મહાવૈજ્ઞાનિક દેશી સંશોધનો!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 26th August 2015 03:42 EDT
 
 

રોજ સવાર પડે ને જ્યાં એક નવી શોધ થાય છે એવા ‘વૈજ્ઞાનિક’ દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં વિદેશી શોધના સમાચારોની પસ્તી ઉપર ભજીયાં ખાતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

હમણાં જ એવા સમાચાર વાંચ્યા કે સીધીસાદી સામાન્ય શરદીને કારણે હૃદયને નુકસાન પહોંચી શકે છે, હાર્ટ-ફેઈલ થઈ શકે છે અને અચાનક મૃત્યુ પણ થઈ શકે છે! આવું હ્યુસ્ટનના કોઈ વૈજ્ઞાનિક પ્રોફેસરે શોધી કાઢ્યું છે. વચ્ચે વળી એવું વાંચેલું કે સિગારેટ પીવાથી ભુલાયેલી વસ્તુઓ જલદી યાદ આવે છે! આવું બધું છાપાંઓમાં છૂટકછૂટક છપાયા કરતું હોય છે, પરંતુ અમારી પાસે તો આવાં મહાવૈજ્ઞાનિક ‘દેશી’ સંશોધનોનો જથ્થાબંધ સ્ટોક છે.

ભ્રષ્ટાચારીઓને ચેપી રોગ નથી થતા!

તાજેતરમાં હાથ ધરાયેલા એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ભ્રષ્ટાચારી લોકોને સંસર્ગ દ્વારા ફેલાતા ચેપી રોગો થવાની સંભાવના નહિવત્ છે!

સ્વિત્ઝર્લેન્ડથી ભારતમાં આવેલા પ્રો. વેરિયસ ક્લીને ભારતમાં આ બાબતે સંશોધન કરવા માટે બિહાર, દિલ્હી તથા ગાંધીનગરના કુલ ૭૪૮ લાંચિયા અધિકારીઓ તથા રાજકારણીઓનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આ ભ્રષ્ટાચારી લોકોની ચામડી સામાન્ય લોકોની ચામડી કરતાં વધારે જાડી છે! અને એટલે જ તેમને ચામડી દ્વારા ફેલાતા ચેપી રોગો થવાની સંભાવના ઘણી જ ઓછી છે!

પ્રો. વેરિયસ ક્લીને વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે ભારતમાં જેને મલાઈ, કટકી, ઉપરની કમાણી કે હપ્તા તરીકે ઓળખવામાં આવે છે તેવી હરામની કમાણી પેટમાં જવાને કારણે મગજની ગ્રંથિઓમાંથી એક ખાસ પ્રકારનો સ્ત્રાવ થવા લાગે છે. અને આ સ્ત્રાવને કારણે જે તે લાભાર્થીની ચામડીની જાડાઈ વધી જાય છે.

જોકે, લંડનના એક મનોવૈજ્ઞાનિકનું કહેવું એમ છે કે જેની ચામડી જન્મથી જ જાડી હોય છે તે લોકો જ ભ્રષ્ટાચાર કરી શકતા હોય છે. ભ્રષ્ટાચારને કારણે તો તેમની ચામડી વધુ જાડી થઈ જાય છે! અને ચામડી વધુ જાડી થવાને કારણે તેમને વધુ ભ્રષ્ટાચાર કરવાની ઈચ્છા થાય છે. આમને આમ ચક્ર ચાલતું રહે છે.

સ્વિત્ઝર્લેન્ડના પ્રો. વેરિયસ ક્લીનના સંશોધન મુજબ ભારતના ભ્રષ્ટાચારીઓમાં ૬૩ ટકા લોકોને હૃદયરોગ થવાની શક્યતા છે, ૩૪.૫ ટકા લોકોને કિડનીને લગતી બીમારી થઈ શકે છે, ૨૪.૭ ટકા લોકોને કાને બહેરાશ આવવાની સંભાવના છે, પરંતુ ચામડી દ્વારા ફેલાતા રોગોની સંભાવના માત્ર ૦.૪ ટકા જ છે.

જોકે, પ્રો. ક્લીને ટકોર કરી હતી કે લગભગ બધા જ ભ્રષ્ટાચારીઓને હથેળીમાં ખંજવાળ આવતી હોય છે. પરંતુ આ કોઈ રોગ નથી, આ તો તંદુરસ્તીની નિશાની છે!

ટી.બી.થી બચવું છે? પ્રદૂષિત હવા લો!

મુંબઈ, વાપી તથા અમદાવાદના સૌથી વધુ વાયુપ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાં કરાયેલા સર્વેક્ષણમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે. વાત એમ છે કે ઝેરી વાયુઓ તથા અન્ય ધુમાડાને કારણે પ્રદૂષિત થઈ ગયેલી હવામાં ટી.બી.ના જીવાણુઓ જીવી નથી શકતા!

રાજસ્થાનના ટી.બી. રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના વડા શ્રી શ્વાસનાએ જણાવ્યું હતું કે અમે આ વિસ્તારની પ્રદૂષિત હવાનાં સેમ્પલો લેબોરેટરીમાં લાવીને પ્રયોગો કર્યા હતા. પ્રયોગો દરમિયાન જોવા મળ્યું કે જે જે ઔદ્યોગિક વિસ્તારની હવામાં ક્લોરિન, એમોનિયા, સલ્ફર ડાયોક્સાઈડ, સીસું, જસત તથા કાર્બન મોનોક્સાઈડના અંશો સૌથી વધારે પ્રમાણમાં હતા, તે હવાનાં સેમ્પલો ભરેલા બાટલામાં જ્યારે ટી.બી.ના જીવાણુઓને નાખવામાં આવતા હતા ત્યારે તરત જ તેઓ નરમઘેંશ જેવા થઈ જતા હતા અને ગણતરીના કલાકોમાં મરી જતા હતા!

શ્રી શ્વાસનાએ જણાવ્યું હતું કે અમારી આ શોધને કારણે હવે ટી.બી. સામે લડવામાં બહુ મોટી મદદ મળશે. જો પ્રાથમિક પ્રયોગોમાં સફળતા મળશે તો વિશ્વભરમાં ટી.બી.ના દર્દીઓ માટેની ‘પ્રદૂષિત હવા’ આપણે ભારતમાંથી મોટા પાયે ‘નિકાસ’ કરી શકીશું!

ટીવીનાં કિરણોથી સામાન્ય બુદ્ધિ વધે છે!

લાંબા સમય સુધી સતત ટીવી જોવાને કારણે આંખોને નુકસાન થાય છે એવા દાવાને પાયામાંથી હચમચાવી નાંખે તેવું સંશોધન થયું છે! નવા સંશોધનમાં એવું સાબિત થાય છે કે ટીવીમાંથી નીકળતાં કિરણો જ્યારે માણસની ચામડીના સંસર્ગમાં આવે છે ત્યારે માણસની સામાન્ય બુદ્ધિમાં વધારો થાય છે!

ઈડિયટ બોક્સ માર્કેટિંગ ઈન્ટરનેશનલના નેજા હેઠળ ભારતમાં હાથ ધરાયેલા હતા. આ વૈજ્ઞાનિક સંશોધનમાં ૧,૦૪૨ ટીવીદર્શકોને આવરી લેવામાં આવ્યા હતા. દર્શકોની ટીવી જોવાની આદતને ધ્યાનમાં રાખીને તેમના બે પ્રકાર પાડવામાં આવ્યા હતા - સા. બુ. અને મં. બુ.

સા. બુ. એટલે કે સામાન્ય બુદ્ધિ ધરાવનારા દર્શકો દિવસમાં ચારથી વધુ કલાક માટે ટીવી જોતા હતા. જ્યારે મં. બુ. એટલે કે મંદ બુદ્ધિ ધરાવનારા દર્શકો અઠવાડિયે દસ મિનિટ માટે પણ ટીવી નહોતા જોતા.

જ્યારે સા. બુ. દર્શકોને એવો સવાલ પૂછવામાં આવ્યો કે ‘જો ૨૫ ગ્રામ વિકસના ૩૦ રૂપિયા, તો ૫૦ ગ્રામ વિક્સના કેટલા?’ ત્યારે ૯૭.૫ ટકા સા. બુ. પ્રેક્ષકોએ તરત જ જવાબ આપ્યો હતો, ‘૬૦ રૂપિયા નહીં, પણ ૪૫ રૂપિયા!’

પરંતુ મં. બુ. દર્શકોએ આ સવાલના જવાબમાં એવો પ્રશ્ન કર્યો હતો કે, ‘જો ૫૦ ગ્રામ વિક્સ ૪૫ રૂપિયામાં આપો છો તો ૨૫ ગ્રામ વિક્સ સાડા બાવીસ રૂપિયામાં કેમ નથી આપતા?’

જે લોકો ટીવી નહોતા જોતા તેવા મં. બુ. દર્શકોને પૂછવામાં આવ્યું કે, ‘ઓફિસમાં પ્રમોશન શી રીતે મળે? બાબાનો પહેલો નંબર શી રીતે આવે? બેબી વક્તૃત્વ સ્પર્ધા શી રીતે જીતે?’ તો જવાબમાં મં. બુ.ઓએ કહ્યું, ‘મહેનત વડે, લગન વડે, ઈમાનદારી વડે...’ વગેરે વગેરે.

પરંતુ જ્યારે આ જ સવાલો સા. બુ. દર્શકોને પૂછવામાં આવ્યા કે તરત જ તેમણે જાતજાતની બ્રાન્ડના સાબુઓ, વોશિંગ પાઉડરો, હેલ્થ ટોનિકો અને નૂડલ્સનાં નામ આપી દીધાં હતાં!

ઈડિયટ બોક્સ માર્કેટિંગ ઈન્ટરનેશનલનું માનવું છે કે ટૂંક સમયમાં ટીવીની પિક્ચર ટ્યુબમાંથી નીકળતાં વિશિષ્ટ પ્રકારનાં કિરણોને કારણે ભારતની પ્રજાની સામાન્ય બુદ્ધિમાં જબરજસ્ત વધારો થઈ જશે. સન ૨૦૨૫માં તો એ વાત સહેલાઈથી સાબિત કરી શકાશે કે ભારતની જે કંઈ પ્રગતિ થઈ છે તે પેપ્સી અને કોલાને લીધે જ થઈ છે!

બિહારમાંથી ભૂખમરો નાબૂદ થઈ ગયો છે!

લાલુ પ્રસાદ યાદવ ખુશખુશાલ થઈ જાય તેવા સમાચાર છે! સમાચાર એવા છે કે બિહારમાંથી ભૂખમરો સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે!

એક જમાનો એવો હતો કે જ્યારે બિહારમાં દુકાળ, પૂર તથા અન્ય કુદરતી આફતોને કારણે બિહારી લોકો છેવટે ભૂખમરાને કારણે મૃત્યુ પામતા હતા. પરંતુ ઈટાલીની ન્યૂ લાઈટ સોનિયામેક્સ સંસ્થાએ હાથ ધરેલા સર્વેક્ષણ દ્વારા એ વાત સ્પષ્ટપણે બહાર આવી છે કે છેલ્લાં એક વર્ષથી બિહારમાં ભૂખમરાની સમસ્યા દૂર થઈ ગઈ છે.

સોનિયામેક્સ કંપનીએ આ દાવાને પુષ્ટિ આપતા આંકડાઓ આપીને જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં બિહારમાં ભૂખમરાને કારણે ૧૧.૫ ટકા લોકો મરતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષ દરમિયાન બિહારમાં મરનારાઓની સંખ્યામાં ૨૯ ટકા લોકો રોગચાળાને કારણે, ૧૧.૫ ટકા લોકો અકસ્માતોને કારણે તથા ૪૮.૭ ટકા લોકો ભાડુતી ગુંડાઓ દ્વારા થતા હત્યાકાંડોને કારણે મર્યા છે. પરંતુ ભૂખમરાને કારણે માત્ર ત્રણ જ વ્યક્તિઓનાં મોત થયાં છે. આ ત્રણ વ્યક્તિઓમાંથી બે જણા અત્યંત પ્રામાણિક તથા સિદ્ધાંતવાદી હોવાનું બહાર આવ્યું છે, જ્યારે ત્રીજો માણસ કોઈ કવિ હોવાનું કહેવાય છે!

લેબોરેટરીના ઉંદરડા વધુ બુદ્ધિશાળી છે!

મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીના પ્રોફેસર રેટલરે કરેલા સંશોધન મુજબ સામાન્ય ઉંદરડાઓ કરતાં લેબોરેટરીમાં ઊછરેલા ઉંદરડાઓમાં વધારે બુદ્ધિ હોય છે.

વર્ષોથી વૈજ્ઞાનિકો પોતાના પ્રયોગો ઉંદરડાઓ પર કરતાં આવ્યાં છે. આના કારણે ઉંદરડાઓની માગ વધતી જતી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી અમુક કંપનીઓએ લેબોરેટરીમાં પ્રયોગ કરવા માટેના ઉંદરડાઓનું ઉત્પાદન લેબોરેટરીમાં જ શરૂ કર્યું હતું. આ કંપનીની લેબોરેટરીઓ દુનિયાની તમામ લેબોરેટરીઓને પ્રયોગો માટે ઉંદરડઓ પૂરા પાડે છે. આમ વર્ષોના અનુભવને કારણે આ લેબોરેટરી ઉત્પાદિત ઉંદરડાઓ એટલા બધા બુદ્ધિશાળી થઈ ગયા છે કે તેઓ વૈજ્ઞાનિકોને તેમનાં ધારેલાં પરિણામો આપી શકે છે!

મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીના પ્રો. રેટલર કહે છે કે આજકાલના સામાન્ય ઉંદરડાઓની બુદ્ધિ એટલી બધી ઓછી છે કે તેઓ પોતાના પર શા પ્રયોગો થાય છે તેની પ્રાથમિક જાણકારી પણ નથી ધરાવતા. જ્યારે લેબોરેટરીના ઉંદરડાઓ હવે એટલા બુદ્ધિશાળી થઈ ગયા છે કે વૈજ્ઞાનિકોને શું સાબિત કરવું છે એ તેઓ તરત જ સમજી જાય છે! આને કારણે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરતાં પહેલાં જ જે આંકડાઓ નક્કી કરી રાખ્યા હોય છે તેમાં માત્ર ૧ ટકા જેટલા પ્લસ-માઈનસ ફેરફાર સાથેનાં પરિણામો મેળવી શકાય છે!

•••

લ્યો કરો વાત! આવાં તો કંઈક સંશોધનો ઈન્ડિયામાં થઈ શકે એમ છે, પણ શું છે, અમને દેશીઓને મહેનત કર્યા વિના લાખો રૂપિયા શી રીતે મળી જાય એના સંશોધનમાં જ રસ છે! અટલે, ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter