જરા ચેક તો કરો કે મોબાઇલ તમારો મદદગાર છે કે તમારો મૂલ્યવાન સમય ભરખી જતો શેતાન

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 10th January 2023 01:20 EST
 
 

મોબાઈલ આજના સમયની તાતી જરૂરિયાત છે. તેના વિના જીવન ચાલે તેમ નથી. પરંતુ તમે મોબાઈલને કેવી રીતે ઉપયોગમાં લો છો તે પણ મહત્ત્વનું છે. કેટલાક લોકો માટે મોબાઈલ ખુબ ઉપયોગી સાધન હોઈ શકે અને કેટલાક લોકો માટે તે કામમાં ખલેલ પાડનાર શેતાન. તમારા માટે મોબાઈલ શું છે તેનો આધાર તમારા પ્રોફેશન, બિઝનેસ અને મોબાઈલના ઉપયોગ પર નિર્ધારિત રાખે છે.

એક કામ કરજો. મોબાઈલનો બેટરી યુઝ જોજો. સેટિંગ્સમાં જઈને બેટરી અને ડિવાઇસ કેરના ઓપ્શનમાં તમને મોબાઈલની બેટરી કઇ એપ કેટલી પર વપરાઈ છે તે જોવા મળશે. તેમાં થોડી વધારે છાનબીન કરશો તો સમજાશે કે મોટાભાગે તમારી બેટરીના કેટલા ટકા કઇ એપ પર વપરાય છે. શું તમે ફોન પર વાત કરવામાં વધારે બેટરી ખર્ચો છો કે પછી વોટ્સએપ પર. શું તમે ગુગલ પર બેટરીના વધારે પર્સેન્ટેજ વાપરો છો કે અન્ય કોઈ એપ પર. આ ડેટા પરથી તમે પહેલું તારણ કાઢી શકશો કે તમારો મોબાઈલ મોટા ભાગે કોઈ પ્રોડક્ટિવ કામ માટે વપરાય છે કે પછી યુટ્યુબ પર વીડિયો જોવા માટે કે પછી કોઈ ગેમ રમવા માટે.

આ ડેટા તમારા માટે એક રીતે દિશાસૂચક સાબિત થઇ શકે છે. જો તમારો સમય એવી રીતે વધારે વેડફાતો હોય કે જે તમારી કારકિર્દી કે વિકાસમાં કોઈ જ રીતે મદદરૂપ ન થતું હોય તો ચેતવાનો સમય આવી ગયો છે. એક વાર આ રીતે ડેટા ચેક કરીને તમને સમજાઈ જાય કે તમે સાચા રસ્તે છો કે ખોટા, તો પછી તમારે આગળ શું કરવું તે તમારા હાથમાં જ છે. ક્યારેક આપણે ન ઇચ્છતા હોવા છતાં પણ અમુક એપ પર આપણો વધારે સમય જતો રહેતો હોય છે. કોઈ લોકો મોબાઈલ હાથમાં લે કે તરત જ ગેમ રમવાનું શરૂ કરી દે છે. અમુક લોકોને વોટ્સએપ અને ટ્વીટર પરેશાન કરે છે.

અનિચ્છનીય રીતે બિનઉપયોગી એપ પર તમારો સમય પસાર થવો વાસ્તવમાં તમારી પ્રગતિ માટે ઘણો અવરોધક છે. જેટલો સમય તમે નાહકના કામોમાં વેડફી નાખો છો તેટલો સમય તમારા ઉપયોગી અને ફાયદાકારક કામમાંથી ઓછો થઇ જાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે કેવી રીતે આવા વ્યસનમાંથી છૂટવું? કોઈ રીતે પ્રતિજ્ઞા લઈને તમે ઈચ્છો તો અમુક એપનો ઉપયોગ સદંતર બંધ જ કરી શકો. પરંતુ જો વાત સંપૂર્ણ રીતે કોઈ એપનો નિષેધ કરવાની ન હોય અને માત્ર ઉપયોગ નિયંત્રિત કરવાની હોય, સમયનો વ્યય ઘટાડવાની હોય તો પણ કેટલાક ઉપાયો છે.

સૌ પ્રથમ તો એ કરી શકાય કે ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યિલ મીડિયાના નોટિફિકેશન બંધ કરી દો. હવે જયારે મોબાઈલ સ્ક્રિનલોક હશે ત્યારે ટીન, ટીન થઈને કે ચમક ચમક થઈને તમારી સ્ક્રિન પર આવા સોશ્યિલ મીડિયાના નોટિફિકેશન સામે નહિ આવે. એટલા માટે તમારું ધ્યાન કામમાંથી હટીને મોબાઈલ પર નહિ જાય. અમુક સમય સુધી નોટિફિકેશન ન જોવાનો નિર્ણય પણ કરો જેથી હંમેશા તમારું ધ્યાન મોબાઈલમાં જ ન રહે. શરૂઆતમાં એક કલાક સુધી મોબાઈલ હાથમાં ન લેવાનો પ્રયત્ન કરો. જોકે કોલ અને અગત્યના મેસેજ મિસ ન થઇ જાય એટલા માટે તેના બંનેના નોટિફિકેશન ચાલુ રાખી શકાય કેમ કે આજકાલ બહુ અર્જન્ટ ન હોય ત્યાં સુધી લોકો મોબાઈલ પર કોલ કે મેસેજ કરતા નથી. જોકે એડ્વર્ટાઇઝના મેસેજ આવ્યા કરતા હોય તો મેસેજના નોટિફિકેશન પણ બંધ કરી શકાય.

બીજું કામ એ કરો કે જે એપની જરૂર તમારા કામ માટે ન હોય તેમને હોમ સ્ક્રિન પરથી હટાવી દો અને કોઈ બીજી કે ત્રીજી સ્ક્રીન પર રાખો. ત્યાં પણ તેમને છુટ્ટી રાખવાને બદલે કોઈ ફોલ્ડર બનાવીને એકસાથે મૂકી દો. એક રિસર્ચ દર્શાવે છે કે કોઈ એપને એક્સેસ કરવી જેટલી મુશ્કેલ તેટલી જ તેનો ઉપયોગ કરવાની તીવ્રતા ઓછી. જો શક્ય હોય તો એપ ડિલીટ કરીને વેબસાઈટ પરથી લોગીન કરવાની આદત પાડો જેથી દર વખતે લોગીન અને પાસવર્ડ નાખવા પડે તો જરૂર આવા સોશ્યિલ એડિક્શનનો ઉપયોગ ઓછો થઇ જશે.
આવા જ ઉપાયો બીજા એપ માટે પણ કરી શકાય છે. જે કંઈ પણ તમારા માટે ઉપયોગી ન હોય, ફાયદાકારક ન હોય તેમનો ઉપયોગ કરવાની સરળતા ઓછી કરતા જાઓ, ધીમે ધીમે તેના સુધી પહોંચવાની પ્રક્રિયા લાંબી કરતા જાઓ. અને હા, બેટરીનો ઉપયોગ ક્યાં થઇ રહ્યો છે તે નિયમિત રીતે જોવાનું ચુકશો નહિ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકનાં અંગત છે.)


comments powered by Disqus