નવલિકાઃ સગી

રાવજી પટેલ Wednesday 15th December 2021 05:09 EST
 
 

(ગતાંકથી આગળ)

ચિંતા કરશો નહીં અને કાગળ લખશો. મારી નજર નંબર ૧૦ ભણી ગઈ. એ કંઈ હવે બાબો નથી તે જાતે નખ ન કાપી શકે! કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે કે લેંઘાનો ચીરો સાંધતાંય ‘એને’ ચીડ ચડે. નખ કાપતાં પણ એની જીભ ચાલ્યા કરે છે.
‘તમારા હાથમાં હવે રતાશ આવી ગઈ છે.’ મેં નહોતી ઇચ્છા તોય મારા હાથ જોઈ નાખ્યા. ‘બિલકુલ મારા હાથ જેવી જ રતાશ! તમે હસો નહિ તો એક વાત કહું!’ મારા કાન સરવા થઈ ગયા. આ બે જણ જાણે ઘઉંના ખેતર વચ્ચે લપાઈને બેઠાં છે.
‘કહે.’ ‘મેં બાધા માની છે.’
પેલો ખડખડ હસી પડ્યો. મને ચીડ ચડી. આ સ્ત્રી સાવ ઓર્થોડોક્સ છે. દેખાવે મોડર્ન લાગે છે. એના મોંમાંનો ‘બાધા’ શબ્દ ઘઉંના ખેતર વચ્ચે (ન હોય એવા) બાવળિયા જેવો લાગે છે.
‘કોની બાધા રાખી છે?’
‘દાવલશા પીરની.’
‘પીરની?’ ફરી પાછો મૂર્ખો હસી પડ્યો. મને સમજાતું નથી આમાં હસવાનું કયાં - શું આવ્યું? મારા માસ્તરસાહેબની માએ અંબાજીની બાધા રાખી ત્યારે એવાય થોડું થોડું હસ્યા હતા, પછી કહેતા હતા - મા, મને તો ચાર દિવસથી મટી ગયું, તું બાધા રાખે તે પહેલાં.
‘તમને તદ્દન સારું ન થાય ત્યાં લગી હું ઘી નહીં ખાઉં. સાજા થશો ત્યારે પીરના સ્થાનકે લાડવા જમાડીશ.’
મને પેલી વાત સાંભરી ઋણમ્ કૃત્વા ધૃતમ્ પિવેત। સ્વાદને ટકાવવા માટે ઘી તો જરૂરી છે. હાઉએવર ધીસ લેડી ઈઝ ઓર્થોડોક્સ. શી હેઝ નો કોમન સેન્સ. એ ચપ્પુ ધોવા ગઈ એટલા અવકાશમાં મિ. ૧૦ મારી સાથે વાતે વળગ્યો.
‘સ્ત્રીની જાત ખૂબ લાગણીશીલ. મેં એને અમસ્તું જ લખ્યું ને એ કષ્ટ વેઠીને પણ દ્રાક્ષ લેતી આવી.’ શિષ્ટતા ખાતર મારે બોલવું પડ્યુંઃ
‘તમે ભાઈ, સદ્ભાગી છો.’
નજીક આવતાં આ સાંભળી ગઈ. તરત જ બોલીઃ
‘અને હું શું દુર્ભાગી છું?’ નં. ૧૦ ઉદ્દેશીને કહ્યું, ‘તમને એકલાને સદ્ભાગી કહ્યું ને મને તો એમણે કહ્યું જ નહીં! હજી કુંવારી છું એટલે?’ ને હસતાં મને પૂછી બેઠીઃ
‘તમે પરણેલા છો કે કુંવારા?’
આવી રીતે સીધો જ પ્રશ્ન કરવામાં મને તે ગ્રામ્ય લાગી. તોય મેં જો એે ઉત્તર આપ્યો તો મારે અસત્ય નહોતું બોલવું જોઈતું. સભ્ય થઈને પૃચ્છકને બનાવું એમાં વિવેક ન ગણાય. એ એની આદત અને પ્રીતિને લીધે વારંવાર મળવા આવે એનો મારા ચિત્તમાં અંશમાત્ર પ્રતિભાવ ન પડવો જોઈએ. આશરે સવા મિનિટ આ જાતતપાસ ચાલી. મહાન પુરુષની જેમ મેં નિર્દોષ સ્મિત કર્યું. ગૌતમે ફોટામાં પલાંઠો વાળ્યો એમ પલંગમાં બેઠો. સાચી વાત ઉચ્ચારવા મારી જીભ કેમે કરી તત્પર ન થઈ એનો વિષાદ ચહેરા પર આવ્યો હોય એવું ચિત્તમાં થયું. જ્ઞાની માણસ જો બ્રહ્મની સ્થિતિ પામે તો તેને કદાપિ ઉદ્વેગ નથી થતો એવું વિચારી પ્રયાસ મોકૂફ રાખ્યો. મોકૂફ ન રાખત પણ પેલી સ્ત્રીએ દાડમના દાણા ખાવાનો મને આગ્રહ કર્યો. જેટલી ત્વરાથી હથેળીમાં દાણા પડ્યા એથી બલકે એથીય બમણી ત્વરાથી ચિત્તમાં સંમોહ થયો. શ્રીકૃષ્ણે અર્જુનને કહેલું એથી ઊલટું થયું. સંમોહથી સ્મૃતિ નાશ થવાને બદલે સ્મૃતિના દાણાથી ચિત્ત છલકાઈ ગયું. મને ચિંતા થઈ એમ મારે કહેવું જોઈએ. ગઈકાલના માવઠાની મારા ઘઉં પર માઠી અસર થઇ હશે. મને પત્ર લખવાનું પણ વિસરી ગયાં હશે. મને લગતું ઉખાણું બાંધેલું ને બાંધેલું જ જીભ પર રહી ગયું હશે.
‘લો દ્રાક્ષ પણ ચાખો.’ ઘરવાળાંએ કાળજીથી ઊભા ઘઉંને કાપી કાપી બચાવી લીધા હોય એવી શાંતિ થઈ. મને એ જ ક્ષણે મારી ભૂલ સુધારવાનું મન થયું, પણ કેમે કરી જીભ ન ઊપડી.
‘તમે કદી બોલતા નથી, આજે બોલ્યા એ સારું થયું. ઓછું બોલે તે સારું જ બોલતા હોય છે. દ્રાક્ષ મેં સાફ કરી છે.’ હું દાડમ-દ્રાક્ષ ખાવા લાગ્યો. મને દૂરનો એક પસ્તાવો થયો. નજીવી બાબતમાં પત્નીને મેં ધૂતકારી કાઢી હતી. દ્રાક્ષ-દાડમ ખાતાં ખાતાં મને શુંય થઈ ગયું કે હું થોડોક લવારો કરી ગયો.
‘મેં આ રીતે કદી દ્રાક્ષ નથી ખાધી. આવી રીતે દાડમમાં લાગી. મને પહેલાં નહોતી મળી. પહેલાં હું ખૂબ દુઃખી હતો. આ રોગથી મને આ ક્ષણે લેશમાત્ર દુઃખ નથી થતું કેમ કે દ્રાક્ષના દાણામાં તમે મને સુખ થાય એવું ઔષધ આપ્યું છે.’
બારીમાંથી ઠંડો પવન આવતો હતો. એ પવન મારા ગામની દિશામાંથી આવે છે. બનવાજોગ છે કે મારા બાપુજી બધાંની સાથે બેઠા હોય. ઉંબરની પેલી તરફ લાજ કાઢીને ચિંતનની બેઠી બેઠી આગંતુક સમયની કાળજી લેવાની મનોમન પ્રતિજ્ઞા લેતી હશે. ભીની આંખોમાંથી માવઠું હજી ખસ્યું જ નહિ હોય. અરે, આ શું? આ કેમ આમ ઊભી ઊભી ચૂપચાપ પાલવનો છેડો મોં તરફ લઈને - શું થયું આ બચારીને? મિ. ૧૦ને બોલવાનું લગીરે ભાન નથી. નજીવી બાબતમાં પત્નીને ધૂત્કારી કાઢવાનો ભાવ બહુ વહેલો આને થયો હશે. આ તો હજીય પાલવના છેડાથી આંખો લૂછે છે! મિ. દશે એને કશુંક ચિંતાસ્પદ કહી નાખ્યું હશે. એ વાચાળ કદી રડવાની જ નહોતી, તે અત્યારે મચ્છરદાનીનો સળિયો પકડી ઊંચું પણ જોતી નથી. ને વોર્ડના જંગી માથામારુઓ પૂછાપૂછ કરવાની કરવાની તૈયારી પડી ગયા છે. ઠંડો પવન વાતો હોય ત્યારે સૌએ ઓઢીને સૂઈ જવું જોઈએ. બધાને આમ કુતૂહલ ન થવું જોઈએ. જો આ ઘરમાં ઉંબરાની પેલી તરફ એકલી એકલી આંસુ સારતી હોત તો બારસાખ પર ચડતી કીડી પણ ન જાણી શકત.
‘અલ્યા ભાઈ, તમે આને સમજાવોને, પાંસળીનું ઓપરેશન કંઈ ગંભીર નથી હોતું. આટલી સમજુ થઈને આ -’
મેં પાંસળીના ઓપરેશનનની સરિયામ સફળતા ઉપર પંદર મિનિટનું માવઠું ઠલવ્યું. હું સાક્ષાત શ્રી પરમ નરમ પરમાત્મા જ હોઉં એમ તેણે મારા ચહેરાને જોયો. સંતુષ્ટ થતી હોય એમ સ્ટૂલ પર બેઠી. એને એમ હશે - જે બોલતો નથી તે બોલે તે સારું જ બોલે. ને હું સારું બોલ્યો હતો એમાં શંકા નથી. ગૌતમની છટાથી વાળેલો પલાંઠો ખોલી નાખ્યો અને હું મિ. ૧૦ના પલંગ પાસે ગયો. સંકોચ વગર હાથ લંબાવતાં કહ્યુંઃ ‘મને દ્રાક્ષ આપો.’ એ દ્રાક્ષ આપતી હતી ત્યારે મારાથી બોલાઈ ગયું.
‘તમે સાચે જ સદ્ભાગી છો.’
એ હસી પડી. (સમાપ્ત)
• • •


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter