નોકરીવિષયક જાહેરખબરો!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 25th November 2015 06:04 EST
 
 

ઇંગ્લાંન્ડમાં અવર, ડે અને વિકના હિસાબે નોકરીયુંના પગારું લેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને નોકરીયું નો કરતાં હોય એવાં ભૂલકાંવ! ઇન્ડિયામાં નવરાબેઠાં નખ્ખોદ વાળતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

કોણે કહ્યું કે ઇન્ડિયામાં બેકારી વધતી જાય છે? કોણે કહ્યું કે નોકરીઓ મળતી નથી? જેને કામ કરવું છે એના માટે સેંકડો નોકરીઓ છે અને જેને કામ નથી કરવું એના માટે તો હજારો ‘સરકારી’ નોકરીઓ છે... લ્યો વાંચો આ નવી જાહેરખબરો.

•••

પૂજારીઓ જોઈએ છે

સવાર, સાંજ, બપોર તથા રાતના એમ દિવસમાં દસ વાર ભક્તિભાવપૂર્વક આરતી ગાઈ શકે તેવા પૂજારીઓ જોઈએ છે. વિવિધ પ્રકારે પૂજા-અર્ચન, હારતોરા, પુષ્પાંજલિ, તિલકવિધિ તથા જાતજાતના શણગારો કરવાને બહાને મંદિરોના દરવાજા ભક્તો માટે વધુમાં વધુ સમય બંધ રાખી શકે તેવા સેંકડો પૂજારીઓની ભરતી કરવાની છે.

લખોઃ વડા પ્રધાનશ્રીનું કાર્યાલય, નવી દિલ્હી.

•••

જોઈએ છે ગણિત શિક્ષકો

૧૦મા અને ૧૨મા ધોરણમાં ગણિત શીખવી શકે તેવા હોંશિયાર શિક્ષકો જોઈએ છે. પગાર નીચે મુજબ રહેશે.

પગાર = x {364.6 + 5X} + [z2xy - 3x3]}

 16Y[3Z]

•••

ચાડિયા કોર્પ

શું તમે એક ઉત્તેજક, ચેલેન્જિંગ અને ઝડપી કેરિયર માટે તૈયાર છો? જો ના, તો ચાડિયા કોર્પમાં ઇન્ટરચેન્જેબલ સ્પેર-પાર્ટ ટાઇપના મેનેજરોની ભરતીમાં સામેલ થાવ. અમને ટાઈ પહેરેલા, ડાચું સિરીયસ રાખીને આખી ઓફિસમાં આંટા મારતા એવા લોકોની જરૂર છે જે શું કરી રહ્યા છે તેની તેમને પણ ખબર ન હોય.

• વાઇસ પ્રેસિડેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સેલ્સ સુપરવાઇઝિંગ

• સેલ્સ સુપરવાઇઝર ઓફ એકાઉન્ટિંગ વાઇસ પ્રેસિડેન્ટ્સ

• એક્ઝેક્યુટિવ મનેજિંગ મેનેજમેન્ટ મેનેજર

• ડેપ્યુટી આસિસ્ટન્ટ મનેજિંગ મેનેજર

• આસિસ્ટન્ટ ડેપ્યુટી મનેજરિયલ સુપરવાઇઝર

• એક્ઝેક્યુટિવ પટાવાળો

ઉપરની જગ્યાઓ માટે નીચેના સ્થળે વોક-ઇન ઇન્ટરવ્યુ માટે રૂબરૂ મળો.

(ઇ-મેઇલ અરજી સાથે લાવવી)

ચાડિયા કોર્પ કોર્પોરેશન લિમિટેડ ઇન્કોર્પોરેટેડ કુાં.

ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક બિલ્ડિંગ, ૫ ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક રોડ,

જૂના ઇન્ડસ્ટ્રીઅલ પાર્કની પાછળ, નવા ઇન્ડસ્ટ્રીઅલ પાર્કની સામે,

ન્યુ ઇન્ડસ્ટ્રીઅલ સિટી, ઇન્ડસિટી-૪૧૧૦૦૧

•••

જાહેર વિજ્ઞપ્તિ

ઉચ્ચર ગુજરાતી વ્યાખ્યાતાઓ વાંચ્છનીય છે

એક પ્રતિષ્ઠાપ્રાપ્ત સામાજિક સંસ્થા તથા સરકારમાન્ય કેળવણી વિકાસ સંશાધનોમાં રત એવા ટ્રસ્ટને તેમના મહાવિદ્યાલયમાં ઉચ્ચત્તર ગુજરાતી વિષયમાં સ્નાતક, ઊર્ધ્વ સ્નાતક તથા સંશોધનના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનાં અધ્યાપન કાર્ય, માર્ગદર્શન તથા નિદર્શન કાર્ય માટે પૂર્ણ સમયના વ્યાખ્યાતાઓની આવશ્યકતા છે. વાંચ્છુક ખ્યાત વિશ્વવિદ્યાલયની પદવી ધરાવતા તથા જાડા કાચના ચશ્મા વિના પણ અતિગંભીર દેખાવા જરૂરી છે. આવેદનપત્રો શુદ્ધ ગુજરાતીમાં કાગળની એક બાજુએ ડબલ સ્પેસિંગમાં ટાઇપ કરાવીને, એટલે કે લીટીઓ વચ્ચે બમણી જગા છૂટે તે રીતે લેખિનીયંત્ર દ્વારા મુદ્રિત કરીને મોકલવાનાં રહેશે. (કોર્ટની બહાર બેસતા ટાઇપિસ્ટો ત્યાજ્ય છે.)

નોંધઃ પ્રૂફ-રીડિંગ માટે ત્રણ સપ્તાહ જવા દીધા બાદ જ સંસ્થા તરફથી પત્રવ્યવહારની અપેક્ષા રાખવી.

•••

વોન્ટેડ ફોર ઈંગ્લીસ પ્રોફેસર

ન્યુલી ન્યુલી મેઇડ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજ વોન્ટેડ વન વેરી ફાસમફાસ ઇંગ્લીસ પ્રોફેસર વેરી અરજન્ટલી. હન્ડ્રેડ સ્ટુડન્ટ એડમિશન ડન બટ નો પ્રોફેસર એડમિશન ડન, સો વેરી અરજન્ટલી વોન્ટેડ. સ્ટુડન્ટ એડમિશન ડોનેશન નોટ વેરી ચીપ, બટ પ્રોફેસર એડમિશન ચીપ. મીટ પર્સનલી ધેન ઓન્લી ટેલીંગ. બટ બ્રીંગ સર્ટી એન્ડ માર્કશીટ એન્ડ ભલામણ લેટર્સ. ગુડ પ્રસ્નાલિટી રીકવાયર. લેડીઝ ફર્સ્ટ પ્રેફરન્સ. વેરી નાઇસ લેડી, ફર્સ્ટ કમ તો ફર્સ્ટ ગેટીંગ નોકરી.

(ઉપરની જાXખનું સાચું અંગ્રેજી ટ્રાન્સલેશન કરીને લાવવું કમ્પલસરીલી જરૂરી છે.)

•••

દાનની અપીલ

શું તમે ભિખારી, દારૂડિયા, ડ્રગ-એડિક્ટ અને બેકાર છો? તો દાન કરીને રૂપિયા કમાઓ. તમારી વધારાની કિડની, વધારાનું ફેફસું કે હોય એટલા લોહીનું દાન કરો. દાન કરતાં કરતાં કે કરવા પહેલાં તમે મરી જાવ તો પણ તમારા અંગેઅંગને વેચી મારવાની ગેરંટી. આજે જ સંપર્ક કરો અમારા બોડી-પાર્ટ્સ એજન્ટનો. અને ચિંતા ન કરો, એમની પાસે ડોક્ટરની ડિગ્રી છે!

•••

જોઈએ છે મેલ / ફીમેલ સિંગરો

લગ્ન વખતે ઘોંઘાટિયા બેન્ડવાજાં અને કાનફાડુ કેસિયો સાથે ‘લે જાયેંગે લે જાયેંગે, દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે...’, ‘આજ મેરે યાર કી શાદી હૈ...’, ‘તું ઔરોં કી કયું હો ગઈ...’ અને ‘આઈ રે આઈ રે જોર લગાકે નાચી રે...’ જેવાં એકનાં એક ગાયનો મેલ અને ફીમેલ વોઇસમાં ગાઈ શકે તેવા બેસૂરા તથા કાળા-કદરૂપા ગાયકોની જરૂર છે. ગાતી વખતે ઢૈકા હલાવીને નાચી શકે તેવાને પ્રથમ પસંદગી.

•••

લ્યો ત્યારે, ત્યાં બેઠાં બેઠાં આમાંથી કોઈ નોકરી કરવાનું મન થાય તો એપ્લીકેશન મોકલજો, બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter