નવલિકાઃ સગી

રાવજી પટેલ Tuesday 07th December 2021 03:54 EST
 
 

આજે પણ આ તો આવી! સોનેરી સાડીમાં તે આકર્ષક લાગે છે. નં. ૧૦ મિ. શંકર હજી બપોરની ઊંઘમાં હતો. આગંતુકા, ચુપચાપ સ્ટૂલ પર બેઠી, સાડીના છેડાથી મોં લૂછ્યું. મને રોષ થઈ આવ્યો. સાડીના પાલવથી મોં લૂછતી પત્નીને મેં છ-સાત વખત ધૂતકારી કાઢી હતી - એ યાદ આવ્યું. પછી એણે થેલી ઉપાડી અવાજ ન થાય એટલી કાળજીથી એ થેલીમાંથી દ્રાક્ષ, દાડમ, પપૈયું અને સંતરાં કાઢતી હતી. આખો વોર્ડ ઊંઘતો હતો. મને દિવસે તો ઠીક પણ રાત્રે પણ નિંદ્રા નથી આવતી. આગંતુકા સોનેરી ઝાંયમાં આકર્ષક લાગતી હતી. આ બે મહિનામાં તે બાવીસમી વખત ખબર જોવા આવી. આ જ તો મને મનમાં થતું જ હતું કે ઊંઘનું ઝોલું આવી જશે. કાલે મને ઊંઘ આવત પણ અકારણ ચિંતા ઊપડી આવેલી. મને વળી એમ પણ થયેલું કે નં. ૧૦ની પત્ની (સાચી વાતની ખબર આજ સવારે પડી. એ બન્ને હજી પરણ્યાં નથી; પરણશે.) આવશે તો બેય જણ વાતોમાંથી ઊંચાં નહીં આવે, ને મને ઊંઘ નહીં આવે. આજે પાછું મને થયું કે - આ બેઠી છે તે આજ તો નહીં જ આવે; કેમ કે હોળીનાં દિવસોમાં કદાચ એને ગાવું પડશે. આજે સદ્ભાગ્યે મને ઊંઘનું ઝોલું આવત. પણ દુર્ભાગ્યની વાત એ બની કે ગઈ કાલે માવઠું થયું ને પરિણામે મને શરદી થઈ ગઈ. શરદીથી ગભરાઉં એવો નથી પણ પછી મને એક ચિંતા થઈ – ચિંતા એ થઈ કે... જો પાછી, એણે ફરીથી પાલવથી મોં લૂછ્યું! સ્ત્રીઓને અમુકતમુક કુટેવ તો જતી જ નથી, ગમેતેટલું લઢો ને, એણે થેલીમાંથી કોરાં પોસ્ટકાર્ડની થોકડી કાઢીને, સાચવીને પાંજરા પર મૂકી. આટલાં બધાં પોસ્ટકાર્ડ શા માટે લાવી છે? પત્રની વાત આવી ત્યારે મને પાછું સાંભર્યું. આજે સવારે નં. ૧૦ ચાનો ગ્લાસ સ્ટૂલ પર મૂકી પત્ર વાંચતો હતો. હું સમજુ માણસ છું એટલે કોઈની ટીકા નથી કરતો. પણ આમ ખુલ્લી ચા રાખીને આવોય વાંચવા મંડ્યો છે તે બરાબર નથી. બાજુવાળા દર્દીઓ ખાંસી ખાય છે, હવામાં અસંખ્ય જંતુઓ હોય છે. ટાઢો ચા ન પીવો જોઈએ. મારાથી તોય બોલ્યા વગર ન રહેવાયું.
‘પહેલાં ચા પી લો, શંકર, પત્ર કંઈ ટાઢો નહીં થઈ જાય.’
નં. ૧૦નો ચહેરો સવારે પ્રફુલ્લ હતો. એણે અનુત્તર સ્મિત કર્યું. પછી પ્યાલો મોઢે બોટી લીધો. વાચન તો ચાલુ જ હતું. મને સાધારણ ચીડ ચડી. આખો વોર્ડ શાંત હતો. દૂર એક કૂતરું કાન ટપટપાવતું હતું, પછી ટેસમાં આવી જઇને બે-અઢી સેકંડ સુધી ભસ્યું. આગંતુકા ચપ કરતી ઊભી થઈ, વોર્ડ આખોય બપોર ઓઢીને સૂતો હતો ને એણે સાડીના પાલવથી પાછું મોં લૂછ્યું ને મને એ ન ગમ્યું. મેં બેઠા થઈને પાણી પીધું, બે દિવસ પહેલાં દાંતથી કરપેલો નખ મેં ફરી કરપ્યો. મારો રોષ ન ઘટ્યો. ક્ષણાર્ધ માટે હું ભૂલી ગયો કે હું પોતે એક સમજુ માણસ છું. મને પાછી ચિંતા થઈ. અનાયાસ મારી દૃષ્ટિ બહાર ગઈ. વાદળાં હતાં. કાલની જેમ જો આજે માવઠું થશે તો ફિકર વધી પડશે. કમોસમી માવઠું આવે એ ઘઉંના પાકને નુકસાન પહોંચાડે. ફિકર કેવળ મારા એકલાની નથી, સમસ્તની છે. ખેડૂતનો પુત્ર છું એટલે મને આવી ચિંતા જલદી થાય છે. આ તો હું સમજુ માણસ છું, કોઈને કંઈ કહીએ તો એને બાપડાને ખોટું લાગે. એનું મન કોચવાય એટલે કહેતો નથી. અરે, પણ આ બાઈ કેટલું લાવી છે? સાબુ નથી મળતો કંઈ... આટલા બધા સાબુ શું કરવાના? એ ઝાઝો સમય મૂંગી બેસી શકતી નથી; બહુ બોલકી છે. આ ત્રેવીસમી વખત આવી છે. એ ઊઠી, કાચના ગ્લાસ લઈને સાફ કરી - વીછળી પાણી ભરીને પાંજરા પર મૂક્યા. એના રિસ્ટવોચમાં જોયું. એને થયું હશે હવે બધા ઊઠશે. બધા ઊઠે તો મિ. ૧૦ પણ ઊઠે. બહુ બોલકી ક્યારની ચૂપ બેસી રહી છે! ગયા અઠવાડિયે આવી ત્યારે એણે મિ. ૧૦ને કહ્યું હતું.
‘તમે ડોક્ટરને કહેતા કેમ નથી કે રજા ક્યારે મળશે?’ એણે ધીમેથી ગોદડા નીચેથી મેગેઝિન કાઢ્યું, નિદ્રસ્થ મિસ્ટરનું મોં જોયું, પાલવથી પરસેવો લૂછ્યો અને બેદરકારીથી પાનાં ફેરવવા માંડ્યાં. પાના ફેરવવાનો અવાજ મારા કાને સ્પષ્ટ આવતો હતો. જો હું ઊંઘી ગયો હોત તો મેગેઝિનનાં પાનાંથી થતા અવાજથી અવશ્ય જાગી ગયો હતો. પણ મને ઊંઘ નથી આવતી. ગઈ કાલે બિનજરૂરી માવઠું થયું ત્યારે રાત્રે ખૂબ ઠંડો પવન ફુંકાયો હતો. મને એ વખતે એક સામાન્ય ચિંતા થઈ હતી. સંભવ છે કે કમોસમી માવઠાને કારણે કમોસમી હિમ પણ પડે; ને ઘઉંના પાકને હિમ તો ભારે વસમું, મને શરદી થઈ. મારા ખેતરમાં દર વર્ષે આ ઋતુમાં ઘઉં વઢાતા. એની રક્ષા માટે સતત માણસને રહેવું પડે. બાપુજી જરીય નવરા નહીં રહતા હોય. આગંતુકાએ ખાલી થેલીથી મિ. ૧૦ના શરીર પર બેઠલી માખીઓ ઉરાડી. બાપુજી જરીયે નવરા નહીં રહેતા હોય. ખભે-ગળે ગોફણ વીંટાળીને બોર નીચે ઊભા ઊભા મારી ચિંતા કરતા હશે. એમના સમવયસ્ક મિત્રો જો ભેગા થયા હોય તો એવાય ઝાલ્યા ન રહે. ખેતરમાંય દોસ્તીને ચગાવે, પોંક પાડે, વોરાની દુકાનેથી ઝીણી સેવનું પડીકું ભાઈ દ્વારા મંગાવે; પોંક અને સેવનું મિશ્રણ તો ભાઈ ગજબ! મિત્રો વચ્ચે જૂની નવી ઊકલે, વટ પડે. ત્યાર પછી; મૈત્રી કોનું નામ? ઘઉંનો પોંક કાઢીને આપવા ઇચ્છતી હોય એમ મિ. ૧૦ની વાગ્દત્તાએ ટહુકો કર્યો...
‘એય! એય...’
મારું ધ્યાન ત્યાં જ જતું રહ્યું. મને લાગ્યું હું ખૂબ માંદો પડતો જાઉં છું. હું ઊઠ્યો. પાજરું ખોલ્યું. હાંફવું મને ગમતું હોય એમ બે મિનિટ સાંભળવા લાગ્યો. બાની શીશીમાંથી બધી જ ટીકડીઓ હથેળીમાં કાઢી. ગણી... આઠ. પરમ દિવસે સાંજે મળેલી આ ઊંઘની ટીકડીઓ બિલકુલ અસર વગરની છે. મેં પાછું આગંતુકા સામે જોયું. ન જોયા જેવું જોયું. એ બહુ બોલકી છે.
‘મને સાલું ઊંઘ નથી આવતી.’ એવું સમજું માણસથી ન કહેવાય. એણે પરસેવો લૂછ્યો, આ વખતે મને ચીડને બદલે ગમ્યું. ઊંઘ લાવવા માટે છેવટે બધું ગમવું જોઈએ. એ ખરું કે માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ. ત્યાં તો - ઘઉંના ખેતર પર પંખીઓનું એક બૃહદ વૃંદ ઝૂમી આવ્યું હોય એમ મિ. ૧૦ સફળો બેઠો થઈ ગયો!
‘ક્યારે આવી?’
‘બેઠી રહી એમને એમ? જગાડ્યો પણ નહીં?’ હું તો મેગેઝિનના મુખપૃષ્ઠ જેવો અવાચક થઈ ગયો. પેલીને તો જીભ છે કે વંટોળે ચડેલાં પાંદડાં? પીન ચડી. કનુભાઈથી માંડીને ઇચ્છાગૌરીની વાતો-સંભારણા. આ પરણશે ત્યારે પણ આટલી જ વાતો કરશે? સાવ મુગ્ધ છે આવોય.
‘દ્રાક્ષ માટે મારા ભાઈને ચાર ધક્કા ખવડાવ્યા. ન મળી, મોટી બહેન પણ બજારમાં ધક્કો ખાઈ આવી. છેવટે હું આવતી વખતે ભાવનગર ઊતરી પડી. ત્યાં સરસ દ્રાક્ષ મળે છે. સોનેરી છે એટલે બી વગરની છે. નર્યો રસ જ.’
‘શું કરવા લાવી? મેં તો અમસ્તું જ લખ્યું હતું.’
‘તમે અમસ્તુ લખ્યું’તું તો હું અમસ્તી જ લેતી આવી.’ ભારે બોલકી! સામાન્ય દ્રાક્ષ વિષે આવી વ્યર્થ વાતો કરવાની શી વળી? મેં પંદર દિવસ પર વોર્ડબોય પાસે દ્રાક્ષ મંગાવી હતી. બીજે દિવસે દ્રાક્ષ તો ન લાવી શક્યો બિચારો; પણ દોઢ રૂપિયા માટે કગરી પડ્યો. આખા સોનગઢમાં ક્યાંય દ્રાક્ષ નથી. દ્રાક્ષ શોધવામાં માણસને ખૂબ મુશ્કેલી પડી હતી. બિચારાની વહુને વિપત આવવાની હતી. એને પિયર વળાવવા આમ તો બાર રૂપિયા જોઈએ પણ દોઢથી શરૂઆત થાય તો બાર પુરા થાય એમ એમની પવિત્ર અભિપ્સા હતી. દ્રાક્ષ ન ખાવાથી લોહી થતું અટકી નહીં જાય અને એ એવી છટાથી કગરી પડ્યો કે દ્રાક્ષ લાવ્યો હોત તો વધારે ખાટી લાગત. માનવકલ્યાણ અર્થે સમજુ મનુષ્યની લક્ષ્મી વપરાય એમાં જ સોનેરી દ્રાક્ષનો સાચો સ્વાદ સમાયેલો છે એવું એના દલિત ચહેરા પરથી મને લાગ્યું. એના ગયા પછી છત પર દ્રાક્ષનો માંડવો રચાયો હતો અને મારે નોંધવું જોઈએ. માનવસ્વભાવ સ્વાદીલો હોય એવું સમજીને હું પડ્યો રહેલો.
‘તમે કાગળમાં લખેલું કે -’ને મારું ચિત્ત દ્રાક્ષની લૂમ જેવી વાતચીત તરફ જતું રહ્યું. નં. ૧૦ ‘હંઅ... બોલ’ કહીને હસ્યો.
‘તારે કંઈ ઘરેણું ખરીદવું હોય તો હું બાપુજીને લખું. આ વાંચીને મારું મન ભરાઈ આવેલું. મને રડતી જોઈને પપ્પાએ પૂછેલુંઃ કેમ રડે છે? એના કંઈ ખરાબ સમાચાર તો નથી? ત્યારે મેં મૂઈએ કહી દીધું કે -’ મિ. ૧૦ ખડખડ હસી પડ્યો. ‘જાવ, નથી કહેવાની.’
‘શું કહ્યુ’તું તેં? તું ગાંડી છે; વડીલોને આપણી વાતો ન કહેવાય.’
‘તો તમે કેમ લખ્યું? પપ્પાએ પણ તમારી મશ્કરી કરી.’
‘શું બોલ્યા’તા?’ કાનથી જ માત્ર નહીં. આંખોથી, અંગોથી એને સાંભળવા (તે) ઉત્સુક થયો.
‘મોઢું ધોઈ આવો પહેલાં...’ એ દાડમ કાઢતાં બોલી. ‘પરણ્યા પહેલાં મને ઘરેણાં પહેરાવવાં છે, બહુ ઉતાવળા. પછી જાણે આપવાના જ નહીં હોય.’
હું ખૂબ ચિંતિત છું. દર્દીઓને વારંવાર કસમયે મળવા આવતાં એમના સગાંસંબંધીઓને મળવા માટેનો કોઈ ચોક્કસ સમય રાખવો જોઈએ. આવી ગોષ્ઠિથી દર્દીને ઊંઘ ન આવે માનસશાસ્ત્રને લગતો આ પ્રશ્ન છે. આવા અજ્ઞાની વહાલેશરીઓને એમાં સમજ ન પડે. મિ. ૧૦ એને જોઈને હસતો હતો, સ્પુટમના પાત્રમાં જ કોગળા કરી લીધા. ધિસ ઇઝ વેરી બેડ. મોં ધોવાની આ સભ્ય રીત ન કહેવાય.
‘આપણે ત્યાં વરસાદ પડ્યો હતો?’
નંબર ૧૦ના પ્રશ્નથી મારાથી બારીમાં જોવાઈ ગયું. આકાશ ચોખ્ખુંચટ હતું. મેં કલ્પનાદૃષ્ટિથી દીઠું કે અમરગઢનું આકાશ ભલે ચોખ્ખુંચટ હોય પણ મારા ગામનું આકાશ વાદળોથી છવાયેલું હશે. બસ આ જ ચિંતા સમગ્ર દુઃખી માનવને જળોની જેમ વળગેલી છે. મારા ગામમાં મારાં પ્રિયજનો કમોસમી વાદળોને જોઈને વ્યાકુળ થઈ ગયાં હશે. ઓચિંતા ચાર-પાંચ કાળોતરા નાગ બારણાં વચ્ચે ફેણ માંડતા ડોલતા હોય એવું મારી દુઃખી પત્નીને લાગતું હશે. આંખમાંથી પટ પટ પટ દ્રાક્ષના નાના નાના દાણા ખરતા હશે. મા ઘરમાંથી બહાર આવતીક આકાશ ભણી સચિંત નેત્રો માંડતી બબડતી હશે - ઘઉં કાપવાના છે ને આ માવઠું પડું પડું થાય છે નખોદિયું! - અને પાછી ઘરમાં આવીને એની વહુ ભણી જોઈને ફરી બબડશે; અલબત્ત, મનમાંઃ શું કરીએ બેટા, ઘઉં ઊછર્યા છે જ માવઠાં નીચે ને તું એની ચિંતા ન કરતી. એની તબિયત – આ બધું અઢી મિનિટ લગી મારી ક્ષયગ્રસ્ત આંખોમાં એકત્ર થાય છે અને પછીની ક્ષણોમાં તે થરમોમીટર સોડિયમ પાસ, સ્ટ્રેપ્ટોમાઈસીન અને પ્રોલાઈપો બની જાય છે. વધે છે તે બે-ત્રણ માખી થઈને વારંવાર સજલ ચહેરા (નેત્ર) પર બણબણે છે. મનમાં મુઠ્ઠી વાળીને મેં ધક્કો માર્યો. ઘેર માવઠું થયું જ નહીં હોય. થયું હોય તો અવશ્ય પત્ર આવે. ઘઉંને નુકસાન થાય ને બાપને ચિંતા ન થાય એવું બને જ નહીં. મને આધ્યાત્મિક ઊભરો આવ્યો. એનું કારણ આગંતુકા શ્રીકૃષ્ણનો ફોટો લાવી છે તે છે.
મેં થોડી ક્ષણો આંખો વાસી દીધી, અર્જુનને કુરુક્ષેત્રની ભૂમિ પર ઉપદેશ આપતા મહાત્મા કૃષ્ણનો એક શ્લોક રટવા લાગ્યોઃ
વિહાય કામાન્યઃ સર્વાન્પુમાંશ્ચરચિ નિઃસ્પૃહા ।
નિર્મમો નિરહંકાર સ શાન્તિમધિગચ્છતિ ।।
હું નાનો હતો ત્યારથી અહંકારી મટી ગયો છું, એટલે એ દોષથી જન્મતી થોડીક અશાંતિ તો નથી થતી. પણ બીજા ચરિતર સ્વાદિષ્ટ ફળની છાલ જેવાં છૂટાં ન પડે એવા છે. હે મારા કૃષ્ણ પરમાત્મા, આ સેનેટોરિયમમાં સોનેરી વસ્ત્રો તું ફરકાવે છે તે દયા કરીને પાછાં સંકેલી લે. પ્રાર્થના પૂરી કરી આંખો ખોલું છું તો સાંભળું છુંઃ ‘પરમ દિવસે - રાત્રે ઊંઘમાંથી લાગલી ઝબકી ગઈ હતી.’
આ સ્ત્રીએ નિર્મોહી થવું જોઈએ, ત્યાં સુધી એને શાંતિ પ્રાપ્ત નહીં જ થાય. એ દાડમ છૂટું કરવામાં મગ્ન થઈ ગઈ. થોડી વાર નથી બોલતી એ જાણે અણગમો થતો હોય એવું મને લાગ્યું. મારી પત્ની આવી રીતે કામમાં મગ્ન નથી થતી. એ અત્યારે કદાચ મારા નાના ભાઈ સાથે ખેતર સાચવવા ગઈ હશે. બેય દિયર-ભોજાઈ ગમ્મત કરતાં હશે. મારો નાનો ભાઈ એેને ઉખાણાં પૂછતો હશે. એક ઉખાણું મને લગતું થઈ જશે ને કદાચ એથી વ્યાકુળ થઈને તેણે બોરડીની ડાળ પર બેઠેલો પોપટ બતાવ્યો હશે. ઘણી વખત દુઃખી માણસો ન જોવા જેવુ જોતાં હોય છે. બીજાની વાત જવા દઉં; મારી જ વાત કરું. બધા દર્દીઓ બગીચામાં બેઠા હતા, સોમો ઘરની વાત કરતાં કરતાં વેપારની વાતે ચડીને રોગની વાત કરતો હતો ત્યારે મેં રામફળી નીચે પડેલું પોસ્ટકાર્ડ સૌને બતાવેલું. આ પોસ્ટકાર્ડ આવી રીતે રામફળી નીચે ઝાંખરામાં પડ્યું છે તે કોનું હશે વારુ? પછી તો અમે ખૂબ હસેલા... ખૂબ. મને તો પેટમાં સણકો ઊપડેલો ને મેં પત્ર વાંચેલો. માત્ર બે જ વાતો હેરવીફેરવીને લખેલી. ચિંતા કરશો નહીં અને કાગળ લખશો. (આવતા સપ્તાહે સમાપ્ત...)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter