અણધાર્યા કામને પાર પાડવાનો અકસીર ઉપાયઃ સ્ટ્રેસમાં અટવાયા વગર હાથપગ હલાવવા મંડો

- રોહિત વઢવાણા Tuesday 17th October 2023 12:56 EDT
 
 

અણધાર્યા કામ આવી જાય અને તમારે પહેલાથી પ્લાન કરેલા કામ અટકાવવા પડે ત્યારે કેટલી તકલીફ પડે છે? શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે નવા અને અણધાર્યા આવેલા કામે તમારું બધું જ આયોજન બગાડ્યું હોય? આવા સમયે એટલું દુઃખ થાય છે કે કેમ કરીને આ નવા આવી પડેલા કામને ટાળવું? પરંતુ પરિસ્થિતિ ક્યારેક તો એવી હોય છે કે નવું આવેલું કામ છોડી શકાય તેમ હોતું નથી કેમ કે તે એટલું અગત્યનું હોય છે કે તે ન કરવાથી આપણને નુકશાન થઇ શકે અથવા તો કોઈને ભારે નુકશાન થઇ શકે તેમ હોય છે. ક્યારેક એવું અણધાર્યું કામ અગત્યનું હોવા કરતા તાકીદનું વધારે હોય છે. એટલે કે અર્જન્ટ હોય છે જેને તાત્કાલિક ન કરવામાં આવે તો પછી પસ્તાવું પડી શકે. એવો પસ્તાવાનો વારો ન આવે, પછીથી અફસોસ ન કરવો પડે એટલા માટે આપણે તે કામને તાકીદે પતાવી દેવા માંગતા હોઈએ છીએ. તેને લઈને નાહકનું ટેન્શન કે સ્ટ્રેસ લેવાનો કોઈ ફાયદો નહિ તેવું વિચારીને આપણે તે કામ શરૂ કરીએ છીએ.

આવા તાકીદના કે અગત્યના કામ તમારી સામે આવે ત્યારે તમે તેને કેવી રીતે હેન્ડલ કરો છો તે પણ એક શીખવા જેવી કળા છે. એક વખત એક અધિકારીને મંત્રીની ઓફિસમાંથી ફોન આવ્યો કે તમને કોઈ ઇમેઇલ મોકલ્યો છે અને તેના પર તાત્કાલિક એક્શન લેવાના છે. અધિકારી તે વખતે કોઈ મિટિંગમાં હતા અને તેઓએ ઇમેઇલ ખોલીને જોયો તો તેમના કપાળે પરસેવો વળી ગયો. ‘બાપ રે આટલી બધી માહિતી માંગી લીધી છે ઈમેઈલથી. તેને એકઠી કરવામાં જ કેટલો સમય લાગી જશે.’ તેમણે તરત જ મિટિંગ બરખાસ્ત કરી અને પોતાની ઓફિસમાં ગયા. પર્સનલ સેક્રેટરીને કહીને તેની ઓફિસના બધા જ અધિકારીઓને હાજર કરાવ્યા. જેવા સૌ હાજર થયા કે એ સાહેબે ઇમેઇલ સૌને વાંચી સંભળાવ્યો. ‘હવે આટલી બધી માહિતી એકઠી કરીને આજે સાંજ સુધીમાં કેવી રીતે મોકલશું? તમને ખબર છે છેલ્લા દશ વર્ષની ફાઈલો શોધવી પડશે.’ એક જુનિયર ઓફિસરે કહ્યું, ‘સાહેબ, કામ શરૂ કરી દઈએ. બધા સાથે મળીને કરીશું તો થઇ જશે.’ સાહેબ બગાડ્યા, ‘કઇ રીતે થઇ જશે? તમને ખબર પણ છે દશ વર્ષમાં કેટલી ફાઈલો એકઠી થઇ હશે?...’ અને એ રીતે સાહેબે લવારો ચાલુ રાખ્યો. લગભગ દોઢ-બે કલાક સુધી તેમને આ રીતે વાતો કરી કરીને, સૌને સ્ટ્રેસ આપ્યો. આખરે તેમનો બોલવાનો વારો પૂરો થયો ત્યારે તેમણે જાતે જ સૂચન કર્યું, ‘હવે આમ કંઈ બેસી રહેવાથી થોડું કામ થશે? જાઓ સૌ લાગી જાઓ ફાઈલો એકઠી કરવામાં. અને જલ્દી મને રિપોર્ટ કરો.’
બધા ઓફિસરોએ એકબીજા સામે જોયું અને બહાર નીકળીને કોઈ બોલ્યું પણ ખરા કે આટલી લપ કરવા કરતા તો કામ શરૂ કરી દીધું હોત તો અત્યાર સુધીમાં કેટલુંય પતી ગયું હોય. સૌ ખંતથી પોતપોતાના વિભાગમાં ફાઈલો શોધવા લાગ્યા. તેમાં રહેલી માહિતી એકઠી કરવા લાગ્યા અને સાંજે છએક વાગ્યા સુધીમાં બધું તૈયાર થઇ ગયું અને મંત્રીની ઓફિસમાં મોકલાઈ પણ ગયું. આખરે કામ કરવું મુશ્કેલ હોતું નથી, પરંતુ તેને કરવા માટે જે તાકીદ કે અર્જન્સી હોય છે તે ટેન્શન આપે છે. જે વ્યક્તિઓ એવું ટેન્શન સહી શકે અને કામ શરૂ કરી શકે તેઓ જલ્દી આવી સ્થિતિને હેન્ડલ કરી લે છે, પરંતુ જે તણાવમાં આવી જાય છે તેઓ માટે પરિણામ મોડું જ આવે છે.
આવી તાકીદની અને ટેન્શન વાળી સ્થિતિમાં કામ સફળતાપૂર્વક પૂરું કરવાનો એકમાત્ર ઉપાય છે - કામે લાગી જાઓ. તણાવ કે સ્ટ્રેસની લાગણીઓને ન ગણકારો અને માત્ર એક જ વાત પર ધ્યાન આપો કે કર્યા વિના કામ આપોઆપ થશે નહિ માટે જલ્દીથી હાથપગ હલાવવા મંડો અને કામ કરવા માંડો. એ જ એક રસ્તો છે તાત્કાલિક અને અણધાર્યા આવી પડેલા કામને સરળ રીતે અને સફળ રીતે પાર પાડવાનો. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus