમ અધ્યાય સમા...પ્ત! બોલો શ્રી કડવી સાતમ માત કી... જય?!

ખુશ ભગવાનની પત્રસાંકળી

જેવી રીતે વિવિધ માતાજીઓના પરચાના પ્રચાર માટે તમારા ઘરે કોઈ તદ્દન અજાણ્યા માણસે લખેલું પોસ્ટકાર્ડ આવી ચડે છે, તેવી જ રીતે એક નવા ખુશ ભગવાનની મહિમા ગાતો એક પત્ર અમારે ત્યાં આવ્યો છે. (પત્રની જોડણી જેમની તેમ જ રાખી છે.)

વાંચનાર સદા ખુસ રહે.

તારીખ પહેલી એપ્રિલ, ૧૯૪૮ના શુભ દિવસે શ્રી ખુસ ભગવાનનો જનમ થયો સે. ખુસ ભગવાન આપણા સૌને ખુસ રાખે સે. ખુસ ભગવાન કહે સે કે ખુસ રહેવાથી જ ખુસ રહેવાય સે. દુઃખી થવાથી દુખી થવાય સે.

ખુસ ભગવાનની આગના સે કે આપડે સાપાં વાંચીને ખુસ થવું. ટીવીમાં સમાચાર જોઈ ખુસ થવું. ગેસના બાટલાના ભાવ વધે તો ખુસ થવું. બસની ટિકિટનાં ભાડાં વધે તો ખુસ થવું. લાલુ પરસાદને જોઈને ખુસ થવું. રાહુલ ગાંધીને જોઈને ખુસ થવું. જે થાતું હોય એ જોઈને ખુસ થવું.

ઘણા માણસો આવું બધુ જોઈને દુખી થાય સે. ખુસ ભગવાન કહે સે કે દુખી થાસે એ દુખી થાસે અને જે ખુસ થાસે એ સુખી થાસે.

ઉપર પરમાલેનો કાગળ સાત જણાને લખજો.

એક ભાઈએ આવો કાગળ વાંચીને ફારી નાખ્યો. તો એને ભગંદર થયું અને વેપારમાં ખોટ ગઈ. બીજા ભાઈએ આવા સાત કાગળ લખ્યા તો એને બોગસ કંપનીના સેર લાગ્યા. એના બધા પૈસા લૂટાઈ ગ્યા. છતાં એ ખુસ છે. કારણ કે એના પર ખુસ ભગવાનની મેર સે.

તો તમે પણ ઉપર પરમાલે કાગળ સાત જણાને લખજો. લખનાર ખુસ. વાંચનાર પણ ખુસ.

ખુસ ભગવાનનો જય.

લ્યો બોલો, હવે તમારે કિયું વ્રત લેવું છે? હાલો, ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter