જીવનના અઘરામાં અઘરા પ્રશ્નોનું સમાધાન સમાયું છે સરળતામાં

આરોહણ

- રોહિત વઢવાણા Tuesday 16th January 2024 12:45 EST
 
 

મોટા સવાલોના નાના જવાબ આપણને જીવનના અટપટા પ્રશ્નો સમજવામાં મદદરૂપ થાય છે. બ્રહ્માંડના ગૂઢ રહસ્યો કે જેને વૈજ્ઞાનિકોની અટપટી ભાષામાં રજૂ કરવામાં આવતા હોય તેમને સમજવા આપણા માટે મુશ્કેલ હોય છે પરંતુ સ્ટીફન હોકીંગે પોતાના પુસ્તકોમાં એટલી સરળ રીતે રજૂ કર્યા કે તે સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી ગયા. ભારતમાં પણ ધર્મગ્રંથો સંસ્કૃત ભાષામાં હોવાથી જનસામાન્ય માટે તેમને સમજવા મુશ્કેલ બની જતા હતા જેથી કરીને એક સામાન્ય માણસ માત્ર ધર્મગ્રંથોને લાલ કપડામાં લપેટીને મંદિરમાં પૂજવા માટે રાખવા સિવાય બીજું કશું કરી શકતો નથી. પરંતુ તુલસીદાસ મહારાજે રામચરિત માનસ વ્રજ ભાષામાં લખીને તેને લોકો સુધી પહોંચાડ્યું, લોકભોગ્ય બનાવ્યું. અલબત્ત તેનો વિરોધ તો પંડિતોએ જરૂર કર્યો, પરંતુ એવું કહેવાય છે કે સાક્ષાત ભગવાન શિવે એ ગ્રંથ પર પોતાની મહોર મારીને સ્વીકૃતિ આપી હતી.
જીવનમાં પણ આવા કેટલાય પ્રશ્નો એટલા તો અકળ, ગૂઢ હોય છે કે જેનું નિવારણ લાવવામાં લોકોને ઘણી મુશ્કેલી પડે છે પરંતુ જો તે મુશ્કેલ પ્રશ્નોને સરળ પદ્ધતિથી ઉકેલવાની કોશિશ કરીએ તો કદાચ એટલા જલ્દી હલ થઇ જાય કે આપણે વિચાર્યું પણ ન હોય. કોઈ પણ પ્રશ્ન તમે બાળકને પૂછી જુઓ. તેનો જવાબ તમને જરૂર સરળ ઉત્તર લાવી આપશે. તેઓ ગંભીર પરિસ્થિતિને પણ એટલી હળવાશથી લેશે કે જેનાથી નાહકની ચિંતા અટકી જશે. જેમ કે, એક વખત વીસેક પરિવાર એકઠા પ્રવાસે નીકળ્યા. તેમની સાથે બાળકો પણ હતા. જે બસમાં આગળ જઈ રહ્યા હતા તે કોઈ નદીકિનારે ખોટકાઈ ગઈ અને બધાને નીચે ઉતરવું પડ્યું. મુસાફરી આગળ શરૂ કરવામાં સમય લાગે તેમ હતો એટલે સૌ બસ રીપેર થવાની રાહ જોઈને બેઠા. જયારે વડીલો બધા વારેવારે ઘડિયાળમાં જોઈને પરેશાન થતા હતા ત્યાં સુધીમાં બાળકો તો નદીના તટ પર રમતે ચડ્યા. બે-ત્રણ કલાક વીતી પરંતુ બસ ચાલુ ન થઇ. લોકોની પરેશાની વધતી ગઈ કે આપણી પિકનિક બગડશે. આપણે જ્યાં જવાનું છે ત્યાં સમયસર નહિ પહોંચીએ.
એક બાળકે આવીને તેના પપ્પાને પૂછ્યું, ‘ચાલોને પપ્પા આપણે વોલીબોલ રમીએ?’ પપ્પા ટેન્શનમાં હતા. તેણે બાળકને ઠપકો આપતા કહ્યું, ‘આપણે પિકનિક માટે મોડા પડીએ છીએ અને તને અહીં વોલીબોલ રમવાની પડી છે?’ આ બસ રીપેર થાય એટલે આપણે ડેમ પર પહોંચીએ અને ત્યાં પિકનિક કરીશું. ત્યાં વોલીબોલ પણ રમીશું, બસ?’ બાળકે વળતો પ્રશ્ન પૂછ્યો, ‘પપ્પા, ડેમ એટલે શું?’ ‘ડેમ એટલે આ નદીના પાણીને રોકીને બનાવેલું સરસ જળાશય જેવું સ્થાન. તે ખુબ રમણીય હશે.’ પપ્પાએ જવાબ વાળ્યો. ‘અહીં તો નદી પણ છે અને પાણી પણ છે. સ્થાન પણ સુંદર છે. અહીં જ પિકનિક કરી લઈએ તો?’ કેટલી સરળ, પરંતુ સચોટ સમજ બાળકો દર્શાવતા હોય છે તે આવા રોજિંદા ઉદાહરણથી સાબિત થાય છે. જીવનને નાહકમાં જ ગુંચવણભર્યું બનાવવા કરતા તેણે સરળતાથી જેવું હોય તેવું સ્વીકારીએ તો ઘણી સમસ્યાઓ આપણને સમસ્યા લાગે જ નહિ. ડેમ પર પિકનિક કરો કે નદીના કિનારે, ફરક શું? પિકનિક બાળકો અને પરિવાર સાથે સમય વિતાવવા, રમત રમવા અને આનંદ-પ્રમોદ કરવા માટે તો કરતા હોઈએ છીએ. તો જ્યાં બાળકો ખુશ ત્યાં જ ખુશ થવામાં વાંધો શું? આવો સરળ અભિગમ રાખવાથી જીવવું ઘણી સરળ બની શકે છે.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus