રાઉટરને ચઢી ઠંડી ને ઘર માં બફરિંગ નો બફાટ થઈ ગયો!!

વિશાલ વિમર્શ

- RJ વિશાલ ધ ખુશહાલ Wednesday 28th January 2026 05:24 EST
 
 

ખરેખર આ ઈન્ટરનેટ આમ તો કામનું પણ ક્યારેક લાગે કે દાટ વાળી નાખ્યો છે, કોઇ એના વગર શ્વાસ લેવાય તૈયાર નથી. ફોન મારો ભગવાન ને હું રિલ્સનો ગુલામ! પહેલા લોકો છાપા વગર લોટો લઈને નહોતા જતા હવે બધાને ફોન વગર ના ચાલે. આજકાલ યંગસ્ટર્સમાં સનસ્ક્રીન અને ફોનસ્ક્રીન બંનેનો ક્રેઝ વધતો જાય છે. પહેલી કાળા ના થવા દે અને બીજી આંખો નીચે કાળા કુંડાળા કરે!

ગયા રવિવારે અમારા ઘરે આવો જ એક ‘ડિજિટલ દુકાળ’ પડ્યો. સવારના દસ વાગ્યા હતા, ચા-નાસ્તો પતી ગયો હતો અને અચાનક રાઉટરની પેલી લીલી લાઈટ લાલ થઈ ગઈ. બસ, પછી તો ઘરમાં જે તાંડવ શરૂ થયું, એ જોઈને લાગે કે ધરતીકંપ તો ઠીક, આ તો ‘ઇન્ટરનેટકંપ’ હતો!

સૌથી પહેલા મેદાનમાં આવ્યા અમારા બા (દાદી). બાના હાથમાં અત્યારે માળા કરતાં સ્માર્ટફોન વધુ શોભે છે. જેવી યુટ્યૂબની પેલી ચકલી ફરતી બંધ થઈ કે બા ઉછળ્યા, ‘અરે ઓ ભોળાના ભાઈ! આ જો તો ખરો, આમાં ઓલા છોકરાના લગ્નની શોર્ટ્સ જોતી’તી ને આ ચકરડું કેમ ફર્યા કરે છે? (બફરિંગને એ ફરતું ચકરડું કહે છે) આ બળ્યું ઈન્ટરનેટ વળી પાછું ક્યાં ખોવાયું?’ મેં કહ્યું, ‘બા, નેટવર્ક ગયું છે.’ તો બા વરસી પડ્યા, ‘તે રીચાર્જ કેમ ભૂલી ગયા? આવડો મોટો ફોન લાવી દીધો છે, ઈન્ટરનેટ વગર નાખ એને ચૂલામાં! ભગવાનના ભજન સાંભળવા’તા ત્યાં તો આ તારું ડબલું મૂંગું થઈ ગયું!’ બા માટે તો હવે ઈન્ટરનેટ એ જ ગંગાજળ છે, જે ખૂટે એટલે ઘરમાં અશાંતિ ફેલાય!

ત્યાં બીજી બાજુથી નાની બહેનનો ચીસ જેવો અવાજ આવ્યો. જાણે એનું અડધું રાજ્ય લૂંટાઈ ગયું હોય! ‘મમ્મી... પપ્પા... કોઈ તો હોટસ્પોટ આપો!’ એ બિચારી સવારના આઠ વાગ્યાની પંદર ટેક લઈને એક ટ્રેન્ડિંગ રીલ બનાવી રહી હતી. લિપ-સિંક બરાબર આવ્યું, મેકઅપ પર્ફેક્ટ હતો, એક્સપ્રેશન તો જાણે ઓસ્કાર જીતી લે તેવા હતા, અને જેવું અપલોડ બટન દબાવ્યું ત્યાં વાઈ-ફાઈ ડાઉન! એ તો રડમસ અવાજે કહેતી હતી, ‘તમને ખબર છે કેટલી મહેનત પડી છે? મારે અત્યારે ને અત્યારે આ રીલ અપલોડ કરવી છે, નહીંતર મારો ઓડિયન્સ રિટેન્શન ઘટી જશે! કોઈમાં માનવતા જેવું છે કે નહીં? જલ્દી હોટસ્પોટ ચાલુ કરો!’ એના માટે તો ઈન્ટરનેટ જિંદગીની રગ છે, જે કપાય એટલે એની દુનિયા થંભી જાય.
હજી બહેનને શાંત કરીએ ત્યાં નાનો ભાઈ રૂમમાંથી બહાર આવ્યો, ચહેરો એવો કે જાણે યુદ્ધ હારીને આવ્યો હોય. એને સ્કૂલનો પ્રોજેક્ટ સોમવારે જમા કરાવવાનો હતો. એ ભાઈ ChatGPTને લેસન કરવી રહ્યો હતો! એનાં પર પ્રોજેક્ટનું પ્રેશર આવ્યું ને એ chatgpt ને પ્રેશર આપી રહ્યો હતો કે આખું વિજ્ઞાન એ મશીન પાસે લખાવી લેશે. પણ જેવો ઈન્ટરનેટનો નળ બંધ થયો, એનું બુદ્ધિપ્રદર્શન પણ ઠપ્પ થઈ ગયું! ‘ભાઈ, હવે હું ટીચરને શું બતાવીશ? મેં તો પ્રોજેક્ટનું હેડિંગ પણ હજી નથી લખ્યું. આ ચેટ-જીપીટી તો લોડ જ નથી થતું!’ મેં કીધું, ‘બકા, થોડું મગજ વાપર અને ચોપડી ખોલ.’ તો સામો જવાબ મળ્યો, ‘ચોપડીમાં સર્ચ બાર ક્યાં હોય એ તો બતાવો!’ ખરેખર, આ પેઢી માટે પુસ્તક એ હવે મ્યુઝિયમની વસ્તુ બની ગઈ છે.

પરંતુ અસલી ચિંતા તો પપ્પાના ચહેરા પર હતી. પપ્પા સોફા પર બેઠા-બેઠા વારંવાર વોટ્સએપ રિફ્રેશ કરતા હતા. સવારથી એક પણ મેસેજ નહોતો આવ્યો એટલે એમને ભયંકર ‘એન્ક્સાઇટી’ થઈ ગઈ હતી. પપ્પા બોલ્યા, ‘આ પટેલનો રોજ સવારે ‘સુપ્રભાત’નો મેસેજ આવી જાય, આજે કેમ નથી આવ્યો? કાલે મેં એને ગલ્લે ચા નહોતી પીવડાવી એમાં તો એ ગુસ્સે થઈને મેસેજ નથી મોકલતો ને?’ મેં સમજાવ્યું, ‘પપ્પા, એનું નેટ પણ બંધ હશે.’ તો કહે, ‘ના હોય, આ તો કાવતરું લાગે છે. મારે ન્યૂઝ જોવા છે, દેશમાં શું ચાલે છે એ આ વોટ્સએપ વગર ખબર કેમ પડે?’ પપ્પા માટે વોટ્સએપ યુનિવર્સિટી બંધ થાય એટલે જાણે જ્ઞાનના દરવાજાને તાળાં લાગી ગયા!
આ બબાલમાં મમ્મી બિચારી રસોડામાં કન્ફ્યુઝ હતી. એણે નવી વાનગી ટ્રાય કરવા માટે યુટ્યૂબ ખોલ્યું હતું. અડધી રેસીપી જોઈ ત્યાં નેટ ગયું. હવે કડાઈમાં તેલ ગરમ થઈ ગયું હતું, પણ આગળ રાઈ નાખવી કે જીરું, એ યુટ્યૂબ મેડમ કહેતા નહોતા! મમ્મી કહેતી હતી, ‘આ બધું બંધ કરો ને જૂની રીતે જીવતા શીખો, પેલાના જમાનામાં ક્યાં નેટ હતું? તોય અમે રસોઈ કરતા જ ને!’ પણ પાંચ મિનિટ પછી મમ્મીએ જ પૂછ્યું, ‘એલા, ઓલી પનીરની સબ્ઝીમાં કયો મસાલો નાખવાનો હતો એ જરા ગૂગલ કરીને કહે ને!’

છેવટે, આખા ઘરમાં એક શાંતિ છવાઈ ગઈ. બધા એકબીજાના મોઢાં જોતાં બેઠાં હતા. જાણે કોઈ અજાણ્યા લોકો એક જ હોલમાં ભેગા થયા હોય! એવામાં દાદાએ ધીમેથી કીધું, ‘બેટા, જૂની કહેવત છે ને કે સબસે બડી ચૂપ... આજે આ નેટ ગયું છે તો ઘરના સભ્યો એકબીજા સાથે બે શબ્દો બોલશે!’ ત્યાં જ અચાનક રાઉટરની લાઈટ ફરીથી ‘લીલી’ થઈ. વાહ જાણે ચમત્કાર થયો!
પછી શું? દાદાની વાત અધૂરી રહી ગઈ. બાએ શોર્ટ્સ શરૂ કરી, બહેને રીલ અપલોડ કરી, ભાઈ ફરી ચેટ-જીપીટીના શરણે ગયો અને પપ્પાને પટેલનો ‘ગુડ મોર્નિંગ’વાળો ગુલાબના ફૂલનો ફોટો મળી ગયો! ઘરમાં ફરી પાછી સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ, કારણ કે હવે બધા પોતપોતાની સ્ક્રીનમાં વ્યસ્ત હતા.
ખરેખર, આપણે મશીનોના કેટલા ગુલામ બની ગયા છીએ. ઈન્ટરનેટ એ આજના જમાનાનું ‘અમૃત’ છે, કહેવાય છે ને કે અતિ સર્વત્ર વર્જયેત્, કોઇની અતિ સારી નહીં. થોડાકમાં ઘણું સમજી ગયા તો તરી ગયા. આ સ્કૂલ ને ઓફિસમાં અઠવાડીએ એક રજા હોય છે એમ આ ઈન્ટરનેટ વાળા જેટલા ડબ્બાઓ છે એને પણ થોડી રજા આપી તમે રિયલ જીવન સાથે મજા કરી લો!!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter