‘સેવા’ના પર્યાય ગાંધીવાદી ઈલાબહેન ભટ્ટની ચિરવિદાય

Monday 07th November 2022 05:45 EST
 
 

અમદાવાદઃ મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા, મહિલાઓની ‘સેવા’ થકી વિશ્વવિખ્યાત થયેલાં અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ ઈલાબેન રમેશભાઈ ભટ્ટ (જન્મઃ 7 સપ્ટેમ્બર 1933)નું બીજી નવેમ્બરે નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા. ઈલાબહેને 1972માં સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (‘સેવા’) નામની સંસ્થા સ્થાપીને સતત 24 વર્ષ સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યા હતા. એ દરમિયાન એમણે કરેલી મહિલા ઉત્કર્ષની નિરંતર સેવાઓને લીધે ઈલાબહેનને ભારત સરકારે 1985માં પહેલા પદ્મશ્રી અને પછી 1986માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતાં.

આ પહેલાં 1977માં સમુદાય નેતૃત્વ માટે તેમણે રોમન મેગ્સેસે પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. રોમન મેગ્સેસે પુરસ્કાર મેળવનાર તેઓ પહેલા ગુજરાત મહિલા હતા. ઈલાબહેનને એમના સમાજોપયોગી કાર્યો માટે દેશવિદેશના અનેક પુરસ્કાર મળ્યા હતા. જેમાં 1984માં રાઈટ લાઈવલીહૂડ એવોર્ડ, 2010માં નિવાનો શાંતિ પુરસ્કાર અને યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન દ્વારા ગ્લોબલ ફેરનેસ એવોર્ડ, 2011માં પ્રતિતિ રેડક્લિફ પદક અને ઈંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર મુખ્ય છે.
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાથી અત્યાર સુધીમાં હંમેશા એવી પરંપરા રહી છે કે કુલપતિ તરીકે જેમની પસંદગી કરવામાં આવી તે દરેક મહાનુભાવોએ આજીવન હોદ્દો સંભાળ્યો છે. નારાયણ દેસાઈના સ્વૈચ્છિક રાજીનામા પછી આ પદભાર સંભાળનારા ઈલાબહેન નાદુરસ્ત તબિયતને લીધે ગત 18 ઓક્ટોબરના રોજ સ્વેચ્છાએ પદત્યાગ કર્યો હતો. વિદ્યાપીઠના કુલપિતપદેથી મુક્ત થનારા તેઓ પહેલા મહિલા કુલપતિ હતા.
ઈલાબેનના પિતા સુમંતરાય ભટ્ટ સફળ વકીલ હતા. જ્યારે માતા વનલીલા વ્યાસ મૂળ કમલાદેવી ચટ્ટોપાધ્યાય દ્વારા સંસ્થાપિત ઓલ ઈન્ડિયા વુમન્સ કોન્ફરન્સના સેક્રેટરી હતાં. ઈલાબેન આ દંપતીના ત્રણ પુત્રીમાં બીજા ક્રમે હતાં. તેમનું બાળપણ સુરતમાં વીત્યું હતું. 1952માં તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એમટીબી કોલેજમાંથી અંગ્રેજી વિષયમાં બીએ થયા બાદ અમદાવાદની સર એલ.એ. શાહ કોલેજમાંથી સુવર્ણચંદ્રક સાથે કાયદામાં સ્નાતકની પદવી મેળવી હતી.
ભારતમાં માઇક્રો ફાઇનાન્સના પુરસ્કર્તાંઃ
હિલેરીએ ગણાવ્યાં હતાં પોતાના આદર્શ
1955માં તેઓ અમદાવાદની મિલ મજૂર સંઘમાં જોડાયાં. ત્યારબાદ મજૂર સંઘની મહિલા પાંખના વડાં બન્યાં. સેલ્ફ એમ્પ્લોઈડ વિમેન્સ એસોસિએશન (SEWA-‘સેવા’) એટલે કે સ્વરોજગાર મહિલા સંઘની સ્થાપના પછી ઈલાબહેન દ્વારા દેશમાં એક એવી સામાજિક, આર્થિક અને સહકારી ક્રાંતિની શરૂઆત થઈ જેનાથી લાખો મહિલાઓ પોતાની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બનાવી દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાની શરૂઆત કરી.
અસંગઠિત મહિલા કામદારોને સંગઠિત કરી તેમના હક્ક અને સવલત સુવિધા મેળવી આપવા સાથોસાથ ઈલાહેને એમના ઉત્થાન અને વિકાસ માટે 1974માં મહિલા સહકારી બેન્કની શરૂઆત કરી હતી. તેમણે મહિલાઓએ તૈયાર કરેલા માલને વિદેશના બજાર સુધી પહોંચાડવા માટેનું કામ કર્યું. તેથી જ ઈલાબહેન ભારતના માઈક્રો ફાઈનાન્સના પુરસ્કર્તા ગણાય છે. 2012માં યુએસના તત્કાલીન સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટને ઈલાબહેન ભટ્ટને પોતાના આદર્શ ગણાવ્યા હતા.
ઈલાબહેને પોતાના અનુભવો અને પોતાના આજીવન કાર્યને શબ્દસ્થ પણ કર્યું છે. ઓક્સફર્ડ યુનિ. પ્રેસ દ્વારા પ્રકાશિત ‘વી આર પુઅર બટ સો મેનીઃ સ્ટોરી ઓફ સેલ્ફ-એમ્પ્લોઈડ વુમન ઈન ઈન્ડિયા’ (2006) પુસ્તક અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદિત પણ થયું છે.
ઈલાબહેન સેવા કો-ઓપરેટિવ બેંક અને લારીવાળાઓના આંતરરાષ્ટ્રીય સંગઠન હોમનેટના પણ પ્રમુખ હતાં. એ સિવાય વુમન ઈન ઈન્ફોર્મલ એમ્પ્લોયમેન્ટ – ગ્લોબલાઈઝીંગ એન્ડ ઓર્ગેનાઈઝીંગના બોર્ડ ઓફ ડિરેક્ટર હતા. તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને મહિલા આયોગના સભ્ય તથા વિશ્વ મહિલા બેંકના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ આયોજન પંચના સભ્ય અને રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.
તેમના દ્વારા મહિલાઓને કેન્દ્રમાં રાખીને કરાયેલી અનેકવિધ પ્રવૃત્તિઓને લીધે એમને વિદેશી યુનિવર્સિટીઝ દ્વારા માનદ ડોક્ટરેટની પદવી અપાઈ હતી. જેમાં હાર્વર્ડ, જ્યોર્જટાઉન, લીબ્રે દી બ્રસેલ્સ, યેલ યુનિવર્સિટી, નાતાલ યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter