ટાબરિયાં ક્રિકેટ સંહિતા!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 13th January 2016 07:40 EST
 
 

ફૂલ એચડી ટીવીમાં ક્રિકેટ મેચું જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ગલીએ ગલીએ ક્રિકેટ ટીચવા બેસી જાતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

ધોનીઓ, વિરાટો, અને રાહુલો તો હમણાં ક્રિકેટ રમતાં થયાં. એ પહેલાં વર્ષોથી ઈન્ડિયાની ગલી-ગલીમાં રમાતા આવેલા ટાબરિયાં ક્રિકેટના કાનૂનો સાવ અનોખા છે. પ્રસ્તુત છે સર્વપ્રથમ અને સંપૂર્ણ... ટાબરિયાં ક્રિકેટ સંહિતા!

અમારા ભારતમાં વર્ષોથી શેરીઓમાં રમાતા ટાબરિયાં ક્રિકેટ ઉર્ફે શેરી ક્રિકેટના નિયમોને કોઈ ન પહોંચે! આવો, આ ખેલનો ટૂંકમાં પરિચય મેળવીએ.

વ્યાખ્યાઃ શેરીક્રિકેટની વ્યાખ્યા સાવ સરળ છે. શેરીમાં, ગલીમાં, પોળમાં, ચકલે, ચાર રસ્તે, ડામર રોડ પર, ધાબા ઉપર, કમ્પાઉન્ડમાં કે ઘરના ડ્રોઈંગ રૂમમાં... ટૂંકમાં મેદાન સિવાયની બીજી કોઈ પણ જગ્યાએ રમાતા ક્રિકેટને શેરી ક્રિકેટ કહેવામાં આવે છે. જ્યારે આ શેરી ક્રિકેટ ટાબરિયાં રમતાં હોય ત્યારે તેને ટાબરિયાં ક્રિકેટ કહેવામાં આવે છે.

આ રમતના ખેલાડીઓ વન-ડે ને ‘વન્ડે’ કહે છે. પરંતુ વન્ડે ક્રિકેટ ખરેખર તો ‘વન્ડે’ એટલે કે વંડા પાસે રમાતા ક્રિકેટને જ કહેવાય છે.

સાધનોઃ સાધનોમાં સૌથી પહેલાં આવશે બેટ. તો બેટ ત્રણ કક્ષાનાં હોય છેઃ (૧) પ્રાથમિક કક્ષા (૨) ઈન્ટર-મિડિયેટ કક્ષા (૩) ફાઈનલ કક્ષા.

(૧) પ્રાથમિક કક્ષાનું બેટઃ

નિશાળની નોટબુક, ચોપડીનું પૂઠું, નાની અથવા મોટી ફૂટપટ્ટી, કંપાસ કે વોટરબેગથી માંડીને દફ્તર, રાઈટિંગ પેડ, ટેબલ-ટેનિસનું રેકેટ તથા બેડમિંટનનું બેબી સાઈઝ રેકેટ જેવાં તમામ સાધનોની ગણતરી પ્રાથમિક કક્ષાના બેટમાં કરવામાં આવે છે.

(૨) ઈન્ટર-મિડિયેટ કક્ષાનું બેટઃ

આ કક્ષાના બેટમાં પ્લાસ્ટિકનું બનેલું રમકડાંનું બેટ તથા પ્લાસ્ટિકની હોકીનો સમાવેશ થાય છે. ઈન્ટર-મિડિયેટ કક્ષાના બેટ વડે રમવામાં નિપુણતા મળે ત્યારબાદ જ ટાબરિયાંને ફાઈનલ કક્ષાનું બેટ વાપરવા મળે છે. સીધેસીધું ફાઈનલ કક્ષાનું બેટ વાપરવા જતાં ઘણાં ટાબરિયાં બેટના ભાર હેઠળ કચડાઈ ગયાના દાખલા નોંધાયા છે.

(૩) ફાઈનલ કક્ષાનું બેટઃ

ફાઈનલ કક્ષાના બેટમાં પણ ટાબરિયાને સૌથી પહેલાં તો કપડાં ધોવાનો ધોકો જ આપવામાં આવે છે. આમાં થોડું કૌશલ પ્રાપ્ત થાય પછી તેને એક પણ સાંધા વિનાનું ફૂટપાથ પર વેચાતું બેટ અથવા સ્પોર્ટ્સ ગુડ્ઝની દુકાનમાં મળતું પુખ્ત વયના બેટની પ્રતિકૃતિ સમાન બેટ આપવામાં આવે છે.

બોલ

શોએબ અખ્તરો, વાસીમ અકરમો, શ્રીનાથો, મેકગ્રાથો અને ડોનાલ્ડો જે બોલનો ઉપયોગ કરે છે તેની કલ્પના પણ કરવાની જરૂર નથી, કારણ કે સાડી સાતસો ગ્રામ વજન ધરાવડો ચામડે મઢેલો બોલ ૧૪૦ કિલોમીટરની ઝડપે તમારા લમણે જો ખરેખર ટીચાઈ જાય તો શેરીક્રિકેટ તો શું, તમે ટીવી ક્રિકેટ પણ ભૂલી જશો. એટલે બોલ તરીકે દોઢ ગ્રામના વજનવાળા પિંગ-પોંગ બોલથી માંડીને કાંકરી, કાંકરો, પથ્થર, બાટલીના બૂચ, સોફ્ટ-ડ્રિંક બોટલનાં ઢાંકણાં તથા ‘રબ્બડ’ના બોલનો ઉપયોગ કરી શકાય છે. આગળ જતાં શેરી ક્રિકેટ રમીને પાવરધાં થયેલાં ટાબરિયાં ટેનિસ બોલનો ઉપયોગ કરતાં થાય છે.

સ્ટમપલાં

ટીવીમાં જોવા મળતાં ત્રણ ડંડાઓને સ્ટમ્પ કહેવામાં આવે છે, જેનો શેરીક્રિકેટમાં કોઈ જ ઉપયોગ નથી. શેરીક્રિકેટમાં ‘સ્ટમ્પલાં’ હોય છે, અને આ સ્ટમ્પલાંના પણ ત્રણ પ્રકાર હોય છે.

પહેલાં પ્રકારનાં સ્ટમ્પલાંને તાદૃશ્ય સ્ટમ્પલાં કહેવાય છે. આ સ્ટમ્પલાં જોઈ શકાય છે, હલાવી શકાય છે, ઉખાડી શકાય છે અને જો મજબૂત લાકડાંના બનેલાં હોય તો મેચનું પરિણામ નક્કી કરવા માટેની મારામારી વખતે વાપરી શકાય તેવાં હોય છે. તાદૃશ્ય સ્ટમ્પલામાં હંમેશા ત્રણ ડંડા હોવા જરૂરી નથી. ઘણી વાર બે ડંડા ઊભા કરીને ત્રીજા ડંડાની કલ્પના કરવામાં આવતી હોય છે. ડંડાની જગ્યાએ અટપટા આકારની સળેખડીઓનો ઉપયોગ પણ થતો હોય છે.

મોટે ભાગે આ સ્ટમ્પલાંને ઊભાં રાખવા માટે ધૂળના ઢગલા, પથ્થરો કે ઈંટોનો સહારો આપવો પડતો હોય છે. લાકડાંના કે પૂંઠાં ખોખાં પણ તાદૃશ્ય સ્ટમ્પલાં તરીકે સ્વીકાર્ય ગણાય છે. તાદૃશ્ય સ્ટમ્પલાંનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈકને વિકેટકીપર બનવા મળે છે. (યાદ રહે, વિકેટકીપરોને બહુ દોડાદોડી નથી કરવી પડતી, એટલે આ સ્થાન પ્રીમિયમ ગણાય છે.)

બીજ પ્રકારનાં સ્ટમ્પલાંને આભાસી સ્ટમ્પલાં કહેવાય છે. આ પ્રકારના સ્ટમ્પલાંને કોલસા અથવા ચોકની મદદ વડે ભીંતચિત્ર પદ્ધતિથી ઉપસાવવામાં આવે છે. આ સ્ટમ્પલાંની પાછળ વિકેટકીપરને સ્થાન નથી હોતું. કારણ કે ત્યાં જાહેર મૂતરડી, જાજરૂ, બંધ પડેલા મકાનનું કમ્પાઉન્ડ અથવા વેચવા કાઢેલી દુકાન હોય છે, પરંતુ સૌથી સારાં સ્ટમ્પલાં હોય છે, જેમાં ભોંય પર માત્ર બે પથરા ગોઠવવામાં આવે છે. અને દરેક ખેલાડી પોતાની કલ્પનાશક્તિથી માની લે છે કે હવામાં સ્ટમ્પલાં છે! આવાં સ્ટમ્પલાંનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઝડપી પવનથી પડી જતાં નથી, અને વરસાદમાં ક્યારેય પલળી જતાં નથી. ઉપરાંત એ સ્ટમ્પલાંને બોલ વાગ્યો કે નહીં તે બાબતે ટાબરિયાંઓ દર ત્રણ મિનિટે ચીસાચીસ કરી શકે છે!

ખાસ નોંધઃ ઉપરના ત્રણે પ્રકારો સ્ટ્રાઈકર એન્ડનાં સ્ટમ્પલાંના છે. નોન સ્ટ્રાઈકર એન્ડ ઉપર સામાન્ય રીતે એક આખો ઢેખાળો અથવા અડધી ઈંટ જ મૂકવામાં આવે છે. આને કારણે નોન-સ્ટ્રાઈકર એન્ડના રન-આઉટની ઘટનાઓ અતિશય ઉત્તેજનાપૂર્ણ બની જતી હોય છે.

ખેલાડીઓના પ્રકારો

શેરીક્રિકેટ ખેલાડીઓના મુખ્યત્વે ચાર પ્રકારો હોય છેઃ (૧) હાફ સાઈઝ (૨) ફૂલ સાઈઝ (૩) પરચૂરણ (૪) દૂધ-પૌંઆ.

હાફ સાઈઝ ખેલાડીઓ ચડ્ડી પહેરતા હોય છે અને તેમને સચીન તેંડુલકર જેવા કિંગસાઈઝ ખેલાડી બનવાનાં સપનાં આવતાં હોય છે. ફુલ સાઈઝ ખેલાડીઓ પેન્ટ, પાયજામો અને લુંગી પહેરતા હોય છે અને તેમને ધોની જેવા કિંગસાઈઝ ખેલાડીઓની કિંગસાઈઝ ભૂલો કાઢવાનો શોખ હોય છે.

પરચૂરણ ખેલાડીઓ સામાન્ય રીતે હરખપદૂડા હોય છે એટલે તેમની હંમેશા પદૂડી લેવાતી હોય છે. તેમનો ઉપયોગ ફિલ્ડિંગ ભરાવવામાં થતો હોય છે, જ્યારે દૂધ-પૌંઆ ખેલાડીઓની મોટી બહેનો દેખાવડી હોવાને કારણે તેમને ડબલ દાવ મળતા હોય છે.

હંપાયરોના પ્રકારો

શેરીક્રિકેટના અંપાયરને હંપાયર કહેવામાં આવે છે. આના ત્રણ પ્રકારો છે. (૧) દાદો હંપાયર (૨) પોચકી હંપાયર (૩) સ્કોરર હંપાયર.

જે ખેલાડી બોલ તથા બેટની માલિકી ધરાવતો હોય તેને દાદો હંપાયર કહેવાય છે. આ હંપાયર મેદાનની કોઈ પણ પોઝિશનમાં ઊભો રહીને દાદાગીરીપૂર્વક હંપાયરિંગ કરે છે, જ્યારે એ જ ખેલાડી પોતે દાવ લેતો હોય ત્યારે પોચકી હંપાયરની હંગામી નિમણૂક કરવામાં આવે છે.

સ્કોરર હંપાયરો સામાન્ય રીતે જે ટીમનો દાવ ચાલતો હોય તેના સભ્યોની ‘સમિતિ’ને કહેવામાં આવે છે. આ સ્કોરર હંપાયરો ઝાડ નીચે, પાળી પર, ઓટલે અથવા પગથિયે બેઠાં હોય છે. આ હંપાયરોનું કામ મુખ્યત્વે તો બોલબોલ કરતા રહેવાનું હોય છેઃ ‘ચાર બોલ પાંચ રન’, ‘આઉટ છે!’ ‘નોટઆઉટ છે!’, ‘કટ અડેલી’, ‘એ નહોતી...!’ ‘હતી...’ ‘હંપાયર બાઘ્ઘામારુ’ ‘અંચઈ નહીં કરવાની’, ‘રન ગુપચાવે’, ‘કોણ ગુપચાવે છે?’, ‘કેટલા થયા?’, ‘તે સાંભળ્યું નહીં?’ ‘બહેરો છે!’, ‘તું બહેરો, તારો બાપ બહેરો!’ આવું બોલતાં વચ્ચે-વચ્ચે સ્કોર યાદ કરી લેનારા સ્કોર હંપાયરો વિના શેરીક્રિકેટની મજા જ નથી આવતી.

બોલિંગના પ્રકારો

શેરીક્રિકેટમાં સામાન્યપણે ચાર પ્રકારની બોલિંગ કરવામાં આવે છે. (૧) એક્સીન બોલિંગ (૨) ઘૂસૂડ બોલિંગ (૩) ગલોલી બોલિંગ (૪) લાલચુ બોલિંગ.

છેલ્લા ત્રણ પ્રકારો તેના નામ વડે જ સમજાઈ જાય તેવા છે, પરંતુ જ્યારે કોઈ ખેલાડી રબરના બોલને ચડ્ડી પર ઘસીને, વગર કારણે લાંબો-લાંબો રન-અપ લઈ ટીવીમાં દેખાતા એક્શન રિપ્લેની કોપી કરીને છેવટે થ્રો બોલ જ નાખે તેને એક્સીન બોલિંગ કહેવામાં આવે છે.

બેટિંગના પ્રકારો

આમાં પણ એક્સીન બેટિંગ, ઘૂસૂડ બેટિંગ અને લાલચુ બેટિંગ હોય છે, પરંતુ લાલચુ બેટિંગમાં મુખ્યત્વે ખેલાડીની ભાવના રહેલી હોય છે. પોતે આઉટ થયો હોય છતાં બેટિંગ કર્યા કરવાની લાલચને લાલચુ બેટિંગ કહે છે. આમાં છેવટે ‘મારામારી બેટિંગ’ પણ કરવું પડતું હોય છે.

રમતના નિયમો

(૧) બોલ અથવા બેટની માલિકી ધરાવતા ખેલાડીને બે દાવ મળે છે. બોલ તથા બેટ બંનેની માલિકી એક જ ખેલાડીની હોય તો તેને ત્રણથી ચાર દાવ લેવાનો હક્ક મળે છે.

(૨) ફૂલ સાઈઝ ખેલાડીની ઓવર ૯ બોલથી માંડીને ૨૯ બોલની હોઈ શકે છે, જ્યારે પરચૂરણ ખેલાડીની ઓવર ત્રણ બોલમાં પૂરી કરી શકાય છે.

(૩) પરચૂરણ ખેલાડીઓ તથા દૂધ-પૌંઆ ખેલાડીઓ રિસાઈને ઘરે ન જતા રહે તે માટે તેમને સરેરાશ અઢીથી ત્રણ બોલ રમવા દેવામાં આવે છે.

(૪) જ્યારે જ્યારે કોઈ ફૂલ સાઈઝ ખેલાડી બોલ અને બેટનો સંગમ ન કરી શકે ત્યારે તે બોલને ‘વ્હાઈટ બોલ’ ગણવામાંઆવે છે.

(૫) જ્યારે કોઈ ફૂલ સાઈઝ ખેલાડી પહેલાં જ બોલે આઉટ થઈ જાય ત્યારે તે બોલને ‘ટ્રાયલ બોલ’ કહેવાય છે.

(૬) કોઈ પણ ખેલાડી આઉટ છે કે નોટ આઉટ તે નક્કી કરવા માટે જોરજોરથી ઘાંટાઘાંટી કરવામાં આવે છે. જે ટીમનો ઘોંઘાટ વધારે જણાય તેની તરફેણમાં ચુકાદો અપાય છે.

(૭) ‘બેનિફિટ ઓફ ડાઉટ’ હંમેશા દાદો હંપાયર જ આપી શકે છે. ખાસ કરીને ત્યારે, જ્યારે તે પોતે બેટિંગ કરતો હોય.

(૮) કોઈના કમ્પાઉન્ડમાં બોલ જાય ત્યારે પરચૂરણ અથવા દૂધ-પૌંઆ ખેલાડીઓને દોડાવવામાં આવે છે, પણ જ્યારે કોઈની બારીનો કાચ ફૂટે ત્યારે વાટાઘાટો કરવાનું કામ ફૂલ સાઈઝ ખેલાડીએ કરવાનું હોય છે.

(૯) હાફ સાઈઝ કે દૂધ-પૌંઆ ખેલાડીનાં મમ્મી કે પપ્પા ઓટલે ઊભાં ઊભાં મેચ જોતાં હોય તો તે ખેલાડીને સરેરાશ સાડા ત્રણ બોલ વધારે રમવા દેવામાં આવે છે.

(૧૦) કાંતામાસીના કમ્પાઉન્ડમાં બોલ જાય તો આઉટ, કાંતામાસીના કમ્પાઉન્ડને ટપી પડ્યા વિના બોલ અડે તો સિક્સ, ટપી પડીને અડે તો ફોર. શાંતામાસીના ઘરની દીવાલને બોલ અડે તો ટુ ડી અને મીનામાસીના ઓટલે બોલ જાય તો વન ડી.... કાંટાની વાડમાં બોલ જાય તો આઉટ તો ખરો જ, પણ જે દાવ લેતો હોય તેણે બોલ પાછો લાવી આપવાનો, પાણીના ખાબોચિયામાં બોલ જાય તો નોટ આઉટ, પણ દાવ લેનારે બોલ લાવી આપવાનો અને ઉકરડામાં જાય તો ‘નો... રન’ પણ બોલ લેવા તો ફિલ્ડરે જ જવાનું!

આવા અસંખ્ય પ્રકારના નિયમો તથા પેટા-નિયમો મેદાનની ભૌગોલિક પરિસ્થિતિ, કાંતામાસી અને શાંતામાસી વચ્ચેની સામાજિક પરિસ્થિતિ તથા મીનામાસીના બારીના કાચ તૂટવાની ઐતિહાસિક પશ્ચાદભૂમિને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવે છે.

•••

લ્યો હાલો, તમારે ક્યારેક ઈંગ્લેન્ડમાં શેરી ક્રિકેટ રમવાનું થાય તો આ નિયમું વાંચી જજો. બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter