દેવાધિદેવ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનો મહિમા ગાતો પવિત્ર શ્રાવણ માસ આવે એની સાથે જ હિન્દુધર્મના પવિત્ર ઉત્સવોની શૃંખલા શરૂ થઇ જાય છે. શ્રાવણનો આખો માસ ભગવાન શિવ ઉપર દૂધ, પાણીનો અભિષેક કરી બિલ્વપત્રની પૂજા કરવાનો અનેરો મહિમા છે એમ શ્રાવણ વદ આઠમની મધરાતે દેશવિદેશના શ્રીકૃષ્ણ મંદિરો, ઠકોરજીની હવેલીઓ "વધાઇ હો… નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી"ના જયઘોષથી ગૂંજી ઊઠે છે. આપણા ઇંગ્લેન્ડમાં પણ ઠેર ઠેર સનાતન મંદિરો, શ્રીનાથજી હવેલીઓ, ઇસ્કોન ભક્તિવેદાંત મેનોર-હરેકૃષ્ણ મંદિર અને સ્વામિનારાયણ મંદિરોમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીનું મહાપર્વ ઉજવાય છે. વોટફોર્ડ ખાતે હરે કૃષ્ણ મંદિરમાં જે હર્ષોલ્લાસ અને રંગેચંગે જન્માષ્ટમી ઉજવાય એનો હજારો હિન્દુધર્મપ્રેમીઓ ઉમંગભેર લ્હાવો લેતા હોય છે.
ભારતમાં તો ઝરમર ઝરમર વરસતા શ્રાવણિયા વરસાદ વચ્ચે જન્માષ્ટમી ઉજવવાનો આનંદ જ કંઇક ઔર જ હોય છે. આ દિવસે અમારા ગામની પાદરે બે કાંઠે ગાંડીતૂર થઇને વહેતી મહીસાગર નદીની ભેખડ પર આવેલા વિશાળ વારસીસણ વડની છાયામાં આવેલા શિવાલય સમક્ષ જન્માષ્ટમીનો ભવ્ય મેળો ભરાતો એમાં અમે આનંદથી મહાલવા જતાં. શ્રાવણમાં જન્માષ્ટમીના મેળા ગુજરાતમાં ઠેર ઠેર યોજાતા હવે કદાચ એ મેળા યોજાવાના ઓછા થઇ ગયા લાગે છે. એ મેળાની જગ્યા હવે "તીનપત્તી"ના જુગારે લઇ લીધી લાગે છે. હવે તો આપણા "ડ્રાય" કહેવાતા ગાંધીના ગુજરાતના માત્ર ગુજજુ ભઇલાઓ જ નહિં પણ ગર્વથી જીન અને વોડકા ઠચકારતી ગુજરાતણો પણ જન્માષ્ટમીએ રાતભર "તીનપત્તી"ના જુગાર રમતી થઇ ગઇ છે.
અમે કે તમે એકાદ વર્ષે ગુજરાત પ્રવાસે તો જતા જ હોઇએ છીએ ત્યારે નજરે જોઇ શકીએ છીએ કે ગુજરાતના આપણા સ્વજનો, મિત્રો કેટલા મોર્ડન થઇ ગયા છે. એમની લાઇફ સ્ટાઇલ જોઇ આપણને કયારેક એમ થાય કે આપણે બેકવર્ડ છીએ, આ બધા કેટલા ફોરવર્ડ છે..! વેસ્ટર્ન વર્લ્ડમાં રહી કયારેક આપણને ના ખબર હોય એ બધું આપણા દેશનો ગુજરાતી જાણતો હોય..!
કળીયુગની આઠમની રાતે વૃંદાવન, મથુરા, ગોકુળ, દ્વારિકા, ડાકોર, નાથદ્વારા, જગન્નાથપુરી સહિત ભારતની શ્રીનાથજીની હવેલીઓમાં માખણ-મિસરી સાથે બાળકનૈયાનો જન્મોત્સવ ઉજવાતો હોય છે ત્યાં કેટલાક એવી માન્યતા ધરાવનારા છે કે "આઠમના દિવસે હું પત્તાં નહીં રમું તો ભગવાન મારી સામે નહિં જુએ..!” એવા રક્ષણાત્મક વિચારોથી પ્રેરાઇને રમવા બેસી જતા હોય છે. જન્માષ્ટમીએ આપણે સૌ ઉપવાસ કરીએ એટલે સવારથી જ ફરાળી પકવાનો બનાવવામાં વ્યસ્ત હોઇએ પણ ગુજરાતમાં આપણા સુધરેલા સમાજના કેટલાક સજ્જનો-સન્નારીઓ(!?) સવારથી જ જુગાર ખેલવા 'ટેબલ' પર બેસી જાય છે. અમદાવાદ સ્થિત અમારા એક મિત્રનું કહેવું છે કે, “જન્માષ્ટમીએ તો ગોવા અને નેપાળમાં જુગાર રમવા જવાની પડાપડી થઇ જાય. ગોવામાં ખાસ ક્રૂઝમાં કસીનો ગોઠવાય અને નેપાળમાં પણ મોટા કસીનો હોય એમાં જવા પ્લેનની ટિકિટો અગાઉથી જ બુક થઇ જાય. ઘરે બેસીને કેટલાક રમે એમાં મોટી ઉંમરનાની એક ટુકડી રમતી હોય તો બીજી બાજુ લેડીઝની ટુકડી રમતી હોય. એમના પરિવારના જુવાનિયા હોય એમની પાછી અલગ બેઠક ગોઠવાય…!”
શ્રાવણમાં જન્માષ્ટમીએ ખાસ જુગાર-પત્તા કેમ રમાય છે? એની પાછળનું ગણિત કે કારણ અમને સમજાતું નથી..! તમારું કલ્યાણ કરનાર ઇશ્વરનો જન્મોત્સવ ઉજવાતો હોય ત્યારે તમે જુગાર ખેલો એ કેવું પાપ?! રાજા યુધિષ્ઠિર ધર્મમા પ્રેમી હતા. પાંચ પાંડવોએ કૌરવો સામે જુગાર રમીને દ્રૌપદીને હોડમાં મૂકી દીધી હતી ત્યારે નિ:સહાય દ્રૌપદીની લાજ બચાવવા, રક્ષા કરવા ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હતા. એ વખતે શ્રીકૃષ્ણએ પાંડવોને શાબાશી નહોતી આપી પણ ક્રોધિત થઇ પાંડવો સહિત ભીષ્મપિતાને પણ આ પાપના દોષિત ગણ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ જુગારની બદીની વિરૂધ્ધ હતા તો જન્માષ્ટમીએ આ જુગારના જુગાડની પરંપરા કોણે ચાલુ કરી… ! ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે, વ્યક્તિ જે કાર્ય કરે છે તે પ્રમાણે તે ફળ પ્રાપ્ત થાય છે. તેથી, માત્ર સારા કાર્યોને જ મહત્વ આપવું જોઈએ. જો તમે સારું કામ કરી રહ્યા છો તો તમને ચોક્કસ પરિણામ સારા મળશે. કળીયુગમાં કાનુડો આ પૃથ્વી લોક ઉપર જન્મ લેવાનું વિચારે તો કેવી વિટંબણા વેઠવી પડશે એનો ભાવ રજૂ કરતી કવિતા વિભૂતિ પાઠક લેખિત કવિતા અત્રે પ્રસ્તુત છે.
કાના તું આવીશ..!
કાના તું ફરીથી આ દુનિયામાં આવીશ?
શું તું ભેળસેળિયા માખણ ને ચાપલૂસી પચાવી શકીશ?
કન્હૈયા તું અહીં રહી શકીશ?
હવે ના રહી કદંબની ડાળ, ના તો રહ્યા સાવનના ઝુલા.
વધતી આબાદીમાં, ધરા ચીર હીન થઈ,
કન્હૈયા હવે તું ધેનુ ક્યાં ચરાવીશ?
શાંતિ છીનવાઈ ગઈ, જીંદગી એક દોડ બની,સુખની શોધમાં,
માનવતા ભાંગી પડી, નીર, નીંદ અને સપના આંખોથી દૂર થયા,
કાના શું તું હજુ પણ, શાંતિની વાંસળી વગાડતો રહીશ?
યમુનાના નીરના અસ્તિત્વ ઘટી ગયાં,
કિનારાઓ સુલભ શૌચાલય થઈ ગયાં.
કાલિયા નાગે પણ અહીં આવવાની ના પાડી દીધી.
કાના શું તું હજી પણ ત્યાં રાસ રચાવી શકીશ?
દ્રૌપદી તો બચી ગઈ, પણ ‘નિર્ભયા' ખોવાઈ ગઈ,
‘કામ લોલુપતા'થી બચવા, પદ્મિની પણ 'જૌહર' કરી ગઈ,
કાના શું તું હવે તારું ચક્ર નહીં ચલાવે?
દેવકી કારાગારથી નીકળી, વૃદ્ધાશ્રમમાં પહોંચી ગઈ,
મમતામાં ફસાયેલી માઁને, ગાંધારી બનવાની ફરજ પડી ગઈ,
સુદામાની ઝૂંપડી જો આબાદ ન થઈ તો,
મિત્રતા એક ઉદાહરણ બનશે નહીં,
પાર્થ પણ મૂક-બધિર થઈ જાશે,
તો તું ગીતોપદેશ કોને સંભળાવીશ?
તારું અસ્તિત્વ જો મટી જશે કાના,
તો નારાયણ ક્યાંથી તું રહીશ?
નારાયણ ક્યાંથી તું રહીશ?