બુરા ન માનો હોલી હૈ... પર યે બહાનેબાજોકી ટોલી હૈ!

વિશાલ વિમર્શ

- RJ વિશાલ ધ ખુશહાલ Wednesday 25th February 2026 04:48 EST
 
 

ફાગણની ફૂલગુલાબી ઠંડી વિદાય લેતી હોય અને કેસૂડાની કળીઓ ખીલતી હોય, ત્યારે આપણા ગુજરાતી ભાઈ-બહેનોના મગજમાં બહાનાની એવી નવી નવી વેરાઈટી ખીલે છે કે સાક્ષાત્ બ્રહ્માજી પણ ચકરાવે ચડી જાય. ‘રંગે તે રાજા અને ન રંગાય તે તોતિંગ બહાનાબાજ!’ કહેવાય છે ને કે ખાડો ખોદે તે પડે, પણ હોળીના દિવસે તો ‘રંગમાં ભંગ પાડવા’વાળા એવા એવા ખાડા ખોદીને બેઠા હોય છે કે રંગનારા પોતે જ મૂંઝવણમાં મુકાઈ જાય!
ગામ આખું ‘હોલી હૈ...’ના નારા લગાવતું હોય ત્યારે અમુક ઘરના મુખ્ય દરવાજે એવા ટાંકેલા તાળાં જોવા મળે જાણે અંદર મસમોટો ખજાનો સંતાડયો હોય! પણ હકીકતમાં તો અંદર ગલુડિયા જેવા થઈને સંતાઈ ગયેલા આપણા પેલા ‘બહાનાબાજ’ મિત્રો હોય છે. ચાલો આજે આ નમૂનાઓનો પર્દાફાશ કરીએ.
‘ગામમાં કોઈ ગયું છે’ – ઈમોશનલ બ્લેકમેઈલનું બ્રહ્માસ્ત્રા આ બહાનું એટલે બહાનાશાસ્ત્રનો પરમાણુ બોમ્બ. કોઈ ટોળી રંગવા આવે એટલે ઘરનો વડીલ જેવો દેખાતો નમૂનો બહાર આવશે અને વિલે મોઢે કહેશે, ‘અરે ભાઈ, અમારે ત્યાં તો કુટુંબમાં પેલા નજીકના કાકાના સાળાના માસીના ફલાણાં સગાનાં ઢીંકણા કોઈક ઉપર પહોંચી ગયા છે, એટલે આ વખતે હોળી નહીં રમાય.’ પેલા રંગનારા બિચારા શરમાઈને પાછા વળી જાય, પણ અસલિયતમાં તો ‘ઉપર પહોંચેલા’ કાકા હજી સવારે જ ન્યુઝપેપરમાં ક્રોસવર્ડ પઝલ ઉકેલતા બેઠા હોય. ભલા માણસ, હોળીના દિવસે જીવતા જાગતા માણસને ઉપર મોકલતા જીભ કેમ ઉપડે?!

‘સ્કીન એલર્જી!’ બીજો નમૂનો આવશે, જે એની સ્કીન વિશે એટલો સભાન હશે જાણે મિસ વર્લ્ડની સ્પર્ધામાં જવાનો હોય! ‘ભાઈ, મને સ્કીન એલર્જી છે, ગયા વર્ષે તો આખા શરીરે ચકામા થઈ ગયા હતા!’ અલ્યા ભાઈ, આખું વર્ષ તું પેલા કપડાં ધોવાના પથ્થર જેવા સાબુથી નહાય છે, તારી સ્કીન કરતાં સાબુ વધારે ઘસાઈ જાય છે, ત્યારે તારી ચામડી તો સાત માળના ફ્લેટ જેવી મજબૂત રહે છે, અને આજે હોળીમાં તારામાં અચાનક ‘રૂપસુંદરી’ ક્યાંથી પ્રગટી ગઈ?

ત્યારબાદ આવે છે શરદી, તાવ અને નાહવાના ફોબિયાવાળા. જાણે ‘વિલા મોઢાનું વરદાન’ લઈને આવેલા નમૂનાઓ! આ બીમાર બુદ્ધિ ધરાવતા લોકોના મોઢા પર એવો ગંભીર ભાવ હશે કે તમને થાય કે હમણાં જ એમ્બ્યુલન્સ બોલાવવી પડશે. ‘મને શરદી-તાવ જેવું છે, પ્લીઝ પાણી તો નહીં જ!’ આ લોકો એટલું વિલું મોઢું કરીને વાત કરશે કે તમને દયા આવી જાય પણ યાદ રાખજો, દયાને ડાકણ ખાય! જેવો તમે એનો ઉંબરો ઓળંગ્યો નથી કે એ અંદર જઈને ગરમાગરમ ગોટા અને જલેબી ઝાપટતો હશે. એનો અસલી ડર રંગ નથી, પણ એ રંગ છોડાવવા માટે જે ‘ત્રણ કલાક’ નાહવું પડશે ને એનો આળસનો કૂવો છે!
એક જોરદાર કમ્યુનિટી છે ‘તાળું મારીને પાછલા બારણેથી એન્ટ્રી’ કરવા વાળી! હા..! અમુક તો વળી જાસૂસી નવલકથાના પાત્રો જેવા હોય છે. મેઈન ગેટને મસમોટું તાળું મારી દે, બધી બારીઓ બંધ કરીને લાઈટો ઓફ કરી દે, જાણે અંદર ભૂત બંગલો હોય! પોતે પાછલા બારણેથી છાનામાના ઘરમાં ઘૂસી જાય પરંતુ આપણી જનતા પણ કાંઈ ઓછી નથી. રંગનારાઓ જ્યારે જુએ કે ‘આણે તો શોભનાં ગાંઠિયાનું તાળુ માર્યું છે’, ત્યારે ગુસ્સામાં આખો ઓટલો પાકા કલરથી એવો ભરી જાય કે પેલા ભાઈ જ્યારે ‘આઝાદ’ થઈને બહાર આવે ત્યારે આખું ફળિયું ઈન્દ્રધનુષ જેવું દેખાતું હોય! ‘ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો’ જેવી આ હાલત છે.
બહાનાની બીજી થોડી ‘સ્પેશિયલ વાનગીઓ’:
શેમ્પૂ બહાનું: ‘આજે જ માથું ધોયું છે!’ આ ખાસ કરીને સ્ત્રીઓનું પેટન્ટ બહાનું છે. વાળ બગડી જશે તો જાણે આભ તૂટી પડશે! અરે બહેન, વાળ વંકાય નહીં એ કહેવત અહીં લાગુ નથી પડતી, હોળીમાં તો વાળ જંગલી જેવા થાય તો જ મજા પડે.
મીટિંગનું નાટક: ‘કાલે ઓફિસમાં ઈમ્પોર્ટન્ટ પ્રેઝન્ટેશન છે, બોસ સામે કેવો લાગીશ?’ અલ્યા... તારો બોસ પણ કાલે લાલ મોઢે જ ઓફિસ આવશે, કારણ કે એને પણ એના પાડોશીઓએ છોડ્યો નહીં હોય!
મોબાઈલ અને ફોટોગ્રાફી: ‘ભાઈ, નવો ફોન છે. વોટરપ્રૂફ નથી!’ એક હાથમાં ફોન ઊંચો રાખીને દૂર ભાગશે. ફોન સાચવવાની લ્હાયમાં માણસ પોતાનો આનંદ ખોઈ બેસે છે.
અંતે તો એટલું જ કે હોળી તો મસ્તીનો તહેવાર છે. ‘ચડે તો ચાસણી ને નહીંતર ફાગણની મસ્તી!’ આ બધા બહાનાબાજોને પકડી પકડીને, એમના કાનમાં ‘બુરા ન માનો હોલી હૈ...’ કહીને, એક વાર તો ‘ગુલાબી’ કરી જ દેવા જોઈએ (એટલે, પાછાં જેન્યુઇન કારણવાળાને બાકાત રાખી ને હં!) કારણ કે, જે માણસ રંગાય નહીં એને ગુજરાતી કેમ કહેવાય? આ વખતે જો કોઈ ‘સ્કીન એલર્જી’ કે ‘મીટિંગ’નું બહાનું કાઢે તો સમજવું કે ગધેડા ને તાવ આવે એવી વાત કરી રહ્યો છે !
માટે, તૈયાર રહેજો, બહાનાબાજોની આ ટોળી ગમે ત્યાંથી પ્રગટશે, પણ આપણે તો આપણી પિચકારી તૈયાર જ રાખવાની અને હા, ઇન્સ્ટાગ્રામ પર તમારા હોળીના ફોટામાં મને ટેગ જરૂર કરજો.
@rjvishal
વિશ યુ વેરી હેપ્પી હોલી... એ પણ બહાના વગરની!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter