મારા હાસ્યના પ્રયોગો

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 10th February 2016 10:02 EST
 
 

રૂપાળા દેશના રૂપાળા ટીવીમાં રૂપાળા એવા સ્ટેન્ડ-અપ કોમેડીના શોઉં જોઈજોઈને દાંત કાઢતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં રોવા જેવી વાતુંમાં ય દાંત કાઢતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

ગાંધીજીએ સત્યના પ્રયોગો કર્યા હતા પણ અમને એક દિવસ હાસ્યના પ્રયોગો કરવાનું ઝનૂન ચડ્યું! પછી તો જે થઈ છે....

હાસ્યઃ બીવડાવવા માટે

ફિલ્મોમાં વિલનો ‘હા હા હા હા!’ કરીને અટ્ટહાસ્યો કરીને બધાને ડરાવતા હોય છે. અમને થયું કે અમારા હાસ્યના પ્રયોગોમાં સૌથી પહેલાં આ હાસ્યનો જ પ્રયોગ કરવો જોઈએ. એનો પ્રયોગ અમારા બોસ પર જ કરવા જેવો છે, કારણ કે આમેય મારો વાઘ જેવો બોસ અમથો અમથો અમને દબડાવ્યા કરતો હોય છે.

જેવો નિર્ધાર કર્યો કે તરત જ કેબિનમાંથી સંદેશો આવ્યોઃ સાહેબ બોલાવે છે. મેં તરત તૈયારી કરી લીધી. છાતી ફૂલાવીને બને એટલી હવા ફેફસાંમાં ભરીને દરવાજો ખોલ્યો, ‘હા હા હા હા! હા હા હા હા! આખિર બુલાના હી પડા ના? હા હા હા હા! હા હા હા હા!’

મેં જોયું કે સાહેબ ડઘાઈ ગયા હતા. એટલે મેં ફરી વાર છાતી ફુલાવીને અટ્ટહાસ્યનો હુમલો કર્યો, ‘હા હા હા હા!’ અબ બોલો, ક્યું બુલાયા હૈ? હા હા હા હા!’

‘કેમ શું?’ સાહેબ બોલ્યા, ‘ડિક્ટેશન લેવાનું છે...’

‘હા હા હા હા! દેખા? મુજસે બચકર કહાં જાઓગે? ડિક્ટેશન તો મુઝે હી લિખવાના પડેગા! હા હા હા હા! ઔર ઉસકે બાદ ટાઈપિંગ ભી મુજસે હી કરવાના પડેગા! હા હા હા હા.....’

‘શટ અપ. ચૂપચાપ ડિક્ટેશન લો.’

મને અટ્ટહાસ્ય કરતાં કરતાં ડિક્ટેશન લેવાનું બરાબર ફાવે એમ ન લાગ્યું એટલે ચૂપચાપ ડિક્ટેશન લઈ લીધું. પણ જેવો લેટર ટાઈપ થઈ ગયો કે તરત હું છાતી ફૂલાવીને કેબિનમાં ધસી ગયો. ‘હા હા હા હા! સાઈન કરો બોસ! સાઈન તો તુમ્હેં કરના હી પડેગા! હા હા હા હા! ’

બોસ મારા હાસ્યથી ડરી જ ગયા હશે કારણ કે તેમણે તરત જ લેટરમાં સહી કરી નાખી. હું ખડખડાટ હસવા લાગ્યો ‘હા હા હા હા! દેખા કૈસા ફડફડાતા હૈ, કૈસા ફડફડા કે સાઈન કરતા હૈ? હા હા હા હા!’

અચાનક કોણ જાણે બોસને શું થયું તે મારા ખુલ્લા મોંમાં એમણે આખેઆખું પેપરવેઈટ ખોસી દીધું!

હાસ્યઃ ખુશામત માટે

બોસના આવા અણધાર્યા હુમલાથી હું ડઘાઈ ગયો હતો. પેપરવેઈટ એટલું ઊંડું ઘૂસી ગયેલું કે બહાર કાઢતાં કાઢતાં મને આંખે અંધારા આવી ગયાં. ખેર, પણ એ પછી વિલનછાપ અટ્ટહાસ્યનો પ્રયોગ કેન્સલ રાખ્યો, મને થયું કે આના કરતાં હાસ્યનો કોઈ વધુ સરળ પ્રયોગ કરવો જોઈએ.

એ જ દિવસે ફિલ્મમાં જોયું કે ખંધો વિલન હાસ્યનો ઉપયોગ ખુશામત માટે કરતો હોય છે. યસ, બોસને આ જ બ્રાન્ડના હાસ્યથી મારે ખુશ કરવા જોઈએ.

મારા બોસ ભલા છે. તે દિવસની ઘટનાને ખાસ્સા દસ દિવસ થઈ ગયા હોવા છતાં તેમણે ન તો મને મેમો આપ્યો હતો કે ન તો મને તતડાવ્યો હતો. મને થયું કે બોસની ખુશામત કરવાનો હવે સૌથી સારો સમય છે.

કેબિનમાંથી સંદેશો આવ્યો કે તરત જ મેં મારી બત્રીસી પૂરેપૂરી દેખાય એ રીતે દાંત કાઢતાં દરવાજો ખોલ્યો, ‘હેંહેંહે.... તમે મને બોલાવ્યો સર? હેંહેંહેંહેં.... તમે બોલાવો એટલે તો પછી પૂછવાનું જ નહીં ને? આવવું જ પડે! હેંહેંહેંહે....’

પણ બોસ ચિંતામાં હતા. મને કહે, ‘લલિતભાઈ, મારી પત્નીને જરા પ્રોબ્લેમ છે.’ મેં કહ્યું, ‘હેંહેંહેંહે.... હોય જ ને! તમે હો એટલે હોય જ ને? હેંહેંહેંહે....!’

બોસ જરા અચકાયા, પણ પછી બોલ્યા, ‘લલિતભાઈ, એવું નથી. મારી પત્ની આજકાલ બહુ રિસાયેલી રહે છે અને મને છૂટાછેડા આપવાની વાત કરે છે.’

હું બત્રીસી બતાવતાં હસવા લાગ્યો, ‘લલિતભાઈ હેંહેંહેંહે... તમે હસબન્ડ હો તો એવી જ વાત કરે ને? હેંહેંહેંહે...’

બોસ અકળાઈને બોલી ઊઠ્યા, ‘યાર, જરા વાતને સમજો! આજે તો એ જીદ લઈને બેઠી છે કે હું ઘરે જતી વખતે શાક લઈને જ જાઉં.’

‘હેંહેંહેંહે... તમે હો એટલે પછી જોવાનું જ નહીં ને? હેંહેં... પત્ની તો રોજ એવું એવું કહેવાની. હેંહેંહેંહેં...’

‘શટ અપ લલિતભાઈ!’ બોસ હવે બગડ્યા, ‘એ કહે છે કે મારે કંકોડા જ લાવવાં.’

‘કંકોડા? હેંહેંહેંહે... તમે હો પછી બીજું શું હોય? કંકોડા જ હોય ને? હેંહેંહેંહે... બધે જ કંકોડા હોય!’

અચાનક બોસને શું થયું, તે આખેઆખી શાકની થેલી મારા મોઢા પર પહેરાવી દીધી!

હાસ્યઃ હસી કાઢવા માટે

આ બે પ્રસંગો પછી બોસનું વર્તન વધુને વધુ કડક થતું ચાલ્યું. મારા માથે ટેન્શન વધતું ચાલ્યું. મને થયું કે આ ફિલ્મોમાંથી હાસ્યના પ્રયોગો ઊઠાવવાનું બંધ કરવું જોઈએ, કારણ કે ફિલ્મો ક્યારેય વાસ્તવિક નથી હોતી.

ખરી રીતે તો જિંદગીની વાસ્તવિક્તાઓ ફિલોસોફરો જ સમજી શક્તા હોય છે, પરંતુ આપણે તો કયે દહાડે ફિલોસોફર બની રહેવાના? એટલે પેલા છાપામાંથી ફિલોસોફીની કોલમો વાંચવા માંડી અને મને હાસ્યનો નવો પ્રયોગ જડી ગયો! એમાં લખ્યું હતું કે જીવનની સમસ્યાઓને હળવાશથી લેતાં શીખો.

આ પ્રયોગ સાવ સહેલો હતો. સમસ્યાઓને ગંભીરતાથી લેવાની જ નહીં! બોસે કેબિનમાં બોલાવ્યો કે તરત હું હળવો થઈ અંદર ગયો. બોસ કહે, ‘તમે આજે પણ મોડા આવ્યા હતા?’

મેં હળવાશથી હસતાં હસતાં કહ્યું, ‘હોહોહો! દોઢ કલાક મોડું થઈ ગયું, એમાં શું ખાટુંમોળું થઈ ગયું? હોહોહો! મોડું તો થયા કરે, એમાં શું? હોહોહો!’

બોસ અકળાયા. ‘આજકાલ તમે કામમાં પણ બહુ લોચા મારો છો.’

‘હોહોહો! એક લેટરમાં આઠ-દસ ભૂલો રહી ગઈ તો શું ખાટુંમોળું થઈ ગયું? હોહોહો!’

‘અરે! પણ ગઈ કાલે તમે જે ટેન્ડર ટાઈપ કરીને મોકલ્યું તેમાં પાંચ હજારના ભાવને બદલે તમે પાંચસો રૂપિયાનો ભાવ કરી નાંખેલો!’

‘હોહોહો! એક મીંડાથી શું ખાટુંમોળું થઈ ગયું?’ હું હસતાં હસતાં બોલ્યો.

બોસ સિરિયસલી બોલ્યા, ‘ઠીક છે. તમારા પગારમાંથી એક મીંડું ઓછું કરીએ છીએ. શો ફેર પડે છે, હેં?’

હાસ્યઃ સદભાવના માટે

પગારમાંથી આખેઆખું એક મીંડું જ નીકળી ગયું. આઠસો પચાસ રૂપિયાના પગારમાં માણસ કેટલું ખેંચી શકે? છેવટે મેં દાઢી કરવાનું અને એક ટાઈમ જમવાનું બંધ કર્યું, ધોબીને ત્યાં કપડાંની ઈસ્ત્રી કરાવવાનું બંધ કર્યું, બૂટને પોલિશ કરાવવાનું બંધ કર્યું... આમ કરવાથી મારા દિદાર મહાલક્ષ્મી મંદિરની બહાર બેસીને ભીખ માગતા ભિખારી જેવા થતા ચાલ્યા, પરંતુ હજી મને ઊંડેઊંડે હાસ્યના પ્રયોગોમાં શ્રદ્ધા હતી.

એક દિવસ મેં વાંચ્યું કે હાસ્ય એ સદભાવનાનું પ્રતીક છે. ચહેરા પરનું મંદ મંદ હાસ્ય ભલભલા દિલોને જીતી શકે છે. બસ, મેં આ મંદ મંદ હાસ્યનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું.

બોસે જ્યારે મને કેબિનમાં બોલાવ્યો ત્યારે અંદર તેમની પર્સનલ સેક્રેટરી બેઠેલી હતી. એ બંને જણાં કોઈ વાત પર હસી રહ્યાં હતાં.

મેં અંદર જઈને તેમની સામે જોઈને મંદ મંદ સ્મિત વેર્યું અને હળવા લયમાં માથું હલાવતાં ગણગણવા લાગ્યો ‘હંમ્મમ્મ... હંમ્મમ્મ...!’

અચાનક સેક્રેટરી હસતી બંધ થઈ ગઈ. છતાં હું તેની સામે જોઈને મંદ મંદ સ્મિત કરતાં માથું ડોલાવતો જ રહ્યો. હંમ્મમ્મ... હંમ્મમ્મ...! સેક્રેટરી ધમધમ કરતી કેબિનની બહાર ચાલી ગઈ. છતાં હું તેની પાછળ જોઈને સ્મિત વેરતો રહ્યો હંમ્મમ્મ... હંમ્મમ્મ...!

આ જોઈને બોસ ગૂંચવાઈ ગયા. હું બોસની સામે બેસી ગયો અને મારા મંદ મંદ સ્મિતને ડાબા કાનથી જમણા કાન સુધી ફેલાવીને ડોકી હલાવતો રહ્યો. હંમ્મમ્મ... હંમ્મમ્મ...! બોસ ઝંખવાણા પડી ગયા. ટેબલ પર પડેલી ચીજવસ્તુઓ સરખી કરવા લાગ્યા. ટેબલ પર બોસની પત્નીનો ફોટો પણ હતો.

મારી નજર એ ફોટા ઉપર પડી. મારું મંદ મંદ સ્મિત વધારે ખીલી ઊઠ્યું. મેં નેણ નચાવ્યાં.

અચાનક બોસ ઊકળી પડ્યા, ‘ઓ મિસ્ટર! તમે શું સમજો છો હેં? કે મારે અને આ મારી સેક્રેટરીને કંઈ લફરું છે? હેં? અને તમે મને આમ શું જોઈ રહ્યા છે? તમે મને બ્લેકમેઈલ કરવા માંગો છો? હેં, તમે... તમે... તમે કરવા શું માંગો છો?’

બોસને ગભરાયેલા જોઈને મંદ મંદ હાસ્યનો પ્રયોગ ચાલુ જ રાખ્યો. છેવટે બોસ બોલ્યા, ‘તમારો પગાર પહેલાં હતો એટલો જ કરી દઈશું બસ? અરે! તેમાં પણ હજાર રૂપિયા વધારી દઈશું. પછી? આ લો પાંચસો રૂપિયા. કાલે સરખાં કપડાં પહેરીને આવજો. સમજ્યા?’

મેં પાંચસો રૂપિયા લઈ મંદ મંદ સ્મિત કરતાં હંકારો કર્યો, હંમ્મમ્મ... હંમ્મમ્મ...!

હાસ્યઃ તંદુરસ્તી માટે

હવે મારે ઓફિસમાં નિરાંત હતી. ઝાઝું કંઈ કામ કરવાનું નહીં અને સાડા નવ હજારનો પગાર લેવાનો, પણ અગાઉ જે સંઘર્ષના દિવસો ગયા તેના કારણે મારું શરીર બહુ લેવાઈ ગયું હતું. એટલે મેં મારી તંદુરસ્તી સુધારવાનું નક્કી કર્યું અને તમે નહીં માનો, હાસ્ય જ તે સમયે મદદે આવ્યું.

મને લાફિંગ ક્લબના એક સભ્યે તંદુરસ્તી માટે હાસ્યનો આખો કીમિયો શીખવાડી દીધો. તેમણે મને સમજાવ્યું કે શરૂઆતમાં વોર્મિંગ અપ માટે સાત વખત અટ્ટહાસ્ય કરવું, હોહોહોહો - હાહાહાહા કરીને. ત્યારબાદ મૌન હાસ્ય કરવું. એટલે હસવાનું ખરું, પણ અવાજ ન આવવો જોઈએ. અને છેલ્લે અશ્વહાસ્ય કરવું. એટલે કે જેમ ઘોડાઓ હણહણે છે તેમ ગળાની નસો ફૂલી જાય અને આંખમાં પાણી આવી જાય એ રીતે જોરથી હણહણતા હોઈએ એ રીતે હસવું.

આમ કરતાં થાકી જવાય ત્યારે પ્રાણાયામ કરવો.

વાહ, આ તો સાવ સહેલું હતું, પણ મને સવારે વહેલા ઊઠવાની ટેવ નહીં એટલે દિવસ દરમિયાન ઓફિસમાં જ કસરત કરવાનું નક્કી કર્યું. કામ તો કંઈક ઝાઝું હતું નહીં એટલે હું કોરો કાગળ હાથમાં પકડીને તેની સામે જોતાં જોતાં હોહોહોહો-હાહાહાહા કરીને સાત વાર અટ્ટહાસ્ય કરતો. પછી ઓફિસમાં હરતાંફરતાં મૌન હાસ્ય કરતો અને ફરી કોરો કાગળ પકડીને તેની સામે જોતાં જોતાં અશ્વહાસ્ય કરતો.

મને તો આમાં એટલી બધી મજા પડવા લાગી કે આખો દિવસ હું આ જ કસરતો કર્યા કરતો હતો. શરૂશરૂમાં લોકો મારી સામે જોઈ રહેતા. એકબીજાને કાનમાં કંઈ કંઈ કહેતા. તાળી આપીને હસી પણ પડતા, પણ પછી બધા મારાથી ટેવાઈ ગયા. જાણે હું ઓફિસમાં છું જ નહીં તેમ વર્તવા લાગ્યા, પણ મારી તંદુરસ્તીમાં જોરદાર સુધારો થઈ રહ્યો હતો એટલે સાડા નવ હજારના પગારમાં મેં આ એક જ કામ ફૂલટાઈમ કરવાનું રાખ્યું.

પછી એક દિવસ આશ્ચર્યકારક ઘટના બની. મારા બોસ બે-ત્રણ ડોક્ટરોને બોલાવી લાવ્યા. દૂરથી મારા તરફ આંગળી ચીંધીને એમને કહે, ‘જુઓ આ જ છે.’ ડોક્ટરો મને દૂરથી જોતા રહ્યા, પણ મેં મારી હાસ્યની કસરતો ચાલુ રાખી. પછી એ લોકો નજીક આવ્યા. અને હું હજી કંઈ કહું એ પહેલાં તો મને પકડીને હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં મારા જાતજાતના ટેસ્ટ લીધા.

પછી ભગવાન જાણે એમણે શો રિપોર્ટ આપ્યો હશે તે એક દિવસ મને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો. કારણ શું? તો બોસ કહે ‘તમને આરામની જરૂર છે.’

•••

બસ, ત્યારથી હું ઘરે આરામ જ કરી રહ્યો છું. વચ્ચે વચ્ચે મૂડ આવે ત્યારે હાસ્યલેખો લખી નાખું છું, પણ હાસ્યલેખમાં એક બહુ મોટી સેફ્ટી છેઃ હસવું હોય તો વાચકો એમના જોખમે હસે! આપણને કંઈ ન થાય! લ્યો ત્યારે તમે દાંત કાઢ્યા હોય તો હમજજો કે અમારાં આ લેખનો પ્રયોગ સફળ થયો! બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા ઓલરાઈટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter