સીધી-સાદી દેશી રમતો!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 22nd April 2015 08:51 EDT
 
 

ઇન્ટરનેશનલ સ્પોર્ટ ઇવેન્ટુમાં દોઢ-બે ડઝન ગોલ્ડ-સિલ્વર અને બ્રોન્ઝ મેડલું જીતનારા લોકોના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ટૂંકા ચડ્ડીયુંવાળાં ભૂલકાંવ! ઇન્ડીયામાં ક્રિકેટ સિવાયની તમામ રમતોને ‘રમતવાત’ સમજીને ઉડાડી મુકનારા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

લાંબી-કૂદ, ઊંચી-કૂદ, ભાલા-ફેંક અને બરછી-ફેંક જેવી રમતો હવે જૂની થઈ ગઈ. હવે તો આપણા દેશમાં કૌભાંડ કોમ્પિટિશન, ખરડા ખોખો, કટકી કબડ્ડી અને સીબીઆઈ સંતાકૂકડી જેવી રાષ્ટ્રીય રમતો રોજે રોજ રમાય છે! આપણા શહેરોની ગલીગલીમાં રમાતી કેટલીક સાદી સીધી છતાં લોકપ્રિય રમતો પર એ લોકોનું ધ્યાન જ નથી પડ્યું. દાખલા તરીકે...

પાન-મસાલા પિચકારી રમત

પાન-મસાલા ખાઈને જ્યાં ત્યાં પિચકારીઓ મારવી એ આપણી રાષ્ટ્રીય લોકકલા જ નહીં, પરંતુ રાષ્ટ્રીય રમત પણ બની ગઈ છે. રોજે રોજ નવા નવા રેકોર્ડો સ્થપાઈ રહ્યા છે. ફક્ત ૧૫ દિવસ પહેલાં બંધાયેલું નવુંનક્કોર ૧૫ માળનું બિલ્ડિંગ માત્ર ૧૫ જ દિવસમાં પિચકારીઓથી રંગાઈ ગયું! આખા દેશની કોલેજોના દાદરાઓ અને કોરિડોર્સમાં પિચકારીઓનો ગેરુ રંગ હવે સરકાર ફરજિયાત કરી નાખવાની છે! ફર્સ્ટ યર બી.એસસી.માં પ્રવેશ મેળવવો હોય તો વિદ્યાર્થીની પિચકારી મિનિમમ સાત ફૂટ દૂર સુધી પહોંચવી જરૂરી છે!

‘પાન-મસાલા પિચકારીમારક એસોસિએશન’ની સ્થાપના થઈ ચૂકી છે! અને એ લોકો હવે સ્નોસેમ, એશિયન પેઇન્ટ્સ અને ચમક ચૂનાની હરીફાઈમાં ટેન્ડરો ભરી રહ્યા છે! લેટેસ્ટ માહિતી મુજબ મુંબઈમાં એક ૨૫ માળના બિલ્ડિંગને અંદરથી અને બહારથી પિચકારીઓ વડે રંગી નાખવાનો કોન્ટ્રાક્ટ આ એસોસિએશનને મળી ચૂક્યો છે!

સરકારી કર્મચારીઓમાં પણ આ રમત અતિશય લોકપ્રિય છે. આ રમતને ઉત્તેજન આપવા માટે સરકાર હવે દરેક કર્મચારીને પગાર સાથે એક એક થૂંકદાની આપવાની યોજના વિચારી રહી છે. દરેક કર્મચારીએ પોતાની થૂંકદાની સામેના કર્મચારીના ટેબલ ઉપર મૂકવાની રહેશે અને જે કર્મચારી આ થૂંક-સ્પર્ધા દરમિયાન સૌથી વધુ ફાઈલો રંગી નાખશે તેને સ્પેશ્યિલ બોનસ આપવામાં આવશે!

છુટ્ટા ક્યાંથી લાંવુ? રમત

ઉપરની વાતો ભલે તમને બોગસ લાગતી હોય, પણ આ છુટ્ટાની મારામારીવાળી રમત તો સરકારને ખરેખર પ્રિય છે! રમતની રંગત ઓર જામે તે માટે સરકારે છેલ્લા કેટલાક સમયથી એક, બે અને પાંચની નોટો છાપવાનું પણ બંધ કરી દીધું છે. ઉપરથી આ બધી ફાટલી-ટૂટલી નોટોને બાળી નાખવાને બદલે પેલા રાજનસાહેબ ઠેકઠેકાણે પેપર-શ્રેડર મશીનો મુકાવડાવીને ‘પર્યાવરણ-પર્યાવરણ’ નામની રમત રમી રહ્યા છે!

અરે હોય? પૈસા હું આપું છું! રમત

જ્યારે જ્યારે રિક્ષામાં બે જણા પ્રવાસ કરતા હોય અને રિક્ષાભાડું ૨૭ રૂપિયા ૫૦ પૈસા થાય ત્યારે આ રમત રમવામાં આવે છે. આના ત્રણ રાઉન્ડ હોય છે.

રાઉન્ડ એકઃ ‘કેટલા પૈસા થયા?’ એમ પૂછીને ખિસ્સામાં હાથ નાખવો અને ખિસ્સામાંના પૈસા બહાર ન નીકળી આવે તે રીતે નકામાં વિઝિટિંગ કાર્ડો અને કાપલીઓ બહાર કાઢવી.

રાઉન્ડ બેઃ સામેવાળો ખેલાડી પણ ખિસ્સામાંથી કાર્ડ અને કાપલીઓ બહાર કાઢે કે તરત ૫૦ પૈસા ધરી દેવા. અને કહેવું, ‘તમે રહેવા દોને? મારી પાસે છુટ્ટા છે! આ લો ૫૦ પૈસા! હવે કેટલા રહ્યા?’ આવે સમયે જો સામેવાળા ખેલાડીના ખિસ્સામાંથી વીસની નોટ નીકળી આવે તો તરત પોતાના ખિસ્સામાંથી પાંચની નોટ પ્રગટ કરવી અને તરત જ ઉમેરવું, ‘તમારી પાસે બે રૂપિયા હશે?’

જો સામેના ખેલાડી પાસે ખરેખર બે રૂપિયા ન હોય તો પોતાના ખિસ્સામાંથી પચાસની કે સોની નોટ બહાર કાઢવી!

રાઉન્ડ ત્રણઃ જો સામેનો ખેલાડી બે રૂપિયા ચૂકવી દીધા પછી તરત જ પાનના ગલ્લા તરફ ગતિ કરતો જણાય તો ચેતી જવું! કારણ કે અહીં તો તમારી પચાસની નોટ કુરબાન થઈ જ જવાની છે!

ભાવતાલની રકઝક રમત

સામાન્ય રીતે આપણી એવી છાપ છે કે ભાવતાલની રકઝકની રમત ગૃહિણીઓ જ રમતી હોય છે, પરંતુ હવે એવું નથી. હવે તો અમેરિકા જવા માટે વિમાનની ટિકિટ કરાવવી હોય તો પણ જુદી જુદી એરલાઇન્સ સાથે જુદા જુદા ભાવની રકઝક કરી શકાય છે. ઇન્કમટેક્સની રેઇડ દરમિયાન વાજબી ભાવ ‘નિગોશીએટ’ કરી શકાય છે. અરે! તમે નહીં માનો, પણ ગુંડાઓ સાથે પણ આ રમત રમી શકાય છે!

અમારા એક સંબંધીએ તેના હઠીલા ભાડૂઆતને ઘર ખાલી કરાવવા માટે ચાર-પાંચ ગુંડાઓ જોડે ૧૦ હજારનો સોદો કરેલો. પણ ઘર ખાલી થઈ ગયા પછી શું થયું? રકઝક!!

‘અરે પણ ગુંડાભાઈ, દસ હજાર તો બોત વધારે હે! ઔર તુમેરે કો ખર્ચા બી ક્યા હુઆ હૈ? છો હજાર રાખો! તુમ બોલતે હો તો સબકો એક એક હોકી દે દૂંગા, બસ?’

ગુંડાઓ આ સાંભળીને ભડક્યા એટલે મકાનમાલિકે વધુ વાજબી દલીલો કરી.

‘હમેરા ભાડવાત જરા તગડા થા વો બાત બરાબર હે. પણ દો દિનસે ઉસકો શરદી-સળેખમ હુઆ થા! એટલે તુમકો તો મારામારી મેં એટલી સુવિધા હો ગઈ ને? છો હજાર બરોબર હે!’

આ સાંભળીને ગુંડાઓને મકાનમાલિકના ઘરનું ફર્નિચર તોડવાનું ડેમોસ્ટ્રેશન આપવાની શરૂઆત કરી ને તરત ભાઈ લાઈન પર આવી ગયા.

‘અચ્છા ચલો, સાડા છ હજાર ફાઇનલ! ગુંડાભાઈ જરા સમજો, મેરે ઓગણીસ ભાડવાત હે. તુમકો ભવિષ્ય મેં બી બિઝનેસ મિલેગા ને?’

આખરે ગુંડાઓને ભવિષ્યનો વિચાર કરીને એ સોદો મંજૂર રાખેલો!

લાઇનમાં ઘૂસવાની રમત

આમ તો લાઈનમાં ઘૂસ મારનારા લોકો પોતાની મજબૂરીને કારણે આ રમત રમતા હોય છે. પરંતુ જો તમારે ટાઇમપાસ કરીને મનોરંજન મેળવવું હોય તો આ રમત ખરેખર મજેદાર છે.

વેકેશન દરમિયાન રેલવે રિઝર્વેશનની લાંબી લાઇનમાં કે પછી પિક-અવર્સ દરમિયાન સિટી-બસની લાઇનમાં બેધડક ઘૂસ મારો! ઘૂસ એવી રીતે મારો કે છેક છેડે ઊભેલા લોકોનું ખાસ ધ્યાન ખેંચાય! બસ, પછી બૂમાબૂમ અને ચીસાચીસ ચાલુ થઈ જશે!

સિટી બસની લાઇનમાં તો વધારાની મજા ત્યારે આવશે કે જ્યારે તમને લોકો લાઇનમાંથી કાઢી મૂકે કે તરત સિટી વગાડતાં વગાડતાં બેફિકર બનીને બસના આગલા દરવાજેથી અંદર ચઢી જાઓ! આગળના દરવાજેથી ઉતારે તો પાછળના દરવાજેથી ચઢી જાઓ, છેવટે ખુદ કંડક્ટર ધૂંવાપૂંવા થતો તમારી પર ધસી ન આવે ત્યાં લગી આ રમત ચાલુ રાખો!

વાટકી-વ્યવહાર રમત

પડોશણો વચ્ચે રમાતી આ રમત ખરેખર રસપ્રદ હોય છે. જો પરમ દિવસે તમારી પડોશણ તમારે ત્યાંથી વાટકી ભરીને ખાંડ લઈ ગઈ હોય તો ભલેને તમારા ઘરમાં ડબ્બો ભરીને ચોખા પડ્યા હોય છતાંય પડોશણને ત્યાંથી મોંઘા ભાવના બાસમતી ચોખા માગી જ લાવવા! અને તે પણ હસતાં હસતાં!

પડોશીનો ઠોઠ દીકરો જે દિવસે પરીક્ષામાં નાપાસ થઈને આવ્યો હોય તે દિવસે બળતામાં ઘી હોમવા માટે ખાસ જવું અને બાથરૂમ ધોવાના એસિડ જેવા અતિશય જ્વલનશીલ પદાર્થની માગણી હસતાં હસતાં કરીને બાબાની માર્કશીટ પોતાના હાથમાં લઈ લેવી અને પછી જ્યારે એની મમ્મી તમારા બાટલામાં એસિડ ભરતી હોય ત્યારે દુખી છતાં મોટા અવાજે બાબાના ગણિત અને અંગ્રેજીના માર્કસ વાંચી સંભળાવવા!

પેન્ટ-પીસ વ્યવહાર રમત

તમારી સાળીના લગ્ન વખતે જે પેન્ટ-પીસ તમને પકડાવવામાં આવ્યો હોય તેને ત્રણ વરસ સુધી સાચવી રાખીને તમારા સાળાના લગ્નમાં પાછો પધરાવો. તમારી ભત્રીજીનાં લગ્ન વખતે તમારી પત્નીને જે સાડી મળી હોય તે ચાર વરસ લગી ઘરમાં પહેર્યા પછી તમારી ભાણીના લગ્નપ્રસંગે માત્ર ડ્રાય ક્લીનિંગનો ખર્ચ કરીને ફટકારી મારો. તમારા બાબાના બર્થ-ડે વખતે આવેલી પ્લાસ્ટિકના કપ-રકાબીની પ્રેઝન્ટ બીજા કોઈની બેબીની બર્થ-ડે વખતે ‘વિથ મેની હેપ્પી રિટર્ન્સ’ લખીને રિટર્ન કરો.

ટીવી-ક્રિકેટ જોવાની રમત

ટીવી પર ક્રિકેટ જોવું એ આપણા દેશની સૌથી વધુ લોકો દ્વારા રમાતી સૌથી લોકપ્રિય ઇનડોર ગેઈમ છે!

જ્યારે પેલા ખેલાડીઓ ધોમધખતા તડકામાં પરસેવે રેબઝેબ થઈને મેદાન વચ્ચે તૂટી રહ્યા હોય ત્યારે આપણા ડ્રોઇંગરૂમમાં પંખા નીચે બેસીને, અડધી બાંયનું બનિયાન અને નહાવાનો ટુવાલ લપેટીને, બટાકાની તળેલી કાતરી સાથે ગરમાગરમ ચાની ચૂસકી લેતાં લેતાં, ટીવીના વન-વે માધ્યમ દ્વારા વિરાટ કોહલીને શિખામણો આપવાની લહેજત કંઈક ઓર જ છે!

આ રમતની ખરી મજા તેની રનિંગ કોમેન્ટ્રીમાં હોય છે. આ કોમેન્ટ્રી તમારે એટલે કે ડ્રોઇંગરૂમમાં બેઠેલા ખેલાડીઓએ આપવાની હોય છે.

‘બે, આવા ટાઇમે વાઇડ બોલ નખાતા હશે? શમીડાને કંઈ આવડતું જ નથી!’

‘અલ્યા પ્લેઇડ કરીને સિંગલ દોડી જાને? સ્લિપમાં કોઈ ફિલ્ડર જ નથી!’

‘જો બોસ! અહીં ફિલ્ડર ઊભો રાખ્યો હોત તો કેચ હતોને? ધોનીને કંઈ ખબર જ નથી પડતી!’

‘જો! જો! ક્લીન એલબીડબલ્યુ હતો! જો રિપ્લેમાં જો! છેને? ક્લીન એલબીડબલ્યુ હતોને? હાળો હંપાયર હાવ આંધળો છે!’

જે ખેલાડી (એટલે કે ડ્રોઇંગરૂમવાળો ખેલાડી)ને આખેઆખું સ્કોરબોર્ડ મોઢે હોય અથવા સિલી પોઇન્ટ અને સિલી મિડઓન વચ્ચેનો તફાવત ખબર હોય તેના કરતાં જે ખેલાડી સૌથી ઊંચા અવાજે ઘાંટા પાડતો હોય તેનો હંમેશાં વિજય થાય છે.

ચેક આપવાની રમત

પ્રખ્યાત લેખક અને ગઝલકાર ચિનુ મોદીએ એક વાર મને પૂછેલું કે, ‘ખબર છે? લખવાના પ્રકારમાં સૌથી વધુ અઘરી વસ્તુ કઈ છે?’

મેં બહુ વિચારીને કહેલું, ‘ગઝલ. મને લાગે છે કે ગઝલ લખવી સૌથી અઘરી કહેવાય.’

‘ના.’ ચિનુભાઈએ કહેલું, ‘ગઝલ નહીં, પણ ચેક લખવો એ આજકાલ સૌથી વધુ અઘરું છે. ઝટ લખાતો જ નથી!’

‘ચેક આપવાની આ રમત ગુજરાતી વેપારીઓમાં સૌથી વધુ આકર્ષણ જમાવી રહી છે. આ લાંબી રમતના વિવિધ તબક્કાઓ હોય છે.’

પહેલો તબક્કોઃ ‘પેમેન્ટ? અરે બોસ, તમારું બિલ જ ક્યાં આવ્યું છે? એમ? તમે મોકલાઈ દીધું છે? હું જોવડાવી લઉં છું.’

બીજો તબક્કોઃ ‘સોરી બોસ! તમારું બિલ જડતું નથી! એક કામ કરોને? તમે ડુપ્લિકેટ બિલ મોકલી આપોને?’

ત્રીજો તબક્કોઃ ‘થઈ ગયું બોસ! તમારું કામ થઈ ગયું! શું કહ્યું? પેમેન્ટ? અરે ના યાર! તમારું બિલ મળી ગયું! હા!! ઇન્વર્ડની ફાઈલમાંથી મેં જાતે કઢાવડાયું, બોલો!’

ચોથો તબક્કોઃ ‘સાહેબ બહારગામ ગયા છે.’

પાંચમો તબક્કોઃ ‘એકાઉન્ટન્ટ રજા પર છે.’

છઠ્ઠો તબક્કોઃ ‘ચેક તૈયાર થઈ ગયો છે, પણ સહીમાં છે.’

સાતમો તબક્કોઃ ‘તમારા બિલમાં થોડી ક્વેરીઝ છે. તમે સાહેબને મળી લેજોને...’

આઠમો તબક્કોઃ ચોથો, પાંચમો અને છઠ્ઠો તબક્કો બબ્બે વાર.

નવમો તબક્કોઃ ‘હમણાં ઓન-એકાઉન્ટ થોડાં કરી આપું છુ. મહિના પછીનો ચેક ચાલશેને?’

દસમો તબક્કોઃ ‘એ બોસ! પેલો ચેક આજે ભરતા નહીં, હું તમને કહેવડાવું છું.’

અગિયારમો તબક્કોઃ ‘અરે ના ના બોસ, હવે ફરી વાર બાઉન્સ નહીં થાય! મારી ગેરંટી... બસ?’

બારમો તબક્કોઃ ‘શું કહ્યું? ગુજરી ગયા? અં... હં... ઠીક, બારમું ક્યારે છે?’

લ્યો ત્યારે, તમે આમ રમત રમતમાં ગુજરી નો જાતા! બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter