ગણિતમાં π (પાઈ) ની કિંમત અંદાજે 3.14 લેવામાં આવે છે. આને MM/DD પ્રમાણે વાંચીએ તો 3 એટલે ત્રીજો મહિનો (માર્ચ) અને 14 એટલે ચૌદમી તારીખ આથી જ આખી દુનિયામાં 14 માર્ચના દિવસને ‘પાઈ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આજે આ ગણિતની થોડી ચર્ચા થઈ જાય. ઘણાને આ વિષયે એટલા ગભરાવ્યાં છે કે ઊંઘમાં પણ તેઓ જે મળે એનું વર્ગમૂળ કાઢવામાં લાગી જતાં! ટેન્શન સાથે અટેન્શનમાં રાખતા આ વિષય પર ચાલો આજે થોડી રિલેક્સિંગ ચર્ચા કરીએ અને તમે ને હું મળીને ભડાશ કાઢીએ!
ગણિત - આ એક એવો સબ્જેક્ટ / વિષય સ્કૂલમાં ઘુસાડી દીધો છેને કે મને તો ખીજ ચડે છે. પહેલાં શબ્દો તો જુઓ - બિંદુ, રેખા, રેખાખંડ. આ બધું શું છે... ફિલ્મની હિરોઈનના નામ કે વેમ્પના? કાંઈ હમજાતું નથી. ‘બિંદુએ રેખાને લંબાવી...’ આ વાક્ય સાંભળીને કોઈને એમ થાય કે આ તો કોઈ બોલિવૂડની ગોસિપ છે, પણ ના સાહેબ, આ તો ભૂમિતિનો અત્યાચાર છે!
અને પાછા એની સ્કૂલમાં સરપ્રાઇઝ ટેસ્ટ લેતા’તા બોલો! આ સરપ્રાઇઝ શબ્દ આમ તો ખુશી માટે વપરાય, પણ ગણિતના સાહેબ જ્યારે ક્લાસમાં આવીને કહે કે ‘ચાલો ચોપડા બંધ, આજે ટેસ્ટ છે,’ ત્યારે હૃદયના ધબકારા પેલા ફિબોનાચી સિરીઝની જેમ વધવા માંડે!
આજે આ વિશ્વ ગણિત દિવસે બધાં વિદ્યાર્થીઓની ભડાશ નીકળશે આ લેખમાં, જેમને ગણિત દીઠું નહોતું ગમતું, ને ગણિતના સાહેબ એટલે જવા દોને યાર શું કહેવું...
પહેલા તો મારી રિયાલિટી જણાવું. મારી તો કિસ્મત જ ‘કાટખૂણે’ ફસાયેલી હતી. હું નાનો હતો એટલે કે સ્કૂલમાં ત્યારે મારા ઘરની ડાબી દિવાલ જે ઘર સાથે શેર થતી હતી એ કોણ હતું ખબર છે? ‘મારા ગણિતના શિક્ષક...’ પાડોશમાં જ્યારે ‘પાયથાગોરસ પડ્યા પાથરેલા હોય! હવે તમે વિચારો, મારે તો ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ હતો. હું નિશાળે જવા નીકળું ત્યારે સાહેબ ગેલેરીમાં ઉભા ઉભા મારું ‘લોકસ’ (Locus) ચેક કરતા હોય.
એટલે ગણિત તો પછી જુએ એ પહેલા હું ટાઇમે સ્કૂલે જવા નીકળ્યો કે નહીં એ ખાસ જુએ. સ્કૂલમાં કઈ બેન્ચ પર બેઠો છું, કોની સાથે ગપ્પાં મારું છું, ક્લાસમાં પાર્ટિસિપેટ કરું છું કે નહીં એ બધું જ સાહેબના ‘રડાર’માં આવતું. મને તો ક્યારેક એમ થતું કે સાહેબ, મારા જીવનનું ક્ષેત્રફળ માપવા જ તો પેદા નથી થયા!
મારે ત્રિકોણમિતિની ય વાત કરવી છે... આ સાઈન થીટા (sine) અને કોસ થીટા (cosB)એ તો ખરેખર દાટ વાળ્યો છે. ભણ્યા પણ ગણ્યા નહીં - આ કહેવત કદાચ ત્રિકોણમિતિ ભણ્યા પછી જ પડી હશે!
આજે હું નોકરીએ જાઉં છું, પણ કોઈ બોસનો સાળોય મને પૂછતો નથી કે, ‘અલ્યા ભાઈ, જો આ સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ જમીન પર 45ના ખૂણે પડતો હોય અને 10 ફૂટ સુધી જતો હોય તો થાંભલો કેટલો ઊંચો?’ અરે ભલા માણસ, થાંભલો માપવા મ્યુનિસિપાલિટીમાં ફોન કરને મને શું કામ આ ‘ખૂણા’માં ભીંસે છે? મારા જીવનમાં કેમ બાવળ વાવે છે! મને લાગે છે આ એન્જિનિયરો સિવાય આ કોણ વાપરતું હશે! ને એમાંય એક ખૂણો 30નો ને બીજો 60નો તો ત્રિકોણનો ત્રીજો ખૂણો કેટલાનો? અરે 50 રૂપિયાનો!!! મને ક્યાં ગોઠમડે ચઢાવે છે... ખરેખર ત્રિકોણમિતિ એટલે મગજભ્રષ્ટમિતિ!!
પછી આવે એલ્જિબ્રા (Algebra)... x2-y2 = ? અરે ભાઈ, તબેલામાં જેટલી ભેંસો છે એટલા! આમાં Xની કિંમત શોધવાની હોય છે.
હવે તમે જ કહો, Xની કિંમત તો મારા દિલને પૂછો! જ્યારે મારી ‘એક્સ’ (Ex) મને છોડીને ગઈ હતી, ત્યારે 10 દિવસ સુધી મોમાં અન્નનો દાણો નહોતો નાખ્યો. આ ગણિતમાં દિલના તૂટેલા તાર ગણવાની કોઈ ટેકનિક છે? જો ટ્રાયેન્ગલની જગ્યાએ ‘લવ ટ્રાયેન્ગલ’ ભણાવતા હોત તો કદાચ ક્લાસમાં બધાને રસ પડત.
એક પછી એક વાત થઈ જ રહી છે તો ભૂમિતિ કેમ રહી જાય. આ બિંદુથી શરૂ થાય, બિંદુને લંબાવી ને રેખા કરે (બંને એક્ટ્રેસીસ ના નામ આવી ગ્યા?!) પછી રેખાનું રેખાખંડ કરે (ઈંગ્લિશ મીડિયમ માટે લાઈન સેગમેન્ટ)ને ખૂણાં એટલે કોણ? આ પ્રશ્નનો જવાબ પણ એ જ છે કે ‘ખૂણાં એટલે કોણ’ (#pun) હાહાહા!!!
સ્કૂલ આખી ચતુષ્કોણ આકારના ક્લાસરૂમમાં ત્રિકોણથી ષષ્ટકોણ અને અષ્ટકોણ ગણતાં ગણતાં કોણીને ગોળ લગાડયો કે બેટા, બસ દસમા બોર્ડમાં સારા માર્ક આવી ગયા એટલે બસ પછી બારમા બોર્ડમાં મેરીટમાં આવી ગયો એટલે બસ! પછી સારી કોલેજમાંથી ડિગ્રી લીધી એટલે ગંગા નાહ્યાં! પણ પછી ખબર પડી કે આ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. પછી કહેશે ‘સારી નોકરી મળી એટલે બસ!’ પછી કહેશે ‘સારી કન્યા/વર મળે તો જીવનમાં બસ!’ પછી છોકરાં ને એમની સાથે આ કાર્બન ચક્ર ફરીથી ચાલુ!!
પાછું જેમને દસમાં બોર્ડ પછી પણ ગણિત ભણેલું હોય એણે તો સંકલન-વિકલન તો ત્રાસ પણ ભોગવ્યો હશે! ખરું કે નંઈ! એ લાંબો S જેવો આકાર કરી ને પછી જે આંકડા લખતા એમાં મને કાંઈ ગતાગમ ન’તી પડતી ‘આ શું છે?’ એ પ્રશ્ન સાથે ‘આ કેમ છે?’ એવો પ્રશ્ન મગજમાં વધારે ઇકો કરતો! ને એમાંય પ્રોબેબિલિટી - શક્યતા!! ઓહોહો, સિક્કાને ઉછાળીએ તો હેડ આવે કે ટેલ, કોની પ્રોબેબિલિટી વધારે. અરે ભાઈ, સિક્કો ઉછાળીને મેચ ચાલુ કરને, આટલી બધી પંચાત શું કામ કરે છે?
હું તમને કઉં છું કે આ પ્રોબેબિલિટી મારો મોસ્ટ હેટેડ સબ્જેક્ટ હતો! પણ પેલી વેન આકૃતિ આવતી ને એ મારી ફેવરિટ. કુંડાળા પર કુંડાળા કરો ને વચ્ચે જે ગમે એ મૂકો, યોગ ગણ - છેદ ગણ કુંડાળા પર કુંડાળા કરવાની મજા આવતી પણ એ કુંડાળા દોરવામાં અને પરીક્ષાની તૈયારી કરવામાં આપણી આંખો ફરતે જે ‘કાળા કુંડાળા’ થયા છે, એનું વળતર કોણ આપશે?
ગણિત ભલે ગમેતેટલું અઘરું લાગે, પણ એક વાત માનવી પડે કે π (પાઈ) અને આ બ્રહ્માંડમાં એક સમાનતા છે - બંનેનો કોઈ અંત જ નથી! 22/7નો ભાગાકાર કરતા રહો, આંકડા આવ્યા જ રાખશે
આ પહેલા ધોરણથી એરિથમેટિકથી શરૂ થયેલું ગણિત 1+1=2 કરતાં કરતાં ફિબોનાચી સિરીઝ સુધી ક્યારે પહોંચી ગયું ખબર ના પડી. એમાંય પાઇ π! જેવા સ્પીડબ્રેકરોથી છૂટ્યા.
સ્કૂલનું નામ દઈએ તો મિત્રોની યાદથી ખુશી થાય, પણ ગણિતની યાદથી ઘણાંના છાતીના પાટિયા બેસી જાય!!
અને હિમ્મત હોય તો તમારા 10 બોર્ડના ગણિતના માર્ક મને DM કરો ઇન્સ્ટાગ્રામ @rjvishal પર.
ગણિતના ત્રાસમાંથી મુક્ત થયેલા તમામ મિત્રોને ‘પાઈ ડે’ની હાર્દિક શુભેચ્છાઓ જેઓ હજુ ભણી રહ્યા છે તેમણે પણ નિરાશ થવાની જરૂર નથી તમે પણ ક્યારેક તો છૂટશો જ!


