પંજાબ સિંધ ગુજરાત મરાઠા...

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 09th December 2015 07:35 EST
 
 

આઇરીશ, સ્કોટીશ, સ્પેનીશ, સ્વીડીશ એવા સત્તર જાતના ધોળિયાવ હારે રહેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ ઇન્ડિયામાં સત્તરસો જ્ઞાતિ અને સત્તર હજાર પેટાજ્ઞાતિ વચ્ચે જીવતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ.

એક બલ્બ બદલવા માટે કઈ ટાઇપના કેટલા માણસો જોઈએ તેની જોક્સ અંગ્રેજીમાં ઘણી ચાલે છે, પણ આપણા ઇન્ડિયનો પણ કંઈ કમ નથી. લો વાંચો, એક બલ્બ બદલવા કેટલા દેશીઓ જોઈએ?

આપણા દેશમાં જેમ બાર ગાઉએ બોલી બદલાય છે એમ બાર ગાઉએ માણસોની ક્વોલિટી પણ બદલાય છે. કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી આપણા દેશમાં એટલી બધી જાતની વેરાયટી મળે છે કે આ લેખમાં જેટલા દેશીઓની વાત લખી છે, તેના કરતાં ડબલ જાતના દેશીઓ તો બાકી રહી જવાના! છતાં જેટલા છે એટલાની ખોપડીઓ કેવી રીતે કામ કરે છે તે જોઈએ.

બંગાળી

એક બલ્બ બદલવા માટે ૧૯ બંગાળીઓ જોઈએ.

કઈ રીતે?

એક બંગાળી તો બલ્બ બદલવા માટે જોઈએ જ. પણ એ સિવાય બીજા સત્તર બંગાળીઓ પેલો બલ્બ બદલવા છતાં પણ જ્યારે અજવાળું ન થાય એટલે ઇલેક્ટ્રિક કંપની સામે મોરચો કાઢવા, ધરણાં કરવા, હડતાલ કરવા અને ઘેરાવના જોરદાર કાર્યક્રમોના પ્રોગ્રામો ઘડી કાઢવા જોઈશે.

અને છેલ્લે એક ૧૯મો બંગાળી જોઈશે. એ શું કરશે?

એ છાપું હાથમાં લઈને એમાં છપાયેલા એક નાનકડા સમાચાર વાંચીને કહેશે ‘અરે શુન્નો! આજ કોલકોતા મેં પાવ્હર મેં કોટ (કટ) આચ્છે!’

બિહારી

બિહારીઓ માત્ર ૭ જ જોઈશે!

નવાઈ લાગે છેને? પણ જુઓ, એક બિહારી સ્ટૂલ પકડશે. બીજો બિહારી જૂનો બલ્બ કાઢીને નવો બલ્બ નાખવા માટે જોઈશે. ત્રીજો બિહારી જરા ભણેલો જોઈશે. એ બલ્બને હાથમાં લઈને ચારેબાજુથી ગોળગોળ ફેરવીને શોધી કાઢશે કે બલ્બનો કયો છેડો અંદર નાખવાનો છે!

પણ મુખ્ય કામ તો બાકી રહેલા ચાર બિહારીઓ કરશે. એ લોકો બલ્બમાં નાંખવાની જગ્યામાં વારાફરતી આંગળી નાંખીને ખાતરી કરશે કે પાવર ચાલુ તો છેને?

પંજાબી

પંજાબીઓ બહુ બુદ્ધિશાળી પ્રજા છે. છતાં એક બલ્બ બદલવા માટે ૧૫ પંજાબીઓ તો જોઈશે જ! કઈ રીતે?

પહેલા પંજાબીને જ્યારે ખબર પડશે કે બલ્બ ઊડી ગયો છે ત્યારે તે કહેશે, ‘મેં ક્યા જી, ગલ સુણ ઓય! અગર યે ઉડા હુવા બલ્બ સચમુચ ઊડ ગયા હે તો ફીર યે યહાં ક્યું હૈ જી?’

બીજો પંજાબી તેને સમજાવશે, ‘ઓય ઉલ્લુ દે પુત્તર! બલ્બ ઊડ ગયા હૈ મતલબ? ઉસ્કા જો ફ્યુઝ હૈ ના? વો ઊડ ગયા હૈ!’

એટલે તરત ત્રીજો પંજાબી કહેશે, ‘યે કૈસે હો સકતા હૈ? અગર ઇસ્કા ફ્યુજ ઊડ ગયા હૈ તો વો બલ્બ મેં સે ઊડ કે ગયા કિથ્થે? બલ્બ વિચ કોઈ ખિડકી ભી તો નહીં હૈ!’

છેવટે ચોથો પંજાબી પ્રેક્ટિકલ નીકળશે. એ કહેશે, ‘વો સબ થિયોરી તો મેડિકલ સાયન્સ મેં આતી હૈ. તુસ્સી યે સબ નંઈ સમઝોગે!’ પછી પેલા ત્રણ જણાને બાજુએ હડસેલતાં કહેશે, ‘પરે હટ જાવ ઓય, બલ્બ મેં બદલ દેત્તાં સી!’

આમ કહીને તે બદલી પણ નાંખશે. પણ પછી તે બદલવા છતાં અજવાળું કેમ નથી થતું તે સમજવા બીજા ૧૦ પંજાબીઓ જોઈશે.

આમ ૧૪-૧૪ પંજાબીઓના પ્રયત્નો છતાં બલ્બનું અજવાળું થશે નહિ. છેવટે એક પંદરમા પંજાબીની જરૂર પડશે... જે આવીને સ્વીચ ‘ઓન’ કરશે!

મારવાડી

મારવાડીઓ ભારે કરકસરિયા હોય છે એટલે એક બલ્બ માટે માત્ર ત્રણ જ મારવાડીઓની જરૂર પડવાની.

એક મારવાડી તો જૂનો બલ્બ કાઢી નાંખવા માટે જોઈશે. પછી બીજો મારવાડી, જે એકદમ એક્સપર્ટ હશે, તે જૂના બલ્બને સરખી રીતે કાપશે. તેમાં દિવેલ પૂરશે. દીવેટ લગાડશે અને સરસ મજાનો દીવો બનાવશે.

છેવટે ત્રીજો મારવાડી એ દીવો લાઇટ મીટર પાસે લઈ જઈને ચેક કરશે કે આનાથી લાઇટ મીટર ફરતું તો નથી ને?

સિંધી

સિંધીઓ પણ ભારે ગણતરીબાજ હોય છે, પણ મારવાડી જેટલા નહિ, એટલે ઊડી ગયેલા બલ્બને બદલવા માટે ચાર સિંધીઓ જોઈશે.

પહેલો સિંધી જૂના બલ્બને કાઢવા માટે જોઈશે. પછી બીજો સિંધી એ બલ્બને સિફતપૂર્વક ખોલીને તેમાં નવો ફ્યુઝવાયર ગોઠવીને ફરી વાર સિફતપૂર્વક બંધ કરી દેશે. ત્યાર બાદ ત્રીજો સિંધી એ બલ્બને કોઈ ફેમસ કંપનીના ડુપ્લીકેટ પેકિંગમાં પેક કરી દેશે.

અને ચોથો સિંધી એ ડુપ્લીકેટ બલ્બ લઈને દુકાનમાં મૂકી આવશે અને બિલકુલ એના જ જેવો બીજો ડુપ્લીકેટ બલ્બ દુકાનમાંથી લેતો આવશે!

ગુજરાતી

ગુજરાતીઓ બધી વાતમાં બહુ જ પ્રેક્ટિકલ હોય. એમને ક્યાંય છેતરાવાનું ના ગમે અને કંઈ પણ ખરીદી કરતાં પહેલાં અને પછી સત્તર જાતની પડપૂછ કરવા જોઈએ. એટલે એક બલ્બ બદલવા માટે સામાન્ય રીતે એકત્રીસ ગુજરાતીઓની જરૂર પડવાની!

તમને નવાઈ લાગશે કે એક બલ્બની પાછળ એકત્રીસ ગુજરાતીઓ કરે છે શું? તો જુઓ...

એક ગુજરાતી તો ઇલેક્ટ્રિકવાળાની દુકાને નવો બલ્બ ખરીદવા માટે જશે, પણ સાથે બીજો ગુજરાતી પણ અચૂક જશે. તે દુકાનવાળાને દસ વાર આટલા સવાલો આ જ ક્રમમાં પૂછશે, ‘આ બલ્બ કેટલાનો છે? કેમ આટલો મોંઘો છે? ક્યાં છે... એની કિંમત ક્યાં લખી છે? પણ આ તો અમસ્તી જ લખી હોયને? બધા આનાથી ઓછામાં આપે છે! આમાં કંઈ ડિસ્કાઉન્ટની સ્કીમ નથી? ચાર બલ્બ સાથે લઈએ તો દોઢ મીટર વાયર ફ્રી નથી આલતા? અચ્છા, આ ગોળો ઊડી તો નહીં જાયને? કેટલો ટાઇમ ચાલશે? એ પહેલાં ઊડી જાય તો બદલી આલશો? આની જોડે કંઈ ગેરન્ટી કાર્ડ નથી હોતું? અને પૈસા બાકી રાખોને? હમણાં છુટ્ટા નથી!’

આટલી લમણાફોડ કર્યા પછી બન્ને ગુજરાતી પાછા આવતા હશે ત્યારે મિનિમમ ચાર ગુજરાતીઓ તેમને પૂછશે કે ‘કેટલામાં લાયા?’

આ ઉપરાંત બીજા છ ગુજરાતીઓ એવી સલાહ આપવા જોઈશે કે ‘આ ગોળાઓ કરતાં ટ્યુબલાઇટ જ સારી!’ તો વળી બીજા છ ગુજરાતીઓ એવી સલાહ આપવા માટે જોઈશે કે ‘પેલા ફિલિપ્સના નવા નથી નીકળ્યા? એમાંનો જ લાઈ દેવો’તો ને? એમાં શું છે, શરૂમાં થોડો ખરચો થાય પણ પછી બિલ બહુ ના આવેને?’

આ ઉપરાંત બીજા બાર ગુજરાતીઓ એવો જનરલ કકળાટ કરવા માટે જોઈશે કે ‘આ ઇલેક્ટ્રિસિટીનાં બિલો વધતાં જ જાય છે, આ કંપનીવાળા પબ્લિકને લૂંટવા જ બેઠા છેને?’

આટલો બધો મહિમા એક બલ્બની પાછળ થઈ ગયા પછી છેવટે એ બલ્બને લગાડવામાં આવશે. ત્યારે પેલો છેલ્લો એકત્રીસમાં જાગૃત ગ્રાહક જેવો ગુજરાતી એ બલ્બને ફીટ કરતાંની સાથે જ સ્વીચને ધડાધડ પચ્ચીસ-ત્રીસ વખત ઓનઓફ કરી નાખશે!

કેમ?

‘હમણાં જ ચેક કરી લઈએ ને? પાછળથી ઊડી જાય તો કોઈ બદલી ના આલે ને?’

લઘુમતી

કહેવાય લઘુમતી, પણ એક બલ્બની પાછળ ૨૦૦થી ૨૫૦ જણાની જરૂર પડવાની! અને એ બધાને કંઈ સોંપવાની જરૂર પણ નહિ પડે. બધા જાતે જ પોતપોતાનાં કામો કરવા માંડશે.

દાખલા તરીકે સૌથી પહેલાં તો ૧૦ જણા બૂમો પાડવા માંડશે ‘અમે કશું બદલવા જ નહિ દઈએ! અને અમારે બદલવું હશે તો અમારા ધાર્મિક નેતાઓ કહેશે તો જ બદલીશું, બાકી અમને બદલવા માટે કહેનારા તમે કોણ? તમને અમારા ધર્મમાં શું સમજ પડે?’

પછી બીજા દસ જણા એવા હશે જેમને ધર્મનું જ્ઞાન હોય, એ લોકો કાન ફાડી નાંખે તેવા માઇક ઉપર ભાષણો કરશે કે ‘આ ઇલેક્ટ્રિસિટી જ બધી બૂરાઈઓની જડ છે!’

આ સાંભળીને જૂના-નવા તમામ બલ્બો ફોડી નાખવા માટે ૨૦૦-૨૫૦નું ટોળું ધસી આવશે. એ બધા ભેગા થઈને ૫૦૦-૭૦૦ બલ્બ ફોડી નાખશે.

છેવટે શાણા કહી શકાય એવા છ જણાનું પંચ નીમવામાં આવશે જે લોકો આખી ઘટનામાં લઘુમતીઓને થયેલા અન્યાયની તપાસ કરશે!

સેક્યુલારિસ્ટ

એક પણ સેક્યુલારિસ્ટ બલ્બને જાતે હાથ પણ નહિ લગાડે. ઊલટું ઊડી ગયેલા બલ્બથી સો મીટર દૂર ઊભા રહીને ગંભીર પ્રશ્ન ઊભા કરશે કે ‘બલ્બસમાજમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે. પ્રતિઘાતીઓ અને પરંપરાવાદીઓ પોતાના દીવા, મશાલ અને યજ્ઞોની આડ વડે આખા સમાજમાં આગ ફેલાવવાનું હીન કૃત્ય કરી રહ્યા છે. બલ્બ ઊડેલા હોય કે ચાલતા હોય તેમને બદલી જ નાંખવા, અને જૂના, વરસોથી એક જ દીવાલના આધારે ટકી રહેલા બલ્બોને તડીપાર કરવાની આ લોકોની મલિન યોજના છે! આ છૂપા એજન્ડાને અમે ક્યારેય પાર નહિ પાડવા જઈએ.’

આટલાં બધાં ભાષણો કર્યા પછી આ સેક્યુલારિસ્ટો પોતપોતાને ઘરે જઈને પોતાની ટ્યુબલાઇટો બંધ કરીને પોતાના એરકન્ડિશન્ડ બેડરૂમમાં ઊંઘી જશે.

•••

લ્યો, જોઈ લીધીને અમારી દેશી વેરાયટીઉં? બસ ત્યારે, ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter