મોટાભાગના લોકો આખી જિંદગી કારકિર્દી - કરીઅર માટે દોડ્યા કરે છે. ભલે તે નોકરી હોય કે ધંધો હોય. સારી આવક થતી હોય. આર્થિક સ્થિતિ સારી હોય. મોભાદાર સ્થાન સમાજમાં મળી રહે અને પોતાની તથા પરિવારની જરૂરિયાત જ નહિ, પરંતુ બધી ઈચ્છાઓ પણ પૂરી થઇ શકે એટલા માટે સૌ દિવસરાત મહેનત કર્યા કરે છે. તેનાથી આગળ વધીને હવે તો કરિઅરમાં ચડસાચડસી પણ થાય છે. એકબીજાથી આગળ નીકળવાની રેસ ચાલુ જ રહે છે. સોશિયલ મીડિયા પર પણ સારા દેખાવાની, બીજાને પ્રભાવિત કરવાની હોડ સતત ચાલે છે. આ બધું જ કારકિર્દી માટે છે. કરીઅર માટે છે.
પરંતુ જયારે કરીઅર ખતમ થાય - કારકિર્દી સમાપ્ત થાય પછી શું બચે? ક્યારેક તો માણસ પોતાની કારકિર્દી પૂરી કરેને? નિવૃત થાયને? ઘણા લોકો તો તે પણ કરતા નથી. મોટી કંપનીમાં મેનેજર તરીકે કારકિર્દી બનાવનાર જયારે મેનેજર ન રહે ત્યારે શું રહે છે? સરકારમાં મોટા અધિકારી જયારે નિવૃત થઇ જાય ત્યારે કેવી રીતે ઓળખાય છે? ટૂંકમાં કારકિર્દી ખતમ કર્યા બાદ આપણી ઓળખ શું છે? આપણું અસ્તિત્વ શું છે? આપનો નિત્યક્રમ શું છે? આપણે કેવી રીતે પોતાનો સમય પસાર કરીએ છીએ? જીવનનો ઉદેશ્ય હવે શું છે? આ બધા જ પ્રશ્નો પૂછવા જેવા છે. કેમ કે જીવનમાત્ર કારકિર્દી ઘડવા માટે નથી. પૈસા કમાવા માટે નથી. સત્તા ભોગવવા માટે નથી.
આપણે નાના હોઈએ ત્યારે જ આપણા માતાપિતા સારી શાળામાં આપનો દાખલો થઇ જાય તેના માટે પ્રયત્ન કરતા હોય છે. આપણું ભણતર, તાલીમ, ઉછેર બધું જ કારકિર્દીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. મોટા થઈને શું બનવું છે તેની ચિંતા અને ઉત્સુકતા આપણને હંમેશા જ રહે છે. આપણાં કરતાં વધારે આપણા માતાપિતાને રહે છે. તેઓ ઈચ્છે છે કે તેમનું સંતાન જીવનમાં ખુબ સારી કારકિર્દી ઘડીને સુખી થાય, નામ કમાય. એટલે કે જાણે આપનો જન્મ જ કારકિર્દી માટે થયો હોય તેવી રીતે આપણે જીવતા હોઈએ છીએ.
મોટાભાગના લોકો ક્યારેય એ વિચાર કરતા નથી કે નિવૃત થઈને શું કરીશું? કારકિર્દી પૂરી કર્યા બાદ સમય કેવી રીતે પસાર થશે. ક્યું કામ કરવું ગમશે. કેવી રીતે આપણે પોતાની જાતને વ્યસ્ત રાખીશું. કોઈ ઉદેશ્ય બચશે જીવનમાં કે નહિ તે પણ આપણને ખબર હોતી નથી. જાણે નિવૃત્તિ બાદના બધા જ દરવાજા બંધ હોય તે રીતે આપણે જીવીએ છીએ. ઘણીવાર તો આપણે નિવૃત્તિ બાદ પણ પોતાની કારકિર્દીને માથે ચલાવીને ફરતા હોઈએ છીએ. તેનો મોભો, તેની પ્રતિષ્ઠાના આધારે સમ્માન શોધ્યા કરીએ છીએ. તો શું તેમનું જીવન માત્ર કામ કરવા માટે જ હતું?
કારકિર્દી જીવનનું એક પાસું છે. બહુ મહત્ત્વનું પાસું છે. પરંતુ બીજા પાસાઓ અંગે જયારે આપણે ઉદાસીનતા સેવીએ ત્યારે કારકિર્દી પૂરી થતાં બધું સૂનું સૂનું લાગે છે. એવું ન થાય એટલા માટે જીવનમાં શોખ રાખવા જરૂરી છે. મિત્રો રાખવા જરૂરી છે. લોકો સાથે મળતા રહેવું જરૂરી છે. કામ પૂરું કરીને ઘરે આવીને કૈંક બીજી પ્રવૃત્તિમાં મન લગાવવાથી કામની વાતો બહાર નીકળી જાય છે. સવારે અને રાત્રે માત્ર ઓફિસ અંગે વિચારી વિચારીને આપણું જીવન ઓફિસના ફર્નિચર જેવું ન બની જાય એટલા માટે એ આવશ્યક છે કે આરોગ્ય, પરિવાર, મિત્રો, આનંદપ્રમોદ અને અધ્યાત્મને પણ જીવનમાં યોગ્ય સ્થાન આપીએ. તેના માટે થોડો થોડો સમય કાઢીએ અને તેમને પણ સાથે સાથે વિકસાવતા રહીએ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)

