પુરુષો પ્રેગનન્ટ થતા હોત તો?

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 30th September 2015 08:34 EDT
 
 

પુરુષ પુરુષને પરણે અને વળી પ્રેગનન્ટ પણ થાય એવા આધુનિક દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં આવા બધા સમાચારો સાંભળી ડઘાઈ જતાં હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!

હમણાં થોડા સમય પહેલાં સમાચાર હતા કે ધોળિયાએ પ્રેગનન્ટ બનીને બાબલાને જન્મ આપ્યો! શું ઇન્ડિયામાં એવું બને ખરું અને જો બને તો?

‘અજી સુનતી હો? મુઝે તો બતાતે હુએ શર્મ આતી હૈ, તુમ માં બનનેવાલી હો!’ ઇન્ડિયામાં કંઈ જ ન થતું હોત! કારણ કે પુરુષો ગમે તેવા સંજોગોમાં પુરુષો જ રહેવાના! પુરુષો પ્રેગનન્ટ થતા હોત તો પણ તેઓ તેમના ધંધામાં રચ્યાપચ્યા રહેતા હોત, અત્યારે છે એટલા જ નફ્ફટ હોત અને આપણને આવું બધું જોવા મળત...

સરકારી ઓફિસમાં

‘આ શું છે મિસ્ટર મહેતા?’ પટેલસાહેબે ટેબલ પર ફાઇલ પછાડી હોત. અને મિસ્ટર મહેતા ઊભા ઊભા તેમની મિડિયમ સાઇઝની ફાંદ ઉપર શાંતથી હાથ ફેરવતા પૂછતા હોત, ‘કેમ? શું છે?’

‘શું છે શું છે શું?’ પટેલસાહેબ અકળાયા હોત, ‘તમને ફરીથી રજાઓ જોઈએ છે?’

‘પી.એલ. છે... સાહેબ’ મહેતા કહેતા હોત, ‘પેટરનિટી લિવ. એ તો મંજૂર કરવી જ પડેને? ગવર્નમેન્ટ જી.આર. છે કે -’

‘મને જી.આર.ના શીખવાડો મહેતા!’ પટેલસાહેબ બોલી ઊઠ્યા હોત, ‘છેલ્લાં સાત વરસમાં તમે સાત વખત પ્રેગનન્ટ બની ચૂક્યા છો! આ આઠમી વાર છે! શું છે આ બધું?’

‘સંસાર છે. ચાલ્યા કરે!’ મહેતા પોતાના પેટ ઉપર હળવી ટપલી મારીને જવાબ આપતા હોત.

‘આમાં સંસારની ક્યાં-’ પટેલસાહેબ બોલતાં બોલતાં અટકીને મૂળ મુદ્દા પર આવત, ‘સરકાર તમને પેટરનિટી લિવના નામે ચાલુ પગારે ચાર મહિનાની રજા આપે છે, બધી સારવારનું મેડિકલ એલાવન્સ આપે છે અને સિઝેરિયન હોય તો હોસ્પિટલ એક્સપેન્સ પણ આપે છે. પણ એનો મતલબ એ નહીં કે તમે દર વરસે આ જ ધંધો કર્યા કરો!’

‘ધંધો?’ મહેતા ખંધુ હસીને જવાબ આપત ‘સાહેબ, આમાં આપણને ક્યાં ધંધો મળે છે? ધંધો તો ડોક્ટરોને થાય છે!’

‘પણ આ-’ અચાનક પટેલસાહેબનું ધ્યાન ફાઇલમાંના અમુક કાગળો પર પડતાં તે બોલી ઉઠત, ‘છેલ્લા સાતે સાત વખતથી બરાબર એન્ડ ટાઇમે તમને મિસકેરેજ થઈ જાય છે! આ ચક્કર શું છે!’

‘હવે સમજી જાઓને... સાહેબ?’ મહેતા આંખ મિચકારીને ફોડ પાડત, ‘અત્યાર સુધીની સાતેસાત પ્રેગનન્સી ફક્ત ‘ઓન-પેપર’ હતી! પણ આ વખતે તો રિયલ છે. રજા તો મંજૂર કરવી જ પડશે!’

મુસ્લિમ બિરાદરીમાં

‘કયું બે સલીમડે?’ સલીમના ખભે ધબ્બો મારીને ફરીદે પૂછ્યું હોત, ‘આજકાલ ઇતના મુડલેસ કાયકુ દિખતા હૈ?’

‘બે જાન્દે ના?’ સલીમ તેની ટોપી સરખી કરતાં બોલ્યો હોત, ‘મેં પ્રેગનન્ટ હો ગૈલા હું!’

‘લે? યે તો અચ્છી બાત હૈગી! ઇસ્મેં એસા મું લટકાકે કાયકુ બેઠેલા હૈ?’ ફરીદ તેને પૂછત, ‘કોન્સા મહિના ચલ રૈલા હૈ?’

‘પાંચવા.’ સલીમ તેની દાઢી ખંજવાળતાં કહેત, ‘મગર પ્રોબ્લેમ ઇસ્કા નહીં હૈ, મેરી બીવીયોં કા હૈગા!’

‘ક્યા?’

‘દેખ ફરીદીયા, તું તો જાન્તા હૈ ના? મૈં મેરી બીવીયોં કો કિત્તા ખુસ રખતા હું?’ સલીમ આખી વાત માંડીને કહેતો હોત, ‘એક દિન સલમાને મેરે સી પૂછા કે યે બચ્ચા કિસકા હૈ? તો મૈંને કહા, તેરા જ હોવેને? ફિર એક દિન નફીસા મેરે સી પૂછને લગી, સચ બતાઓ યે બચ્ચા કિસકા હૈ? મૈંને ઉસકો ભી બોલ ડાલા કિ તેરા જ હૈ! અભી પરસોં ફાતમાને ભી એસા જ પૂછા. તો ઉસકો ખુસ રખને કે લિયે મૈંને ઉસ્કો ભી બોલ ડાલા કિ, તેરી કસમ ફાતમા યે બચ્ચા તો તેરા જ હૈગા!’

‘તો?’

‘તો ક્યા? અબી સલમા, નફીસા ને ફાતમા - તીનોં ભેગી હો ગૈલી હૈં! રોજ મેરી જાન ખાતી હૈ, સચ-સચ બતાઓ યે બચ્ચે કિસકા હૈ?’ સલીમ રડવા જેવો થઈ ગયો. ‘ફરીદડે, અબ તૂં જ બોલ, મૈં ક્યાં કરું?’

‘અબે ઇસ્મેં ઇત્તા ગૂંચાતા કાયકુ હૈ?’ ફરીદ રસ્તો બતાડત, ‘હોસ્પિટલ જા કે રીપોર્ટ કરા ડાલના? પતા ચલ જાવે કિ કિસ કા હૈ?’

‘બે, વોઈ જ તો લોચા હૈ ના?’ સલીમ તેની વ્યથા વ્યક્ત કરતાં કહેત, ‘રીપોર્ટ મેં યે બચ્ચા કીસી ચૌથી કા નીકલા તો??’

સીટી બસમાં

‘ઓ ભઈ! ઊભા થાઓ!’ બસમાં આ રોજની બબાલ હોત. એક પેસેન્જર બીજાને કહેતો હોત, ‘આ લખ્યું છે તે વંચાતું નથી? આ ચાર સીટો પ્રેગનન્ટ પુરુષો માટે ખાલી કરવી!’

‘બધું વંચાય છે!’ બેઠેલો જાડિયો પેસેન્જર સામી ચોપડાવત, ‘એટલે જ તો અહીં બેઠા છીએ! તું તારી મેળે લપ્પનછપ્પન કર્યા વિના ડંડો પકડીને ઊભો રહે ને?’

‘કેમ? અમારે બેસવું ના હોય?’ ડંડો પકડીને ઊભો રહેલો પેસેન્જર કહેતો હોત ‘અમેય પ્રેગનન્ટ છીએ!’

‘હવે જા જા!’ જાડિયો પેસેન્જર રોકડું પરખાવતાં બોલતો હોત ‘પેટ તો સાવ પાટિયા જેવું છે! પ્રેગનન્ટોનાં પેટ આવાં હોય? આ જો, મારું પેટ જો! આને કહેવાય પ્રેગનન્ટ!’

‘એય એય એય!’ પાતળો પેસેન્જર તતડી ઉઠત, ‘કોને ઉલ્લુ બનાવે છે? હું છેલ્લા એક વરસથી જોઉં છું, તારું પેટ આવડું ને આવડું જ છે! તું પ્રેગનન્ટ નથી, ફાંદાળો છે ફાંદાળો! જાડિયા!!’

રોજની જેમ મોટા મોટા અવાજે બૂમાબૂમા ચાલુ થઈ જાત અને દર વખતની જેમ કન્ડકટર ભીડમાંથી રસ્તો કરત નજીક આવત. ‘શું છે ભઇ? શેનો કકળાટ છે?’

‘આ ભઈ પ્રેગનન્ટ નથી!’ બંને જણા એકબીજા સામે આંગળી ચીંધીને કહેતા હોત. આખરે કંડકટર તેનો તોડ કાઢતાં ઠંડકથી તેના પંચ વડે ટીક-ટીક કરતાં બોલત-

‘ચલો, પી.યુ.સી. બતાડો બંને જણા!’

‘હેં? પી.યુ.સી.?’ સળેકડી અને જાડીયો બંને સાથે પૂછત.

‘ખબર નથી?’ કંડકટર કહેતો હોત, ‘હવે ગવર્નમેન્ટનો રૂલ છે, બધા પ્રેગનન્ટ પુરુષોએ પી.યુ.સી. કઢાવવાનું ફરજિયાત છે - પ્રેગનન્સી અંડરટેકન સર્ટિફિકેટ.’

ફિલ્મોમાં

‘ફવ્વારા ચલા...ઓ!’ ડિરેકટરે બૂમ પાડી હોત.

અને વરસાદની ઇફેક્ટ ઊભી કરતો પાણીનો ફુવારો ચાલુ થઈ ગયો હોત. ‘ફૂલ લાઇટ્સ!’ ‘કેમેરા!’ ‘સાઉન્ડ!’ અને ‘કલેપ-ઇન!’ની બૂમ પડતાંની સાથે ક્લેપર બોય ક્લેપ મારી જાત - ‘દિલ દે કે દેખો - સોંગ નંબર વન – થર્ટી બાય ટુ - ટેક વન!’

‘ગાના ચલા... વ!’આસિસ્ટન્ટ ડિરેક્ટરે બૂમ પાડી હોત.

તરત જ ‘પાની મેં જલ-જલ જલે રે બદન, બારિશમેં પલ-પલ ગલે રે બદન...’ ગાયન ચાલુ થઈ જાત. ‘એ...કશન!’ની બૂમ પડતાંની સાથે સલમાન ખાન નાચતો નાચતો એન્ટ્રી મારત અને શરીરના ઝટકા મારતાં મારતાં શર્ટનાં બટન તોડવાં માંડતો હોત...

પણ એ જ વખતે ડિરેકટર બરાડી ઊઠત - ‘અરે... કટ કટ કટ!’

‘કેમ શું થયું?’ સલમાન પૂછત.

‘અરે ઓ ડાન્સમાસ્તરની! જરા સમઝાઓ સલમાન કો..!’ ડિરેક્ટર મોઢું બગાડીને એક જાડી ડાન્સ-ડિરેકટરને આગળ કરત.

‘મૈંને કુછ ગલત કીયા, સરોજજી?’ સલમાન બિચારો ભોળપણથી સરોજ ખાનને પૂછતો હોત.

‘અરે નો ડિયર!’ સરોજ ખાન સલમાનને ખભે હાથ મૂકતાં એક સ્માઈલ આપીને કહેતી હોત, ‘યુ આર ડુઇંગ જસ્ટ ફાઇન! બસ એ...ક સ્ટેપ ઉલ્ટા કર દિયા!’

‘કૌન સા?’

‘અરે ભઈ, શર્ટ કે બટન ઉપરકી સાઇડસે નહીં, નીચે કી સાઇડસે ખોલા કરો?’ સરોજ ખાને પ્રેમથી સમજાવ્યું હોત.

‘પણ કેમ?’

‘ઓ ડિયર?’ સરોજ ખાન વધુ એક સ્માઈલ આપીને સલમાનને સમજાવત, ‘તું સમજતો કેમ નથી? હવે તું પ્રેગનન્ટ થઈ ગયો છે! અને લોકોને હવે તારી છાતી જોવા કરતા તારું પેટ જોવામાં વધારે રસ છે! છોકરીઓ તો તારા ઉઘાડા પેટ પર કુરબાન છે, સલ્લુ!!’

ક્રિકેટમાં

‘બે યાર? આ ધોનીને આ લોકો ટીમમાંથી ડ્રોપ કેમ નથી કરતા?’ પાનના ગલ્લે ઊભા રહીને મેચ જોઈ રહેલા ક્રિકેટશોખીનોમાંથી કોઈ બોલત, ‘એ કંઈ કરતો જ નથી!’

‘હવે શું થાય? ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રૂલ જ એવા બનાઈ દીધા છે પછી?’ બીજો ક્રિકેટશોખીન તેનો બળાપો કાઢતો હોત, ‘જે ક્રિકેટરે બે હજારથી વધુ રન બનાઈ લીધા હોય એ પ્રેગનન્ટ હોય તો બી એને રમાડવો જ પડે!’

‘અને જલ્સા જ છે ને એ લોકોને?’ ત્રીજો ટાપશી પુરાવતાં કહેત, ‘પ્રેગનન્ટ હોય એટલે ફિલ્ડિંગ ભરવા તો આવવાનું નહીં, અને બેટિંગ કરતી વખતે એમને રનર મળે! એમણે તો ખાલી ઊભા ઊભા ફટકા જ મારવાનાને?’

‘ધોની તો ફટકાબાજીય ક્યાં કરે છે?’ પહેલો તેનો ઉકળાટ ઠાલવતાં કહેત, ‘છેલ્લી દસ મેચમાં ભઈએ દસથી વધારે રન જ નથી કર્યા! આ મારા બેટા બધા પૈણેલા ક્રિકેટરોને કાઢવા જોઈએ ટીમમાંથી!’

‘ના હોં?’ બીજો સામી દલીલ કરતો હોત, ‘આપડો કોહલી જુઓ, બિચારો કેટલી મહેનત કરે છે? ખબર છે? છેલ્લા વર્લ્ડ-પ વખતે તો બિચારાએ પેટરનિટી લિવ પણ નહોતી લીધી. અને છેક એન્ડ ટાઇમ આઈ ગયેલો તો બી બેટિંગ કરવા આવતો’તો!’

‘હા, હોં?’ ત્રીજો તરત જ સૂર પુરાવત, ‘ઓસ્ટ્રેલિયામાં બિચારાને વેણ ઉપડેલું તે મારતી ફ્લાઇટે મુંબઈ પાછો આઈ, ડિલીવરી પતાઈને પાછો તરત મેચ રમવા આઈ ગયેલો! અને તે ફેરી તો સેન્ચુરી મારેલી!’

‘સાલું...?’ પહેલો વિચારમાં પડી જઈને મસાલો મોંમાં મમળાવતાં બોલત, ‘આપડે તો ખાલી વાતો જ સાંભળેલી પણ હવે તો મન ચોક્કસ લાગે છે કે દાળમાં જરૂર કંઈક કાળું છે!’

‘શું?’

‘હોય ના હોય,’ પહેલો કહેતો હોત, ‘આ ધોનીએ એની પ્રેગનન્સી ફીક્સ કરાઈ નાંખી લાગે છે!’

•••

લ્યો, અમે તો ઇન્ડિયામાં બેઠાં બેઠાં આવા તુક્કા લડાવ્યે રાખીએ છીએ, પણ તમારા ધોળિયાવના દેશમાં આવું કંઈ થાવાં મંડે તો પછી કહેતા નહિ કે અમે કીધું નહોતું! બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બાધાં ઓલરાઇટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter