આ જીવન એક પ્રવાસ છે, મંજિલ ક્યાંક સમતલ છે તો ક્યાંક અવરોધ છે

આરોહણ

- રોહિત વઢવાણા Wednesday 12th July 2023 10:39 EDT
 
 

પ્રતિરોધ ઉભો ન થાય ત્યાં સુધી આપણી ઈચ્છાઓ સાનુકૂળતાથી વધ્યા જ કરે છે. સાઇકલ લેવાની ઈચ્છા થાય અને તે કોઈ મુશ્કેલી વગર પુરી થઇ જાય તો મન સ્કૂટર લેવાની ઈચ્છા કરે છે. સમય જતાં તે તલસાટ પણ સંતોષાઈ જાય તો કોણ મોટરગાડીની ઈચ્છાને રોકી શકે? આપણા પ્રયત્નો અને પ્રગતિનું પણ ઈચ્છા જેવું જ છે. જ્યાં સુધી કોઈ ખાસ અવરોધ સામે ન આવે ત્યાં સુધી આપણે પ્રયત્ન કર્યે જઈએ છીએ અને તેનું ફળ મળ્યા કરે છે પરંતુ જયારે પ્રયત્નમાં જ કોઈ પ્રતિકૂળતા સામે આવે છે ત્યારે આપણા પ્રયત્નની માત્ર કસોટી જ નથી થતી, પરંતુ પુરુષાર્થ માટેના મનોબળની પણ ચકાસણી થઇ જાય છે.

વિદ્યાર્થી ભણવામાં સારો હોય અને રોજ મહેનત કરીને વાંચ્યે જાય તેવા પ્રયત્નો સફળતા અપાવે છે અને સરળતાથી પાસ પણ થઇ જાય છે પરંતુ જયારે તે વિદ્યાર્થીને કોઈ પ્રશ્નનો ઉકેલ ન મળતો હોય અને તેમાં મદદ કરનારું કોઈ ન હોય ત્યારે તેની ગાડી અટકી પડે છે. વળી, જો તે સમયે તે કુમાર કોઈ સહાધ્યાયીના પ્રેમમાં પડે તો મનમાં વાંચનને બદલે કંઈક બીજું ચાલવા લાગે છે અને પરિણામે મહેનતમાં અવરોધ આવે છે. આવા અવરોધને જીતવો અને પ્રયત્નો અવિરત ચાલુ રાખવા મુશ્કેલ છે.

શું તમારી સાથે પણ કોઈ ક્ષેત્રમાં એવું થઇ રહ્યું છે? તમે પ્રયત્ન તો કરતા હો પરંતુ જયારે કોઈ અવરોધ આવે, અડચણ આવે ત્યારે મનોબળ ભાંગી પડે, અન્યથા કરતા હોય તેટલી મહેનત પણ ન થાય અને અત્યાર સુધી કર્યું તે બધું જ વેડફાઈ ગયું હોય તેવી નિરાશા જાગે? આ સ્થિતિ સામાન્ય છે. સાઇકલને જો સીધા રસ્તા પર ચલાવો તો ધીમે ધીમે પેન્ડલ માર્યા કરવાથી તે દોડ્યા કરે છે, ઢાળ પરથી ઉતારવી હોય તો તો વગર પેન્ડલ માર્યે જ ઉતરી જાય છે, પરંતુ જયારે ઢાળ ચઢાવવાની વાત આવે છે ત્યારે પેન્ડલ મારવામાં વધારે જોર પડે છે. સાઇકલ ઉપર ચડવાને બદલે નીચે ઉતરે છે, આગળ વધવાને બદલે પાછી જાય છે. તેના માટે ભૌતિક વિજ્ઞાનના ક્યાં નિયમો જવાબદાર છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તેવા જ નિયમો આપણા રોજબરોજના જીવનમાં પણ લાગે છે તે વાત સમજવા જેવી છે.

કોલેજના એક વિદ્યાર્થીએ હંમેશા પહેલા નંબરે પરીક્ષા પાસ કરી હતી. જીવનમાં ક્યારેય તેનો બીજો નંબર આવ્યો નહોતો. ફાઇનલ યરમાં પરીક્ષાના એક મહિના પહેલા તેને અચાનક કોઈ બીમારી લાગુ પડી ગઈ અને તે પથારીવશ થઇ ગયો. હવે કરવું શું? એક મહિના પછી પરીક્ષા છે અને કોલેજ કે ટ્યુશન જઈ શકાય તેમ નથી. દિવસે દિવસે તેનું મગજ ચકરાવે ચડવા લાગ્યું. તેને ટેન્શન થવા લાગ્યું. હળવું હળવું માથું દુખ્યા કરે અને વાંચવાની ઈચ્છા જ ન થાય. શું હવે ફેઈલ થઇ જવાશે કે પછી થોડા માર્ક્સ ઓછા આવશે? આવા પ્રશ્નો તેને અંદર અંદરથી કોરી ખાતા હતા. પોતાની અંદર ચાલતા આ દ્વંદ્વથી બચવા તે નેટફ્લિક્સ જોવા લાગ્યો અને દિવસ-રાત સીરિઝ અને ફિલ્મોમાં પોતાની જાતને મશગુલ કરવા લાગ્યો.

એક અઠવાડિયું ગયું. તેના માતા-પિતાએ જોયું છે દીકરો આ રીતે તો નાપાસ થઇ જશે અને આખું વરસ બગડશે. તેમને કોલેજમાં પ્રિન્સિપાલ સાહેબને ફોન કર્યો. તેમણે કહ્યું કે પોતે જાતે આવીને એમને સમજાવશે. બીજા દિવસે તેઓ આવ્યા અને યુવાનને નેટફ્લિક્સમાં તરબતર જોયો. તબિયતપાણી પૂછ્યા બાદ પ્રિન્સિપાલ સાહેબે વિદ્યાર્થીને કહ્યું, ‘જીવન મુસાફરી છે. હંમેશા સમતલ સપાટી પર ચાલવાનું હોય તેવું ન બને. ક્યારેક રણ પણ આવે અને દરિયો પણ આવે. ખીણો પાર કરવી પડે અને પહાડો પણ ઓળંગવા પડે. મલ્ટી-મોડ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને જે વ્યક્તિ પોતાની રાહ પર આગળ ચાલતો જાય તે જ મંઝિલે પહોંચે છે. સમતલ સપાટી પર તમારી ઝડપ જેટલી હોય તેટલી દરિયાના પાણી પર ન હોઈ શકે. પહાડ ઉતરતી વખતે જેટલી સરળતા હોય તેટલી જ તકલીફ પહાડ ચડતી વખતે પડતી હોય છે. અત્યારે તારી સામે પહાડ છે. ધીમે ધીમે કરીને ચડી જા તો પછી તો ઢોળાવ જ મળશે. કોઈ પર્વત એવો બન્યો નથી જેનું ચઢાણ પુરું કર્યા બાદ ઢોળાવ ન મળે.'

વિદ્યાર્થીને આ વાત સમજાઈ ગઈ. તેણે નેટફ્લિક્સ બંધ કર્યું અને ધીમે ધીમે ફરીથી વાંચવાનું શરૂ કર્યું. બીમારીને કારણે તેની વાંચવાની ઝડપ અને એકાગ્રતા ઓછા થઇ ગયેલા પરંતુ તેમ છતાંય તે ધીમે ધીમે આકરા ચઢાણ ચડતો ગયો અને પરીક્ષા સુધી નિરાશ થયા વગર મહેનત કરતો ગયો. પરિણામ તેના ડર કરતા ઘણું સારું આવ્યું. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus