પાકિસ્તાનની નટખટ જોક્સ

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Thursday 05th February 2015 07:57 EST
 

રોજ સવાર પડે ને સરહદ પરથી પાકિસ્તાને કરેલા ગોળીબારના ન્યુઝ વાંચીને ટેન્શનું કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં આવા સમાચારોને ઘોળીને પી ગયેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

પાકિસ્તાનના શાસકો ભલે ભારત સાથે હજ્જાર વરસ સુધી લડી લેવાની બડાશો મારતા હોય, પણ પાકિસ્તાનની પ્રજા તેમને બરાબર ઓળખે છે! એટલે જ એમના વિશેની નવી નવી જોક્સ પાકિસ્તાનમાં મેન્યુફેક્ચર થયા જ કરતી હોય છે! પ્રસ્તુત છે સરહદ પારથી સ્મગલિંગમાં ઘૂસી આવેલી નાપાક જોક્સ...

ઝીંગાબૂંગા! ઝીંગાબૂંગા!

આતંકવાદીઓ પર ડ્રોન હુમલાઓ કરી નાખ્યા પછી નવાઝ શરીફ ફોર્મમાં આવી ગયા હતા. જ્યાં જાય ત્યાં એક ભાષણ જરૂર ફટકારી દેતા.

એક વાર નવાઝ શરીફ વિમાનમાં બેસીને વિદેશના પ્રવાસે જતા હતા. ત્યાં અચાનક વિમાનમાં ખરાબી થવાથી દરિયાની વચ્ચોવચ આવેલા એક નાનકડા ટાપુ ઉપર વિમાન ઉતારવું પડ્યું.

આવડા મોટા વિમાનને જોવા માટે ટાપુના આદિવાસી લોકો દોડી આવ્યા. થોડીક ભીડ થઈ એટલે નવાઝ શરીફની જીભમાં ચળ આવવા લાગી. તેઓ વિમાનની પાંખ ઉપર ચડી ગયા અને ભાષણ ફટકારવા લાગ્યાઃ

‘હમારે પાકિસ્તાનને બહોત તરક્કી કી હૈ. કુછ દિનોં પહેલે હમને ૧૫૦ આતંકવાદી માર ડાલે હૈ!’

આદિવાસીઓ આ સાંભળીને બોલી ઊઠ્યાઃ ‘ઝીંગાબૂંગા! ઝીંગાબૂંગા!’

‘અમેરિકાને હમેં ઔર આતંકવાદી મારને કે લિયે બહોત સારે ડોલર દિયે હૈ!’ નવાઝ શરીફે ચલાવી.

‘ઝીંગાબૂંગા! ઝીંગાબૂંગા!’ આદિવાસીઓ બોલ્યા.

‘હિન્દુસ્તાન કો તો હમ ચૌબીસ ઘંટે મેં હરા સકતે હૈં! ઔર કાશ્મીર કો તો હમ ચૂટકી બજા કર જીત લેંગે!’

‘ઝીંગાબૂંગા! ઝીંગાબૂંગા!’

‘અગર હિન્દુસ્તાન તુમ્હારે સાથ કોઈ છેડખાની કરતા હૈ તો હમકો બોલના! હમ હિન્દુસ્તાન કા સફાયા કર દેંગે!’

‘ઝીંગાબૂંગા! ઝીંગાબૂંગા!’ આદિવાસીઓએ પોકાર કર્યા.

નવાઝ શરીફ ઘણા ખુશ થયા. કહે, ‘વિમાનની મરમ્મત થાય ત્યાં લગી જરા આ ટાપુની સૈર કરીએ.’ તેમણે ટાપુના મુખિયાને પૂછયું, ‘અહીં જોવા જેવું શું છે?’

મુખિયો નવાઝ શરીફને ટાપુના એક છેડે લઈ ગયો, ‘જુઓ સાહેબ, આ અમારા ટાપુનો મોટામાં મોટો ઢોરવાડો છે.’

‘અચ્છા? નવાઝ શરીફ કહે, ‘હું અંદર જઈ શકું?’

‘ખુશીથી!’ મુખિયાએ કહ્યું, ‘ફક્ત એક જ વાતનું ધ્યાન રાખજો. જમીન પર ઠેર-ઠેર ઢોરોના ઝીંગાબૂંગા પડ્યા હશે, એમાં તમારો પગ ન ખરડાઈ જાય!’

લોટરી લગ ગઈ!

પાકિસ્તાનના ફૌજી અફસરોએ ઐલાન કર્યું કે જે માણસ હિંદુસ્તાનનો એક સિપાહી પકડી લાવશે તેને પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

શૌકત અલી અને લિયાકત અલી આમેય નવરા જ હતા. તેમને થયું આ ધંધો સારો છે. રાતના સમયે બંને જણાએ સરહદ પાર કરીને હિંદુસ્તાનમાં ઘૂસ મારી. બહુ ફાંફાં માર્યા, પણ કોઈ હિંદુસ્તાની સિપાહી નજરે ન ચડ્યો.

અચાનક એમને એક મકાન દેખાયું. મકાનનાં બારીબારણાં બંધ હતાં એટલે શૌકત અલી અને લિયાકત અલી મકાનના છાપરે ચડી ગયા. અચાનક શું થયું તે મકાનનું છાપરું તૂટી પડ્યું અને બંને બહાદુર મકાનની વચ્ચોવચ આવીને પડ્યા.

શૌકત અલી અને લિયાકત અલીએ આંખો ચોળીને જોયું તો ચારે બાજુ સો-દોઢસો હિંદુસ્તાની સિપાહી તેમને ઘેરીને ઊભા હતા.

શૌકત અલી ખુશ થઈ ગયો. ‘મિયાં લિયાકત! હમ તો લખપતિ હો જાયેંગે! ઇન સબ કો પકડ લો!’

ક્યા દિમાગ પાયા હૈ!

હુસેનમિયાં અને ફરીદમિયાં એટમબોમ્બ બનાવનારા વૈજ્ઞાનિકો હતા. એ બંને નવરા થઈ ગયા હતા.

એક દિવસ બંને જણા એક સાઇકલ ઉપર ડબલ સવારી કરીને પહાડોની સૈર કરવાની નીકળ્યા. હુસેનમિયાં આગલી સીટ પર અને ફરીદમિયાં પાછળની સીટ ઉપર.

એક વળાંક પછી સામે ઊંચો ઢાળ હતો અને પાછળ ઊંડી ખીણ હતી. હુસેનમિયાં કહે, ‘ફરીદમિયાં, તમે પેડલ મારજો, હું ગવંડર સંભાલું છું.’

ફરીદમિયાં પેડલ મારવા લાગ્યા અને હુસેનમિયાંએ ગવંડર સંભાળ્યું. ઢાળ ચઢતાં ચઢતાં તો ફરીદમિયાંને ફીણ આવી ગયું.

ઢાળ ચઢી ગયા પછી ફરીદમિયાં કહે, ‘બાપ રે! શું જબરદસ્ત ઢાળ હતો! મને તો એમ થતું હતું કે આપણી સાઇકલ પાછી દદડીને ખીણમાં ન પડી જાય તો સારું!’

‘ખીણમાં ક્યાંથી પડે?’ હુસેનમિયાંએ કહ્યું, ‘મેં બરાબર બ્રેક દબાવી રાખી હતી!’

મેં ખુદકુશી કરુંગા!

પાકિસ્તાનમાં ક્રિકેટનું રાજકારણ ત્યાંના લોકોમાં કેટલી હદે અસર કરી રહ્યું છે તેની એક જોક છે.

અબ્દુલ ગફૂર નામનો એક માણસ વીસ માળના એક બિલ્ડિંગના ધાબાની પાળી ઉપર ચડી ગયો હતો. તે ત્યાંથી નીચે કૂદી પકડીને ખુદકુશી કરવાની ધમકી આપી રહ્યો હતો.

એક હવાલદાર તેને સમજાવવા માટે ધાબા ઉપર આવ્યો.

‘ખુદાને વાસ્તે પાછા આવી જાવ મિયાં!’ હવાલદારે કહ્યું.

‘હું ખુદામાં નથી માનતો, નાસ્તિક છું!’ અબ્દુલે કહ્યું.

‘અમાં યાર, તમારાં બીવી-બચ્ચાંનો તો ખ્યાલ કરો?’

‘મારી બીવીએ દૂસરી શાદી કરી લીધી છે અને મારાં બચ્ચાં મારું કહ્યું નથી માનતાં.’

‘મિયાં, એકાદ વરસ રોકાઈ જાઓ! એક સાલમાં તો પાકિસ્તાન બહુ તરક્કી કરી લેશે. તમને નોકરી પણ મળી જશે!’

‘મને મારી કિસ્મત ઉપર જરાય ભરોસો નથી.’

‘અચ્છા એક મહિનો તો રોકાઈ જાઓ! હિંદુસ્તાન-પાકિસ્તાનનો જંગ થવાનો છે! જોવાની બહુ મજા આવશે!’

‘જંગ? નવાઝ શરીફ પબ્લિકને ઉલ્લુ બનાવે છે.’

‘અચ્છા, મિયાં!’ હવાલદારે છેલ્લો દાવ નાખ્યો, ‘એક દિન તો રૂક જાવ? કાલે હિંદુસ્તાન-પાકિસ્તાનની ક્રિકેટ મેચ છે અને મિસબાહ ફરી કેપ્ટન બની ગયો છે!’

‘સિલેક્ટરો મૂરખ છે.’ અબ્દુલ ચીડાયો, ‘મિસબાહને કેપ્ટન બનાવાતો હશે? એ તો પૈસા ખાય છે!’

‘ઇલ્જામ લગાતા હૈ! વો ભી મિસબાહ પે?’ હવાલદારે ગુસ્સામાં આવીને કહી દીધું, ‘હવે તો તું કૂદી જ પડ!’

‘જા જા! શા માટે?’ અબ્દુલ ગફૂરની છટકી. ‘કોઈ મિસબાહનો આશિક કહે કે તું વીસ માળની બિલ્ડિંગ પરથી કૂદી પડ, એટલે શું મારે કૂદી પડવાનું? હરગિઝ નહીં!’

અબ્દુલ ગફૂર પાળી પરથી પાછો આવી ગયો!

હિંદુસ્તાન સે આગે!

પાકિસ્તાનના લશ્કરના જવાનોનું આ રીતે બ્રેઇન-વોશિંગ કરવામાં આવે છે.

અફસરઃ ‘સૌથી સારી ફિલ્મો કોણ બનાવે છે? હિંદુસ્તાન કે પાકિસ્તાન?’

જવાનઃ ‘પાકિસ્તાન!’

અફસરઃ ‘કોનો એટમબમ વધુ તાકતવાર હતો? હિંદુસ્તાનનો કે પાકિસ્તાનનો?’

જવાનઃ ‘પાકિસ્તાનનો!’

અફસરઃ ‘કોની આર્થિક હાલત વધારે સારી છે? હિંદુસ્તાનની કે પાકિસ્તાનની?’

જવાનઃ ‘પાકિસ્તાનની!’

અફસરઃ ‘અને પાકિસ્તાનનો નારો શું છે?’

જવાનઃ ‘હમેં હિંદુસ્તાન સે આગે નિકલના હૈ!’

•••

લ્યો બોલો, હિન્દુસ્તાન-પાકિસ્તાનનું ડીંડવાણું તો આમ જ હાલ્યા કરવાનું! તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter