વર્લ્ડ થિએટર ડે નિમિત્તે રોજિંદા જીવન નાં સ્ટેજ વગરના સુપરસ્ટાર્સ

વિશાલ વિમર્શ

- RJ વિશાલ ધ ખુશહાલ Wednesday 25th March 2026 07:50 EDT
 
 

27 માર્ચે વિશ્વ રંગમંચ દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ થિએટર ડે! થિયેટરમાં નાટકો થાયને આપણે જોવા પણ જઈએ. પણ અમુક નાટકો સ્ટેજ પર નહીં, પણ રિયલ લાઇફમાં થતાં હોય છે. રોજિંદા જીવનમાં થતાં નાટકોની વાત કરી રહ્યો છું, આ બધા એવા ‘કલાકારો’ છે જેમને કોઈ સ્ક્રિપ્ટની જરૂર નથી પડતી. બસ, પરિસ્થિતિ સામે આવે એટલે એમનો અભિનય શરૂ થઈ જાય! તમે પણ એમને જોયા છે, ચાલો... આજે મારી આંખોના માઈક્રોસ્કોપથી થોડા નજીકથી બતાવું, મજા પડશે!

આ નાટકની શરૂઆત સૂર્યોદયની સાથે જ થાય છે. સવાર પડે ને હાઉસહેલ્પવાળા બહેનનું એવું નાટક શરૂ થાય કે કોઈ સંનિષ્ઠ કલાકાર પણ શરમાઈ જાય. ‘ભાભી, મારું કામ તો ઉંબરા સુધીનું જ બાંધેલું છે, બહાર ઓટલે પોતું કરવાના અલગ થશે, હો!’ જાણે કોઈ ઈન્ટરનેશનલ ટ્રીટી (આંતરરાષ્ટ્રીય સંધિ) સાઈન કરવાની હોય એવા ગંભીર મોઢે એ બોલે, અને આ એક એવી પળ હોય છે જ્યાં તર્ક અને દલીલો બધું જ ફેઈલ જાય છે.
ત્યાંથી થોડા આગળ વધો અને રસ્તા પર નીકળો એટલે રિક્ષાવાળા ભાઈનો તો અલગ જ વટ જોવા મળે; ‘શેઠ, એ બાજુ ના જવાય, વળતી વખતે ખાલી આવવું પડશે, મીટર તો બગડેલું છે એટલે 200 ફિક્સ!’ આ ડાયલોગ પાછળનું સત્ય એ નથી હોતું કે મીટર બગડ્યું છે, પણ સત્ય એ હોય છે કે એમને એ રૂટ પર જવું જ નથી. અને જો શાકભાજી લેવા જાવ તો ત્યાં તો વળી સાક્ષાત ‘મેથડ એક્ટિંગ’ના અદ્ભુત દર્શન થાય. શાકભાજીવાળા ભાઈ વહેલી સવારે ‘તાજગી’નું એવું નાટક ભજવે કે ગઈકાલનો સુકાયેલો માલ નીચે છુપાવી, ઉપર બે-ત્રણ તાજી કાકડી સજાવીને કહે, ‘બેન, સાવ કુણી છે, હમણાં જ ખેતરેથી આવી છે! ફાર્મ ફ્રેશ!’ બળ્યું તારું ફાર્મ ફ્રેશ, પુરાની બોટલ પે નયા સ્ટિકર ચોટાડતાં હૈ?! તારી ભલી થાય!!
વાત ઓફિસના કોર્પોરેટ થિયેટર સુધી પહોંચે એટલે નાટકોના સ્તર બદલાય! ઓફિસમાં લેટ જાઓ ને એ જ દિવસે બોસ પકડે, ‘કેમ લેટ?’ “અરે સર, રોજ તો પાંચ મિનીટ વહેલો જ આવું છું, પણ આજે ટ્રાફિક એટલો વધારે હતો ને, પેલા ચાર રસ્તા પર નવું ડાયવર્ઝન બન્યું છે, કાલ સુધી નહોતું પણ આજે જ રોડ ખોદી નાખ્યો છે!’ જ્યારે અસલી સીન એ હોય કે ભાઈ આગલી રાત્રે નેટફિલક્સ એન્ડ ચીલ કરતાં’તા! તે તબેલામાંથી ઉઠવાના!! હૈ!

આપણા સામાજિક પ્રસંગો તો વળી નાટકોનો ખજાનો છે. લગ્નપ્રસંગોમાં ફુવા નારાજ ના થાય તો ફંક્શન પૂરું કેમનું થાય. ‘અમને તો કોઈએ પૂછ્યું જ નથી, અમે તો બસ જમવા આવ્યા છીએ...’ એવો ડાયલોગ મારીને એ લોકો આખ્ખું એટેન્શન ખેંચી લે. બધાને ઊંચા નીચા ના કરે તો એમનું નાટક પૂરું ના થાય! થયું કાંઈ જ ના હોય બસ ‘સ્પેશિયલ ફીલ’ કરવાની ઈચ્છા હોય છે. આજકાલ તો આમાં ‘સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર’ નાટકનો ઉમેરો થયો છે. ‘હેલો ગાય્ઝ! ઘણા લોકો પૂછી રહ્યા હતા કે મારી ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય શું છે...’ આ ડાયલોગ સાથે પેઇડ એડવર્ટાઈઝમેન્ટ પધરાવી દે, ભલે ને પછી કોઈ પૂછે કે ના પૂછે! રીલ અપલોડ કરવાં કાંઈ તો બહાનું જોઈએ ને!
સર્વિસ સેક્ટરમાં પણ નાટક ઓછું નથી. સલૂનમાં જાવ તો વાળ કાપવાવાળો ભાઈ ડોક્ટરની અદામાં બે-ચાર વાળની લટો ઉંચી કરશે, ડરાવશે કે ‘તમારા વાળ બહુ ખરે છે, આ ટ્રીટમેન્ટ કરાવો નહીંતર ટાલ પડી જશે’. આ ડર બતાવીને એ પોતાનું મોંઘું શેમ્પૂ વેચવાનું ‘માર્કેટિંગ નાટક’ કરતો હોય છે. એ જે રીતે વાળને અડે કે આપણને ય પોતાના વાળથી નફરત થઈ જાય!

ટેલર ભાઈને ત્યાં કપડાં સિવડાવવા નાખ્યાં હોય, એ પોતે ભુલી ગયો હોય પણ આપણને શું કહે?! ‘કાપડ ઓછું પડ્યું એટલે સેટિંગ કરવાની વાર લાગી’ તારી સેટિંગની તો..!
આશ્ચર્યની વાત તો એ છે કે આ નાટકો છેક આકાશમાં પણ જોવા મળે છે! ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે પેસેન્જર્સનું ‘ઉતાવળ’ નાટક જોવા મળે. પ્લેન હજી તો રનવે પર ટેક્સી કરતું હોય ત્યાં જ લોકો ઊભા થઈને ઓવરહેડ બિનમાંથી સામાન કાઢવા મંડી પડે. જાણે પ્લેન ઉભું રહેતાં જ એ સીધા રનવે પર કૂદીને બહાર નીકળી જવાના હોય! જોકે આને નાટક કરતાં દેખાદેખી ઉતાવળ કહીએ તો યોગ્ય રહેશે. ભાઈ શાંતિ રાખો, ગેટ ખૂલવા દો, બારીમાંથી છલાંગ લગાવશો?

દવાખાને જઈએ તો કમ્પાઉન્ડરનો સ્ટાન્ડર્ડ જવાબ રેડી હોયઃ ‘સાહેબ, હમણાં પાંચ મિનિટમાં આવશે...’ એમાં વચ્ચે લાઇનમાં આગલો દર્દી બેઠો હોય તે ઉભો થઈ જાય ‘મનેય તમે પાંચ મિનિટ કીધે’લું, વીસ મિનીટથી બેઠો છું!’ એટલે કમ્પાઉન્ડર એમ્બરેસિંગલી એજિટેટેડ થઈને કરડાકી નજરના ડોળા બહાર કાઢે! આ બધાંમાંથી કેટલા નાટકો દ્વારા તમે સીધા સંપર્કમાં આવ્યા છો?! મને ઈન્સ્ટા પર DM કરજો @rjvishal પર.
બાકી આ ‘વર્લ્ડ થિએટર ડે’ પર આપણે માત્ર સ્ટેજ પરના કલાકારોને જ નહીં, પણ આપણી આસપાસ રહેલા આવા બધાં ‘રિયલ લાઈફ’ના ઓસ્કર વિનિંગ કલાકારોને પણ બિરદાવીએ. કારણ કે આખરે તો દુનિયા એક રંગમંચ હૈ ઓર હમ સબ ઉસકી કઠપુતલિયાં!!
હું તો એટલું જ કહીશ કે, આ નાટકો ભલે ગમેતેટલા હોય, પણ જો એમાં નિખાલસતા અને થોડું હાસ્ય ઉમેરાય, તો જિંદગીનું નાટક હંમેશા ‘હાઉસફુલ’ અને ‘સુપરહિટ’ રહેશે! મજા કરો, જલસા કરો એન્ડ બી ઓલ્વેઝ ખુશહાલ વિથ વિશાલ...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter