ઉતાવળે અનુમાન અને અભિપ્રાય ટાળો, સામેવાળાના સમય - સંજોગોને માન આપો

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 06th December 2022 04:43 EST
 
 

લોકોની એવી વૃત્તિ હોય છે કે બીજાની દરેક ક્રિયા અને પ્રવૃત્તિને તેમનો સ્વભાવ ગણાવે જયારે પોતાની કોઈ ક્રિયાને બાહ્ય સંજોગોનું પરિણામ. ઘણી વાર એવું થતું હોય કે સામેવાળી વ્યક્તિ સમયસર ન આવી શકે તો આપણે કહેતા હોઈએ છીએ કે તેની તો આદત જ છે મોડા આવવાની, ક્યારેય સમયસર આવતા જ નથી. તેમને બીજા કોઈના સમયની કદર જ નથી. અને જો મોડું પોતાનાથી થયું હોય તો આપણે કહીયે છીએ કે એમાં અમારો શું વાંક? ટ્રાફિક કેટલો હતો. અમે તો સમયસર પહોંચવાની કોશિશ કરી જ હતીને. એમને શું ખબર કેમ કરીને પહોંચ્યા છીએ. મોડા તો મોડા, આવ્યા તો ખરાને. આવા વાક્યો આપણે વારેવારે સાંભળતા અને ઉચ્ચારતાં હોઈએ છીએ.

ક્યારેક કોઈ રેસ્ટોરન્ટમાં પાંચ સાત મિત્રો સાથે ડિનર કરવા મળ્યા હોઈએ અને જો કોઈ એકાદ મિત્ર ખિસ્સામાં હાથ ન નાખે તો આપણે તે કંજૂસ છે તેવો અભિપ્રાય બનાવીએ છીએ. ક્યારેક એવું પણ બને કે તે પર્સ ભૂલી ગયો હોય કે પછી તે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો હોય. કોઈક વખત પાર્ટીનું આયોજન કરીએ અને એકાદ મિત્ર આવવાની ના પડે તો જરૂરી નથી કે તે હવે આપણાથી દૂર થઇ રહ્યો છે. શક્ય છે તેને વાસ્તવમાં જ કોઈ જરૂરી કામ હોય અથવા તેની તબિયત સારી ન રહેતી હોય અથવા તો તેના પરિવારમાં કોઈ સમસ્યા હોય અને તે પાર્ટીમાં આવવાની માનસિક સ્થિતિમાં ન હોય તેવું પણ બની શકે. આવી અનેક પરિસ્થિતિગત મર્યાદાઓને ધ્યાનમાં આપણે લેતા નથી અને સામેવાળી વ્યક્તિ પ્રત્યે અભિપ્રાય બનાવી લઈએ છીએ જેથી કરીને આપણું તેની સાથેનું વર્તન બદલાય છે, ક્યારેક મનમાં કડવાશ આવે છે અને ઘણી વાર આપણા સંબંધ પણ બગડે છે.

કોઈ પણ બાબતમાં જયારે બીજી કોઈ વ્યક્તિના વર્તનની વાત હોય તો આપણે અન્ય પરિબળોને ધ્યાનમાં લીધા વિના જ દોષારોપણ કરી દેવા તત્પર હોઈએ છીએ. તેનું કારણ એ છે કે આપણને કોઈની પરિસ્થિતિ અંગે ખ્યાલ હોતો નથી એટલા માટે આપણા વિચારમાં તે આવતી નથી. પરંતુ પોતાની બાબતમાં આપણે બધી જ હકીકતથી વાકેફ હોવાને કારણે તરત જ અન્ય પરિબળો આપણી સહાયમાં આવી જતા હોય છે. આ વલણને કારણે ઘણી વાર આપણે બીજા લોકો સાથે અન્યાય કરી બેસતા હોઈએ તેવું બને. જોકે આપણો ઈરાદો કોઈની લાગણીને ઠેંસ પહોંચાડવાનો ન પણ હોય તેમ છતાં આપણા અનુભવ અને દૃષ્ટિકોણની મર્યાદાને કારણે આવું બનતું હોય છે.

આ રીતે બીજા અંગે અભિપ્રાય બનાવી લેવાથી, તેમના અંગે અનુમાન લગાવી લેવાથી તેમની સાથેના આપણ સંબંધ તો ખરાબ થાય જ છે પરંતુ સાથે સાથે જો તેમના અંગેનો આપનો અભિપ્રાય કોઈ બીજા સામે વ્યક્ત કરીએ તો અન્ય લોકો પણ ખોટો અભિપ્રાય બનાવી લે તેવું બને છે. એટલા માટે કોઈ વ્યક્તિ અંગે દોષારોપણ કરતા પહેલા કે એકાદ ઘટનાને તેમના સ્વભાવની લાક્ષણિકતા માની લેતા પહેલા તેમના બધા જ સંજોગોને સમજવાની કોશિશ કરવી જોઈએ. જો પોતાનાથી તેમની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું શક્ય ન હોય તો તેમની સાથે વાતચીત કરીને સમજવાની કોશિશ કરવી જોઈએ. અન્ય લોકો પ્રત્યે અને તેમની સ્થિતિ અંગે થોડા સહાનુભૂતિપૂર્ણ રહેવું આવશ્યક છે. આવી કરુણા અને સહાનુભૂતિ ન વિકસાવીએ તો આપણાથી કોઈને અન્યાય થઇ જાય તેવું બને.

જયારે પણ ભવિષ્યમાં તમારું મન આ રીતે કોઈના અંગે અનુમાન લગાવે ત્યારે એક ક્ષણ માટે થોભી જજો અને પછી પોતાને તેની સ્થિતિમાં મૂકીને એ વિચારવાની કોશિશ કરજો કે કેટલીય અન્ય પરિસ્થિતિઓ હોઈ શકે જેને કારણે સામે વાળી વ્યક્તિનું વર્તન એ પ્રકારનું હતું. આ રીતે થોડી કરુણા અને સહાનુભૂતિ કેળવવાથી આપણે સૌના માટે આપણા મનમાં લાગણી, સ્નેહ અને સમ્માન જળવાઈ રહેશે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus