નવા વર્ષના રિઝોલ્યુશન્સ અને ફેઇલ્ડ સુપર પ્લાન્સ! કારણ કે ‘ઉતાવળે આંબા ન પાકે’

વ્હોટ્સએપના ચોતરેથી...

- RJ વિશાલ Wednesday 14th January 2026 06:54 EST
 
 

નમસ્કાર મિત્રો! ડિસેમ્બરની 31મીની રાત આવે એટલે આખું જગત જાણે અચાનક મહાન બનવાની કોશિશ કરતું હોય એવું લાગે. હવામાં એક અલગ જ નશો હોય છે, ‘એનો’ નહીં, પણ નવા વર્ષમાં તો હું બદલાઈ જઈશ.. એવા ભ્રમનો! આપણે ગુજરાતીઓ આમ તો ગણતરીબાજ પ્રજા, પણ સંકલ્પો લેવામાં આપણે ગણિત બાજુ પર મૂકીને લાગણીમાં વહી જઈએ છીએ. કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય, પણ નવા વર્ષના સંકલ્પો બાબતે આપણું મન માળવે જતાં પહેલાં જ પાડોશની પાણીપુરીની લારીએ અટકી જાય છે!

ચાલો, આજે જોઈએ કે કેવી રીતે આપણા ભવ્ય સંકલ્પો જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ ‘ડૂબ્યા વહાણ ગંગાજીમાં’ જેવી હાલતમાં મુકાય છે.
જિમ અને દોડવાના શોખ: શરૂઆતમાં શૂરા
પહેલો અને સૌથી લોકપ્રિય સંકલ્પ: ‘આ વખતે તો સલમાન ખાન જેવી બોડી બનાવી જ દેવી છે’. જાન્યુઆરીની પહેલી તારીખે ભાઈ ટ્રેકસૂટ પહેરીને એવી રીતે નીકળે કે જાણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લેવા જતા હોય. 10 કિલોમીટર દોડવાનો ટાર્ગેટ રાખે, પણ સત્ય તો એ છે કે જે માણસ વર્ષોથી સોફા પર બેસીને રિમોટ દબાવતો હોય કે ડમસ્ક્રોલનો બેતાજ બાદશાહ હોય, એને ત્રીજા દિવસે હાથ-પગ ભાંગવા જેવો અનુભવ થાય. જિમની ફી ભરાઈ ગઈ હોય પણ ચોથા દિવસે ભાઈ જિમના રસ્તે જવાને બદલે ગરમાગરમ ગાંઠિયાની લારીએ દેખાય, કારણ કે શરીર દુખે છે એટલે થોડું તેલવાળું ખાવું પડે!

ડાયટિંગ અને જન્ક ફૂડઃ જીભના ચટકા અને પેટના લટકા
બીજો મોટો શત્રુ છે ડાયટિંગ. સંકલ્પ લેવાય કે ‘આ વર્ષે જન્ક ફૂડ બંધ, ઓન્લી સલાડ!’ પણ જેવી ઓફિસમાં કોઈ મિત્રની બર્થડે હોય અને પિઝાનો ડબ્બો ખુલે, એટલે આપણો સંયમ કાચના વાસણની જેમ તૂટી પડે. ‘એક સ્લાઈસમાં શું થવાનું?’ એમ કહીને શરૂ થયેલું ચીટિંગ આખા ડબ્બા સુધી પહોંચે છે. પેલું કહેવાય છે ને કે ખાલી ચણો વાગે ઘણો, એમ આપણા ડાયટિંગના ડાકલા વાગે ઘણા, પણ પેટમાં તો છેવટે વડાપાઉં જ જાય! ખાંડ છોડવાનો અને શુગર-ફ્રી થવાનો સંકલ્પ તો ગરમાગરમ જલેબી જોતાં જ ઓગળી જાય છે.

ડિજિટલ ડિટોક્સઃ મોબાઈલની મોહમાયા
‘આ વર્ષે સોશિયલ મીડિયા બંધ!’ આ સંકલ્પ લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકીને લેતા હોય છે! પણ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ ‘કોણે કેટલી લાઈક કરી’ એ જોવા માટે અંગૂઠો આપોઆપ એપ ખોલી નાખે છે. મેડિટેશન કરવા બેસે ત્યારે મનમાં શાંતિને બદલે ‘રીલ્સ’નું મ્યુઝિક વાગતું હોય. સવારે ઉઠીને પ્રભુનું નામ લેવાને બદલે આપણે વોટ્સએપના મેસેજ તપાસીએ છીએ. અહીં તો કુવામાં હોય તો હવાડામાં આવે... મગજમાં જ ઇન્સ્ટાગ્રામ ઘૂસી ગયું હોય તો મેડિટેશનમાં શાંતિ ક્યાંથી મળે?

શોપિંગ અને બચતઃ ખિસ્સું ખાલી અને મન ભારી
‘આ વર્ષે ફાલતુ ખર્ચ બંધ અને ઓનલાઈન શોપિંગ પર પ્રતિબંધ!’ આવો સંકલ્પ લીધાના બીજા જ દિવસે એમેઝોન કે ફિફ્લપકાર્ટ પર ‘મહા સેલ’ની નોટિફિકેશન આવે એટલે આપણી આંગળીઓ સળવળવા માંડે. ‘આ કુર્તો તો સેલમાં સસ્તો છે, પછી નહીં મળે’ એમ કહીને ઓર્ડર અપાઈ જાય. રોકાણ કરવાની મોટી વાતો કરનારા રાતોરાત ક્રિપ્ટો કે શેરબજારમાં કૂદી પડે અને પછી ઘરના ગયા ને ઘાટના પણ ગયા જેવી સ્થિતિમાં મુકાય છે. બધા દેવા એકસાથે ચૂકવવાનો વિચાર આર્થિક આયોજનના અભાવે હવામાં કિલ્લા જેવો સાબિત થાય છે.

વર્ક-લાઈફ બેલેન્સ અને નવી સ્કિલ્સ: ગધ્ધા મજૂરી કે સ્માર્ટ વર્ક?
ઓફિસના કામમાં એવા ડૂબેલા રહીએ કે વર્ક-લાઈફ બેલેન્સનો સંકલ્પ માત્ર ડાયરીના પહેલા પાને જ શોભે છે. ઈમેલ અને મેસેજનો તુરંત જવાબ આપવાનો ઉત્સાહ માનસિક થાક વધારે છે. કોઈને ગિટાર શીખવું હોય, કોઈને નવી ભાષા, પણ 15 દિવસમાં પરિણામ ન મળે એટલે ગઈ ભેંસ પાણીમાં. આપણે ત્યાં કહેવત છે ને કે ધીરજના ફળ મીઠાં, પણ આપણને તો બધું ઇન્સ્ટન્ટ નૂડલ્સની જેમ ફટાફટ જોઈએ છે.

જર્નલિંગ: ડાયરી લેખન અને વાંચન: પસ્તીમાં જતો સંકલ્પ
વર્ષના 50 પુસ્તકો વાંચવાનો સંકલ્પ લેનારા ત્રીજા પાને જ ઘસઘસાટ ઊંઘી જાય છે. નવી કોરીકટ ડાયરી લાવ્યા હોય કે ‘રોજ ડાયરી લખીશ’. પણ જાન્યુઆરીની 10 તારીખ પછી એ ડાયરીનો ઉપયોગ કરિયાણાની યાદી લખવા માટે થવા લાગે છે!

એટીટ્યૂડ ચેન્જઃ કુતરાની પૂંછડી વાંકી તે વાંકી
‘આ વર્ષે ગુસ્સો નહીં કરું’ એવો સંકલ્પ લેનાર વ્યક્તિને જો ટ્રાફિકમાં કોઈ કટ મારે અથવા પત્ની શાકમાં મીઠું નાખવાનું ભૂલી જાય, એટલે એનો પિત્તો એવો જાય કે આખું ઘર માથે લે! સ્વભાવ બદલવો એ લોઢાના ચણા ચાવવા જેવું છે, જે તારીખ બદલાવાથી નથી બદલાતો.

સારાંશ: સંકલ્પ લેવો કે નહીં?
તો શું સંકલ્પો ન લેવા? ચોક્કસ લેવા, પણ પગ જોઈને પછેડી તાણવી. અવાસ્તવિક ટાર્ગેટ રાખવાને બદલે નાના નાના ફેરફાર કરવા જોઈએ 10 કિલોમીટર દોડવાને બદલે 15 મિનિટ ચાલવાથી શરૂઆત કરો. આખું પુસ્તક વાંચવાને બદલે એક પાનું વાંચો.

યાદ રાખો, જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં સંકલ્પ તૂટે તો ગભરાશો નહીં, કારણ કે ભૂલ્યા ત્યાંથી ફરી ગણી શકાય. આખરે તો આપણે માણસ છીએ, અને ભૂલો કરવી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે! તો ચાલો, આ વર્ષે એવો સંકલ્પ લઈએ કે ‘ભલે સંકલ્પો તૂટે, પણ મોઢા પરનું સ્મિત અને જીવવાની મજા ક્યારેય ન ખૂટે!’
હેપ્પી ન્યૂ યર!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter