વરઘોડાનો વ્યવસ્થાપક: લગનનો લવિંગીયો

વોટ્સએપના ચોતરેથી...

- RJ વિશાલ ધ ખુશહાલ Wednesday 10th December 2025 04:39 EST
 
 

વરઘોડો! એટલે કે માત્ર જાન નહીં, પણ જાહોજલાલીનો જલસો! આ એવો માહોલ છે જ્યાં વરરાજા ભલે ઘોડી પર બેઠો હોય, પણ ખરો ‘આયર્નમેન’ તો બીજો જ હોય – વરઘોડાનો વ્યવસ્થાપક! આ વ્યક્તિ એટલે અદ્ભુત શક્તિઓથી સંપન્ન, ટ્રાફિક નિયમોનો પાલનકાર અને આખા વરઘોડાનો ‘માઈ-બાપ!’

આ ભાઈના મનમાં સતત એક જ વિચાર ચાલતો હોય: ‘મારા વગર આ વરઘોડો એટલે નાથિયા વગરનો બળદ!’ એને મન આખો વરઘોડો એટલે ત્રણ તાલીનો ખેલ! જોકે, એનો આનંદ બસ એના મન પૂરતો જ સીમિત હોય છે. વરઘોડો પતે એટલે પાછો ક્રેડિટ લેવા ઊભો ન રહે. ખરો સેવાભાવી, કર્મશીલ અને સ્વયંસેવી! આને કહેવાય કરે સો કામ અને ન કરે સો બગામ – એટલે કે કામ કર્યા પછી બડાઈ ન હાંકે!

સૌથી પહેલી ઘોડીવાળાની સુપરફાસ્ટ સ્પીડ અને મેનેજરની ‘ચા-પાણી’ ડિપ્લોમસી તો જુઓ! કર્મવીર વ્યવસ્થાપકનો દિવસ શરૂ થાય ક્યાંથી? ઘોડીવાળાના ધમપછાડાથી! ઘોડીવાળો તો આવે ને સીધો બૂમો પાડવા માંડે, ‘ભાઈ, જલ્દી પતાવો! મારે આ વરઘોડો પતાવીને ત્રીજા વરઘોડામાં પહોંચવાનું છે!’ જાણે એની ઘોડી નથી, પણ શતાબ્દી એક્સપ્રેસ છે! આટલો ‘બિઝી’ માણસ ભગવાને કેમ બનાવ્યો હશે? વ્યવસ્થાપક શું કરે? એને ચા-પાણી પીવડાવીને ઠંડો પાડે એને સમજાવે, ‘ભાઈ, ધીરજ ધર! ધીરજના ફળ મીઠા હોય, અને વરરાજાનો વરઘોડો તારા વરઘોડા કરતાં મોટો હોય!’

આ બાજુ વરરાજા તૈયાર થયા કે નહીં, એની ફોના-ફોની ચાલે. જાનૈયાઓને સતત ઈમરજન્સી એલર્ટ આપતો રહે કે ‘તૈયાર રહો, આપણે ગમે ત્યારે નીકળીશું!’ અને આ ભાઈ પોતાનો કોટ સરખો કરે કે ન કરે, પણ એની તકેદારી હોય કે વરરાજો ચકાચક દેખાવો જોઈએ - ખભે નાખેલી શાલનો છેડો પણ નમતો ન જોઈએ!
અચૂક એવો ડીજે-કેમેરામેન-વ્યવસ્થાપકની ત્રિકોણમિતિનો કાટખૂણો! જેવો ડીજે કે બેન્ડવાળાનો વારો આવે એટલે વ્યવસ્થાપક એને ‘થમ્બ્સ અપ’ની સાઇનથી આગેકૂચની પરવાનગી આપે. અને આ બધાની વચ્ચે પાછો કેમેરામેનને પણ પ્રોપર ઇન્સ્ટ્રક્શન આપે કે, ‘જુઓ ભાઈ, વરરાજા ઘોડી સુધી આવે એનું શૂટિંગ તો હિન્દી ફિલ્મની સ્ટાઇલમાં થવું જોઈએ!’ વરરાજો શાહરૂખથી કમ નથી! વ્યવસ્થાપક એટલે ખરો ‘લગનનો લવિંગ્યો’!
જેમ જેમ વરઘોડો આગળ વધે, તેમ તેમ બાળકો અને વરરાજાના કઝિન્સને જલસો પડે. કૂદી-કૂદીને ડાન્સ કરે! મોટાઓ થોડા શરમાય મન તો હોય ‘સાવરિયો રંગ લાગ્યો...’ પર ઠૂમકા મારવાનું, પણ ‘સહુથી પહેલા કોણ જાય?’નો સવાલ મગજમાં ઘૂમરાતો હોય. આમાં વરરાજાના એકસ્ટ્રોવર્ટ મામા જમ્પ મારીને વચ્ચે આવે અને જે થિરકવાનું ચાલુ કરે, પછી તો ‘સૂતેલાને જગાડ્યો’ જેવો માહોલ થઈ જાય, અને બધાને જોશ ચઢે!

આ બધામાં પેલો કર્મનિષ્ઠ વ્યવસ્થાપક તો પોતાના કામમાં જ ડેડિકેટેડ હોય એનું ધ્યાન હોય કે બેન્ડ કે ડીજે અને વરઘોડા વચ્ચેનું અંતર જાળવવું, જેથી ડાન્સવીરોને ‘કલા પ્રદર્શિત કરવામાં’ નડતર ન થાય.
ચાર કદમ ચાલે ને વરરાજાનાં મોટાં ફોઈના મનનો મોરલો થનગનવા માંડે! એમના મનનું મોરપિચ્છ ફરકે ને એક સિત્તેરના દાયકાનું ગીત લગાવીને જે ડાન્સ કરે, એમાં તો બાકી બધા શાંતિનો પાઠ કરવા માંડે! એ ક્ષણ એટલે ‘ડિજિટલ ક્રાંતિની પરાકાષ્ઠા’! 50-60 ફોન તરત નીકળી જાય શૂટિંગ કરવા. અને બીજાને કહેતા જાય, ‘આ વરરાજાના ફોઈ છે, અમારાય સગા થાય. 65 વર્ષના છે, બંને ઘૂંટણો સ્ટીલના છે અને આયર્નમેનની જેમ અડીખમ છે!’ ને આપણો પ્યારો વ્યવસ્થાપક ત્યાં પણ મામીનું લાઈમલાઈટ બીજું કોઈ ન લઈ જાય તેની ખાસ તકેદારી રાખે. આને કહેવાય, કોની કળાને કેટલો ભાવ આપવો, એનો ખરો જ્ઞાતા!

થોડો વરઘોડો આગળ વધે ને આવે ચાર રસ્તા! ઓયે હોય! આ તો ‘ટ્રીકી સિચ્યુએશન’! આ ક્ષણે આપણો વ્યવસ્થાપક એકદમ એક્ટિવ! એ ડ્રાઇવરને ‘ફરમાન’ છોડે કે ડીજેની ટ્રક ચાર રસ્તાની આગળ જશે, પછી આપણો પરિવાર ઝૂમશે, પછી ચાર રસ્તા પર કોઈને નડતર વગર ગાડીઓ નીકાળશે, ત્યાં સુધી વરરાજા ચાર રસ્તાની પાછળ!

બધું ગોઠવાઈ ગયું. ત્યાં જ બે-ચાર બિનસલાહકાર જાનૈયાઓ ઊભા થાય અને સજેશન આપવા માંડે. પણ આપણો કર્મવીર એમને પણ ‘ખમ્મા કરો’ કહીને બેસાડી દે. એના મનમાં કોઈ ગડમથલ જ નથી! ફૂલ ક્લેરિટી છે: ‘હું આ નહીં કરું તો કોણ કરશે? બધા એન્જોય કરે એ જ મારું એન્જોયમેન્ટ!’ આ માણસને કદાચ ‘વહીવટનો વીર’ કહીએ તો પણ ઓછું પડે!

આખા વરઘોડામાં છેક છેલ્લે ચાલે, અને જતા વાહનોને હાથ કરતો જાય કે 'Caution! અહીંથી ધીમેથી નીકળો!’ એના મનમાં જાણે ‘વહીવટ વંટોળ‘ થંભાવીને ફરું છું!
આગળ જતાં પેલું કોન્ફેટી બ્લોઅર ચાલુ થાય અને જે રંગબેરંગી દ્રશ્યો સર્જાય, આ હા હા! એ સ્માઈલ રેલાવતો પાછો આગળ દોડતો જાય અને બાળકોને નીચે પડેલા કલરફૂલ કાગળના ટુકડા ન લેવાની સલાહ પણ આપતો જાય. ધ્યાન રાખનાર તો આ જ ભડનો દીકરો!
મારો વ્હાલો, આખા વરઘોડામાં કૂદકા કરતો જાય અને જ્યારે જમણ આવે, ત્યારે બધાને આગ્રહ પણ કરે. પણ પોતે? એની ભૂખ જાણે વરઘોડાની વ્યવસ્થામાં ક્યાંક ગુમ થઈ ગઈ હોય. ખરેખર, આ વરઘોડાનો વ્યવસ્થાપક એટલે ખાધે-પીધે સુખી અને કામમાં કાળો! એને સલામ, જેના ખભા પર આખા લગ્નનો ‘વહીવટનું વજન’ હોય છે!
ખરેખર, આજના જમાનામાં લગ્નના વરઘોડામાં ‘વ્યવસ્થાપક’નું પદ એટલે ‘વહીવટ અને વેઠ’નું મિક્સચર! આ માણસ એટલે લગ્નના ઓર્કેસ્ટ્રાનો એકમાત્ર સોલો પ્લેયર! તમે એને ભલે વરઘોડાનો વ્યવસ્થાપક કહો, પણ અમારા ગામઠી ભાષામાં તો એને ‘બંદોલીનો બંધારણ ઘડનારો’ જ કહેવાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter