વોશિંગ્ટનઃ ટ્રમ્પના શપથ-ગ્રહણ સમારોહ પૂર્વે યોજાયેલા ગાલા ડિનરમાં કરોડોનું ફંડ આપનારા દિગ્ગજો સહિત દુનિયાના જાણીતા નેતાઓ અને સેલેબ્સને આમંત્રણ અપાયું હતું. જેમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીનો પણ સમાવેશ થતો હતો. પાર્ટીમાં નીતા અંબાણીએ પહેરેલી પરંપરાગત સિલ્ક સાડીએ લોકોને સંમોહિત કરી દીધા હતા. જાણકારોના મતે નીતા અંબાણીએ ગાલા ડિનરમાં પહેરેલી સાડી સ્વદેશ બ્રાન્ડની કાંચીપુરમ્ સાડી હતી. જેમાં ગોલ્ડન-સિલ્વર વર્ટિકલ લાઇન્સ અને પિન્ક બોર્ડરથી સાડીને વાઇબ્રન્ટ ટચ અપાયો હતો. સાડીમાં કાંચીપુરમના ભવ્ય મંદિરોથી પ્રેરિત 100થી વધુ આધ્યાત્મિક અને ઐતિહાસિક પ્રતીકો હતા. આ સાડી નેશનલ એવોર્ડ વિનર આર્ટિસ્ટ બી. ક્રિશ્રામૂર્તિએ ડિઝાઈન કરી હતી. આ ઉપરાંત સાડીને મોડર્ન લૂક આપવા નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો બિલ્ડ-અપ નેકલાઈન વેલ્વેટ બ્લાઉઝ પહેર્યો હતો. તેની સ્લિવ્સમાં સુંદર મોતીકામ હતું. આ સિવાય નીતા અંબાણીએ દક્ષિણ ભારતમાં જ બનેલું 18મી સદીનું પોપટના આકારનું 200 વર્ષ પુરાણું સોનાનું પેન્ડન્ટ પહેર્યું હતું. જેમાં કુંદન ટેકનિકથી નીલમણિ, માણેક તેમજ હીરા-મોતી જડાયેલા હતા. આ યુનિક કોમ્બિનેશન થકી નીતા અંબાણીએ ભારતની ભવ્ય કળા-કારીગરીને વૈશ્વિક મંચ પર રજૂ કરી હતી.