લંડનની વસંતમાં અમદાવાદી ગરમીથી શેકાયેલો ગરમાગરમ લેખ

~ વિશાલ ધ ખુશહાલ Wednesday 01st April 2026 06:31 EDT
 
 

અત્યારે લંડનમાં સ્પ્રિંગ સીઝનની મહેક હવાઓમાં ફીલ થાય છે અને અમદાવાદમાં સ્પ્રિંગની અસર તો ખરી, પણ કેવી?! સ્કૂટર પર બેસે તે સ્પ્રિંગની જેમ ઉછળે! ચાલો તો આ મનમોહક વસંતમાં થોડી દેશી ગરમીની વાત કરીએ, અમદાવાદની ફેમસ ગરમીની વાત કરીએ! જે ઓલરેડી ચોથા ગિયરમાં આવી ચૂકી છે. કહે છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય, પણ અમદાવાદમાં બપોરે જે ફરે એ બદ્ધાય પરસેવે ન્હાય! ચાલો તો આ લેખ દ્વારા હું તમને સીધો ટેલિપોર્ટ કરી રહ્યો છું અમદાવાદમાં... ચાલો મારી સાથે...

અત્યારે એપ્રિલની શરૂઆતમાં જ જે રીતે સૂરજદાદા પ્રગટ્યા છે એ જોતાં તો લાગે છે કે નોર્થ પોલમાં ના-ઊગવાનું ઓવરટાઈમ તેઓ અમદાવાદમાં જ પૂરું કરતા હોય! સામાન્ય રીતે હોળી પછી ગરમી ચાલુ થાય, પણ આ વખતે તો સૂરજદાદા એવા ફોર્મમાં છે જાણે મે મહિનાનો ટાર્ગેટ એપ્રિલની 10 તારીખ સુધીમાં જ પૂરો કરી લેવાની કોઈ મલ્ટીનેશનલ કંપનીની ડેડલાઈન મળી હોય. સવારના નવ વાગ્યા નથી કે જાણે કોઈએ આખા શહેર નીચે સ્ટવ ચાલુ કરી દીધો હોય એવું લાગે. સવારે દૂધ લેવા નીકળો તો પણ એવું લાગે કે આપણે સીધા તવા પર બેસીને મુસાફરી કરી રહ્યા છીએ.
અમદાવાદમાં દરેક ઘરમાં એક એક્ટિવા તો હોય જ, પણ અત્યારે એ એક્ટિવા નથી રહ્યું, ‘હાલતું-ચાલતું ઉકળતું તપેલું’ બની ગયું છે. બપોરે જો ભૂલેચૂકે તમે તમારું વાહન છાયા વગર પાર્ક કરી દીધું, તો સમજજો કે ગરમાગરમ ‘અગ્નિપરીક્ષા’ પાક્કી. સીટ પર બેસતી વખતે જે ‘ઓ બાપ રે..!’નો પોકાર નીકળે અને જે રીતનો ઉછાળો લાગે, એ જોઈને તો ઓલિમ્પિકના એથ્લીટ્સ પણ વિચારમાં પડી જાય કે આ તે વળી કઈ નવી રમત છે! કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠાં હોય, પણ અમદાવાદની સીટ પર અત્યારે ધીરજ રાખવા જાઓ તો તળિયાં શેકાઈ જાય. એટલે જ અત્યારે અમદાવાદીઓ ગાડીની સીટ પર રૂમાલ પાથરવામાં એટલી જ ચોકસાઈ રાખે છે જેટલી સોની દાગીના ઘડવામાં રાખે!

રસ્તા પર નીકળો તો અત્યારે અમદાવાદમાં એક નવી જ પ્રજાતિ જોવા મળે છે. સ્ત્રીઓ હોય કે પુરુષો, આખું મોઢું રૂમાલ કે સ્કાર્ફથી બાંધેલું, આંખે મોટા ચશ્મા અને હાથમાં છેક કોણી સુધીના મોજા. આ દ્રશ્ય જોઈને એવું લાગે કે જાણે એલન મસ્કનું માર્સ મિશન અમદાવાદના આરટીઓ સર્કલથી શરૂ થવાનું હોય! કોઈ ઓળખીતું સામે મળે તો પણ ખબર ન પડે કે આ મારો પાડોશી છે કે બીજું કોઈ. અત્યારે સનસ્ક્રીન લગાવવું એ પણ એક મોટું સાહસ છે. ઘરેથી ક્રીમ લગાવીને નીકળો અને ઓફિસ પહોંચો ત્યાં સુધીમાં તો પરસેવો અને ક્રીમ એવું મિક્સ થઈ ગયું હોય કે તમે માણસ ઓછાં અને હમણાં જ તળાઈને બહાર આવેલા ભજિયાં વધારે લાગો! અરીસો પણ જોઈને પૂછે, ‘કેમ ભાઈ, તેલના ડબ્બામાં ડૂબકી મારી આવ્યા કે શું?’
વાત કરું ટ્રાફિક સિગ્નલ અને ‘છાંયા-ભક્તિ’ની! અમદાવાદીઓ શિસ્ત પાળે કે ન પાળે, પણ ‘છાંયો’ ચોક્કસ પાળે છે. લાલ લાઈટ થાય ત્યારે જે દ્રશ્ય સર્જાય છે એ જોવા જેવું હોય છે. સ્ટોપલાઈન તો બિચારી રસ્તે રઝળતી હોય, પણ એનાથી 50 ફૂટ પાછળ જ્યાં કોઈ લીમડો કે વડનો છાંયો પડતો હોય, ત્યાં બધા જ ટ્રાફિકના નિયમો ભૂલીને ‘પાર્કિંગ’ કરી લે છે. ભલે ટ્રાફિક જામ થાય, પણ એસી વગરના અમદાવાદીને તો છાંયો જ સ્વર્ગ લાગે છે. ગૂગલ મેપ્સને પણ હવે વિનંતી કરવી જોઈએ કે ભાઈ, ‘ટૂંકો રસ્તો’ રહેવા દે, તું ‘વધારે ઝાડ અને છાંયો હોય એવો રસ્તો’ બતાવ, અમે બે કિલોમીટર વધારે ચાલવા તૈયાર છીએ!
નદીમાં ભલે સાબરમતીનું પાણી ઓછું હોય, પણ અમદાવાદના રસ્તાઓ પર અત્યારે શેરડીના રસ, શિકંજી અને વરિયાળીના શરબતનું પૂર આવ્યું છે. ‘જળ એ જ જીવન છે’ એ વાત અત્યારે અમદાવાદીઓને બરાબર સમજાઈ ગઈ છે. ફ્રિજની બોટલો ભરવી એ અત્યારે ઘરનો સૌથી મોટો ‘પ્રોજેક્ટ’ બની ગયો છે. ઘરમાં ‘મહાભારત’ ત્યારે જ સર્જાય જ્યારે કોઈ છેલ્લી અડધી બોટલ પી જાય અને ખાલી બોટલ પાછી ફ્રિજમાં મૂકી દે! બપોરના સમયે પંખો ચાલુ કરવો એ પણ એક સજા છે. એવું લાગે કે પંખો નથી ચાલતો, પણ જાણે કોઈ મોટું હેર-ડ્રાયર મોઢા સામે ધરીને ઊભું છે.

હસી-મજાકની વાત તો ઠીક છે, પણ આ ગરમી આપણને એક મોટો પાઠ પણ ભણાવે છે. જેવું વાવશો એવું લણશો એ કહેવત અહીં બરાબર ફિટ બેસે છે. આપણે સિમેન્ટના જંગલો તો બનાવ્યા, પણ જે જૂના ઝાડ કાપ્યા એનો હિસાબ અત્યારે સૂરજદાદા વસૂલ કરી રહ્યા છે. આજે જ્યારે ટ્રાફિક સિગ્નલ પર આપણે એક નાનકડા છાંયા માટે તડપીએ છીએ, ત્યારે સમજાય છે કે એક ઘટાટોપ ઝાડની કિંમત લાખો રૂપિયાના એસી કરતાં પણ વધારે છે. એસી તો રૂમને ઠંડો કરશે, પણ ઝાડ તો આખી ધરતીના શ્વાસને ઠંડક આપશે.
બીજો એક મુદ્દો એ પણ છે કે ગરમીમાં આપણી સહનશક્તિની કસોટી થાય છે. પાણી બચાવવું અને પક્ષીઓ માટે કૂંડાં મૂકવા એ અત્યારે માત્ર સેવા નથી, પણ આપણી ફરજ છે. જેમ આપણે મેટ્રો ટ્રેનને ‘ફરતો એસી રૂમ’ માનીને ઠંડક લઈએ છીએ, તેમ આપણે પણ સમાજમાં પ્રેમ અને ઠંડક ફેલાવવાં જોઈએ.
અત્યારે તો હાલત એવી છે કે નળમાં પણ ગીઝર વગર ગરમ પાણી આવે છે. મેગી બનાવવી હોય તો ગેસ સળગાવવાની જરૂર જ નથી, બસ નળ નીચે વાટકો ધરી દો અને મસાલો નાખી દો, બે મિનિટમાં મેગી તૈયાર! ઉનાળો હજુ શરૂ થયો છે, આગળ મે મહિનાનો ‘ખેલ’ બાકી છે. પણ છેવટે તો જે પાક્કા અમદાવાદી છે, ગમે તેવી ગરમી હોય, સાંજે સાબરમતી રિવરફ્રન્ટ પર કે કાંકરિયાની પાળે જઈને ઠંડો પવન ખાતાં-ખાતાં મસ્કા-બન અને આઈસ્ક્રીમ ઝાપટીને બોલશે જ - ‘મોજ છે હોં બાકી!’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter