સેકન્ડ વાઈફ બનવાની ગાઈડ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 21st October 2015 11:28 EDT
 
 

ચટ મંગની પટ બ્યાહ અને સટ લેતાંકને ડીવોર્સ મળે એવા દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં મોડર્ન લાઇફને ડફોળની જેમ જોયા કરતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

હવે તો ઇન્ડિયામાં ય ડીવોર્સું અને રિ-મેરેજુંની નવાઈ રહી નથી! ઓલી શીના મર્ડરકેસ વાળી ઇન્દ્રાણીના ત્રણ ત્રણ પતિ હતા! અમારા પીઢ કોંગ્રેસી નેતા ઘડપણની ઉંમરે જવાન કન્યાને પરણ્યાં! આમ જોવા જાવ તો બીવી નંબર ટુ બનવામાં ફાયદો તો ઘણો છે. એટલે જ હવે સેકન્ડ વાઇફ બનવા માટે શી લાયકાતો હોવી જોઈએ એની ગાઈડ બહાર પડવાની છે ! જેમ કે...

લાયકાત નં. ૧ - એલિજિબિલિટી

એલિજિબિલિટી એટલે જ લાયકાત. બીવી નંબર ટુ બનવા માટે તમારામાં અમુક ખાસ લાયકાતો હોવી જરૂરી છે. જો તમારી ઉંમર અઢાર-વીસ-બાવીસની હોય તો ભૂલી જજો. (અથવા તો રાહ જોજો). કારણ કે બીવી નંબર ટુ બનવા માટે તમારી ઉંમર બત્રીસ, આડત્રીસ કે તેથી વધારે હોવી જરૂરી છે. આ ઉંમરે તમારું ફીગર પણ બત્રીસ-છત્રીસ-આડત્રીસ થઈ ગયું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે પરણેલા પુરુષનું ફિગર પણ આડત્રીસ-ચાળીસ-બેંતાલીસની સાઇઝનું થઈ ગયેલું હોય છે.

જો તમારું હજી સુધી ક્યાંય ‘ઠેકાણું’ ન પડ્યું હોય, હજી સુધી કોઈ ‘ઢંગ કા લડકા’ ન મિલા હોય તો ‘લડકા’ઓને મારો ગોળી; ‘પતિ’ઓની તલાશમાં નીકળી પડો.

જો તમારી અભિનેત્રી તરીકેની, મોડેલ તરીકેની કે બીજી કોઈ કેરિયરમાં ઊજળું ભવિષ્ય ન દેખાતું હોય તો હવે આ નવી કેરિયર તરફ ધ્યાન કેન્દ્રિત કરો. કારણ કે પરણેલા પતિને પામવાની કારકિર્દીમાં સો ટકાની ગેરંટી છે!

લાયકાત નં. ૨ - વિઝિબિલિટી

વિઝિબિલિટી એટલે ફુલ સાઇઝના અરીસામાં તમે કેવા દેખાઓ છો તે નહીં પણ તમે બીજાની નજરોમાં (ખાસ કરીને પરણેલા પુરુષોની નજરોમાં) કેટલી વાર અડફેટે ચડો છો તેને તમારી વિઝિબિલિટી કહેવાય. એટલે જ તમારી ફિલ્મો જોવા કોઈ ન આવતું હોય તો તમારા ફોટાઓ મેગેઝિનોમાં છપાતા રહેવા જોઈએ. જો તમને કોઈ મોડેલ તરીકે ન લેતું હોય તો ઇન્સ્પેકટરને લાફો મારીને પણ છાપામાં ચમકતાં રહેવું જોઈએ.

પણ આ તો થઈ ‘ફેમસ બીવી નંબર ટુ’ની વાતો. જો તમે બત્રીસ-ચોત્રીસ-છત્રીસ સાઈઝની સામાન્ય નારી હો તો શું કરવું? એનો જવાબ પણ આ જ છે - વિઝિબિલિટી વધારો.

જો તમે ઓફિસે જતો હો તો અઠવાડિયે એકાદ વાર અચૂક મોડા પડો ને ઓફિસમાં આવતાંની સાથે ગબડી પડો. બધાનું તમારા તરફ ધ્યાન ખેંચાશે! ટિફિન જમતી વખતે સૂપ ઢોળી નાખો. ચા પીતાં પીતાં રકાબી ફોડી નાખો, જાણી જોઈને તમારી છત્રી ખોઈ નાખો, પછી બધા પાસે શોધાશોધ કરાવો!

જો તમે રસ્તા પરથી જતા હો તો તમારી કાર બગાડી નાખો! તમારી પસંદગીનો ‘પરણેલો’ આવતો દેખાય કે તરત રસ્તે ચાલતા જુવાનિયા સાથે ઝઘડો કરવા માંડો, ‘મૂઆ! જોઈને ચાલતાં શું થાય છે?’

નજરે ચડવાના આ બધા ઘટનાત્મક નુસખા અપનાવતાં પહેલાં તમારી પોતાની પર્સનાલિટીમાં પાયાના ફેરફારો કરી લેવા જરૂરી છે. જેમ કે, પ્લેન છતાં ભડક રંગની સાડીઓ પહેરવી, લિપસ્ટિક વારંવાર લગાડવી, મોટેથી હસવું, દર રવિવારે બ્યુટી પાર્લરની મુલાકાત લેવી, ભળતી-સળતી હેરસ્ટાઇલ કરાવી નાખવી (ટૂંકમાં, બીવી નંબર વન જે ન કરતી હોય તે બધું જ કરવું), પુરુષો સાથે સાવ મામૂલી વાતો પણ ઘુસપુસિયા અવાજે કરવી! જેમ કે- ‘કાલે રાતના ટીવી પર ‘ડર્ટી પિક્ચર’ આવેલું. તમે જોયું’તું? મેં તો ત્રીજી વાર જોયું!’ અત્યંત ધીમા અવાજે તમે આ વાક્ય તમારા ‘મુરગા’ની એકદમ નજીક જઈને બોલશો એમાં પેલો ખુદ હલાલ થઈ જવા તૈયાર થઈ જશે!

લાયકાત નં. ૩ - પ્રોફિટેબિલિટી

પ્રોફિટેબિલિટી એટલે નફાકારકતા. કોઈ પણ ધંધામાં રોકાણ કરતાં પહેલાં તેમાંથી નફો કેટલો મળશે તેનો વિચાર પહેલાં કરવામાં આવે છે. એ જ રીતે તમે જે પરણેલાને પલાળવાની ફિરાકમાં હો તે ભાઈ પોતે કેટલા પાણીમાં છે તે માપી લેવું જરૂરી છે.

જો તમારો પરણેલો બંગલાવાળો અને ગાડીવાળો હોય તો એનું બેન્ક બેલેન્સ તગડું હશે. તે એકાદ નવો ફ્લેટ પણ ખરીદી શકશે. ડિવોર્સ માટે વકીલનો ખર્ચો પણ તેને પોષાશે, તે કદાચ ધર્મપરિવર્તન પણ કરી નાખે, પરંતુ જો તેનું ફિગર બેતાળીશ-છેતાળીશ-અડતાલીશનું હોવા છતાં પણ જો તે હેન્ડસમ દેખાતો હોય તો બે ઘડી વિચાર કરી લેજો. કારણ કે અહીં કોમ્પિટિશન (હરિફાઈ) પણ વધારે હોવાની શક્યતા છે. તમારા જેવી બીજી ચાર તેની બીવી નંબર ટુ બનવાના પ્લાન ઘડી રહી હશે.

બીજી તરફ નાનું માર્કેટ પણ કંઈ ખોટું નથી હોતું. જો ભાઈશ્રી હાઉસિંગ બોર્ડના સેકન્ડ હેન્ડ ફ્લેટના હપતા ભરવાની ત્રેવડ પણ ધરાવતા હોય તો ધંધો ખોટો નથી!

સાથે સાથે તમારા પરણેલાની અંગત બાબતો તપાસ પણ કરી લેવી જરૂરી છે. જો તેનાં બાળકો નાની ઉંમરનાં હશે તો તે બીવી નંબર વનને કદાચ છોડી દેશે, પણ ‘રેડી-મેઈડ’ બાળકો તમારા માથે ટિચાશે! બોલો, છે તૈયારી?

ટૂંકમાં, તમારી ‘એલિજિબિલિટી’ અને ‘વિઝિબિલિટી’ બરાબર હોય અને તમારા બકરાની ‘પ્રોફિટેબિલિટી’ સારી હોય તો આગે બઢો....

અને બકરા પટાવવા તો સહેલા છે! જુઓ નેકસ્ટ સ્ટેપ - એક્શન પ્લાન...

એક્શન પ્લાન

એકશન પ્લાન એટલે રણનીતિ, ભાઈને શેમાં રસ છે? જો તે કવિ હોય તો તમે કવિતામાં રસ લેવા માંડો. જો તે ક્રિકેટર હોય તો તમે ક્રિકેટમાં રસ લેવા માંડો. જો તે બિઝનેસમેન હોય તો ધંધામાં રસ લેવા માંડો. ને જો તમને કશું જ ન આવડતું હોય તો બેસ્ટ મેથડ છે - શિષ્યા બની જાઓ!

પુરુષમાત્ર માસ્તર છે. ન હોય તો ચાળીસીમાં આવ્યા પછી અચૂક બની જતો હોય છે! આટલી ઉંમરે તે જીવનમાં કંઈક ને કંઈક તો શીખ્યો જ હોય છે એટલે તેને કોઈ ‘એલિજિબલ’ અને ‘વિઝિબલ’ શિષ્યા મળે કે તરત જ ‘ટોટલ માસ્તર’ બની જતો હોય છે.

તમે ક્રિકેટમાં સિલી-પોઇન્ટની ગલી ક્યાં આવી તેની ખબર ન હોય તો ડરો નહીં. સિમ્પલી ફોલો-ઓન! એની પાસે બેડમિન્ટન શીખવાનું શરૂ કરો! જો તેને તમારામાં સહેજ પણ રસ પડ્યો હશે તો બેડમિન્ટન તો શું, તમને ગિલ્લી-ડંડા પણ શિખવાડવા માંડશે!

જો શિષ્યા બનવાના ચાન્સ ન હોય તો તેના ક્લાયન્ટ બનો! ભલભલા પ્રોફેશનલો મહિલા ક્લાયન્ટો માટે એકસ્ટ્રા સર્વિસ આપતા હોય છે.

હાર્ડવેરનો ગમે તેટલો મોટો વેપારી કેમ ન હોય, જો એને તમારા ઓર્ડરમાં રસ પડશે તો ટનબંધ માલનો સોદો બાજુ પર રાખીને તમારા ઘરે તે ત્રણ ખીલીઓની ડિલિવરી કરવા જાતે આવશે!

આર્કિટેક્ટસાહેબ આખેઆખું ટાઉન-પ્લાનિંગ પડતું મૂકીને તમારા બાથરૂમની ચકલીઓ બરાબર ફિટ થઈ કે નહીં તે ‘સુપરવાઇઝ’ કરવા જાતે પધારશે! ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ કંપનીના કરોડોના હિસાબો લટકતા રાખીને તમારું ‘ટેક્સ-પ્લાનિંગ’ કરી આપશે!

આના પછીનું સ્ટેપ છે - બિઝનેસ લંચ. તમારો મુરતિયો તમને એમ નહીં કહી શકે કે ‘આજે રાત્રે તમે શું કરો છો? લેટ્સ ગો ફોર ડિન ટુનાઇટ!’ ચાળીસે પહોંચેલા પોચકીશ્રી તમને નાઇટ શોમાં ફિલ્મ જોવા નથી લઈ જવાના. પણ બેટમજીને ભરબપોરે તમારી સાથે બિઝનેસ લંચ કરતા કોઈ નથી રોકી શકવાનું! અને જો બેટમજી બિઝનેસ ન કરતા હોય અને તમારી જેમ નોકરી ટીચતા હોય તો તો સાવ સહેલું છે. ‘રોજ રોજ દાળભાત ખાઈને કંટાળો નથી આવતો? ચાલોને, આજે બહાર લંચ લેવા જઈએ?

જો એ લંચમાં આવે તો માનવું કે લાઇન ક્લિયર છે. હવે આના પછીની તરકીબો અજમાવવા માંડો. જેમ કે - ‘તમારાં કપડાંનું કોઈ ધ્યાન જ નથી રાખતું?’

કમનસીબે (અને તમારા સદ્નસીબે!) આ દુનિયામાં સલમાન ખાનો, શાહરુખ ખાનો અને આમીર ખાનોએ શું પહેરવું જોઈએ તેના માટે ડ્રેસ ડિઝઇનરો છે. અરે, અઝહરુદ્દીન માટે પણ ડિઝાઇનર વેર છે, પણ તમારો પરણેલો જેની ફાંદનો ઘેરાવો પૂરા પિસ્તાલીશ ઇંચ થઈ ગયો છે તે કેવા કપડાંમાં સારો લાગશે તેના માટે કોઈ ફેશન કેટલોગો બહાર પડતા નથી! એટલે તમતમારે ડર્યા વિના ડિઝાઇનિંગ કરવા જ માંડો! તેને ટી-શર્ટ પહેરાવો, સિલ્ક-ખાદીનો ઝભ્ભો પહેરાવો, સૂટ પહેરાવો, જીન્સ પહેરાવો... એ આખેઆખો કાર્ટૂન બની જાય એટલી હદે તેની વેશભૂષામાં ફેરફાર કરાવી નાખો અને દર વખતે દાદ આપો કે, ‘વાઉ! આમાં તમે બહુ જ ડેશિંગ લાગો છો!’

છેવટે જ્યારે તમને ગમતી ડિઝાઇનનો પતિ તૈયાર થઈ જાય ત્યારે બીવી નંબર ટુ બનવાની ફાઈનલ તૈયારી કરવા માંડો... આ ફાઈનલ પ્લાનનું નામ છે, ‘ઓપરેશન રેડીમેઇડ પતિ!’ એ ખતરનાક પ્લાનની વિગતો જાણવા માટે આવી ચોપડીઓ જોતા રહેજો...

અને દરમિયાનમાં સૌ પુરુષો, તમે ચેતતા રહેજો!

•••

લ્યો, આવું બધું વાંચીને તમને ટેન્શન થવા લાગ્યું? તો કરો, બીજું શું? હવે તો ઝીંકે રાખો બાપલ્યાં, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter